You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું ‘જો બાઇડન જીત્યા અમેરિકાની ચૂંટણી, પણ...’
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કદાચ પહેલી વખત લખ્યું છે કે ‘તેઓ (જો બાઇડન) ચૂંટણી જીત્યા છે.’
તેમના આ શબ્દોને એ વાતનો સંકેત માનવામાં આવી રહ્યા છે કે, ‘તેઓ માની ગયા કે તેમના પ્રતિસ્પર્ધી, ડેમોક્રેટ નેતા જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી ગયા છે.’
પરંતુ તેવું બિલકુલ નથી. તેઓ ‘ચૂંટણીમાં ગરબડ’ થઈ હોવાના પોતાના દાવાથી હજુ સુધી પીછેહઠ કરતાં દેખાતા નથી.
રવિવારે ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કર્યુ. તેમણે લખ્યું, “તેઓ ચૂંટણી જીત્યા, કારણ કે ચૂંટણીમાં ગરબડ થઈ છે.”
3 નવેમ્બરના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બહુમતી કરતાં ઘણી ઓછી બેઠકો મળી હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પે હજુ સુધી અધિકૃત રીતે પોતાની હાર સ્વીકારી નથી.
તેમણે કેટલાંક પ્રમુખ રાજ્યોમાં કાયદાકીય લડત શરૂ કરી છે, પરંતુ હજુ સુધી તેઓ પોતાના દાવાને યોગ્ય સાબિત કરવા માટેના પુરાવા રજૂ કરી શક્યા નથી. આ કારણે જ હજુ સુધી તેમને આ લડતમાં કોઈ સફળતા મળી નથી.
રવિવારે એક ટ્વીટમાં તેમણે લખ્યું, “ચૂંટણીમાં હેરફેર, અમે જીતીશું.”
ટ્રમ્પે ટ્વીટ અંગે કરી સ્પષ્ટતા
ત્યાર બાદ અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું, “તેઓ માત્ર ફેક ન્યૂઝ મીડિયાની નજરમાં જીત્યા છે. હું કોઈ સ્વીકાર નહીં કરું. અમારે હજુ ઘણું આગળ જવાનું છે. આ ચૂંટણીમાં હેરફેર થઈ છે!”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શુક્રવારે, અમેરિકાની ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળનાર કેટલાક વરિષ્ઠ અધિકારીઓની સમિતિએ કહ્યું હતું કે ‘આ વખતની અમેરિકાની ચૂંટણી, અમેરિકાના ઇતિહાસની સૌથી સુરક્ષિત ચૂંટણી હતી.’
ચૂંટણીઅધિકારીનું આ નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પના ‘ચૂંટણીમાં ઘાલમેલ થઈ હોવાના દાવા’ને સંપૂર્ણપણે નકારે છે.
શુક્રવારે જ વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા કેલી મૅકનેનીએ એક ન્યૂઝ ચેનલ આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિશ્વાસ છે કે તેઓ જ રાષ્ટ્રપતિ તરીકે જળવાઈ રહેશે અને તેમને બીજી તક મળશે.”
પરંતુ એ જ દિવસે સાંજે, એક પત્રકારપરિષદમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “કોને ખબર છે કે કાલે અમેરિકામાં કોનું પ્રશાસન હોય અને કોણ સત્તામાં હશે.”
જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જે ટ્વીટ કર્યાં છે, ટ્વિટરે તેની નીચે એક ચેતવણી જોડી દીધી છે. ટ્વિટર અનુસાર, ‘અમેરિકાની ચૂંટણીમાં હેરફેરનો આરોપ વિવાદિત છે.’
રિપલ્બિકન નેતાઓએ બાઇડનને સૂચના આપવાની વાતનું કર્યું સમર્થન
શનિવારે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ તેમના આવા દાવાના સમર્થનમાં વૉશિંગટન શહેરની અંદર એક માર્ચ કાઢી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ એકંદરે શાંતિપૂર્વક પ્રદર્શન કર્યું, પરંતુ સાંજે કેટલાંક સ્થળોએ થોડી-ઘણી હિંસા થઈ હોવાના સમાચાર મળ્યા.
પોલીસ અનુસાર, પ્રદર્શનમાં સામેલ થયેલા લગભગ 20 હજાર લોકોની ધરપકડ કરાઈ હતી.
આ પરિસ્થિતિમાં, ડોનાલ્ડ ટ્રમ્પ પર એ વાતનું દબાણ સતત વધતું જઈ રહ્યું છે કે તેઓ ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારી લે અને ચૂંટણી જીતનાર પક્ષને તેમની જગ્યા ગ્રહણ કરવા દે.
કેટલાક રિપબ્લિકન નેતાઓએ પણ કહ્યું છે કે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડનને તમામ જરૂરી સૂચનાઓ આપવાનું શરૂ કરી દેવું જોઈએ જેથી તેઓ જાન્યુઆરીમાં વ્હાઇટ હાઉસમાં પોતાની જગ્યા લે ત્યારે તેમને સરળતા રહે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો