AMUને નરેન્દ્ર મોદીએ ‘મિનિ ભારત’ ગણાવી એમાં ઝીણાની તસવીર લઈને વિવાદ કેમ થયો હતો?

ઇમેજ સ્રોત, BJP
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(AMU)ના શતાબ્દી સમારોહમાં વીડિયો લિંક દ્વારા હાજર રહ્યા હતા. તેમણે આ સમારોહમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શિક્ષણ ક્ષેત્રે પ્રદાનને વખાણવાની સાથે યુનિવર્સિટીને 'મિનિ ભારત'નું પ્રતિનિધિત્વ કરનારી સંસ્થા ગણાવી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અહીં નોંધનીય છે કે વડા પ્રધાને હાલ જે AMUની પ્રશંસા કરીને તેને 'મિનિ ભારત' ગણાવી છે, તે યુનિવર્સિટીમાં મહંમદઅલી ઝીણાની તસવીરને લઈને અમુક સમય પહેલાં વિવાદ સર્જાયો હતો. ભાજપના સાંસદ અને સમર્થકો દ્વારા યુનિવર્સિટીમાં ઝીણાની તસવીર હઠાવવાની માગ કરાઈ હતી.
વડા પ્રધાને AMUને 'મિનિ ભારત'નું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ગણાવી છે ત્યારે ફરી એક વાર એ વિવાદ યાદ કરવાનું પ્રાસંગિક બની જાય છે.

શું હતો ઝીણાની તસવીરનો વિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
'ઇકોનૉમિક ટાઇમ્સ'ના એક અહેવાલ અનુસાર ભાજપના અલીગઢ લોકસાભાક્ષેત્રના સાંસદ સતીષ ગૌતમે યુનિવર્સિટીની સ્ટુડન્ટ યુનિયનની ઑફિસમાં પાકિસ્તાનના સર્જક મહંમદઅલી ઝીણાની તસવીર શું કામ રાખવામાં આવી છે તે અંગે સ્પષ્ટતા કરવા યુનિવર્સિટીના કુલપતિ તારીક મંસૂરને પત્ર લખ્યો હતો.
આ પત્રમાં તેમણે સ્ટુડન્ટ યુનિયનની ઑફિસમાં ઝીણાની તસવીર મુકાઈ હોવાની વાતનો વિરોધ પણ કર્યો હતો.
આ બાબતે AMUના પ્રવક્તા શફી કીદવઈએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, "ઝીણાની તસવીર સ્ટુડન્ટ યુનિયનની ઑફિસની દીવાલ પર દાયકાઓથી છે. કારણ કે તેઓ યુનિવર્સિટી કોર્ટના એક સ્થાપક સભ્ય હતા અને તેમને યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનનું આજીવન સભ્યપદ અપાયેલ છે."
તેમણે સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે, "યુનિવર્સિટીની પરંપરા પ્રમાણે સ્ટુડન્ટ યુનિયનના તમામ આજીવન સભ્યોની તસવીરો સ્ટુડન્ટ યુનિયનની ઑફિસની દીવાલો પર લગાવવામાં આવે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શફી કીદવઈએ સ્ટુડન્ટ યુનિયનની દીવાલ પણ ઝીણાની તસવીર અંગે યુનિવર્સિટીનો પક્ષ રાખતાં આગળ કહ્યું હતું કે, "ઝીણાને વર્ષ 1938માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનનું આજીવન સભ્યપદ અપાયું હતું. તેઓ વર્ષ 1920માં યુનિવર્સિટી કોર્ટના એક સ્થાપક સભ્ય હોવાની સાથે એક દાતા પણ હતા."
"તેમને મુસ્લિમ લીગ દ્વારા પાકિસ્તાનની માગણી મુકાયા પહેલાંથી જ આ સભ્યપદ અપાયું હતું."
યુનિવર્સિટીના પ્રવક્તાએ યુનિવર્સિટીની સ્ટુડન્ટ યુનિયનની ઑફિસ દીવાલ પર ઝીણાની તસવીરનો ઇતિહાસ જણાવતાં કહ્યું હતું :
"મહાત્મા ગાંધી, મૌલાના આઝાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન, સી. રાજગોપાલાચાર, રાજેન્દ્ર પ્રસાદ અને જવાહરલાલ નહેરુ જેવા રાષ્ટ્રીય નેતાઓએ પણ ક્યારેય યુનિવર્સિટીની સ્ટુડન્ટ યુનિયનની ઑફિસની દીવાલ પર ઝીણાની તસવીર અંગે કોઈ વિરોધ વ્યક્ત કર્યો નથી."

સ્પષ્તા છતાં થયું હતું ઉગ્ર વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
વર્ષ 2018માં ભાજપના સાંસદ દ્વારા AMUમાં સ્ટુડન્ટ યુનિયનની ઑફિસની દીવાલ પર લાગેલ ઝીણાની તસવીર બાબતે વિરોધ વ્યક્ત કરતા બાદના દિવસોમાં સ્ટુડન્ટ યુનિયનની ઑફિસની દીવાલ પરથી આ તસવીર ઉતારી લેવા માટે વિરોધપ્રદર્શન થયું હતું.
'ધ હિંદુ ડોટ કૉમ'ના એક અહેવાલ અનુસાર ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનનું આજીવન સભ્યપદ આપવાના સમારોહ વખતે ઝીણાની તસવીર હઠાવી લેવાની માગ સાથે કેટલાક જમણેરી વિચારધારા ઘરાવતા લોકોએ યુનિવર્સિટીમાં પ્રદર્શન યોજ્યું હતું. જેને પગલે પ્રદર્શનકારીઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
આ ઘર્ષણને પગલે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીને યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનનો આજીવન સભ્યપદ આપવાનો સમારોહ પણ મોકૂફ રાખવો પડ્યો હતો.
આ ઘર્ષણમાં છ લોકોને ઈજા થઈ હતી અને ઘટનાસ્થળે હાજર પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ટિયરગૅસ સેલ છોડવા પડ્યા હતા.

ક્યાં લાગેલી છે ઝીણાની તસવીર?

AMUમાં ઇતિહાસના પ્રોફેસર મહંમદ સજ્જાદ કહે છે, "AMU સ્ટુડન્ટ યુનિયન હૉલમાં ઝીણાની તસવીર વર્ષ 1938થી લાગેલી છે, તે સમયે ઝીણાને આજીવન સભ્યપદ અપાયું હતું. આ આજીવન માનદ સભ્યપદ AMU સ્ટુડન્ટ યુનિયન આપે છે."
"પ્રથમ સભ્યપદ મહાત્મા ગાંધીને અપાયું હતું. ત્યાર પછીનાં વર્ષોમાં ડૉ. ભીમરાવ આંબેડકર, સી.વી. રમન, જયપ્રકાશ નારાયણ, મૌલાના આઝાદને આજીવન સભ્યપદ અપાયાં છે. આ પૈકી મોટા ભાગનાની તસવીરો હજુ પણ હૉલમાં લાગેલી છે."
ભારતીય મુસ્લિમોને શિક્ષિત કરવાના હેતુસર એશિયાની સૌથી પુરાણી યુનિવર્સિટીઓ પૈકી એક અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કૅમ્બ્રિજ યુનિવર્સિટીના મૉડલને અનુસરીને સર સૈયદ અહમદ ખાન દ્વારા કરાઈ હતી.
ઉત્તર પ્રદેશના અલીગઢ શહેરમાં 988 એકરમાં ફેલાયેલી 138 વર્ષ જૂની આ યુનિવર્સિટીમાં 300 કરતાં વધુ કોર્સ ચલાવવામાં આવે છે. અહીં સમગ્ર વિશ્વના કુલ 30 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












