દૃષ્ટિકોણ : અહમદ પટેલ, મોતીલાલ વોરા જેવા નેતાઓનો ચક્રવ્યૂહ કેવી રીતે ભેદશે રાહુલ ગાંધી?

    • લેેખક, રશીદ કિદવઈ
    • પદ, રાજકીય વિશ્લેષક

જવાહરલાલ નેહરુને પ્રિય સૂત્રોમાંનું એક સૂત્ર હતું: સાતત્ય સાથે પરિવર્તન. રાહુલ ગાંધીની કોંગ્રેસમાં તેનો અર્થ 'નિરંતરતાની સાથે નિરંતરતા અને એ પણ કોઈ પરિવર્તન વિના.'

દિલ્હીમાં 24, અકબર રોડ પરના કોંગ્રેસના વડામથકમાં તાજેતરમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે, તેમાં સોનિયા ગાંધીના વફાદારોને જ મહત્ત્વનાં પદો આપવામાં આવ્યાં છે.

અહમદ પટેલને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ(એઆઈસીસી)ના ખજાનચી અને 90 વર્ષની નજીકની વયે પહોંચી ગયેલા મોતીલાલ વોરાને એઆઈસીસીના વહીવટી બાબતોના મહાસચિવ બનાવવામાં આવ્યા છે તેનું બીજું કોઈ કારણ નથી.

આ બન્ને પદ કોંગ્રેસના સંગઠનમાં અત્યંત મહત્ત્વનાં છે. પરંપરા એવી રહી છે કે એઆઈસીસી સચિવાલયમાં ગાંધી પરિવાર (સોનિયા, રાહુલ, પ્રિયંકા) પછી સૌથી વરિષ્ઠ વ્યક્તિ જ ખજાનચીનું પદ સંભાળતી હતી.

અહમદ પટેલનો ઉદય

અહમદ પટેલને 1985માં રાજીવ ગાંધી પછીના તમામ કોંગ્રેસી નેતાઓ સાથે ગાઢ સંબંધ રહ્યો છે. એ વખતે અહમદ પટેલની નિમણૂક યુવાન વડા પ્રધાનના સંસદીય સચિવ તરીકે કરવામાં આવી હતી.

એ દૌરમાં રાજીવ ગાંધી વડા પ્રધાનની ઓફિસમાંના અમલદારશાહીના દબદબાને તોડવા ઇચ્છતા હતા, પણ અરુણ સિંહ, ઓસ્કર ફર્નાન્ડિઝ તથા અહમદ પટેલની ત્રિપુટીનો પ્રયોગ ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો.

તેનું કારણ એ હતું કે શક્તિશાળી આઈએએસ (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસિઝ) લોબી સામે ટક્કર લઈ શકે તેવો કોઈ વહીવટી અનુભવ કે રાજકીય કુશળતા ત્રણેય નેતાઓ ધરાવતા ન હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

1991માં રાજીવ ગાંધીના નિધન પછી અહમદ પટેલ કોંગ્રેસ પક્ષમાં મોટા રાજકીય ખેલાડી બની રહ્યા છે.

રાજીવ ગાંધીના રાજકીય ઉત્તરાધિકારી પી. વી. નરસિમ્હા રાવે અહમદ પટેલનો ઉપયોગ તેમની અને 10, જનપથ (સોનિયા ગાંધીનું નિવાસસ્થાન) વચ્ચેના એક પૂલ તરીકે કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, એ પ્રક્રિયામાં અહમદ પટેલ સોનિયા ગાંધીના વિશ્વાસપાત્ર વ્યક્તિ બની ગયા હતા.

નરસિમ્હા રાવ પછી સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા, ત્યારે અહમદ પટેલને એઆઈસીસીના ખજાનચી બનાવવામાં આવ્યા હતા.

"ત્રણ મિયાં, એક મીરા"

કોંગ્રેસના ભૂતપૂર્વ વરિષ્ઠ નેતા શરદ પવાર એઆઈસીસીની સંગઠનાત્મક ચૂંટણીમાં સીતારામ કેસરીને પડકારવા ઇચ્છતા હતા.

સીતારામ કેસરીની નજીકની વ્યક્તિઓ (અહમદ પટેલ, ગુલામ નબી આઝાદ, તારિક અનવર અને મીરા કુમાર)ને વર્ણવતાં શરદ પવાર "ત્રણ મિયાં, એક મીરા" એવું કહેતા હતા.

એ 1997નો દૌર હતો અને આજે 21 વર્ષ બાદ ભારતના આ જૂના રાજકીય પક્ષ પર ફરીથી બે મિયાં (અહમદ પટેલ અને ગુલામ નબી આઝાદ) મહત્ત્વનાં બે પદ પર બેસી ગયા છે.

સરેરાશ વય 69 વર્ષ

ગુલામ નબી આઝાદ એઆઈસીસીના મહાસચિવ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા છે, જ્યારે અહમદ પટેલ ખજાનચી અને મીરા કુમાર અગાઉની માફક ફરી એકવાર કોંગ્રેસ કારોબારીમાં કાયમી આમંત્રિત સભ્ય તરીકે પાછા ફર્યાં છે.

69 વર્ષના અહમદ પટેલ અને 89 વર્ષના મોતીલાલ વોરા કોંગ્રેસમાં પેઢીગત પરિવર્તન લાવવાના તમામ તર્કને વાસ્તવમાં દૂર હડસેલી રહ્યા છે.

અનેક કોંગ્રેસી નેતાઓ એવું વિચારતા હતા કે મોતીલાલ વોરાને વિદાય આપવામાં આવશે અને એમના સ્થાને કનિષ્ક સિંહ, મિલિંદ દેવરા કે નવી પેઢીના કોઈ નેતાને બેસાડવામાં આવશે.

કોંગ્રેસની 23 સભ્યોની નવરચિત કારોબારી સમિતિમાં સામેલ લોકોને સરેરાશ વય 69 વર્ષ છે. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગે 75 પાર કરી ચૂક્યા છે.

બીજેપીની યંગ બ્રિગેડ

બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના પદાધિકારીઓમાં ભાગ્યે જ કોઈની વય 70 વર્ષથી વધારે છે.

અમિત શાહ 53 વર્ષના છે, જ્યારે પીયૂષ ગોયલ અને નિર્મલા સિતારમણ જેવાં ઘણાં નેતા લગભગ યુવાન ગણાય તેવી વયે જ કેન્દ્રીય પ્રધાનમંડળમાં રેલવે, નાણાં તથા સંરક્ષણ જેવાં મહત્ત્વનાં મંત્રાલયનો કારભાર સંભાળી રહ્યા છે.

ભૂપેન્દ્ર યાદવ, કૈલાસ જોશી, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, યોગી આદિત્યનાથ અને બીજા અન્ય નેતાઓને એક સાથે જોઈએ તો બીજેપી પાસે એવા યુવા નેતાઓનો મોટો કાફલો છે, જેઓ બે દાયકાથી વધુ સમય સુધી રાજકારણમાં સક્રિય રહી શકે તેમ છે.

અનેક પ્રતિભાશાળી નેતા

સોનિયા ગાંધીના સમયના ચર્ચિત ચહેરાઓ પરના રાહુલ ગાંધીની આવી નિર્ભરતા ખરેખર ચિંતાજનક છે, કારણ કે પક્ષમાં તેમને પડકારનારું લગભગ કોઈ નથી.

જયરામ રમેશ, શશી થરૂર, પૃથ્વીરાજ ચૌહાણ, સલમાન ખુર્શીદ, મનીષ તિવારી, કપિલ સિબ્બલ, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને અન્ય નેતાઓના સ્વરૂપમાં કોંગ્રેસ પાસે એવી અનુભવી પ્રતિભાઓની કમી નથી, જે જવાબદારીભર્યાં પદો સંભાળી શકે.

એ ઉપરાંત પડકારરૂપ કામગીરી સોંપી શકાય તેવા યુવા નેતાઓ પણ રાજ્યોમાં છે, પણ રાહુલ ગાંધી તેમને ભાગ્યે જ મહત્ત્વ આપશે.

કદાચ તેઓ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીમાં કોંગ્રેસની જીતની રાહ જોઈ રહ્યા છે, જેથી પક્ષમાં સંગઠનાત્મક સ્તરે મોટા પરિવર્તનનાં આકરાં પગલાં લેવાનો આત્મવિશ્વાસ તેમને સાંપડે.

હાલમાં 24, અકબર રોડ પર કોઈ વ્યક્તિએ એવો વ્યંગ કર્યો હતો કે "ન્યૂ સી.પી. (કોંગ્રેસ પ્રેસિડેન્ટ), સેમ એ.પી. (અહમદ પટેલ)"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો