મ્યાનમારમાં આંગ સાન સૂ ચીની નેશનલ લીગ ફૉર ડેમૉક્રસીને બહુમતી - BBC TOP NEWS

ચૂંટણીનાં તાજાં પરિણામો અનુસાર, મ્યાનમારમાં સત્તાધારી નેશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટી એક વખત ફરીથી સરકાર બનાવશે

મ્યાનમારમાં સરકાર બનાવવા માટે 322 બેઠકની જરૂર પડે છે. નેશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીએ હાલ સુધી 346 બેઠક પર વિજય મેળવી લીધો છે.

ચૂંટણીનાં પ્રારંભિક પરિણામો જોતાં પાર્ટીનાં સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ ચીએ એક દિવસ પહેલાં પાર્ટીને બહુમત મળવાની જાહેરાત કરી હતી.

રવિવારે મ્યાનમારમાં મતદાન યોજાયું હતું. જોકે, હાલ ચૂંટણીનાં છેલ્લાં પરિણામોની અધિકૃત રીતે જાહેરાત નથી થઈ. કહેવામાં આવી રહ્યું છે કે 50થી વધારે બેઠક પર હજુ પણ ગણતરી ચાલુ છે.

નેશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીએ રવિવારે મતદાન પૂર્ણ થયા પછી જ એમ કહેવાનું શરૂ કર્યું હતું કે 'તેમને આ ચૂંટણીમાં જીતવાની આશા છે અને તેમને વિશ્વાસ છે કે તેમની સરકાર બનશે.'

વિપક્ષ, જેને મ્યાનમારના શક્તિશાળી સૈન્યનું સમર્થન મળેલું છે, તેમનો આરોપ છે કે સરકારે ચૂંટણીમાં છેતરપિંડી કરી છે. જોકે, આ વાતને સાબિત કરવા માટે કોઈ સ્પષ્ટ પુરાવા આપી શક્યા નથી.

રોહિંગ્યા મુસ્લિમોના સંકટને લઈને આ વખતે મ્યાનમારની ચૂંટણી ચર્ચામાં રહી હતી.

આ મુદ્દાને લઈને દુનિયાભરમાં મ્યાનમારની સરકારની ટીકા થઈ હતી પરંતુ ચૂંટણીનાં પરિણામોને જોઈને કહી શકાય છે કે મ્યાનમારના લોકોએ એનએલડીને ભારે સમર્થન આપ્યું છે.

આંગ સાન સૂ ચીના વિરોધી એનએલડીની જીતથી સહમત નથી અને તે ફરીથી ચૂંટણી કરાવવાની માગ કરી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારની ચૂંટણી જીતવા પર આંગ સાન સૂ ચીને અભિનંદન પાઠવ્યાં છે.

વડા પ્રધાને ટ્વીટ કર્યું, "ચૂંટણીમાં જીત માટે આંગ સાન સૂ ચી અને એનએલડીને અભિનંદન. ચૂંટણીનું સફળ સંચાલન મ્યાનમારમાં ચાલી રહેલાં લોકતાંત્રિક પરિવર્તનો પૈકીનું વધુ એક પગલું છે. હું દોસ્તીના પારંપરિક બંધનને મજબૂત કરવા માટે તમારી સાથે કામ કરવાનું ચાલુ રાખવા માગુ છું."

ગાયને વિસ્ફોટક ખવડાવી દેવાની કથિત ઘટના, ગ્રામજનોમાં રોષ

રાજસ્થાનના પાલી જિલ્લામાં ગાયને વિસ્ફોટક ખવડાવી દેવાની કથિત ઘટના નોંધાઈ છે.

'ધ ઇંડિયા ટુડે'ના અહેવાલ પ્રમાણે ગાયની સ્થિતિ ગંભીર છે અને પશુઓના દવાખાનામાં સારવાર હેઠળ છે.

ગૌપુત્ર સેના, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા આ ઘટનાની નિંદા કરવામાં આવી છે અને જવાબદાર સામે પગલાં લેવાની માગ કરાઈ છે.

ગૌપુત્ર સેના દ્વારા સિરિયારી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે.

અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ નોંધાઈ છે. કેરળમાં ગર્ભવતી હાથણીની વિસ્ફોટક ખવડાવી દેવાની ઘટનાની દેશભરમાં નિંદા થઈ હતી.

અમદાવાદના શિશુગૃહમાં છ બાળકો કોરોના સંક્રમિત

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા શિશુગૃહમાં છ બાળકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે.

અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર, બાળકો સહિત સ્ટાફના અન્ય ચાર લોકો પણ કોરોના સંક્રમિત છે.

શિશુગૃહમાં કેસ આવતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને શિશુગૃહને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મૂકી દીધું છે.

મિરરના અહેવાલ પ્રમાણે ચેપ લાગેલાં બાળકોમાં સૌથી નાની ઉંમરનું ત્રણ મહિનાનું બાળક છે અને સૌથી મોટા સાડા ત્રણ વર્ષના બાળકનો સમાવેશ થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર કહે છે કે બધાં બાળકોને એસવીપી હૉસ્પિટલમાં દાખલ કરાયાં છે અને હાલમાં તેમની તબિયત સ્થિર જણાવાઈ રહી છે.

'રાહુલ ગાંધીમાં નર્વસ અનફૉર્મેટ ક્વૉલિટી', બરાક ઓબામાના પુસ્તકમાં ઉલ્લેખ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના પુસ્તકમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહનો ઉલ્લેખ કર્યો છે.

એનડીટીવી ઇન્ડિયા ન્યૂ યૉર્ક ટાઇમ્સના રિપોર્ટને ટાંકીને લખે છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાનું એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે, જે એક રાજનીતિક સંસ્મરણ છે. "અ પ્રૉમિસ લૅન્ડ"માં અમેરિકા અને અન્ય દેશના નેતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પુસ્તકમાં રાહુલ ગાંધી અને મનમોહનસિંહ પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે મનમોહનસિંહના નેતૃત્વાળી યુપીએ સરકાર ઓબામાના કાર્યકાળ દરમિયાન સત્તામાં હતી.

મનમોહનસિંહ પર ન્યૂ યૉર્ક ટાઇમ્સના લેખમાં લખવામાં આવ્યું, 'એવું લાગે છે કે રક્ષાસચિવ બૉબ ગેટ્સ અને ભારતીય વડા પ્રધાન મનમોહનસિંહ વચ્ચે ઘણી એકતા છે.'

ન્યૂ યૉર્ક ટાઇમ્સ અનુસાર, પુસ્તકમાં રાહુલ ગાંધી અંગે લખવામાં આવ્યું, 'તેમનામાં એક નર્વસ અનફૉર્મેટ ક્વૉલિટી છે, જેમ કે એક વિદ્યાર્થી હોય જેણે પોતાનો કોર્સવર્ક પૂરો કર્યો છે અને શિક્ષકને પ્રભાવિત કરવા માટે ઉત્સુક હોય, પણ વિષયમાં મહારત હાંસલ કરવા માગતા નથી.'

ભાજપના વિજયસરઘસ દરમિયાન મસ્જિદમાં તોડફોડ - બિહાર પોલીસ

બિહારમાં ભાજપના વિજયસરઘસ દરમિયાન મસ્જિદમાં તોડફોડ થયાનું પોલીસ જણાવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, પૂર્વ ચંપારણ જિલ્લાના જમુઆ ગામમાં વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ ભાજપનું વિજયસરઘસ નીકળ્યું હતું.

એસએસઓ અભય કુમારના હવાલાથી અખબાર કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પવનકુમાર જયસ્વાલની ઢાકા બેઠક પરથી આરજેડીના ફેસલ રહેમાન સામે જીત થઈ હતી. બાદમાં ભાજપના કાર્યકરોએ વિજયસરઘસ કાઢ્યું હતું. જોકે વિજયી ઉમેદવાર જયસ્વાલ સરઘસમાં સામેલ નહોતા થયા.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ચાર વ્યક્તિને ઈજા પહોંચી છે.

જ્યારે સરઘસ નીકળ્યું ત્યારે નમાઝ ચાલતી હતી અને દરમિયાન મસ્જિદમાં તોડફોડ અને પથ્થરમારો થયો હતો.

વડા પ્રધાન મોદીએ JNUમાં વિવેકાનંદની મૂર્તિનું અનાવરણ કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વીડિયો કૉન્ફરન્સથી દિલ્હીની જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિનું અનાવરણ કર્યું હતું.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે તેમની ઇચ્છા છે કે જેએનયુમાં લાગેલી સ્વામી વિવેકાનંદની આ પ્રતિમા બધાને પ્રેરિત કરે અને ઊર્જાથી ભરી દે.

તેઓએ કહ્યું કે "આખા વિશ્વમાં જ્યારે નિરાશા હતી ત્યારે અમેરિકાની મિશિગન વિશ્વવિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે આ સદી તમારી છે, પણ 22મી સદી ભારતની હશે. તેઓ જાણતા હતા કે ભારતમાં દુનિયાને શું આપી શકે છે. તેઓ ભારતના વિશ્વ બંધુત્વને લઈને દુનિયાભરમાં ગયા."

વડા પ્રધાન મોદીએ કહ્યું, "આજે દરેક પોતાની વિચારધારા પર ગર્વ કરે છે. આ સ્વાભાવિક છે, પણ તેમ છતાં આપણી વિચારધારા રાષ્ટ્રહિતના વિષયોમાં, રાષ્ટ્ર સાથે નજર આવવી જોઈએ, રાષ્ટ્રની વિરુદ્ધ નહીં."

દિલ્હીમાં કોરોનાના સતત વધતા કેસ

દિલ્હીમાં એક દિવસમાં કોરોના વાઇરસને કારણે સૌથી વધુ મૃત્યુ થયા હોવાનું નોંધાયું છે.

એનડીટીવીએ પોતાના સંવાદદાતાના હવાલાથી લખ્યું કે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાનો પ્રકોપ રોકાવાનું નામ લેતો નથી. ગુરુવારે દિલ્હીમાં કોરોના સંક્રમણના 104 દર્દીઓનાં મૃત્યુ થયાં છે. એક દિવસમાં નોંધાયેલા મૃત્યુની આ સૌથી મોટી સંખ્યા છે.

અગાઉ 16 જૂને 93 દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં સંક્રમણના 7053 નવા કેસ સામે આવ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો