You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અહમદ પટેલનું નિધન : કૉંગ્રેસના દિગ્ગજ નેતાની વિદાય
કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલનું અવસાન થયું છે.
તેમના દીકરા ફૈસલ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી.
ફૈસલ પટેલે તેમના ટ્વીટમાં લખ્યું છે કે અહમદ પટેલનું નિધન મોડી રાત્રે 3.30 વાગ્યે થયું છે.
તેમણે લખ્યું છે કે એકાદ મહિના પહેલાં કોવિડ-19થી સંક્રમિત થયા બાદ મલ્ટિપલ ઑર્ગન ફૅલરના કારણે તેમની તબિયત સતત લથડી રહી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું કે "પોતાના ચપળ મગજને કારણે જાણીતા પટેલેની કૉંગ્રેસને મજબૂત બનાવવામાં રહેલી મહત્ત્વની ભૂમિકાને યાદ રાખી શકાશે"
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, "આ એક દુખદ દિવસ છે. અહમદ પટેલ પાર્ટીના એક સ્તંભ હતા, તે હંમેશાં કૉંગ્રેસ માટે જીવ્યા અને સૌથી ખરાબ સમયમાં પાર્ટીની સાથે ઊભા રહ્યા. અમે તેમની ખોટનો અહેસાસ થશે. ફૈસલ, મુમતાઝ અને તેમના પરિવારને મારો પ્રેમ અને સંવેદના"
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી દિગ્વિજય સિંહે ટ્વિટર પર લખ્યું કે એ અભિન્ન મિત્ર અને વિશ્વસનીય સાથી જતા રહ્યા.
તેમણે લખ્યું, "અહમદ પટેલ નથી રહ્યા. એક અભિન્ન મિત્ર વિશ્વસનીય સાથી જતો રહ્યો. અમે બંને 1977થી સાથે રહ્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તે લોકસભામાં પહોંચ્યા હું વિધાનસભામાં. અમારા જેવા કૉંગ્રેસીઓ માટે તે દરેક રાજકીય દુખાવાની દવા હતા. મૃદુભાષી, વ્યવહારુ કુશળ અને હંમેશાં હસતાં રહેવું તેમની ઓળખ હતી. "
"કોઈ પણ કેટલો પણ ગુસ્સો કરી લે તેમનામાં એ ક્ષમતા હતી કે તેને સંતુષ્ટ કરીને પરત મોકલે. મીડિયાથી દૂર, પરંતુ કૉંગ્રેસના તમામ નિર્ણયમાં સામેલ. "
"કોઈ કડવી વાત પણ ખૂબ જ સારા શબ્દોમાં કહેવાનું તેમનાથી શીખી શકાતું હતું. કૉંગ્રેસ પાર્ટી તેમનું યોગદાન ક્યારેય નહીં ભૂલાવી શકે. અહમદભાઈ અમર રહે."
90ના દાયકાના પ્રારંભમાં સક્રિય
અહમદ પટેલને 1985માં રાજીવ ગાંધી પછીના તમામ કૉંગ્રેસી નેતાઓ સાથે ગાઢ સંબંધ રહ્યો છે.
એ વખતે અહમદ પટેલની નિમણૂક યુવાન વડા પ્રધાનના સંસદીય સચિવ તરીકે કરવામાં આવી હતી.
એ દૌરમાં રાજીવ ગાંધી વડા પ્રધાનની ઑફિસમાંના અમલદારશાહીના દબદબાને તોડવા ઇચ્છતા હતા, પણ અરુણ સિંહ, ઓસ્કર ફર્નાન્ડિઝ તથા અહમદ પટેલની ત્રિપુટીનો પ્રયોગ ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો.
તેનું કારણ એ હતું કે શક્તિશાળી આઈએએસ (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસિઝ) લોબી સામે ટક્કર લઈ શકે તેવો કોઈ વહીવટી અનુભવ કે રાજકીય કુશળતા ત્રણેય નેતાઓ ધરાવતા ન હતા.
1991માં રાજીવ ગાંધીના નિધન પછી અહમદ પટેલ કોંગ્રેસ પક્ષમાં મોટા રાજકીય ખેલાડી બની રહ્યા છે.
રાજીવ ગાંધીના રાજકીય ઉત્તરાધિકારી પી. વી. નરસિમ્હા રાવે અહમદ પટેલનો ઉપયોગ તેમની અને 10, જનપથ (સોનિયા ગાંધીનું નિવાસસ્થાન) વચ્ચેના એક પૂલ તરીકે કરવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, એ પ્રક્રિયામાં અહમદ પટેલ સોનિયા ગાંધીના વિશ્વાસપાત્ર વ્યક્તિ બની ગયા હતા.
નરસિમ્હા રાવ પછી સીતારામ કેસરી કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા, ત્યારે અહમદ પટેલને એઆઈસીસીના ખજાનચી બનાવવામાં આવ્યા હતા.
કૉંગ્રેસના વ્યૂહરચનાકાર ગુજરાતમાં નિષ્ફળ
બીબીસી સંવાદદાતા રજનીશ કુમાર વર્ષ 2017ના તેમના અહેવાલમાં લખે છે:
એક વાત સામાન્ય રીતે ઘણાં વર્તુળોમાં ચર્ચાય છે કે વર્ષ 2002માં ગુજરાતમાં કોમી રમખાણો થયાં ત્યારે અહમદ પટેલે તેનો ખુલ્લીને વિરોધ કરવાની જરૂર હતી. તેઓ આ મુદ્દે ખૂલીને સામે નહોતા આવ્યા.
ભરૂચના વરિષ્ઠ પત્રકાર હરીશ જોશી કહે છે, "જ્યારે તમે કોઈ નોંધપાત્ર સ્તરે પહોંચી જાવ છો ત્યારે તમે કોઈ ચોક્કસ કોમ સાથેની તમારી ઓળખ સાથે રહેવા નથી માગતા."
"જોકે તેમણે રમખાણોની ખૂબ નિંદા કરી હતી અને નિવેદન પણ આપ્યું હતું."
હરીશ જોશી કહે છે કે અહમદ પટેલના કિસ્સામાં તેમની વ્યક્તિગત પ્રતિબદ્ધતા વધુ મહત્ત્વની છે.
જોશી કહે છે, "અહમદ પટેલની ઓળખ ભલે કૉંગ્રેસના સારા વ્યૂહરચનાકાર તરીકેની હોય, પરંતુ ગુજરાતમાં તેમની વ્યૂહરચના ગુજરાતમાં નિષ્ફળ નીવડી છે."
"જો તેઓ તેમની વ્યૂહરચનાને ધ્યાનથી જુએ તો સમજાશે કે તેમની રણનીતિનો ગુજરાતને કોઈ ફાયદો નથી થયો."
"જો તમે વર્ષ 2002 પછીની ગુજરાતની પરિસ્થિતિનો અભ્યાસ કરશો તો જાણવા મળશે કે ભાજપે કેવી રીતે સંગઠનાત્મક વ્યૂહરચના હેઠળ કામગીરી કરી.
"જ્યારે અહમદ પટેલ આ વ્યૂહરચના સામેની રણનીતિ ઘડવામાં નિષ્ફળ રહ્યા હતા."
ભાજપે અહમદ પટેલના રાજ્યસભા પ્રવેશમાં ખલેલ પહોંચાડવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે પરિસ્થિતિમાં અહમદ પટેલની રણનીતિ ભાજપના ઇરાદાઓ પર ભારે પડી હતી.
હરીશ જોશી કહે છે, "અહીં ભાજપને અહમદ પટેલ સાથે કોઈ અંગત સમસ્યા નથી, પરંતુ કોંગ્રેસને ઉથલાવવાની વ્યૂહરચનાના ભાગરૂપે આ એક મોટો રાજકીય જુગાર હતો."
વરિષ્ઠ પત્રકાર દર્શન દેસાઈ કહે છે, "અહમદ પટેલ પડદા પાછળ રહી રણનીતિ ઘડવામાં માહેર છે અને તેવા નેતાની દરેક પક્ષને જરૂર હોય છે."
"અહમદ પટેલ યુ.પી.એ-1 અને યુ.પી.એ-2ની સરકાર દરમિયાન મુખ્ય યોગદાન આપનારા નેતાઓ પૈકીના એક છે.
"જ્યારે સી.પી.એમ.એ પહેલી યુપીએ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચ્યું, ત્યારે સરકારને બચાવવામાં સૌથી મોટી ભૂમિકા અહમદ પટેલે ભજવી હતી."
વર્ષ 1986માં અહમદ પટેલની ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
વર્ષ 1988માં તેઓ ગાંધી-નહેરુ પરિવાર દ્વારા સંચાલિત 'જવાહરભવન ટ્રસ્ટ'ના સચિવ બન્યા. આ ટ્રસ્ટ સામાજિક કાર્યક્રમો માટે ભંડોળ પૂરું પાડે છે.
તેઓ રાજીવ ગાંધીના જેટલા વિશ્વાસુ હતા તેટલા જ સોનિયા ગાંધીનાં વિશ્વાસુ રહ્યા.
21 ઑગસ્ટ 1949ના રોજ તેમનો જન્મ પીરામણના મોહમ્મદ ઇશાક પટેલ અને હવાબહેન પટેલનાં પુત્ર તરીકે થયો હતો.
અહમદ પટેલ સાથે વિટંબણા એ હતા કે તેઓ કૉગ્રેસે ગુજરાતમાં ગુમાવેલું પ્રભુત્વ પાછું નહોતા અપાવી શકતા. તેમના સ્થાનિક વિસ્તાર ભરૂચમાં પણ કૉંગ્રેસ લોકસભાની ચૂંટણીઓ હારી ચૂકી છે.
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીઓમાં, કૉંગ્રેસ ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો પૈકી કોઈ પણ બેઠક નહોતી જીતી શકી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો