IPL Final MI vs DC : રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સ બની IPL 2020 ચૅમ્પિયન

આઈપીએલ 2020ની ફાઇનલ મુંબઈ ચૅમ્પિયન્સે જીતી લીધી છે. દિલ્હી કૅપિટલ્સની ટીમ પહેલું ટાઇટલ જીતવા માટે મેદાનમાં ઉતરી હતી પરંતુ મુંબઈ ઇન્ડિયન્સે તેને હરાવીને પાંચમી વાર આઈપીએલ ટ્રોફી જીતી લીધી છે.

મુંબઈ ચૅમ્પિયન્સની ટીમ સામે પ્રથમ બેટિંગ કરી દિલ્હી કૅપિટલ્સે 157 રનનો પડકાર આપ્યો હતો. આ પડકાર મુંબઈએ 18.4 ઓવરમાં ચૅઝ કરી લીધો હતો.

મુંબઈ વતી સૌથી વધારે રન કૅપ્ટન રોહિત શર્માએ કર્યા હતા. રોહિત શર્માએ 51 બૉલમાં 68 રન કર્યા હતા. ઇશાન કિશને નોટઆઉટ 33 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી નોર્ત્જેએ 2 વિકેટ લીધી હતી. જ્યારે રબાડા અને સ્ટોઇનિસે એક-એક વિકેટ લીધી હતી.

દિલ્હીની ટીમે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીની ટીમ 7 વિકેટ ગુમાવી 156 રન કરી શકી હતી.

દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી અને ખતરનાક સ્ટોનિસ 0 રને અને અજિંક્યા રહાણે 2 રને બોલ્ટની ઓવરમાં આઉટ થઈ ગયા હતા.

એ પછી જયંત યાદવે આક્રમક બની રહેલા શિખર ધવનને 15 રને આઉટ કરી દીધા.

જોકે એ પછી કૅપ્ટન શ્રેયસ અય્યર અને રિષભ પંતે વળતી લડત આપી પણ રિષભ પંત 38 બૉલમાં 56 રન કરી આઉટ થઈ ગયા.

ત્યાર બાદ હેત્માયરને બોલ્ટે 5 રન પર આઉટ કરી દીધા.

અક્ષર પટેલ 9 બૉલમાં 9 રન કરી કાઉલ્ટર નાઇલની બૉલિંગમાં આઉટ થઈ ગયા.

દિલ્હીના કૅપ્ટન શ્રેયસ અય્યરે નૉટઆઉટ રહ્યા. તેમણે 50 બૉલમાં 65 રન કર્યા.

મુંબ ઇન્ડિયન્સની ટીમ : રોહિત શર્મા, ડિ'કોક, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, પોલાર્ડ, કાઉલ્ટર નાઇલ, ટ્રેન્ટ બોલ્ટ, જયંત યાદવ, જસપ્રીત બુમરાહ

દિલ્હી કૅપિટલ્સની ટીમ : શ્રેયસ ઐય્યર, શિખર ધવન, માર્કસ સ્ટોનિસ, રિષભ પંત, અજિંક્યા રહાણે, અક્ષર પટેલ, શિરમોન હેત્માયર, રવિચંદ્રન અશ્વિન, રબાડા, નોર્ત્જે, પ્રવિણ દુબે

દિલ્હી કૅપિટલ્સની ટીમ આ વખતની આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની સામે 3 મૅચ રમી છે અને ત્રણે મૅચ હારી છે.

ચાર વખત ચૅમ્પિયન બનેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પાસે ફાઇનલ મૅચ રમવાનો સારો એવો અનુભવ છે. જ્યારે દિલ્હી કૅપિટલ્સની ટીમ પહેલી વખત ફાઇનલ મૅચ રમી રહી છે.

મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ક્વાલિફાર્યસની 14 મૅચમાંથી નવ મૅચ જીતીને 18 પૉઇન્ટ મેળવીને પ્લે ઑફ્સમાં સૌ પ્રથમ પહોંચી હતી. જ્યારે દિલ્હી કૅપિટલ્સની ટીમ 14 મૅચમાં આઠ મૅચ જીતીને 16 પોઈન્ટ બનાવીને પ્લે ઑફમાં પહોંચી હતી.

મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે ક્વૉલિફાયર્સનો પહેલો મુકાબલો થયો હતો. જેમાં મુંબઈ ઇન્ડિયન્સે પહેલી બેટિંગ કરતાં દિલ્હીની ટીમને 201 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હી કૅપિટલ્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 143 રન બનાવી શકી હતી.

દિલ્હી કૅપિટલ્સની ટીમ ક્વૉલિફાયર-3માં હૈદરાબાદની સામે જીતીને ફાઇનલમાં પહોંચી છે. દિલ્હી કૅપિટલ્સે પહેલી બેટિંગ કરતાં એ મૅચમાં 189 રન ત્રણ વિકેટે બનાવ્યા હતા. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 8 વિકેટે 172 રન બનાવતા દિલ્હીની ટીમ 17 રને વિજેતા બની હતી.

મુંબઈ સામે દિલ્હી ત્રણે મૅચ હાર્યું

આઇપીએલ-2020માં દિલ્હી કૅપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની વચ્ચે હાલ સુધીમાં ત્રણ મૅચ રમાઈ છે. જે ત્રણે મૅચ મુંબઈ ઇન્ડિયન્સે જીતી હતી.

પહેલી મૅચમાં દિલ્હી કૅપિટલ્સની ટીમે 4 વિકેટે 162 રન બનાવ્યા હતા. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 5 વિકેટે 166 રન બનાવીને મૅચ જીતી ગઈ હતી.

બીજી મૅચમાં પહેલી બૉલિંગ કરતાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે દિલ્હી કૅપિટલ્સની ટીમને 110 રને રોકી દીધી હતી. દિલ્હીએ 9 વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સની ટીમે એક વિકેટ ગુમાવીને 111 રન બનાવ્યા હતા.

ત્રીજી મૅચ ક્વૉલિફાયર્સમાં રમાઈ હતી જેમાં મુંબઈ ઇન્ડિયન્સે પહેલી બેટિંગ કરતાં 200 રન 5 વિકેટે બનાવ્યા હતા. જ્યારે દિલ્હીની ટીમ 8 વિકેટે માત્ર 143 રન બનાવી શકી હતી.

આઇપીએલમાં હાલ સુધીમાં બંને ટીમો વચ્ચે કુલ 27 મૅચ રમાઇ છે. જેમાંથી 15 મૅચમાં મુંબઈ અને 12 મૅચમાં દિલ્હી વિજેતા બન્યું છે.

દિલ્હી કૅપિટલ્સે વિવિધ ટીમ સામે રમેલી છેલ્લી આ સિઝનની છેલ્લી પાંચ મૅચમાંથી 2 મૅચ જીતી છે. જ્યારે ત્રણમાં હાર મેળવી છે. મુંબઈ ઇન્ડિયન્સે છેલ્લી પાંચ મૅચમાંથી 3માં જીત મેળવી છે અને 2માં હાર મેળવી છે.

જસપ્રીત બુમરાહ અને રબાડા વચ્ચે પર્પલ કૅપ માટે ફાઇટ

પર્પલ કૅપ માટે મુંબઈ ઇન્ડિયન્સના જસપ્રીત બુમરાહ અને દિલ્હી કૅપિટલ્સના કગીસો રબાડા વચ્ચે લડાઈ જોવા મળશે.

રબાડાએ 16 મૅચમાં 29 વિકેટ લીધી છે. જ્યારે જસપ્રીત બુમરાહ તેમનાથી બે વિકેટ પાછળ છે. તેમણે 14 મૅચમાં 27 વિકેટ લીધી હતી. બંને ટીમો માટે ફોર્મમાં ચાલી રહેલાં આ બે બૉલર મહત્ત્વના સાબિત થવાના છે.

ઑરેન્જ કૅપ માટે કિંગ્સ ઇલેવન પંજાબના લોકેશ રાહુલ અને દિલ્હી કૅપિટલ્સના શિખર ધવન વચ્ચે ટક્કર છે. લોકેશ રાહુલ 14 મૅચમાં 670 રન બનાવીને હાલ પહેલાં ક્રમે છે. જ્યારે શિખર ધવન 16 મૅચમાં 603 રન બનાવીને બીજા ક્રમે છે. છેલ્લી કેટલીક મૅચમાં જબરજસ્ત ફોર્મમાં ચાલી રહેલાં શિખર ધવન જો આજે 67 રન બનાવી દેશે તો તેઓ ઑરેન્જ કૅપ જીતી શકે છે.

મુંબઈ ઇન્ડિયન્સમાં હાલ સુર્યેકુમાર યાદવ, ઇશાન કિશન, ડિ'કોક અને હાર્દિક પંડ્યા સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. જ્યારે દિલ્હી કૅપિટલ્સ તરફથી શિખર ધવન, માર્ક્સ સ્ટોઇનિસ, શિમરોન હેટમાયર સારા ફોર્મમાં ચાલી રહ્યા છે.

મુંબઈ ઇન્ડિયન્સ માટે રોહિત શર્માનું ફરીથી ફોર્મમાં આવું જરૂરી છે. દિલ્હી કૅપિટલ્સને પૃથ્વી શો, કૅપ્ટન શ્રેયસ ઐય્યર અને રિષભ પંતે ફોર્મમાં આવવું જરૂરી છે.

દિલ્હી કૅપિટલ્સના બૉલર્સ સારું પ્રદર્શન કરી રહ્યા છે. રબાડાએ સિઝનની સૌથી વધારે વિકેટ લીધી છે, ઉપરાંત નોર્ત્જે, રવીચંદ્રન અશ્વિન અને ઓલરાઉન્ડર સ્ટોઇનિસ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે.

મુંબઈ ઇન્ડિયન્સમાં જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ હાલ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો