હાથરસઃ મીડિયાના કૅમેરા બંધ થઈ ચૂક્યા છે અને પીડિતાની માતા હજુ રડી રહી છે

ઇમેજ સ્રોત, GOPAL SHOONYA/BBC
- લેેખક, ચિંકી સિંહા
- પદ, હાથરસથી, બીબીસી ગુજરાતી માટે
આંખોમાંથી દૃશ્યો ધીમે ધીમે વીખેરાઈ રહ્યાં છે. પસાર થતી દરેક ક્ષણની સાથે ઘટનાની તસવીર પણ ઝાંખી પડતી જાય છે. બાજરાનું ખેતર, મૃતદેહને બાળવાની જગ્યા અને હાથરસ ગામ પણ.
અપરાધના તમામ પુરાવાનો નાશ કરવા માટે જે છેલ્લો પ્રયાસ થયો તેમાં કથિત રીતે પોલીસે મૃતદેહને તેના પરિવારજનોની મંજૂરી વગર સળગાવી દીધો હતો. 29 અને 30 સપ્ટેમ્બરની તે મધરાત હતી જ્યારે રાતના અંધકાર વચ્ચે તેના ગામના ખેતરમાં અગ્નિની જ્વાળા ઊઠી હતી.
તે દલિત પરિવારની હતી. પરિવારના લોકોનો આરોપ છે કે ગામના ઠાકુરોએ યુવતી પર બળાત્કાર કર્યા બાદ તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. છોકરીના ગામમાં દલિતોનાં કુલ ચાર ઘર છે.
યુવતી સાથે જંગલિયત આચરવાના આરોપ હેઠળ ચાર ઠાકુર સમુદાયના છોકરાઓની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ માત્ર કેટલીક હકીકતો છે. આ સિવાય જે પણ છે તે પોતે એક કહાણી છે.
આ બધું એ જ છે, જો 'પોસ્ટ-ટ્રુથ'ના આ જમાનામાં થતું આવ્યું છે.
માતાને યાદ છે કે કઈ રીતે તે પોતાની લાડકી દીકરીને ચોટલો વાળી આપતી હતી, દીકરીના લાંબા વાળને બાંધવા માટે જે ક્લચ લગાવ્યો હતો તે તેને ખેતરમાં ઢસડવામાં આવી ત્યારે તૂટી ગયો હતો.
તે કંઈક યાદ કરીને કહે છે, 'તે મને વાળ બાંધી આપવા માટે કહેતી હતી.' કોઈ માતા આખરે પોતાની દીકરીને કઈ રીતે ભૂલી શકે? તેમને તો પોતાની દીકરીની તમામ વાતો યાદ છે.
પરંતુ આ ગામમાં સત્ય માત્ર એક નથી. અહીં એક સત્યની સામે બીજું સત્ય પણ ઊભું છે અને સામસામે પડકાર ફેંકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

જેટલાં મોઢાં એટલી વાતો

ઇમેજ સ્રોત, CHINKI SINHA/BBC
પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ચાંદપા ગામ એક શાંત જગ્યા છે. તમે ચાંદપાની નજીકના વિસ્તારો પર નજર નાખશો તો તમને ઘણી જગ્યાએ બાજરીનો છ-છ ફૂટ ઊંચો પાક જોવા મળશે.
તે છોકરી લગભગ બે સપ્તાહ સુધી જીવન-મૃત્યુ વચ્ચે જંગ લડતી રહી, પરંતુ 29 સપ્ટેમ્બરની સવારે આખરે તે મૃત્યુ પામી.
વાત 14 સપ્ટેમ્બરની છે જ્યારે માતાને તેની પુત્રી લોહીથી લથબથ હાલતમાં મળી આવી હતી. તે માંડ શ્વાસ લઈ શકતી હતી.
માતાએ તેના અર્ધનગ્ન દેહને પોતાની સાડીના છેડાથી ઢાંક્યો અને તેને લઈને ચાંદપા થાણે પહોંચી. તેમણે સંદીપ સામે પોતાની પુત્રીની હત્યાનો પ્રયાસ કરવાની ફરિયાદ દાખલ કરાવી.
માતાનું કહેવું છે કે તે સમયે તેમના મનમાં એક ઘડી માટે પણ એવો વિચાર આવ્યો ન હતો કે તેમની પુત્રી મૃત્યુ પામશે.
શરૂઆતમાં પરિવારે જાતીય હિંસા કે બળાત્કારની ફરિયાદ નહોતી કરી, કારણ કે તેનાથી સમાજમાં, બિરાદરીમાં દીકરીની બદનામી થાય તેમ હતું.

ઇમેજ સ્રોત, CHINKI SINHA/BBC
ત્યાર પછી પીડિત યુવતીએ મૃત્યુ પહેલા જે નિવેદન આપ્યું તેમાં આરોપીઓ સામે રેપનો આરોપ પણ લગાવવામાં આવ્યો. પરંતુ હવે પીડિત પરિવારની દરેક ફરિયાદ સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. તેના દુઃખને નકારી કાઢવામાં આવે છે.
હવે તો આ મામલામાં ઑનર કિલિંગનો ઇશારો પણ કરવામાં આવે છે. કહેવાય છે કે યુવતીના પરિવારે જ તેને આબરુ બચાવવાના નામે મારી નાખી હતી. એવો દાવો કરવામાં આવ્યો છે કે યુવતીને એક આરોપી સાથે અફેર હતું અને તેના ભાઈને તેની ખબર પડી ત્યારે તેણે બહેનને એટલો માર માર્યો કે તે મૃત્યુ પામી.
કેટલાક લોકો એટલે સુધી કહે છે કે આ પરિવારે પોતાની દીકરીને એટલા માટે મારી નાખી જેથી તેમને રૂપિયા મળે. આવો દાવો કરનારા લોકોને આરોપીઓ સાથે સહાનુભૂતિ રાખતા નેતાઓ અને અમુક પત્રકારોનો ટેકો મળી રહ્યો છે. તેમને કેટલાક તર્ક પણ ગોખાવવામાં આવ્યા છે.
પરંતુ તમે આ ગામમાં એક ચક્કર મારશો તો અંદાજ આવી જશે કે આ બધા જુઠ્ઠું બોલી રહ્યા છે.

યુવતીના જખમ સામે સવાલ ઉઠાવતા લોકો

પોસ્ટ-ટ્રુથના આ જમાનામાં જ્યારે સ્ત્રી અને પુરુષો વચ્ચે ભેદભાવ રાખતો આ સમાજ એક રિપોર્ટરને પણ સ્ત્રી અને પુરુષ તરીકે વિભાજિત કરીને જુએ છે ત્યારે કોઈ પણ રિપોર્ટર સામે મોટો પડકાર પેદા થાય છે.
પરિણામે આ વાતની દિશા આખી બદલાઈ ગઈ છે. આજે બળાત્કાર અને તેના શરીર પરના જખમોની હકીકતને પણ પડકારવામાં આવે છે.
જાતિના નામે, સમુદાયના નામે આ ઘટનાની આસપાસ રાજકીય મોરચા મંડાઈ ગયા છે. ઉત્તર પ્રદેશ સરકારે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને પીડિત પરિવારને મળવાની મંજૂરી આપી તે પહેલા મોટો ડ્રામા સર્જાયો હતો. ત્યાર પછી તેમની સાથે જ મીડિયાને પણ ગામની અંદર જવાની મંજૂરી અપાઈ હતી.
ત્યાર પછી આ ગામની આજુબાજુના ગામોમાં ઠાકુરોને ન્યાય અપાવવા માટે પંચાયતો બોલાવવામાં આવી. આ પંચાયતોમાં સામેલ થનારા લોકોનું કહેવું છે કે ઠાકુરોને આ મામલામાં વગર કારણે ફસાવવામાં આવ્યા છે.
જાતિવાદી ભેદભાવ હવે સમગ્ર ઘટનાની દિશા બદલી રહ્યા છે. અહીં નૈતિકતા જેવી કોઈ ચીજ નથી. હું જ્યારે ગામ તરફ જતા એક રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે મેં આવી જ એક પંચાયત જોઈ હતી. મને યાદ આવ્યું કે હુમલો કરનારાઓએ યુવતીની ગરદન પણ તોડી નાખી હતી.

તમામ પુરાવા રાખમાં ફેરવાઈ ગયા

ઇમેજ સ્રોત, GOOPAL SHOONYA/BBC
ચોથી ઑક્ટોબરે, એટલે કે જ્યારે પોલીસે મીડિયાને ગામમાં પ્રવેશવાની છૂટ આપી તેના આગલા દિવસે પોલીસે લગાવેલા બેરિકેડની પાસે રાજકીય દળોના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા હતા.
પોલીસે એવી મોરચાબંધી કરી જાણે રમખાણોને રોકવાના હોય. તેની વચ્ચે થોડી જગ્યા મળતા જ હું અંદર ઘૂસી ગઈ. મને કોઈએ અટકાવી નહીં.
એક પોલીસ કર્મચારીએ મને કહ્યું કે, "ગામ અહીંથી બે કિલોમીટર દૂર છે. તમારે ત્યાં સુધી પગપાળા જ જવું પડશે."
ઘટના જ્યાં ઘટી હતી ત્યાં પહોંચવાનો માર્ગ સુમસાન હતો. ક્યારેક ક્યારેક કોઈ પત્રકારને ગામ અથવા ઘટના સ્થળે પહોંચાડવા માટે કોઈ બાઇક આ રસ્તે આવે છે.

ગામમાં કૅમેરા, રિપોર્ટર અને લાઇવ

ઇમેજ સ્રોત, CHINKI SINHA/BBC
ઘટનાસ્થળે પહોંચવાનો અનુભવ જ આખા ગામની સ્થિતિ સમજાવી દે છે. પરંતુ હવે તો તમામ પુરાવા પણ રાખમાં ફેરવાઈ ગયા છે. ગામ તરફ જતી વખતે મારી મુલાકાત એક શખ્સથી થઈ. તેમણે જણાવ્યું કે તેઓ નજીકના જ એક ગામમાં રહેતા ખેડૂત છે.
પછી તેમણે કહ્યું, "મારું નામ નરસિંહ છે. હું ઠાકુર છું. મીડિયામાં જે દર્શાવવામાં આવે છે તે સત્ય નથી. છોકરીનું તો આરોપીની સાથે ચક્કર હતું. તે અમારી પણ દીકરી હતી."
મેં પૂછ્યું કે, "તો પછી તેની સાથે બળાત્કાર શા માટે થયો?" નરસિંહે જવાબ આપ્યો, "તમે જાતે જાવ અને જાણી લો." તેઓ તરત ત્યાંથી રવાના થઈ ગયા.
ગામમાં ઘણા બધા કૅમેરા હતા. વાયરની એક જાળ રચાઈ હતી. રિપોર્ટરોની ભીડ જામી હતી. ઘણા લોકો પોતાની પીઠ પર થેલા ઉપાડીને બેઠા હતા જેના પર લાઇવ લખેલું હતું.
માઇક હાથમાં પકડીને રિપોર્ટરો ખૂબ "તમાશો" કરી રહ્યા હતા. આ બધાને ગામમાં આ સમાચારનું રિપોર્ટિંગ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને યુવતી માટે ન્યાય માંગવાની મોટી જવાબદારી પણ સોંપવામાં આવી હતી. બિલકુલ એવી જ રીતે, જે રીતે તેમણે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના કિસ્સામાં કર્યું હતું.
એઇમ્સની ફૉરેન્સિક રિપોર્ટમાં સુશાંતસિંહના મૃત્યુને આત્મહત્યા જાહેર કરવામાં આવી છે. હવે સુશાંત માટે ન્યાય માગનારાના સહકર્મીઓ પૂરા જુસ્સા સાથે હાથરસના આ ગામમાં એકઠા થયા છે. ઊંચા અવાજમાં..લગભગ શોર મચાવીને તેઓ હાથરસની યુવતી માટે ન્યાય માગી રહ્યા હતા.
એવું લાગતું હતું જાણે આ સમાચારને રિપોર્ટ કરવાથી તેમના અગાઉના પાપ ધોવાઈ જશે. દરેક બે ડગલે એક લાઇવ રિપોર્ટિંગ ચાલુ હતું.
ટીઆરપીનું આ યુદ્ધ કોઈ પણ સત્યને જૂઠના હજારો પડદાની પાછળ છુપાવવાની તાકાત રાખે છે. તમે યુવતીનાં ઘર તરફ જતી તે સાંકડી ગલીઓમાંથી પસાર થાવ તો તમને સમગ્ર પરિસરમાં માત્ર કોઈને કોઈ રિપોર્ટરનો કર્કશ અવાજ સાંભળવા મળે છે.

મૃત યુવતી 'લાઇવ' બની

ઇમેજ સ્રોત, CHINKI SINHA/BBC
મારી નાખવામાં આવેલી તે યુવતી હવે "લાઇવ" બની ગઈ છે. હવે તો આ મામલામાં એક સરકારી "સત્ય" પણ છે. બસ, હવે થોડા જ દિવસોમાં સમગ્ર કથાનક બદલાઈ જશે.
બે સ્થાનિક પત્રકારો મને પૂછે છે કે શું તમે સત્યની શોધમાં છો? તેઓ મને પોતાનું સત્ય ઓફર કરે છે. એક પત્રકારે જણાવ્યું, "બંને પરિવારો વચ્ચે ઝઘડો ચાલતો હતો. હું તમને આના કાગળો મોકલી શકું છું. ઠાકુર તો નિર્દોષ છે."
આ પત્રકારે અગાઉ એક સમાચાર મોકલ્યા હતા જેમાં જણાવ્યું હતું કે જમીનના એક ટુકડા માટે પરિવારો વચ્ચે વિવાદ ચાલતો હતો. ત્યારે પણ ઠાકુરોના પરિવાર સામે એસસી-એસટી ઍક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ 15 વર્ષ અગાઉની વાત છે. અમે વાત કરતા કરતા આ કેસના આરોપીના ઘરની બહાર પહોંચ્યા. ત્યાં એક મહિલા કપડા ધોઈ રહી હતી. તેમણે મને કહ્યું, "અમને તો કોઈ પૂછતું પણ નથી કે હકીકત શું છે." ત્યાર પછી તે મહિલા પોતાનું 'સત્ય' મને જણાવતા કહે છે, "આ છોકરાઓને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. તેઓ ગુનેગાર નથી. યુવતીના ભાઈનું નામ અને અમારા દિયરનું નામ એક જ છે. તેણે જ્યારે નામ આપ્યું ત્યારે તે કોનો ઉલ્લેખ કરતી હતી?"
દેખીતી રીતે જ અહીં કોઈ માટે મૃત યુવતીની છેલ્લી જુબાનીનું કોઈ મહત્ત્વ નથી.

"મરતા પહેલાં કોઈ જુઠ્ઠું નથી બોલતું"

ઇમેજ સ્રોત, CHINKI SINHA/BBC
સુપ્રીમ કોર્ટે પી વી રાધાકૃષ્ણન વિરુદ્ધ કર્ણાટક સરકારના કેસમાં કહ્યું હતું કે કોઈએ મરતા પહેલા આપેલી જુબાની અંતિમ ગણાશે. દેશની સૌથી મોટી અદાલતે પોતાના ચુકાદામાં એક લેટિન કહેવતને ટાંકી હતી જેનો અર્થ થાય છે. - મરતા પહેલા કોઈ જુઠ્ઠું નથી બોલતું.
અસ્થિઓ હજુ પણ ગામમાં પડ્યાં હતાં. પોલીસે તે યુવતીના મૃતદેહને મધરાતે જ્યાં બાળ્યો હતો ત્યાં પહોંચવા માટે મારે બાજરીનાં ખેતરોમાંથી પસાર થઈને જવું પડ્યું.
હું ત્યાં પહોંચી ત્યારે એક રિપોર્ટર ત્યાંથી લાઇવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો. જે યુવતીના હાથ-પગ અને ગરદન તોડી નાખવામાં આવી હતી તેને મૃત્યુ પછી બાળવાની આટલી બધી ઉતાવળ શા માટે હતી તે કોઈ નથી જાણતું.
રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો બચાવ કરતા એવો તર્ક આપ્યો કે જો મૃતદેહને મોડી રાતે અગ્નિદાહ અપાયો ન હોત તો રમખાણો થવાની શક્યતા હતી.
રિપોર્ટર કહે છે, "તમને અહીંના જાતીય સમીકરણો નહીં સમજાય."
લોકોએ જણાવ્યું કે, યુવતીને જ્યારે તેની માતાએ અર્ધ-મૃત હાલતમાં જોઈ ત્યારે તેની જીભ બહાર લટકી રહી હતી. હકીકત તો એ છે કે આ ગામમાં એક યુવાન છોકરીનું મોત નીપજ્યું હતું જેણે મૃત્યુ પહેલા નિવેદન આપ્યું હતું.
ગામમાં ઘણા લોકો એવા મળ્યા જેઓ કહેતા હતા કે આ પરિવારને દીકરીનાં મૃત્યુનું કોઈ દુઃખ નથી. તેમણે યોગ્ય રીતે શોક પણ નથી પાળ્યો. આવું માનનારા લોકો મોટી સંખ્યામાં છે. ઘટનાસ્થળે કેટલાક રિપોર્ટરો પણ આમ કહે છે.
મોટા ભાગના સંવાદદાતા પુરુષ હતા જેઓ કહેતા હતા કે આ પરિવારને જોતા નથી લાગતું કે તેમણે પોતાની પુત્રી ગુમાવી છે. એક કહે છે કે તેમને પુષ્કળ રૂપિયા મળ્યા છે. પરંતુ કોઈ એ નથી સમજતું કે ગરીબોને પણ પોતાના સ્વજન ગુમાવવાનો અફસોસ થાય છે.
વળતર મળવાથી વ્યક્તિની ખોટ ભરપાઈ નથી કરી શકાતી અને માત્ર આંસુ વહાવીને દર્દ વ્યક્ત નથી કરી શકાતું. પાછલા ઘણા દિવસોથી ગામમાં ભીડ છે. મરનારના ઘરે મોટું ટોળું થાય છે.

દરરોજ આંસુ વહાવતી માતા

ઇમેજ સ્રોત, CHINKI SINHA/BBC
ચોથી ઑક્ટોબરે જે ઘરમાં કોઈએ ખાધું પણ ન હતું ત્યાં ઘણા લોકો "બાઇટ" લેવા આવી રહ્યા હતા. સમય જ ન હતો. થોડે દૂર એક ટીવી ન્યૂઝ ઍન્કર ન્યાય માટે દેકારો કરી રહી છે. બધું લાઇવ છે. આ ગામ, પીડિતાનું મકાન...ખેતરને ટીવી સ્ટુડિયોમાં તબદીલ કરી દેવાયા છે.
જે લોકો તમારા કાનમાં ધીમા અવાજે કહે છે કે પીડિત પરિવારે પોતાની પુત્રીને ગુમાવવાનો શોક પણ ઠીક રીતે નથી મનાવ્યો, તેમણે કદાચ તે પુત્રીની માતાની વાતને ધ્યાનથી નથી સાંભળી. તેની માતાની આજીજીને પુરાવા નથી ગણવામાં આવ્યા.
જે દિવસે અહીંથી મોટા ભાગના રિપોર્ટરો પોતાના બોરિયા-બિસ્તર ઉઠાવી રહ્યા હતા તે દિવસે પણ તે માતા રડી રહી હતી. તે કહે છે કે મને તો આ દેકારામાં બહુ વિચિત્ર લાગતું હતું.
છેલ્લા ઘણા દિવસોથી તેઓ રાજનેતાઓ, સામાજિક કાર્યકરો, પોલીસ અને પત્રકારો વચ્ચે ઘેરાયેલાં હતાં. આવામાં તેમના દુ:ખને પણ બદનામ ગણવામાં આવ્યું. પરંતુ તે માતાએ પોતાના દુ:ખને પોતાનામાં એવી રીતે સમાવી લીધું કે તે કાયમ માટે તેના દિલમાં સમાઈ ગયું.
કલ્પના કરો કે તમે તમારા મનની અંદર લાગણીઓ કોઈ બ્લૅક હોલમાંથી પસાર થઈ રહી હોય અને તમારી ચારે બાજુ માત્ર રાખ ઊડી રહી હોય. પછી તે રાખ તમારી અંદર સમાઈ જાય છે. કોઈ પોતાના સ્વજનને ગુમાવીને કેટલું રડે છે તેનો કોઈ માપદંડ નથી હોતો. પરંતુ અહીં તેનો પણ હિસાબ લગાવવામાં આવે છે.

ગામમાં વાલ્મીકિઓ સૌથી નીચલા સ્તરે

ઇમેજ સ્રોત, GOPAL SHOONYA/BBC
ગામમાં મોટા ભાગના ઠાકુરો વાલ્મીકિઓને હિંદુ અથવા આ દેશમાં સમાન દરજ્જાના નથી ગણતા. આભડછેટના વિચારો હજુ પણ મજબૂતીથી ટકી રહ્યા છે. તેને કોઈના પણ વિશે અભિપ્રાય બાંધવાનો માપદંડ ગણવામાં આવે છે. પરંતુ રેપના મામલામાં કોઈ આભડછેટ નથી હોતી.
"યૌન ઇચ્છાઓ"નું સામાન્યીકરણ થઈ ચૂક્યું છે. કોઈ પણ દંભ અને મહિલાઓ પ્રત્યેનો દ્વેષ જાતપાતના બંધનોમાં ક્યાં માને છે? દેશમાં દલિત મહિલાઓ સાથે બળાત્કારની અગણ્ય ઘટનાઓ આ બાબતનો પૂરાવો છે.
વાલ્મીકિઓને અહીં ''ભંગી''(જે શબ્દ અપમાનજનક ગણાય છે) કહેવામાં આવે છે જે જાતિ વ્યવસ્થાના સૌથી નીચા ક્રમ પર છે. ગામમાં વાલ્મીકિઓના ચાર પરિવારો છે. તેમના બધાના ઘર એકબીજાની નજીક જ છે. આ ઘર બાકીના ગામથી થોડા દૂર છે. એક રસ્તો છે જે આ ઘરોને બાકીના ગામથી જોડે છે, અથવા અલગ કરે છે, ખબર નથી.
આ ભાગલા, આ ભેદભાવ અહીં ન જાણે કેટલાય વર્ષોથી ચાલે છે.
સંધ્યા એ મૃત યુવતીનાં ભાભી છે. સંધ્યાનાં બહેન પ્રીતિ કહે છે કે ઇટાવામાં તેના ગામમાં વાલ્મીકિઓ સાથે આટલો ભેદભાવ નથી થતો. પરંતુ આ ગામમાં તો વાલ્મીકિઓ પાસેથી કોઈ ચીજ ખરીદી લો તો તેને પાછી પણ નથી આપી શકતા કારણ કે તેમનો સ્પર્શ સામાનને ગંદો કરી નાખે છે.

જેની સાથે પ્રેમ તેના પર બળાત્કાર કઈ રીતે?

ઇમેજ સ્રોત, CHINKI SINHA/BBC
પ્રીતિ કહે છે કે કોઈ ઠાકુર પર વાલ્મીકિનો પડછાયો પણ પડી જાય તો તેઓ પોતાને અપવિત્ર માની લે છે.
દિલ્હીથી મૃતદેહ આવ્યો ત્યારથી પ્રીતિ અહીં છે. તે તેને ઓળખે છે. તે સવાલ કરે છે, "તમે મને જણાવો, તમે કોઈથી પ્રેમ કરો છો, તો શું તેના પર બળાત્કાર કરશો? શું પ્રેમ કરવો એ ગુનો છે? તેમને સ્ત્રીની શક્તિનો પરચો આપવો જ પડશે. આપણે આ વાતોનો વિરોધ કરવો પડશે."
મૃત યુવતી વિશે જે વાતો કરવામાં આવે છે તેનાથી પ્રીતિ ઘણાં નારાજ છે. તે કહે છે, "તમે જ્યારે કોઈ નીચલી જાતિમાં જન્મ લેશો ત્યારે તમને દેશની જાતિ વ્યવસ્થાની ખબર પડશે. અત્યારે તમને અમારી તકલીફ નહીં સમજાય. તમને અંદાજ નથી કે તેઓ અમને કઈ નજરે જુએ છે. તેઓ અમને ભૂલથી પણ સ્પર્શ કરી જાય તો તેઓ ઘરે જઈને સૌથી પહેલા નહાય છે. અમને બધી ખબર છે. જાતિ વિશે અમારો અનુભવ સાવ અલગ છે. આ અમારો રોજનો અનુભવ છે."
તેમનો નાનો ભાઈ ખૂણામાં ઉભો છે. 14 સપ્ટેમ્બરે તેની બહેનને અલીગઢની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તે મોડી રાતે ત્યાં પહોંચ્યો હતો. તે નોઈડાની એક લેબમાં પટાવાળા તરીકે કામ કરે છે.
ભાઈ મને જણાવે છે, "તે મારા કરતા ઉંમરમાં મોટી હતી. ગયા વર્ષે શિયાળામાં હું તેના માટે લાલ જેકેટ અને બૂટ લાવ્યો હતો. હું તેના માટે ઘણી વખત કંઈને કંઈ લાવતો હતો. તે મારી પાસેથી ક્યારેય કંઈ માગતી ન હતી."
તે આગળ જણાવે છે, "અમે આ ગામમાં ભય હેઠળ જીવીએ છીએ. અમને રૂપિયાની જરૂર નથી. અમે રૂપિયા જાતે કમાઈ શકીએ છીએ. પરંતુ અમારી આબરુનું શું?"

યુવતીના પરિવારજનોની સુરક્ષાનો સવાલ

ઇમેજ સ્રોત, GOPAL SHOONYA/BBC
આખા ગામમાં પોલીસ જોવા મળે છે. ચોથી ઑક્ટોબરે જ્યારે દલિત નેતા ચંદ્રશેખર આઝાદે કહ્યું કે જ્યાં સુધી રાજ્ય સરકાર પીડિત પરિવારને વાય કૅટેગરીની સુરક્ષા નહીં આપે ત્યાં સુધી તેઓ પીડિત પરિવારને પોતાની સાથે લઈ જવા માંગે છે.
ચંદ્રશેખર આઝાદ કહે છે, "જો કંગનાને સુરક્ષા મળી શકતી હોય તો મારા પરિવારને શા માટે નહીં? મને આ સરકાર પર ભરોસો જ નથી. મને માત્ર સુપ્રીમ કોર્ટ પર ભરોસો છે. જો તેઓ પરિવારને સુરક્ષા નહીં આપે તો હું તેને પોતાના પરિવારની સાથે લઈ જઈશ."
જોકે, ત્યાર પછી ચંદ્રશેખર આઝાદ તે લોકોને પોતાની સાથે લીધા વગર જ જતા રહ્યા. બાદમાં આઝાદે જણાવ્યું કે તેમને પરિવારને પોતાની સાથે લઈ જવાની મંજૂરી નહોતી મળી.
ચંદ્રશેખર આઝાદ વિરુદ્ધ કલમ 144ના ઉલ્લંઘનના આરોપમાં એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આટલું જ નહીં, ઉત્તર પ્રદેશ પોલીસે અન્ય 400થી વધુ અજ્ઞાત લોકો સામે પણ આ જ કેસ દાખલ કર્યો છે.
ભીમ આર્મીના પ્રમુખ આઝાદે માગણી કરી છે કે હાથરસની ઘટનાની તપાસ સુપ્રીમ કોર્ટના એક રિટાયર્ડ જજને સોંપવી જોઈએ જે નિશ્ચિત સમયમર્યાદામાં પોતાનો રિપોર્ટ સોંપી દે.
ઘરની છત પર એક તારથી હેલોજન બલ્બ લટકી રહ્યો છે. ચંદ્રશેખર આઝાદ જ્યારે પીડિત પરિવારને મળવા આવ્યા હતા ત્યારે તેઓ તે લોકોને બંધ ઓરડામાં મળ્યા હતા. ઘરની બહાર જ એક પ્રેસ કૉન્ફરન્સ પણ થઈ હતી. લાકડાના એક પાટિયાને ટેબલ બનાવવામાં આવ્યું જેના પર ઢગલાબંધ માઇક ગોઠવવામાં આવ્યા હતા.
પ્રેસ કૉન્ફરન્સને કવર કરવા આવેલા પત્રકારો અને વીડિયોગ્રાફર્સે ઘરની છત પર અને બહાર પૉઝિશન સંભાળી હતી.
આઝાદને પત્રકારોએ ઘેરી લીધા હતા. જ્યારે ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદ ગામમાં આવ્યા છે તેવા સમાચાર ફેલાયા ત્યારે શ્રી રાજપૂત કરણી સેનાએ "હકીકતની ચકાસણી" માટે પોતાની એક ટીમને પણ ગામમાં મોકલી હતી.
કરણી સેનાના સુભાષ સિંહે જણાવ્યું કે, તેઓ આ ગામમાં એટલા માટે આવ્યા કારણ કે ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદ પણ આવી રહ્યા હતા અને તેમને હૅડક્વાર્ટરથી જણાવાયું કે તેઓ પણ આ ગામમાં પહોંચે.
સુભાષ સિંહે જણાવ્યું કે, "અમે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં પણ લડીને ન્યાય મેળવ્યો હતો. તેમાં મીડિયાએ અમારી ઘણી મદદ કરી હતી. હવે જોઈએ કે અહીંની હકીકત શું છે."
મને સમજાયું નહીં કે આત્મહત્યાના મામલામાં કોની સામે લડીને તેમને શું મળ્યું જેને તેઓ 'ન્યાય' ગણાવતા હતા.

એ યુવતી જે હવે નથી રહી...

ઇમેજ સ્રોત, CHINKI SINHA/BBC
સૌથી પહેલો સવાલ પૂરાવાનો છે. ત્યાર પછી સવાલ છે કે આખરે પૂરાવા કોને ગણવા? શું દલિત મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓના લાંબા ઇતિહાસને પણ પૂરાવા ગણી શકાય?
શું એ વાતને પણ પૂરાવો ગણી શકાય કે જ્યારે તેની બહેનને ઢસડીને લઈ જવાઈ રહી હતી ત્યારે તેણે કોનું નામ પોકાર્યું હતું? અને શું એ સ્મૃતિને પણ પૂરાવા તરીકે ગણી શકાય જે હવે પીડિતાનાં પરિવાર પાસે બચી રહી છે? શું પૂરાવામાં તે સેન્ડલને પણ ગણવામાં આવશે જેના પર મોતી જડાયેલાં છે? આ સેન્ડલ તેનો ભાઈ પોતાની બહેન માટે લાવ્યો હતો.
યુવતી કહ્યા કરતી હતી કે વડા પ્રધાને 'બેટી બચાવો, બેટી પઢાઓ' યોજનાની શરૂઆત કરી તેનો તેને આનંદ હતો. તે સ્વયં તો વધારે ભણી શકી ન હતી. પરંતુ પોતાના ભાભીને તે જરૂર કહેતી હતી કે તેની ત્રણેય ભત્રીજીઓ શાળાએ જઈ શકશે.
'દીકરીનો સામાન ફેંકીશું નહીં, કોઈને આપીશું નહીં'

ઇમેજ સ્રોત, CHINKI SINHA/BBC
પ્રીતિ કહે છે, "ગામડાની છોકરીઓનાં બહુ મોટા સ્વપ્નો નથી હોતા. તમે તો શહેરથી આવો છો. અમારા માટે આ સવાલો મહત્ત્વના નથી."
તે છોકરીએ માત્ર એક વખત ગામની બહાર પગ મૂક્યો હતો, જ્યારે તે પોતાના કાકીની સારસંભાળ માટે દિલ્હી ગઈ હતી, અને તે નાનકડી હતી ત્યારે એક વખત પોતાની નાનીનાં ઘેર ગઈ હતી.
પ્રીતિ યાદ કરતા કહે છે, "દીદી તો હંમેશા કામમાં જ વ્યસ્ત રહેતી હતી."
સંધ્યાને તો તેની વિદાયથી બહુ એકલતા લાગે છે. તેની ગેરહાજરી તો સંધ્યાને કાયમ ખટકશે. સંધ્યાનાં જ્યારે લગ્ન થયા ત્યારે પીડિતાની ઉંમર બહુ નાની હતી. ધીમે ધીમે નણંદ-ભાભી ગાઢ સહેલીઓ બની ગઈ. તેની બંને મોટી બહેનોનાં લગ્ન થઈ ગયા હતા. સંધ્યા પોતાની નણંદ માટે જૂના સિલાઈ મશીન પર કપડાં સિવ્યા કરતી હતી.
દીકરીને યાદ કરતા માતાનું ગળું હજું પણ ભરાઈ આવે છે. તે પોતાની દીકરીની વિશેષતાઓ ગણાવે છે, "તેનું નાક એકદમ સીધું હતું. તે બહુ સુંદર હતી. તેનો સામાન તો હજુ પણ ઘરમાં રાખ્યો છે. તે સામાનને ફેંકીશું નહીં. કોઈને આપીશું પણ નહીં."
આમ તો તેનો ઝાઝો સામાન પણ ક્યાં છે? કેટલાંક કપડાં છે. એક જોડી સેન્ડલ છે. પહેરેલી એક જોડી ચપ્પલ છે. કાનમાં પહેરવાની કેટલીક સસ્તી વાળી છે જે તેણે તાજેતરમાં જ ખરીદી હતી, દિવાળી પર પહેરવા માટે. વાદળી રંગનું એક ગાઉન છે જે તેના ભાભીએ ગયા વર્ષે પરિવારમાં એક લગ્નપ્રસંગે આપ્યું હતું. તેનો બસ આટલો જ સામાન ઘરમાં છે.
એક વખત તેણે ચટ્ટાઈ ગૂંથી હતી અને ત્રણ ઝાડુ પણ બનાવ્યાં હતાં. હવે ટીવી વાળાને દેખાડવા માટે તે બહાર રાખેલા છે. પરંતુ કોઈને ખબર નથી કે તે છોકરી શું હતી. તેનાં સ્વપ્ન કેવા હતા, કે પછી તેને સૌથી વધારે કઈ વાતનો ડર લાગતો હતો.
તેને પોતાનો અંગૂઠો ચૂસતા રહેવાની આદત હતી. સંધ્યાએ તેની આ આદત છોડાવવા એક વખત અંગૂઠા પર લીમડાના પાંદડા ઘસીને લગાવી દીધા હતા પરંતુ તે મોઢામાં અંગૂઠો નાખીને જ સુતી હતી.
સંધ્યા યાદ કરે છે, "તેણે ક્યારેય પોતાના નખ પર નેલ પોલિશ નહોતી લગાવી. તે અંગૂઠા પર મહેંદી પણ નહોતી લગાવતી."

પોતાનું જ ઘર પારકું થયું

ઇમેજ સ્રોત, CHINKI SINHA/BBC
ઘરનું એક ટીવી એક ખૂણામાં પડ્યું છે. ખેતરમાંથી છોકરી બેહોશીની હાલતમાં મળી આવી ત્યારથી પરિવારે તેને ચાલુ નથી કર્યું. ઘરના ઓરડામાં લીલો રંગ કરવામાં આવ્યો છે. પરિવારના તમામ લોકો અહીં એકઠા થતા હતા.
માતાપિતાને ભોજન કરાવ્યા પછી તે ભાઈ-ભાભીની સાથે જ ખાવાનું ખાતી હતી. છેલ્લા કેટલાક દિવસોથી તો તેમને ખાવાનું બનાવવાની તક જ નથી મળી.
છઠ્ઠી ઓક્ટોબરે પ્રીતિએ ખાવાનું બનાવ્યું હતું, પરંતુ કોઈએ ખાધું જ નહીં. બહારના લોકો તેમને મળવા આવે ત્યારે તેઓ માત્ર તેમને સાંભળે છે. તેમની પાસે બાઇટ માંગવામાં આવે ત્યારે તેઓ કંઈક બોલે છે.
પરિવાર માટે તો આ રોજની કડાકૂટ છે. પોતાના જ ઘરમાં તેઓ ત્યાં બેસે છે જ્યાં તેમને બેસવા માટે કહેવામાં આવે. ઘરની ઓસરીમાં લીલા રંગની દીવાલો પર કૃષ્ણ, રામ, લક્ષ્મી અને બીજા હિંદુ દેવી-દેવતાઓની તસવીરો લગાવેલી છે. અંદર જે પૂજાઘર છે ત્યાં પણ હિંદુ ભગવાન બિરાજમાન છે.
તાજેતરમાં જ કોઇએ તેમને બુદ્ધની મૂર્તિ અને એક પોસ્ટર ભેટમાં આપ્યા હતા. આ મૂર્તિ કોણે આપી હતી તે પરિવારને યાદ નથી. પરંતુ બીજા દિવસે તમે ત્યાં જાવ છો તો તમને ત્યાં બુદ્ધની મૂર્તિ જોવા મળશે. આ મૂર્તિ આશાનું પ્રતીક છે.
તેનાથી તેમને એ અફવાઓ સામે લડવાની શક્તિ મળશે જે તેમની પુત્રી વિશે અને તેમના વિશે જોરશોરથી ફેલાવવામાં આવી રહી છે. ગામમાં તેમની સંખ્યા ભલે બહુ ઓછી હોય પરંતુ પરિવારે નક્કી કર્યું છે કે દીકરીને ન્યાય અપાવવાનો જંગ તેઓ જરૂર લડશે.

'અફેર'ની અફવા, 'જૂની અદાવત' અને 'આંતરરાષ્ટ્રીય ષડયંત્ર'

ઇમેજ સ્રોત, CHINKI SINHA/BBC
જૂની પારિવારિક લડાઈ, અફેરની અફવાઓ, આરોપી અને મૃત યુવતીનાં ભાઈ વચ્ચે વાતચીતના કૉલ રેકર્ડ તથા હિંસા ભડકાવવાના ઇરાદાથી વિદેશથી આવેલું ફંડિંગ એ માત્ર આ મામલામાં આવેલા નવા ટ્વિસ્ટ નથી.
મૃત યુવતીનાં ઘરની બહાર વાલ્મિકી પરિવારની એક મહિલા ઊભી છે. તે કહે છે કે તે આ મામલે કંઈ નહીં બોલે. અહીં બધા ચૂપ છે.
બીજી તરફ ઠાકુરોના ઘરની બહાર એક આરોપી રામુના માતા રાજવતી દેવી કહે છે કે આરોપીઓ નિર્દોષ છે. તે પૂછે છે, "ત્યાં લોકો શું કહે છે? અમે તો નાર્કો ટેસ્ટ માટે તૈયાર છીએ. પરંતુ તેઓ શા માટે ટેસ્ટ માટે તૈયાર નથી થતાં?"
સામેની બાજુએ એક લીલા રંગના મકાનની બહાર છોકરીનાં કાકીનો ગુસ્સો છલકાય છે. તે કહે છે, "તેમણે તો અમને છેલ્લે છેલ્લે મોઢું પણ જોવા ન દીધું. અમે ગરીબ ભલે છીએ, પરંતુ ન્યાય માટે લડીશું."
ગામમાં સન્નાટો અને એકબીજાને ખોટા ઠેરાવતા નિવેદનોની બોલબાલા છે.
હકીકત માત્ર એટલી છે કે એક દલિત યુવતીની હત્યા કરવામાં આવી છે. સવાલ એ છે કે આપણે શું સાંભળવા માંગીએ છીએ. અને આપણે જ્યારે આટલી નજીક પહોંચી જઈએ છીએ ત્યારે અંતમાં શું જોવા મળે છે.
પોસ્ટ-ટ્રુથનો અડ્ડો બની ચુકેલા આ ગામમાં ફરીને કંઈક શીખવાની કોશિશ કરી શકાય છે. એક મહિલા તરીકે, એક પત્રકાર તરીકે જ્યારે તમને તમામ લોકોનાં સામુહિક અનુભવનો અંદાજ આવવા લાગે ત્યારે બાજરીના ખેતરોથી ડર લાગવા લાગે છે.
પ્રીતિ કહે છે કે તેને ક્યારેય એ વાતથી ડર નથી લાગ્યો, કારણ કે તે તો દરરોજ સવારે ભેંસો માટે ચારો લેવા માટે ખેતરમાં જતી હતી. પરંતુ હવે તે જ બાજરાના ખેતર એક બળાત્કાર અને હત્યાનું ઠેકાણું છે.
અમે ત્યાં થોડો સમય રોકાઈએ છીએ, જ્યાં તે છોકરીને ઢસડીને લઈ જવામાં આવી હતી. અહીં અંધકાર આપણો પડછાયો નથી. ન તો દિવસનો પ્રકાશ આપણો હમસફર છે. મારા મનમાં તો જે દૃશ્ય સ્થિર રહી ગયું છે, તે મોતી જડેલા સેન્ડલોનું છે જે તેણે ક્યારેય પહેર્યા ન હતાં. તેના પર હજુ પણ ટૅગ લાગેલું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












