રૂપાણી સરકારને જમીન પચાવી લેતાં તત્ત્વો સામે કાયદો લાવવાની જરૂર કેમ પડી?

ઇમેજ સ્રોત, Twitter/vijayrupani
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
કપડવંજના કિરણભાઈ પરમાર અને તેમની સાથે તેમના બીજા પરિવારજનોની 80 વીઘાં જેટલી જમીનનો મામલો હાલમાં કોર્ટમાં છે. તેમનો દાવો છે કે તેમના દાદા હરિભાઈ પરસોત્તમભાઈની માલિકીની જમીન તેમના પોતાના અને તેમના પરિવારજનોના નામે નહીં પરંતુ કોઈક ત્રીજી જ વ્યક્તિના નામે થઈ ગઈ હતી. આ જમીન હાલમાં વિવાદમાં છે.
કિરણભાઈના જ એક બીજા સંબંધીની છ વીધાં જમીન આવી જ રીતે કોઈક ત્રીજી વ્યક્તિના નામે સરકારી ચોપડે બોલી રહી છે. ભાટીભાઈ પરમારનું કહેવું છે કે તેમનો જન્મ જે જમીન પર થયો હતો, તે જમીન હાલમાં તેમના નામ પર રહી નથી અને તેમને ખબર નથી કે આ કેવી રીતે થયું.
કિરણભાઈ અને ભાટીભાઈ જેવા સમગ્ર ગુજરાતમાં અનેક કિસ્સાઓ છે, જેમની ખેતીની જમીનો પર તેઓ કે તેમના વડવાઓ ખેતી કરતા હોવા ઉપરાંત તે જમીન કોઈ બીજી જ વ્યક્તિના નામે થઈ ગઈ હોય.
ગુજરાત સરકારના લૅન્ડ ગ્રૅબિંગ પ્રોહિબિશન ઍક્ટથી આવા અનેક ખેડૂતો અને જમીનમાલિકોમાં ખુશી છે. આ નવા કાયદા પ્રમાણે કોઈ વ્યક્તિએ જો કોઈની જમીન ખોટી રીતે પચાવી પાડી હોય તો ફરિયાદી પોતાની ફરિયાદ સાત સભ્યોની એક સમિતિને કરી શકે છે. તે કેસની પ્રાથમિક તપાસ કર્યાં બાદ 20 દિવસમાં ફરિયાદ અને છ મહિનામાં કોર્ટ દ્વારા ચુકાદો આપવાની જોગવાઈ છે.

કેમ કાયદાની જરૂર પડી?

ઇમેજ સ્રોત, Getty Images
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ એક પત્રકારપરિષદ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે એવી ઘણી બાબતો ધ્યાનમાં આવી હતી, જેમાં કોઈકની જમીન અસામાજિક તત્ત્વ ખોટી રીતે પચાવી પાડે અને માટે સરકારને આ કાયદો લાવવાની જરૂર પડી છે.
જોકે 2010માં ગુજરાત સરકારે જિલ્લાદીઠ જમીનની છેતરપિંડીના કેસો માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી હતી, જેમાં જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ પોલીસ અધિક્ષક અને DDO વગેરે સભ્યો હતા.
આ SITમાં જમીનને લગતા કેસોની ફરિયાદ નોંધીને તેની તપાસ કરવામાં આવતી હતી.
બીબીસી ગુજરાતીએ આ પ્રકારના કેસોની સંખ્યા જાણવા માટે ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ માટે અમદાવાદ જિલ્લા ગ્રામ્યના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસનો પણ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની કચેરીમાંથી પણ સમિતિને મળેલી ફરિયાદો અને તે ફરિયાદોના નિકાલ કે લોકોને તેનાથી થયેલા ફાયદના કોઈ આંકડા મળી શક્યા ન હતા.
જોકે હવે જ્યારે રાજ્યમાં નવો કાયદો અમલમાં આવી ગયો છે ત્યારે આ SITને વિખેરી નાખવામાં આવી છે.
CM રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે SITની જગ્યાએ હવે આ કાયદાની મદદથી સાત સભ્યોની એક સમિતિ ફરિયાદ નોંધશે, તપાસ કરશે અને લોકોને ઝડપી ન્યાય અપાવશે.

'ફોજદારી અને દીવાની કાયદાઓમાં જોગવાઈ છતાં નવો કાયદો કેમ?'

ઇમેજ સ્રોત, BIPIN Tankaria
જોકે ઘણા લોકો માને છે કે દેશમાં જ્યારે આ અંગે IPCની વિવિધ જોગવાઈઓ હોય અને દીવાની કાયદો હોય તેવી પરિસ્થિતિમાં એક નવા કાયદાની જરૂરિયાત નહોતી.
ઘણા નિષ્ણાતો માને છે કે આ નવા કાયદાનો ખૂબ જ દુરુપયોગ થશે અને તેના કારણે ઘણા લોકોને ખોટી રીતે પરેશાન કરવામાં આવે તેવું પણ બની શકે.
ગુજરાત હાઈકોર્ટના ઍડ્વોકેટ કે. આર. કોષ્ટીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે "જો કોઈ ખોટાં કાગળો બનાવીને કોઈની જમીન પચાવી પાડે તો તેના માટે IPCની વિવિધ સેક્શન જેમ કે 467, 468 છે. કોઈની સાથે છેતરપિંડી કરે તો 420 કે પછી કોઈ કાવતરું કરે તો 120(B) જેવી કલમો કાયદામાં પહેલાંથી જ છે."
"આ કાયદામાં એવી કોઈ નવી વાત નથી કે જે અંગે પહેલાંથી કાયદામાં જોગવાઈ ન હોય."
તેમણે કહ્યું કે આ પ્રકારના કાયદો બનાવવાની જગ્યાએ જો હાલની ન્યાયિકની પ્રક્રિયા સારી, સુચારું બનાવવા પર ધ્યાન આપવામાં આવે તો ખરેખર લોકોને ફાયદો થશે.
તેમણે આગળ કહ્યું કે "વિવિધ કોર્ટોમાં પહેલાંથી જ જૂના કેસોની આટલી મોટી લાઇન છે, તેવી પરિસ્થિતિમાં આ કાયદા હેઠળ નોંધાયેલી ફરિયાદ માટે એક સ્પેશિયલ કોર્ટ સરકાર ક્યાંથી લાવશે? તે અંગે કોઈ ખુલાસો નથી."
જોકે ખેડૂતનેતા સાગર રબારીનું કહેવું છે કે "ફરિયાદ નોંધાયા બાદ જો ખેડૂતની જમીન તુરંત જ તેના નામે થઈ જાય તો જ આ કાયદો કામનો કહી શકાય, નહીંતર તો આ કાયદાની કોઈ જરૂરિયાત નથી."
તેમણે કહ્યું કે એવા અનેક ખેડૂતો છે, જેમની જમીનો ભૂમાફિયા દ્વારા ખોટી રીતે તેમના નામે કરી લેવાઈ હોય અને તે ખેડૂતોનું આખું જીવન પોતાની જમીન પાછી લેવામાં જ નીકળી ગયું હોય.
આવી પરિસ્થિતિમાં ખરેખર આવા લોકોને મદદરૂપ થઈ શકે તેવા કાયદાની જરૂર છે.

'સરકારી જમીનો પર દબાણ દૂર કરવા મદદરૂપ થશે આ કાયદો'
માત્ર ખેડૂતોની જમીનો માટે જ નહીં પરંતુ સરકારી જમીનો પર સરકારના પ્રમાણે ખોટી રીતે દબાણ કરાયું હોય તો તેમની સામે પણ કાયદાનો ઉપયોગ થશે.
મુખ્ય મંત્રી રૂપાણીએ કહ્યું હતું કે સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણ પણ આ કાયદાની મદદથી દૂર કરવામાં આવશે.
આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ ઍડ્વોકેટ આનંદ યાજ્ઞિક સાથે વાત કરી તો તેમણે કહ્યું કે "અગાઉ જોવા મળ્યું છે કે આ પ્રકારના કાયદાનો દુરુપયોગ બહુ થાય છે. સમગ્ર ગુજરાતમાં આવી અનેક વિચરતી જનજાતિના કે દલિત સમાજના લોકો છે, જેઓ આજે પણ સરકારી જમીનો પર રહે છે. આવા લોકોની સામે આ પ્રકારના કાયદાનો પ્રહાર કેટલો વાજબી છે."
તેમણે વધુમાં કહ્યું કે દલિત સમાજના 30 હજારથી વધારે લોકોની જમીનો પર જે અસામાજિક તત્ત્વોએ ખોટી રીતે કબજો કરેલો છે, એ જમીનો જો સરકાર પાછી અપાવે તો જ આવા કાયદાનો કોઈ ફાયદો છે.
જોકે માત્ર અસામાજીક તત્ત્વો જ નહીં, ઘણાં એવાં ઉદાહરણો પણ છે જેમાં ખેડૂતોનો આરોપ છે કે સરકારે તેમની જમીન ખોટી રીતે લઈ લીધી છે.
એવું પણ જોવા મળ્યું છે કે ખેડૂતોની જમીનના માલિકીના કાગળો પર સરકારશ્રી લખાઈને આવ્યું હોય.

ઇમેજ સ્રોત, Chetan Bhil
બનાસકાંઠાના ડીસામાં રહેતા ચેતન ભીલનો પરિવાર ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે અહીં આવીને વસ્યો હતો. જે-તે સમયે સરકારે તેમના પરિવારને દસ એકર જેટલી જમીન આપી હતી.
જોકે તેનાં થોડાં વર્ષો બાદ તે જમીન સરકારી ચોપડે ફરીથી સરકારના નામે બોલવા માંડી હતી. ચેતન ભીલ અને તેમના પરિવારે અનેક સ્થળોએ રજૂઆતો કરી, ગુજરાત હાઈકોર્ટના પણ દરવાજા ખખડાવ્યા પણ તેમનું કહેવું છે કે હજી સુધી તેમની પોતાની જમીન પર તેઓ રહેતા હોવા છતાં તેમની જમીનની માલિકી તેમને મળી નથી.
તેઓ કહે છે કે તેઓ આ નવા કાયદા પ્રમાણે સરકાર સામે ફરિયાદ નોંધાવવાનું વિચારી રહ્યા છે.
આ વિશે ખેડૂત નેતા ભરતસિંહ ઝાલા કહે છે કે "જો સરકાર જ ખેડૂતની જમીન લઈ લેતી હોય તો પછી ખેડૂત ક્યાં જઈને ફરિયાદ કરે. તેઓ કહે છે કે આવા અનેક કિસ્સાઓ છે જેમાં સરકારે એક કે બીજી રીતે ખેડૂતની જમીન લઈ લીધી હોય અને ખેડૂત બીચારો સરકારી કચેરીઓના ધક્કા ખાતો થઈ ગયો હોય."
"જો આ નવા કાયદા પ્રમાણે આવા ખેડૂતોની વાત સાંભળવામાં આવશે અને તેમને ન્યાય મળશે તો જ સમજવું કે આ કાયદાની જરૂરિયાત છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














