બિહાર ચૂંટણીમાં રાહુલ ગાંધી પ્રિયંકાને ઘરે પિકનિક મનાવી રહ્યા હતા - RJD નેતા શિવાનંદ તિવારી

રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતા શિવાનંદ તિવારીએ બિહારમાં મહાગઠબંધનની હાર માટે સહયોગી કૉંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધીને આડે હાથ લીધા છે.

શિવાનંદ તિવારીએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, "કૉંગ્રેસ મહાગઠબંધન માટે પગની સાંકળ બની ગયું છે. તેમણે 70 ઉમેદવાર ઊતાર્યા હતા પરંતુ 70 રેલી પણ ન કરી."

તેમણે કહ્યું કે ચૂંટણી પ્રચાર માટે રાહુલ ગાંધી ત્રણ દિવસ માટે આવ્યા અને પ્રિયંકા ગાંધી તો આવ્યાં નહીં.

તેમણે કહ્યું, "અહીં ચૂંટણી પોતાના જોર પર હતી પરંતુ રાહુલ ગાંધી શિમલામાં પ્રિયંકા ગાંધીનાં ઘરે પિકનિક મનાવી રહ્યા હતા. શું આ રીતે પાર્ટી ચાલે છે?"

શિવાનંદ તિવારીએ કહ્યું કે આરોપ તો એ લાગી શકે છે કે કૉંગ્રેસ પાર્ટી જે પ્રકારે ચાલી રહી છે, તેનાથી ભાજપને જ ફાયદો થઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે આ સ્થિતિ બિહારમાં જ નથી. બીજા રાજ્યોમાં કૉંગ્રેસ વધારે બેઠકો પર ચૂંટણી લડવા માટે જોર આપે છે પરંતુ તે વધારે બેઠકો પર ચૂંટણી જીતવામાં સફળ નથી થતી. કૉંગ્રેસે આ અંગે વિચારવું જોઈએ.

તેમણે કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓની એ ચિઠ્ઠીનો પણ ઉલ્લેખ કર્યો જે અનેક નેતાઓએ પાર્ટીની સ્થિતિને લઈને સોનિયા ગાંધીને લખી હતી.

વડોદરામાં અઢી લાખ મહિલાઓ સાથે NGOની 42.5 કરોડની છેતરપિંડી

વડોદરા પોલીસ દ્વારા અમદાવાદના એક NGO દ્વારા સંચાલિત છેતરપિંડીના રૅકેટનો ખુલાસો કર્યો છે. આ સંસ્થા દ્વારા મધ્ય ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની મહિલાઓ પાસેથી સહાયનો વાયદો કરી પૈસા ઉઘરાવવામાં આવતા હતા.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ત્રણ આરોપીઓ દ્વારા યુનિટી ફાઉન્ડેશન અંતર્ગત મહિલાઓ પાસેથી 1700 રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. તેની અવેજમાં મહિલાઓને એક લાખની વ્યાજમુક્ત સહાય અપાવવાની લાલચ અપાઈ હતી. આ સહાય નાનો ઉદ્યોગ શરૂ કરવા કે બાળકોનાં ભણતરના હેતુ માટે અપાશે તેવો વાયદો કરાયો હતો.

નોંધનીય છે કે આ સ્કીમના સંચાલકો દ્વારા અઢી લાખ મહિલાઓ પાસેથી 42.5 કરોડ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે.

આ બાબત વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોટેક્શન ઑફ ઇન્ટરસ્ટ ઑફ ડિપોઝિટર્સ ઍક્ટ અંતર્ગત, તેમજ છેતરપિંડી, ગુનાહિત કાવતરાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

નોંધનીય છે કે ફાઉન્ડેશનના સેક્રેટરી દીપકસિંહ રાજપૂત અને મૅનેજર રામજી રાઠોડની ગુના નિવારણ શાખા દ્વારા શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સંસ્થાના અન્ય એક મૅનેજર ભરત સોની પોલીસને હાથ લાગ્યા નથી.

ગુજરાતમાં કોરોનાના 1070 નવા કેસ

ગુજરાતમાં રવિવારે કોરોના વાઇરસના નવા 1070 કેસો નોધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 1,88,310 થઈ ગઈ છે. તેમજ રવિવારે આ વાઇરસના કારણે છ લોકો મૃત્યુ પામતાં રાજ્યનો કુલ મરણાંક 3,803 થઈ ગયો હતો.

બિઝનેસ સ્ટાન્ડર્ડ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે આ સિવાય રવિવારે રાજ્યમાં કોરોનાના 1,001 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા1,71,932 થઈ ગઈ છે.

અહેવાલ અનુસાર પાછલા 24 કલાકમાં રાજ્યમાં કુલ 49,842 પરીક્ષણ થયાં હતાં. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ પરીક્ષણોનો આંકડો 68,37,282 સુધી પહોંચી ગયો હતો.

દિવાળીમાં તબીબી કટોકટીવાળા કેસોમાં 24 ટકા વધારો

આ દિવાળીએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર શનિવારે તબીબી કટોકટીના કેસોમાં 24 ટકા વધારો થયો છે.

અહેવાલ અનુસાર રાજ્યમાં 108 ઇમરજન્સી સર્વિસમાં સામાન્ય દિવસોમાં જ્યાં 2800 ઇમરજન્સીવાળા કેસો આવે છે ત્યાં શનિવારના દિવસે આ સરેરાશમાં વધારો એક દિવસમાં કુલ 3,521 કેસો નોંધાયા હતા.

આ કેસોમાં 400 ટકાના વધારા સાથે સૌથી વધુ દાઝવાના કેસો નોંધાયા હતા.

રાજ્યમાં સૌથી વધુ ઇમરજન્સી કેસો અમદાવાદમાં નોંધાયા હતા. આ યાદીમાં અમદાવાદ બાદ સુરત, ભરૂચ, રાજકોટ, નર્મદા, ભાવનગર અને સાબરકાંઠા જિલ્લો આવે છે.

SpaceXએ ચાર અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલ્યા

ખાનગી કંપની સ્પેસ એક્સે રવિવારે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર ચાર અવકાશયાત્રીઓને મોકલ્યા હતા. નોંધનીય છે કે અવકાશયાત્રીઓને સર્વપ્રથમ સંપૂર્ણ ટેક્સી ફ્લાઇટ મારફતે અવકાશમાં મોકલવામાં આવ્યા હતા.

હિંદુસ્તાન ટાઇમ્સ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર નોંધનીય છે કે આ સ્પેસએક્સ દ્વારા આયોજિત બીજી અવકાશી સમાનવ યાત્રા હતી અને નાસા માટે પહેલી વાર કોઈ ખાનગી કંપનીએ આ કામ કર્યું છે.

કૅનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન રૉકેટની મદદ વડે આ કામ પાર પાડવામાં આવ્યું. નોંધનીય છે કે આ અવકાશયાત્રીઓના ક્રૂમાં ત્રણ અમેરિકન અને એક જાપાનીનો સમાવેશ થાય છે.

અવકાશયાનના ક્રૂ દ્વારા ડ્રેગન કૅપ્સ્યૂલ રેસિલિયન્સ નામ અપાયું હતું.

નોંધનીય છે કે થોડા મહિના પહેલાં સ્પેસએક્સ બે પાઇલોટ સાથે અવકાશમાં ટેસ્ટ ફ્લાઇટ કરી હતી. નાસાને આશા છે કે આ નવી વ્યવસ્થાને કારણે અમેરિકાથી સ્પેસ સ્ટેશન સુધી ક્રૂ રોટેશન વધુ શક્ય બનશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો