ગુજરાતમાં કોરોનાની રસીનો સર્વે કેમ થઈ રહ્યો છે અને કોને પહેલાં રસી મળશે?

    • લેેખક, રિષી બેનરજી
    • પદ, બીબીસી ગુજરાતી

કોરોના રસી વિશે હજુ કોઈ ચોક્કસ માહિતી નથી ત્યારે ગુજરાત સરકાર રસી પહેલાં કોને આપવી તે માટે સર્વે કરી રહી છે.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યમાં ડોર-ટુ-ડોર સર્વે કરીને 50 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ કે જેઓ કૅન્સર, હૃદયરોગ, કિડની જેવી ગંભીર બીમારી ધરાવતાં હોય, તેમની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.

ગુરુવારે આ સર્વેની શરૂઆત કરવામાં આવી છે અને સાત દિવસની અંદર પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. શહેરી વિસ્તારોમાં નગરપાલિકાની અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે અને ગ્રામીણ વિસ્તારોમાં જિલ્લા પંચાયતો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે.

કોરોના રસી સર્વે શું છે?

કોરોના વાઇરસની આવનારી વૅક્સિન કોને આપવી તે માટે એક સર્વે કરવામાં આવી રહ્યો છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, "ભારત સરકારે નક્કી કર્યું છે કે 50 વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિઓ જેને કોમોર્બિડિટી હોય, તેમને વૅક્સિનમાં પ્રાથમિકતા આપવામાં આવશે."

"કોમોર્બિડિટી ધરાવતાં લોકોને કોરોના વાઇરસથી સૌથી વધુ જોખમ છે અને આવા લોકોની યાદી બનાવવા માટે આ સર્વે કરવામાં આવી રહ્યો છે. જ્યારે વૅક્સિન આવશે ત્યારે અમારી પાસે માહિતી હશે કે કોને સૌથી વધુ જરૂર છે અને અમે તે લોકોને વૅક્સિન આપી શકીશું."

વોટર લિસ્ટને આધારે આ સર્વે કરવામાં આવી રહ્યો છે, જેમાં એ જોવામાં આવી રહ્યું છે કે વ્યક્તિ (50 વર્ષથી વધુ ઉંમરની) તે વિસ્તાર અને મકાનમાં રહે છે કે નહીં અને વ્યક્તિને કોઈ બીમારી છે કે નહીં.

વડોદરા શહેરના મૅડીકલ ઑફિસર ઑફ હેલ્થ દેવેશ પટેલ કહે છે કે, "સર્વેલન્સ અને હેલ્થ વકર્સ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં ડોર-ટુ-ડોર સર્વે ચાલી રહ્યો છે, જેમાં આ સર્વેને ભેળવી દેવામાં આવ્યો છે."

તેઓ જણાવે છે કે કેન્દ્ર સરકારના નેશનલ પોર્ટલમાં આ માહિતી અપલોડ કરીશું અને સરકારની ગાઇડલાઇન પ્રમાણે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરીશું.

સર્વે કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા જુદી-જુદી ટીમો બનાવવામાં આવી છે, જે લોકોની આરોગ્યની માહિતી સાથેસાથે તેમનાં ઓળખકાર્ડ નંબર, એડ્રેસ અને ફોન નંબર પણ નોંધી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં સવે માટે 4,000 ટીમો કામ કરી રહી છે અને દરેક ટીમમાં બે વ્યક્તિઓ છે. સુરત મહાનગર પાલિકાએ શહેરને 8 ઝોનમાં વહેંચી દીધું છે અને 2,300 ટીમો દ્વારા આ સર્વે કરવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરમાં 823 ટીમો દ્વારા આ સર્વે કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં 900 ટીમો આ સર્વેમાં જોડાયેલી છે.

અમદાવાદના નાયબ મ્યુનિસિપલ કમિશનર ડૉ. ઓમ પ્રકાશ કહે છે, "અમને ગુજરાત સરકાર તરફથી આ સર્વે કરવાની સૂચના મળી છે અને જે પણ માહિતી ભેગી થશે, તે અમે રાજ્ય સરકારને સુપ્રત કરીશું. હાલમાં સર્વેની કામગીરી ચાલી રહી છે અને 17 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે."

રસી કઈ રીતે મૂકવામાં આવશે?

સુરતના નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષ નાયક જણાવે છે કે એકવાર રસી આવી જાય ત્યારે સૌથી પહેલાં હેલ્થ વર્કર્સને આપવામાં આવશે, જે બાદ ફ્રન્ટલાઇન વર્કર્સ અને ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડિટી ધરાવતાં લોકોને વૅક્સિન આપવામાં આવશે.

તેઓ જણાવે છે કે અમે માત્ર અર્બન હેલ્થ સેન્ટરમાં વૅકિસન નહીં આપીએ. રસી મૂકવા માટે અમે અલગથી વૅક્સિન સાઇટ બનાવીશું. હેલ્થ વર્કર્સને અમે હેલ્થ સેન્ટરમાં રસી મૂકીશું.

રાજકોટના નાયબ આરોગ્ય અધિકારી મનીષ ચુનારા કહે છે કે, "શહેરમાં 700થી વધુ રસીકરણ કેન્દ્રો છે, જેમાં રસી મૂકવામાં આવશે. યાદી પ્રમાણે લોકોને બોલાવીશું અને રસી મૂકીશું, જેથી રસીકરણ કાર્યક્રમનું સારી રીતે સંચાલન કરી શકાય."

દેવેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારની ગાઇડલાઇન પ્રમાણે રસીકરણ કરવામાં આવશે. રસીકરણ શરૂ થશે ત્યારે યાદીમાં જે નામો હશે તેમને ફોન કરીને તારીખ જણાવવામાં આવશે, જેથી બધા નિયમોનું પાલન કરીને રસીકરણ કરી શકાય.

આ સર્વે કેમ જરૂરી છે?

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ'ના નિદેશક ડૉ. દિલીપ માવળંકરના કહે છે કે, "2-4 અઠવાડિયામાં વૅક્સિન આવી જાય તેવી શક્યતા છે. જ્યારે વૅક્સિન આવશે ત્યારે કોને-કોને આપવી તે નક્કી કરવા માટે આ સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વે દ્વારા માહિતી મળી શકે છે કે કેટલા લોકો વૅક્સિન આપવા માટે યોગ્ય છે."

"દાખલા તરીકે 5 લાખ ડોઝ ગુજરાતને ઍલોટ થાય તો પહેલા હેલ્થ વર્કર્સને રસી આપ્યા બાદ જે વૅક્સિન રહે તે આપવા માટે નામ, ફોન નંબર અને એડ્રેસ સહિતની યાદી હોય તો ડોઝ આપવામાં સરળતા રહે. જો યાદી ન હોય તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવી પરિસ્થિતિને ટાળવા માટે કદાચ સરકારે આ નિર્ણય લીધો હોઈ શકે."

તેઓ જણાવે છે કે છેલ્લી વસતિ ગણતરી 10 વર્ષ પહેલાં થઈ હતી અને હાલમાં 50 વર્ષથી વધુ લોકોની સંખ્યા વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. સર્વે દ્વારા આ માહિતી મળી શકે છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં અંદાજીત 3 થી 4 લાખની વચ્ચે હેલ્થ વર્કરો છે.

ઇન્ડિન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરમાં અસોસિએટ પ્રોફેસર, ડૉ. અનીશ સિન્હા આ સર્વેને બહુ અગત્યનો ગણાવે છે. તેઓ જણાવે છે કે સર્વેથી જે ડેટા બહાર આવશે તેના દ્વારા ખબર પડશે કે ગુજરાતને કેટલા ડોઝની જરૂર છે. આ ડેટા પ્રમાણે સરકાર રસીકરણ કાર્યક્રમનું આયોજન સારી રીતે કરી શકે છે.

કોરોના વાઇરસની રસી કયા તબક્કામાં છે?

ભારતમાં 30 સંસ્થાઓ કોરોના રસી પર કામ કરી રહી છે, જેમાં પાંચ ક્લિનિકલ ટ્રાયલમાં છે. આમાં ઑક્સફર્ડ- ઍસ્ટ્રા ઝેનેકાની રસી પણ સામેલ છે જેનું પરિક્ષણ સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને સ્વદેશી રસી જે ભારત બાયો-ટૅક દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે.

ડૉ. અનીશ સિન્હા કહે છે કે, "મોડર્ના, ફાઇઝર અને ઑક્સફર્ડ- ઍસ્ટ્રા ઝેનેકાની રસીના ત્રીજા ક્લિનિકલ ટ્રાયલના બહું સારાં પરિણામો આવ્યાં છે. ઝાયડસ કૅડિલા અને ભારત બાયોટૅક દ્વારા જે રસી બનાવવામાં આવી રહી છે, તેનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ઑક્સફર્ડ- ઍસ્ટ્રા ઝેનેકાની કોરોનાની રસીનું ઉત્પાદન ભારતમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. સીરમના ફેઝ-3નાં પરિણામો આવી ગયાં છે, જે ઘણાં સારાં છે."

અમેરિકન કંપની મોડર્નાની રસીના ટ્રાયલના શરૂઆતના પરિણામ પછી દાવો કરવામાં આવ્યો હતો કે આ રસી મહામારીની વિરુદ્ધ સુરક્ષા આપવામાં 95 ટકા સુધી સફળ છે. બીજી દવા કંપની ફાઇઝરે પોતાની રસી 90 ટકા સુધી અસરકારક હોવાનો દાવો કર્યો છે. ઑક્સફર્ડની રસીનાં પરીક્ષણ પછી આશરે 70 ટકા જેટલી સરકારક હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સિન્હા જણાવે છે કે, "ઑક્સફર્ડ -ઍસ્ટ્રા ઝેનેકાની રસી ભારત માટે સારી છે કારણ કે તેને 2-8 ડિગ્રી તાપમાનમાં સ્ટોર કરી શકાય છે. હજુ સુધી આ રસીનું ઉત્પાદન કરવા માટેની પરવાનગી આપવામાં આવી નથી. પરંતુ જો સરકાર પરવાનગી આપે તો કંપનીએ 10 કરોડ ડોઝ જાન્યુઆરી સુધી આપવાની વાત કરી છે, જે સારી વાત છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો