કોરોના વાઇરસ: 'અમારી ભૂલ કે સિવિલમાં લાવ્યાં', કોરોના વૉર્ડમાં મૃત્યુ પામનાર સામાન્ય દર્દીના પરિવારજનો

ઇંદિરાબહેન પટેલ

ઇમેજ સ્રોત, Sanjay Patel

ઇમેજ કૅપ્શન, ઇંદિરાબહેન પટેલ
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

75 વર્ષના ઇંદિરાબહેન પટેલના મૃત્યુ બાદ તેમના પરિવારમાં શોક છે.

પરિવારજનોનો આરોપ છે કે ઇંદિરાબહેનને કોવિડ-19 ન હોવા છતાં તેમને કોરોનાના વૉર્ડમાં 9 દિવસ સુધી રાખવામાં આવ્યાં હતાં અને અંતે તે જ વૉર્ડમાં તેમનું મૃત્યુ થયું હતું.

સિવિલ હૉસ્પિટલના પ્રાંગણમાં ચાલતી 1200 બેડની કોવિડ હૉસ્પિટલની આ સતત બીજી ફરજમાં બેદરકારીની ફરિયાદ દર્દીનાં સગાંએ કરી છે.

અગાઉ રાજકુમાર શુક્લા નામની એક વ્યક્તિનું કોવિડ-19ના કારણે મૃત્યુ થયા બાદ તેમનાં સગાંએ પણ હૉસ્પિટલે બેદરકારી દાખવી હોવાના આરોપ મૂક્યા હતા.

ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ કોવિડ-19ના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને ફરીથી હૉસ્પિટલમાં લોકોની કોવિડની સારવાર માટે ધસારો જોવા મળી રહ્યો છે.

શુક્રવાર સુધીમાં ગુજરાતમાં કોરોના વાઇરસના 14,970 ઍક્ટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 3141 કેસ માત્ર અમદાવાદ શહેરના જ હતા છે. જ્યારે સુરતમાં 1827 અને રાજકોટમાં 1526 ઍક્ટિવ કેસ છે.

line

'અમારી ભૂલ થઈ કે સિવિલમાં દર્દીને લાવ્યાં'

ઇંદિરાબહેન પટેલ

ઇમેજ સ્રોત, Sanjay patel

ઇમેજ કૅપ્શન, આરટી-પીસીઆર પરીક્ષણ દરમિયાન ઇન્દિરાબહેન પટેલનો કોરોના ટેસ્ટ નૅગેટિવ આવ્યો હતો

ઇંદિરાબહેનના કેસની વાત કરવામાં આવે તો તેમને છાતીમાં દુખાવો થતાં યુ.એન. મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં લાવવામાં આવ્યાં હતાં.

ત્યારબાદ તેમને શ્વાસ લેવામાં થતી તકલીફ જોઈને કોવિડ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

જોકે બીજા દિવસે કોવિડનો રિપોર્ટ નૅગેટિવ આવ્યા બાદ પણ તેમને કોવિડ હૉસ્પિટલથી બીજે ખસેડવામાં આવ્યાં નહોતાં અને નવ દિવસની સારવાર બાદ તેમનું મૃત્યું થયું હતું.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમના પરિવારજન સંજય પટેલ કહે છે કે "અમારી ભૂલ થઈ કે અમે તેમને સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં."

"અમે વારે ઘડીએ ડૉક્ટરો તેમજ બીજા સ્ટાફને જાણ કરી હતી કે તેમનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે, તો તમે તેમને નૉન-કોવિડ વૉર્ડમાં શિફ્ટ કરો, પરંતુ કોઈએ અમારી વાત સાંભળી નહોતી."

"હું માનું છું કે ઇંદિરાબહેનનું મૃત્યુ સરકારી હૉસ્પિટલના અમાનવીય વલણ તેમજ તેમની ઘોર બેદરકારીને કારણે થયું છે."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

સંજય પટેલના જણાવ્યા અનુસાર ઇંદિરાબહેનને તાવ હોવાને કારણે સિવિલ હૉસ્પિટલ લઈ જતા પહેલાં જ ઍન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નૅગેટિવ આવ્યો હતો.

પરંતુ તેમને છાતીમાં દુખાવાને કારણે યુ.એન. મહેતામાં લઈ જવામાં આવ્યાં હતાં.

"હું માનું છું કે જો અમે તેમને સિવિલમાં ન લઈ ગયા હોત, તો ઇંદિરાબહેન હાલમાં જીવતા હોત."

સંજય પટેલનું કહેવું છે કે ઇંદિરાબહેન પોતાની સામે કોરોનાના ચેપગ્રસ્ત કેટલાય દર્દીઓની બગડતી હાલત જોઈ રહ્યાં હતાં અને આ બધું જોઈને તેમને આઘાત લાગ્યો અને તેમાં જ તેમનું મૃત્યુ થયું.

line

સિવિલ હૉસ્પિટલ બેદરકારીનો આરોપ

અમદાવાદ સિવિલ હૉસ્પિટલ

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇંદિરાબહેનનું મૃત્યુ 30 નવેમ્બરે થયું હતું. તેમના મૃત્યુ અંગે જ્યારે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી તો તેમણે કહ્યું કે સિવિલ સ્ટાફ પર લગાવેલા આરોપો એકદમ પાયાવિહોણા છે.

"ઇંદિરાબહેનની તબિયત ખરાબ હતી અને તેમની ઓક્સિજન રિક્વારમૅન્ટ સતત વધી રહી હતી. આવી હાલતમાં તેમને બીજે શિફ્ટ કરવામાં તેમના જીવ પર જોખમ વધી શક્યું હોત માટે તેમને બીજી જગ્યાએ શિફ્ટ કર્યાં નહોતાં."

કોવિડ-19ની સારવાર આપતી સિવિલ હૉસ્પિટલની 1200 બેડની હૉસ્પિટલ પર આ પહેલી વાર બેદરકારીનો આરોપ નથી લાગ્યો.

થોડા દિવસો પહેલાં રામકુમાર શુક્લા (65)નું કોવિડ-19ની 1200 બેડની હૉસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું હતું.

તેમના પરિવારજનોનો આરોપ છે કે તેમને યોગ્ય સારવાર તેમજ દેખરેખના અભાવથી તેમનું મૃત્યુ થયું છે. તેમને દાખલ કર્યાના બીજા જ દિવસે તેમનું મૃત્યુ થયું હતું.

આ વિશે વાત કરતા તેમના પરિવારજન અમિત ચતુર્વેદીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે તેમના માસા (રામકુમાર શુક્લા)ને જ્યારે હૉસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે તેમનું ઓક્સિજન લેવલ સામાન્ય હતું, પરંતુ હૉસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળવાને કારણે તેમની તબિયત લથડતી ગઈ અને દાખલ કર્યાના અમુક જ કલાકોમાં તેમનું મૃત્યું થયું.

વીડિયો કૅપ્શન, એ મહિલાઓ જેમને કોરોનાકાળમાં કામ કરવાની ફરજ પડી

ચતુર્વેદીએ સિવિલ હૉસ્પિટલના સ્ટાફ પર બેદરકારીનો આરોપ લગાવતા કહ્યું, "એક મિત્ર મારફતે જ્યારે તેમણે વીડિયો-કૉલ દ્વારા જોયું તો 29મી તારીખે સવારે જાણવા મળ્યું કે તેમના સગા મરી ચૂક્યા છે અને તેમનો ઓક્સિજન માસ્ક બહાર પડી ગયો છે."

"તે સમયે અમને ખબર જ ન પડી કે અમે શું કરીએ અને અમે માત્ર ફોન પર રાડો પાડીને ડૉક્ટરોને બોલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા."

"આ વીડિયો-કૉલ હૉસ્પિટલમાં કામ કરતા એક મિત્રના ફોનથી શક્ય બન્યો હતો, જેના કારણ અમને ખબર પડી કે ખરેખર તેમની હાલત કેવી છે. જોકે સિવિલ હૉસ્પિટલના કંટ્રોલ રૂમથી જ અમને એક જ જવાબ મળી રહ્યો હતો કે અમારા સગા સ્ટેબલ છે."

રાજકુમાર શુક્લાના પરિવારમાં તેમનાં પત્ની, બે દીકરા અને બે દીકરી છે.

તેમના એક દીકરા વિશાલ શુક્લા (37)એ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે તેમના પિતાના હાથપગ દુખતા હોવાથી તેઓ તેમને એલ.જી. હૉસ્પિટલમાં લઈ ગયા હતા.

ત્યાંથી તેમને કહેવામાં આવ્યું હતું કે તેમને કોરોના વાઇરસનો ચેપ લાગી શક્યો હોઈ શકે છે અને તેમને કોવિડ 1200 હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રથમ તેમનું ઓક્સિજન લેવલ ચકાસવામાં આવ્યું હતું, જે તેમના પરિવારજનો પ્રમાણે સામાન્ય હતું.

29 નવેમ્બરના રોજ મૃત્યુ પામનાર રાજકુમાર શુક્લાના મૃત્યુ વિશે બીબીસી ગુજરાતીએ કોવિડ-19ના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી સાથે વાત કરી.

તેમણે કહ્યું કે સ્ટાફ પર બેદરકારીના આરોપ ખોટા છે અને દર્દી લાવવામાં આવ્યા ત્યારે તેમની તબિયત સારી નહોતી, તેઓ 'ક્રિટિકલ પેશન્ટ' તરીકે જ લાવવામાં આવ્યા હતા.

"તમામ સ્ટાફે તેમના માટે મહેનત કરી હતી. જોકે તેમને ઓક્સિજનની ખૂબ જ વધારે જરૂરિયાત હતી અને તે પ્રમાણે જ તેમને ઓક્સિજન આપ્યું હતું, પરંતુ તેમની હાલત પહેલાથી જ ગંભીર હોવાથી તેમને બચાવી ન શકાયા."

તેમણે એ પણ કહ્યું કે 'કોવિડ-19 હૉસ્પિટલ'માં આવતા ઘણા દર્દીઓ ખૂબ જ મોડા, એટલે કે તેમની તબિયત ખૂબ ખરાબ થઈ જાય છે ત્યારે આવે છે.

line

દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. મોદી કહે છે કે 15 કલાક મોડું પણ ખૂબ મોડું કહેવાય છે. જો દર્દીનું ઓક્સિજન લેવલ ઘટે કે તરત જ આવી જાય તો દર્દીની બચવાની ઘણી શક્યતા રહેલી હોય છે, કારણ કે કોવિડ-19માં એક વખત હાલત ખરાબ થાય તો પછી તેને રીકવર થવામાં સમય લાગી જાય છે.

નવેમ્બર મહિનાથી દિવાળીના તહેવાર પછી ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો જોવા મળ્યો છે.

8 ઑક્ટોબરે રાજ્યમાં કુલ 16465 કેસ હતા, તે કેસ ઘટીને 6 નવેમ્બરે 12,000ની આસપાસ જતા રહ્યા હતા.

પરંતુ 14મી નવેમ્બર બાદ આ કેસમાં નોંધપાત્ર વધારો થયો હતો અને 30 નવેમ્બરના રોજ કેસની સંખ્યા 14,800ની આસપાસ પહોંચી ચૂકી હતી.

ગુજરાત સરકારના આંકડા પ્રમાણે ગુજરાતમાં હાલમાં 14,678 ઍક્ટિવ કેસ છે.

અત્યાર સુધીમાં 78 લાખથી વધુ લોકોના ટેસ્ટ થઈ ચૂક્યા છે, જેમાંથી 1.90 લાખ જેટલા લોકો સાજા થઈ ગયા છે અને 5 લાખની આસપાસ લોકો હાલમાં ક્વૉરેન્ટીન છે, જ્યારે 3986 જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો