પાકિસ્તાનની એ 'ચુડેલો' જે ભારતમાં મચાવી રહી છે ધમાલ

સીરિઝની તસવીર

ઇમેજ સ્રોત, THE CHURAILS

ઇમેજ કૅપ્શન, સીરિઝની તસવીર
    • લેેખક, વંદના
    • પદ, ટીવી ઍડિટર, ભારતીય ભાષાઓ

"કોણ જાણતું હતું કે એક ખૂની ચુડેલ મારા માટે દેવદૂત બનીને આવશે."

અજાણી વ્યક્તિના માનમાં ઝૂબૈદા આ સંવાદ ત્યારે કહે છે જ્યારે એક 'ચુડેલ' તેમને પોતાના માતાપિતાથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે.

જ્યારે પડદા ઉપર પાત્રોને ખૂની અને ચુડેલ જેવા શબ્દો સાથે રજૂ કરવામાં આવે છે, ત્યારે તમને થશે કે આ કઈ દુનિયાના લોકો છે.

આ દુનિયા ખરેખર વસે છે કરાચી શહેરના મોટા ઓરડાંઓ અને નાની શેરીઓમાં.

પાકિસ્તાનની આ વેબ સિરીઝનું નામ છે - ચુડેલ્સ. આ સિરીઝને ઝી -5 પર સ્ટ્રીમ કરવામાં આવી રહી છે અને ભારતમાં પણ તેની ચર્ચા થઈ રહી છે.

line

વકીલ, ખૂની, વેડિંગ પ્લાનર અને બૉક્સર

સીરિઝની તસવીર

ઇમેજ સ્રોત, THE CHURAILS

ઇમેજ કૅપ્શન, સીરિઝની તસવીર

પરંતુ આ પાકિસ્તાની વેબ સિરીઝમાં કોઈ જાદુ અથવા ભૂત-પ્રેત નથી.

આ કાલ્પનિક મહિલાઓની વાર્તા છે જેમને વાસ્તવિક જીવનમાં કદાચ આપણે રોજ મળતાં હોઈએ છીએ, પરંતુ તેમની વાસ્તવિક વાર્તાથી માહિતગાર હોવા છતાં અજાણ રહીએ છીએ.

વાર્તાનાં પાત્રો પોતાની જાતને કંઈક આ રીતે રજૂ કરે છે - ''એક વકીલ, એક ખૂની, એક વેડિંગ પ્લાનર અને એક બૉક્સર સાથે મળી ગયા અને તેમને સમજાયું કે અત્યાર સુધી તેઓ એક પૂતળાની જેમ જીવી રહ્યાં હતાં. પૂતળું જે તમારા સન્માન ખાતર તમારા સન્માન સાથે લપટાયેલું રહે છે.

આ વાર્તાની ખાસ વાત એ છે કે આ એવી સ્ત્રીઓની કહાણી છે જેમને ખબર છે કે પોતાનો અધિકાર કઈ રીતે માગવો, અધિકાર ન મળે તો કઈ રીતે તે ઝૂંટવી લેવો. તેઓ જો ધાર્યું ન થાય તો સામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કરી શકે છે અને મજાની વાત છે કે આ બધું એક પુરુષ નહીં પરતું મહિલાના દૃષ્ટિકોણથી દેખાડવામાં આવે છે.

તને કોણ કામ આપશે?

સીરિઝની તસવીર

ઇમેજ સ્રોત, THE CHURAILS

ઇમેજ કૅપ્શન, સીરિઝની તસવીર

આ શ્રેણીના નિર્દેશક અસમ અબ્બાસી પાકિસ્તાની મૂળના બ્રિટિશ નાગરિક છે.

જ્યારે મેં તેમને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે જાણે પોતાની ઉપર હસતાં હોય તે રીતે જવાબ આપતા કહ્યું, "મહિલાઓની વાર્તાને મહિલાની દૃષ્ટિકોણથી જ દેખાડવી એ મારા માટે પડકાર હતો. આ એક ભયાનક અનુભવ પણ હતો. કારણ કે હું પણ એક પુરુષ છું.

"બે વર્ષથી મને કાયમ એક ભય હતો કે મારી પુરુષ તરીકેની માનસિકતા ભૂલથી પણ વાર્તા પર હાવી ન થઈ જાય. તેથી હું જે કંઈ પણ લખતો, મારા સહાયક ડિરેક્ટરોને બતાવતો, કારણ કે તે મોટે ભાગે મહિલાઓ હતી."

ચુડેલ અને તેનાથી સંબંધિત મુદ્દાઓ સમજવા માટે તેના પાત્રોની દુનિયાને સમજવું મહત્ત્વપૂર્ણ છે.

જેમ-જેમ ચુડેલ્સનાં પાત્રો વિશેની માહિતી બહાર આવે છે, તમને પાત્રોની સાથે સમાજની નવી-નવી વાસ્તવિકતાનો પરિચય મળવા લાગે છે.

અહીં પહેલી ચુડેલ સારા (સરવત ગિલાની) છે, જે એક ખૂબ જ શ્રીમંત માણસની સારી શિક્ષિત પત્ની છે અને તેઓ બાળકો અને પતિની સંભાળમાં ડૂબેલાં રહે છે.

એક દિવસ સારાને લાગે છે કે તેમણે પોતાનું વકીલાતનું કામ ફરીથી શરૂ કરવું જોઈએ પરંતુ પતિ જામિલ ખૂબ જ સરળતાથી કહે છે - "તારા કામને કાટ લાગી ગયો છે. તને કોણ કામ આપશે? એમ પણ શું કમી છે?... હું છું ને!"

જવાબમાં સારા કહે છે "આજકાલ હું થોડી ઓછી છું."

line

અલગ-અલગ સ્ત્રીઓની એક સમાન વાર્તા

ચુડેલ

ઇમેજ સ્રોત, THE CHURAILS

આ એક સંવાદમાં તમે ફક્ત સારાનો જ નહીં પરંતુ એ તમામ મહિલાઓનો ખાલીપોનો અનુભવી શકો છો કે જેમને 'જ્યારે પતિ કામ કરે છે તો તમારે નોકરી કરવાની શી જરૂર છે?'ની દલીલ આપવામાં આવે છે. એ પણ સમજવાની કોશિશ થતી નથી કે દરેક સ્ત્રી માત્ર પૈસા કમાવવા માટે કામ કરવાનો નિર્ણય નથી લેતી.

બીજી ચુડેલ સારાની મિત્ર જુગ્નુ ચૌધરી (યસરા રિઝવી) છે. તે એક શ્રીમંત કુટુંબની સિંગલ છોકરી છે. તેમની સાથે પરિવારે બધા સંબંધો કાપી નાખ્યા છે કારણ કે તેમણે એક શ્યામવર્ણની વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતાં અને આ રંગભેદ તેમનાં છૂટાછેડા બાદ જ ખતમ થયો.

બિન્દાસ જુગ્નુ સમાજની તે મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ બંધનોને નથી સ્વીકારતી, પરંતુ કેટલીક અજાણી વાતો એવી છે કે જેના ભાર સાથે તેઓ જીવે છે.

ત્રીજી ચુડેલ ઝુબૈદા (મેહર બાનો) છે જેમને મોહમ્મદ અલી બનવું છે. તેઓ કહે છે કે "જ્યારે મારા હાથમાં ગલ્વ્ઝ હોય છે અને હું એક પછી એક મુક્કો મારું છું ત્યારે લાગે છે કે જાણે મારા શરીરમાં જીવ આવી ગયો છે."

જોકે, તેમનું ઘર નરકથી કમ નથી. એ એક એવું ઘર છે જ્યાં છોકરી જાતે કંઈ પણ કરવા માટે સ્વતંત્ર નથી. છોકરા સાથે મિત્રતા કરવાના કારણે અને છોકરી થઈને બૉક્સિંગનો શોખ રાખવાના કારણે માતાપિતાએ ઝુબૈદાને ઘરમાં કેદ કરી લીધી છે. તમે તમારી આસપાસ આવી ઝુબૈદા જોઈ હશે.

ચોથી ચુડેલ એ છે જેનાં માટે પડોશીઓનો અભિપ્રાય હોય છે "બિલ્ડિંગમાં શું ઓછાં ચોર અને હતા કે હવે પડોશમાં ખૂની રહેવાં આવી ગઈ."

બતૂલની ભૂમિકા ભજવનારી પાકિસ્તાની અભિનેત્રી નિમરા બુચા કહે છે, "મહિલાઓને સામાન્ય રીતે ટીવી અથવા ફિલ્મના પડદે એવી રીતે રજૂ કરવામાં આવે છે જેથી વિશ્વને તેમનો સ્વીકાર કરવો સહેલો થઈ જાય છે. કહેવાનો મતલબ છે કે સ્ત્રી કાં તો બિચારી હોય છે અથવા તો પુરુષ તેને પ્રેમ કરીને બચાવે છે. અથવા તેઓ એક એવી સ્ત્રી છે જે બીજી સ્ત્રીની પીઠ પાછળ હુમલો કરે છે અને દગો દે છે. પછી તે સાસુ, ભાભી અથવા મિત્ર હોઈ શકે છે. ફક્ત એટલું જ બતાવવામાં આવે છે કે એક સ્ત્રી બીજી સ્ત્રીની દુશ્મન છે."

"વાસ્તવિક જીવનમાં એવું નથી. આ માત્ર એક ટ્રૅન્ડ છે. અને તમને ડર લાગે છે કે જો આપણે કંઇક જુદું કરીએ તો લોકોને તે પસંદ નહીં આવે. પરતું ચુડેલ્સનાં પાત્રો ખૂબ વાસ્તવિક અને મજેદાર હતાં."

line

બળાત્કાર, જાતીય હિંસા અને ઘરેલુ હિંસા

ચુડેલ

ઇમેજ સ્રોત, THE CHURAILS

બતૂલ એવી મહિલા છે કે જેમણે 20 વર્ષ જેલમાં પસાર કર્યાં છે. એમણે પોતાના પતિની હત્યા કરી હતી. કારણ એ કે પતિ માત્ર તેમની સતામણી જ કરતો ન હતો, પરંતુ સાત-આઠ વર્ષની દીકરી પર શારીરિક અત્યાચાર પણ કરતા હતા.

ચુડેલ્સમાં એક પોલીસકર્મીના અવાજમાં જો કહીએ તો બતૂલે "તેની મર્દાનગીને ઇસ્ત્રીથી સળગાવીને તેની બધી ગરમી દૂર કરી નાખી હતી. પછી તે જ ઇસ્ત્રીથી તેનું માથું પણ ફોડી નાખ્યું."

બળાત્કાર, છોકરીઓ સાથે યૌનશોષણ અને ઘરેલુ હિંસા આ તમામ મુદ્દાઓ આ વેબ સિરીઝમાં એક પછી એક સામે આવે છે. વાર્તા ભલે કરાચીની હોય, પણ જો તમે ઇચ્છો તો કરાચીની જગ્યાએ મુંબઈ નામ આપી શકો છો.

ઝુબૈદા અથવા સારાની જગ્યાએ જ્યોતિ અથવા સીમા નામ રાખી શકો છો. કદાચ ઉર્દૂને બદલે તેઓ હિન્દી અથવા મરાઠી અથવા ભોજપુરી કે ગુજરાતી બોલતાં હશે. કંઈ ફરક નહીં પડે. મહિલાઓની એ ગૂંગળામણ અને દુઃખ એ જ રહેશે. આ વેબ સીરિઝની આ જ સુંદરતા છે અને શક્તિ પણ.

ચુડેલની આ દુનિયા એ અર્થમાં પણ ભિન્ન છે કે તેમાં એવી બધી મહિલાઓ સામેલ છે જેમને સમાજનો ભાગ પણ માનવામાં આવતી નથી. બે મહિલાઓ સમલૈંગિક છે અને એક ટ્રાન્સજેન્ડર છે.

જોકે, તેમનો અલગ ટ્રેક નથી. તે ફક્ત અન્ય મહિલાઓની જેમ જ છે. તેમનાં અસ્તિત્વને ન્યાયી ઠેરવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. અલબત, ટ્રાન્સજેન્ડર અને સમલૈંગિક સંબંધો બતાવવાના કારણે પાકિસ્તાનમાં ઘણા વર્ગોએ આ શ્રેણીની ટીકા કરી છે.

ડિરેક્ટર અસીમ આ ટીકાઓને કંઈક આ રીતે જુએ છે, "ટીકા કરનારાઓ ઘણા સમય સુધી એ નક્કી ન કરી શકયાં કઈ વસ્તુની ટીકા કરીએ. આ શ્રેણીમાં સમલૈંગિક મહિલાઓથી લઈને ટ્રાન્સજેન્ડર છે. મહિલાઓ ગાળ પણ આપે છે, તેઓ દરેક બાબતમાં પોતાનાં વિચારો મૂકે છે, તેથી ટીકા થશે એવી ગણતરી હતી. પરંતુ આ શ્રેણીએ એવા પુરુષોને પણ બતાવ્યા છે જેઓ આ મહિલાઓ સાથે ખરેખર સહાનુભૂતિ ધરાવે છે.''

''લોકોએ એમ પણ કહ્યું કે તે એલજીબીટીને પ્રોત્સાહન આપે છે. હું તે લોકોને પ્રસિદ્ધ નહીં પણ સામાન્ય વ્યક્તિ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. કારણ કે સમાજમાં આવી મહિલાઓ અને પુરુષો છે. બધી સ્ત્રીઓ એક સમાન છે જો હું એવું દેખાડું તો શું તે ખૂબ જ વિચિત્ર નહીં થઈ જાય? ''

"અમે ટ્રાન્સજેન્ડર ભૂમિકા માટે ટ્રાન્સજેન્ડર કલાકારની પસંદગી કરી છે. આ ભૂમિકા ભજવનાર ઝારા ખરેખર તો એક મૅકઅપ આર્ટિસ્ટ છે અને તેમણે ખૂબ જ મહેનત કરી છે." (અહીં મને પાતાલ લોકના ટ્રાંસજેન્ડર પાત્ર ચીનીની યાદ આવી ગઈ, જે એક વાસ્તવિક મણિપુરી ટ્રાન્સજેન્ડર દ્વારા ભજવવામાં આવ્યું છે.)

જોકે, એવું નથી કે આ ચુડેલ સ્ત્રીઓમાં કોઈ ખોટ નથી અથવા અસીમ અબ્બાસીના શબ્દોમાં કોઈ દોષ નથી અથવા બધી 'સતી-સાવિત્રી' છે.

નિમરા બુચા કહે છે કે વાસ્તવિક જીવનની જેમ ચુડેલવાળી આ મહિલાઓમાં પણ ખામીઓ છે. પરંતુ આ મહિલાઓને અથવા તેમનાથી સંબંધિત મુદ્દાઓને સેન્સર કરીને અથવા તેના પર પડદો નાંખી દેવો એ એક ખોટી પરંપરા છે.

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "લિંગના નામે સત્તાનું અસંતુલન સમાજમાં દરેક જગ્યાએ છે. અમે ટીવીમાં જે બતાવીએ છીએ તેનો દરેક શબ્દ આપણે રાખવો પડશે."

"જે તાળા અમારી સ્વતંત્રતાની અભિવ્યક્તિ પર લાગેલા છે તે પણ આ બધા માટે જવાબદાર છે. એક સ્ત્રી, એક માતા તરીકે મને પણ ડર લાગે છે. પરંતુ એક કલાકાર તરીકે, હું એમ ન વિચારી શકું કે જ્યારે સમય સારો હશે ત્યારે હું મારી વાત રજૂ કરીશ. જોકે, આપણા દેશોની પરિસ્થિતિ એવી છે કે લોકો સત્ય કહેવામાં ડરે છે. "

આ શ્રેણીમાં ડિટેક્ટિવ એજન્સીથી શરૂ થયેલી ચુડેલની વાર્તા તમને અંધારા પ્રવાસ પર લઈ જાય છે જ્યાં બળાત્કાર, ડ્રગ્સ, ખૂન, છેતરપિંડી, હેરફેર એ બધું જ છે. એક એવી દુનિયા છે કે જેનો આ ચુડેલોએ ક્યારેય વિચાર કર્યો નથી પરંતુ જ્યારે સામનો કરવો પડે છે ત્યારે પ્રેમ, ઝગડો, ગોળીઓ, પ્રપંચ દરેક રીત અજમાવાય છે.

જ્યારે તેઓ ન્યાય માગવા માટે કાયદાના દાયરાથી આગળ વધે છે, ત્યારે તમે આ ચુડેલોનો તર્ક કાપી ન શકો. તે કહે છે "મારી ઇચ્છા હતી કે બધું કાયદાના દાયરામાં થાય પરંતુ જ્યારે કાયદાનું પુસ્તક ખોલ્યું, તો સમજ પડી કે આ પણ પુરુષોએ જ લખ્યું છે. પછી અમે વિચાર્યું કે અમે તેને ફરીથી લખીશું, પોતાનાં ફાયદા અને પોતાનાં કાયદા. સાલો દાયરો જ ફાડી નાખ્યો."

line

પુરુષોને એક-પરિમાણીય દૃષ્ટિકોણ નહીં

ચુડેલ

ઇમેજ સ્રોત, THE CHURAILS

આ વાર્તા ચોક્કસપણે સ્ત્રીઓ વિશે છે અને પુરુષો વિશે પણ છે જે મહિલાઓના જીવનને નરક બનાવે છે. પરંતુ આ શ્રેણી પુરુષોને એક-પરિમાણીય દૃષ્ટિકોણથી નથી રજૂ કરતી.

સંભવત: જે વ્યક્તિ 'હત્યારી' બતૂલને સૌથી વધારે સમજે જાય છે અને તેને ટેકો આપે છે તે પોલીસ સ્ટેશનનો પોલીસ ઇન્સ્પેક્ટર છે. ઝુબૈદા સાથે ખભાથી ખભો મિલાવીને ઊભો છે એ તેનો બોયફ્રેન્ડ શુમસ છે.

આ લોકો 'આલ્ફા મેલ'ની જેમ મર્દાનગીના મૅડલ સાથે ફરતા નથી. વળી, એ જ સમયે આ ચુડેલ જીવનમાં એવા પુરુષો પણ છે જે નારીવાદી હોવાનો માસ્ક પહેરીને આસપાસ ફરે છે.

આ પાકિસ્તાની શ્રેણીની વિશેષ વાત એ છે કે તેના કલાકારો અને દિગ્દર્શકો પાકિસ્તાનના છે અને તેનું નિર્માણ ભારતીય ઓટીટી પ્લેટફોર્મ ઝી -5 દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે લાંબા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સારા રહ્યા નથી, ત્યારે કલાકારો પર પ્રતિબંધ અંગે નિમરા બુચાની દલીલ કંઈક આવી છે.

"હિન્દી ફિલ્મો અમારા ત્યાં એટલી પ્રખ્યાત છે કે લોકો સિનેમામાં જાય જ એટલા માટે છે જેથી તેઓ ભારતીય સિનેમા જોઈ શકે. વસ્તુઓ પર પ્રતિબંધ મૂકીને આપણે આપણા પગ પર કુહાડી મારીએ છીએ. ભારત અને પાકિસ્તાનનાં કલાકારોની જુગલબંદીનો ભાગ બનવું અમારા માટે ખૂબ સારી વાત છે. હું કહું છું કે આ રાજકારણ બિચારા કલાકારો ઉપર શા માટે સૌથી પહેલાં ઠોકવામાં આવે છે? બીજા પર તો કંઈ જોર ચાલતું નથી તો પછી લાગે છે કે આ ગાનારાને ચૂપ કરી દો કે આ કલાકારને મનાઈ કરી દો."

"કોઈને ચૂપ કરવું એ સરળ છે પણ આ નફરતની જવાબદારી કલાકારો ન લઈ શકે. કલાકારો એક બીજા સાથે કામ કરવા માગે છે. હું પોતે તબૂ અને નીના ગુપ્તાની ચાહક છું અને મને તેઓ ખૂબ ગમે છે."

જ્યાં સુધી ચુડેલની વાત છે, નિમરા કહે છે કે તેના વિરોધ અંગે શંકા હતી પરંતુ નાના કસબા અને શહેરોના લોકોએ તેમનો સ્વીકાર કર્યો છે તે જોઈને આશ્ચર્ય થાય છે.

વાસ્તવિક જીવન વિશે તો ખબર નથી, પરંતુ આ કાલ્પનિક દુનિયામાં, આ મહિલાઓ જે રીતે તેમની સફર ખેડે છે, તે 'કાવ્યાત્મક ન્યાય' જેવી લાગણી પ્રદાન કરે છે. બૉલીવુડનો હીરો જ્યારે ખલનાયકને સજા આપે છે ત્યારે તમને લાગે છે કે જાણે તેમણે સમાજનો અને તમારો બદલો લઈ લીધો હોય.

આ શ્રેણીમાં એક દૃશ્ય છે જ્યાં ઝુબૈદાનાં માતાપિતા દગાથી લગ્ન કરવા માટે તેને ફસાવતાં હોય છે, અને પછી ચુડેલો ઝુબૈદાને બચાવવા માટે આવે છે અને પિતાને (નકલી) ગન પૉઇન્ટ પર એ કહેવા દબાણ કરે છે કે, 'જાઓ ઝુબૈદા જાઓ, જી લો અપની જિંદગી.'

આ હઠીલી, ગુસ્સાવાળી, જાંબાઝ સામાન્ય મહિલાઓ - માફ કરશો ચુડેલો, તમને આવી જ અલગ દુનિયામાં લઈ જાય છે. જો આવી 'ચુડેલો' એ દુનિયામાં રહેતી હોય તો એવી દુનિયા આપણા બધાને મુબારક... કદાચ.

જ્યાં સુધી વિવેચકો અથવા ટ્રોલ કરવાળાનો સંબંધ છે, ત્યાં સુધી તેઓ કહે છે કે "કલાકાર નિર્ભય હોવો જોઈએ, તેની ચામડી પણ જાડી હોવી જોઈએ. તમે લોકોનું મનોરંજન નિશ્ચિતપણે કરવા માગો છો. પરંતુ એક કલાકાર તરીકે તમારી સૌથી મોટી સફળતા એ છે કે તમારું કાર્ય સમાજમાં નવી ચર્ચા શરૂ કરી શકે. કદાચ આવનારા દિવસોમાં આવી વાર્તાઓ મહિલાઓ પોતે જ પરદા પર લાવશે અને કોઈ પુરુષે આ નહીં કરવું પડે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો