રાજકોટ ઉદય શિવાનંદ હૉસ્પિટલ આગ : ‘મને નથી ખબર મારા પિતા ક્યાં છે’

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં ગુરુવાર અને શુક્રવાર વચ્ચેની મોડી રાત્રે આગ લાગી હતી.

બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયાના જણાવ્યા પ્રમાણે તંત્ર દ્વારા આ ઘટનામાં પાંચ લોકોનાં મૃત્યુ થયાંની સત્તાવાર માહિતી આપવામાં આવી છે.

તેઓ જણાવે છે કે ફાયર વિભાગના અધિકારીઓ પ્રમાણે અંદાજે 12.20 વાગ્યે કૉલ આવ્યો હતો. હૉસ્પિટલથી 500 મીટરના અંતરે જ મહુડી ફાયરસ્ટેશન આવેલું છે, જેથી તાત્કાલિક 6 ફાયર ફાઇટર અને 10 ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.

રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં 33 લોકો સારવાર હેઠળ હતા. જે પૈકી 11 લોકો આગ લાગી એ વૉર્ડમાં સારવાર હેઠળ હતા.

દર્દીના એક પરિવારજને મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું, "હૉસ્પિટલ દ્વારા અમને આગ લાગ્યાની જાણ નથી કરાઈ અને મને એ પણ નતી ખબર કે મારા પિતા અત્યારે ક્યાં છે."

"મને ખબર પડી એટલે હું શોધવા આવ્યો છું."

ગુજરાતની હૉસ્પિટલોમાં આગનો ઘટનાક્રમ

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ કોવિડ હૉસ્પિટલ્સમાં આગની ઘટનાઓ ગુજરાતમાં બની છે.

એક અઠવાડિયા પહેલાં સુરતની ટ્રાઈસ્ટાર હૉસ્પિટલમાં પણ આગ લાગી હતી. જ્યારે વડોદરામાં આઠમી સપ્ટેમ્બરે કોવિડ વૉર્ડમાં આગ લાગી હતી.

એ અગાઉ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં વહેલી સવારે આઈ.સી.યુ.માં આગ લાગી હતી, જેમાં પાંચ પુરુષ તથા ત્રણ મહિલા સહિત આઠ દર્દીનાં મૃત્યુ થયાં હતાં.

આ ખાનગી હૉસ્પિટલમાં તેઓ કોવિડ-19ની સારવાર લેવા માટે દાખલ થયા હતા. સારવાર લઈ રહેલા 40 જેટલા અન્ય દર્દીને સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

12મી ઑગસ્ટે છોટા ઉદેપુરની બોડેલી ધોકલિયા હૉસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં આગ લાગી હતી. જેમાં કોઈ દર્દીને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.

દર્દીને પહેલાં હૉસ્પિટલના અન્ય ભાગમાં તથા બાદમાં અન્ય હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. સ્વીચબોર્ડમાં શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

તા. 25મી ઑગસ્ટે વહેલી સવારે જામનગરની સૌથી મોટી સરકારી હૉસ્પિટલ ગુરુ ગોવિંદસિંઘ હૉસ્પિટલના આઈ.સી.યુ. (ઇન્ટૅન્સિવ કૅર યુનિટ)માં આગ ફાટી નીકળી હતી.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી તથા દર્દીઓને અન્ય ઇમારતમાં ખસેડવામાં આવ્યા હતા. આઈ.સી.યુ.માં કોવિડ-19 સિવાયની બીમારીઓથી પીડાતા દરદી દાખલ હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો