ગુરુ દત્તની અસલ જિંદગીમાં પણ 'વક્ત ને કિયા, ક્યા હસીં સિતમ..'

રાજ કપૂર, ખ્વાજા અહમદ અબ્બાસ અને પૃથ્વીરાજ કપૂર સાથે ગુરુ દત્ત.

ઇમેજ સ્રોત, LALITA LAJMI

ઇમેજ કૅપ્શન, રાજ કપૂર, ખ્વાજા અહમદ અબ્બાસ અને પૃથ્વીરાજ કપૂર સાથે ગુરુ દત્ત.
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

દેવ આનંદ સાથે ગુરુ દત્તની પહેલી મુલાકાત પૂણેના પ્રભાત સ્ટુડિયોમાં થઈ હતી. બન્નેનાં કપડાં એક જ ધોબીને ત્યાં ધોવાતાં હતાં.

એક વાર એવું બન્યું કે ધોબી ગુરુ દત્તનું શર્ટ દેવ આનંદને ત્યાં અને દેવ આનંદનું શર્ટ ગુરુ દત્તને ત્યાં ભૂલથી આપી આવ્યો હતો.

મજાની વાત એ છે કે બન્નેએ પોતપોતાને મળેલાં શર્ટ્સ પહેરી પણ લીધાં હતાં.

દેવ આનંદ સ્ટુડિયોમાં પ્રવેશતા હતા ત્યારે ગુરુ દત્તે તેમની સાથે હાથ મેળવીને તેમનું સ્વાગત કર્યું અને પોતાનો પરિચય આપતાં કહ્યું કે "હું દિગ્દર્શક બેડેકરનો આસિસ્ટંટ છું."

ગુરુ દત્તની નજર અચાનક દેવ આનંદના શર્ટ પર પડી. તેમને એ પરિચિત લાગ્યું એટલે તેમણે પૂછ્યું કે "આ શર્ટ તમે ક્યાંથી ખરીદ્યું?"

line
‘પ્યાસા’માં વહીદા રહેમાન અને ગુરુ દત્ત. 1957માં રજૂ થયેલી આ ફિલ્મને ‘ટાઈમ’ સામયિકે વિશ્વની સર્વકાલીન ઉત્તમ 100 ફિલ્મોની યાદીમાં સ્થાન આપ્યું હતું.

ઇમેજ સ્રોત, LALITA LAJMI

ઇમેજ કૅપ્શન, ‘પ્યાસા’માં વહીદા રહેમાન અને ગુરુ દત્ત. 1957માં રજૂ થયેલી આ ફિલ્મને ‘ટાઈમ’ સામયિકે વિશ્વની સર્વકાલીન ઉત્તમ 100 ફિલ્મોની યાદીમાં સ્થાન આપ્યું હતું.

દેવ આનંદ થોડા ખચકાયા, પણ કહ્યું કે "આ શર્ટ મારા ધોબીએ કોઈની વરસગાંઠ પર પહેરવા માટે આપ્યું છે, પરંતુ જનાબ તમે પણ એ કહો કે તમે તમારું શર્ટ ક્યાંથી ખરીદ્યું?"

ગુરુ દત્તે મજાકિયા અંદાઝમાં જવાબ આપ્યો કે એ શર્ટ તેમણે ક્યાંકથી ચોર્યું છે.

એકમેકનાં શર્ટ પહેરીને વાતો કરતા બન્ને જોરથી હસી પડ્યા, એકમેકને ભેટ્યા અને હંમેશ માટે એકમેકના દોસ્ત બની ગયા.

બન્નેએ સાથે મળીને આખું પૂણે શહેર ખુંદી નાખ્યું હતું અને એક દિવસ પોતાનો બીયરનો ગ્લાસ ટકરાવતાં ગુરુ દત્તે વચન આપ્યું હતું કે "દેવ, હું ક્યારેય દિગ્દર્શક બનીશ તો તું મારો પહેલો હીરો હોઈશ."

દેવ આનંદે એટલી જ ગહનતાથી જવાબ આપ્યો હતો કે "મને કોઈ ફિલ્મનું નિર્માણ કરવાની તક મળશે તો તું જ મારો પહેલો દિગ્દર્શક બનીશ."

દેવ આનંદે પોતાનું વચન પાળી બતાવ્યું. નવકેતન ફિલ્મ્સે 'બાઝી' બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે દિગ્દર્શનની જવાબદારી તેમણે ગુરુ દત્તને સોંપી હતી.

line
ગુરુ દત્ત

ઇમેજ સ્રોત, LALITA LAJMI

'બાઝી' ફિલ્મ હિટ સાબિત થઈ અને આ ફિલ્મે ગુરુ દત્તનું જીવન બદલી નાખ્યું. તેમણે તેમના પરિવાર માટે પહેલો સીલિંગ ફેન ખરીદ્યો.

આ ફિલ્મના નિર્માણ દરમ્યાન ગુરુ દત્તની મુલાકાત એવા ઘણા લોકો સાથે થઈ કે જેમની સાથે તેઓ આજીવન જોડાયેલા રહ્યા હતા.

એ લોકો પૈકીના એક હતા ઈંદોરના બદરુદ્દિન જમાલુદ્દિન કાઝી, જેઓ બાદમાં જોની વૉકરના નામે ખ્યાતિ પામ્યા હતા.

તેઓ બસ કન્ડક્ટર તરીકે નોકરી કરતા હતા અને ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકાઓ ભજવતા હતા. ગુરુ દત્ત સાથે તેમની મુલાકાત બલરાજ સાહનીએ કરાવી હતી.

ગુરુ દત્ત જોની વૉકરથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે જોની વૉકર માટે ખાસ રોલ લખાવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં 'બાઝી' અડધી બની ચૂકી હતી.

line

ગીતા રૉય સાથે થયો પ્રેમ

Geeta Roy

ઇમેજ સ્રોત, LALITA LAJMI

'બાઝી'ના સેટ પર જ ગુરુ દત્તની મુલાકાત ગાયિકા ગીતા રૉય સાથે થઈ હતી અને તેઓ ગીતા રૉયના પ્રેમમાં પડી ગયા હતા.

એ સમયે ગીતા રૉય એક પાશ્વગાયિકા તરીકે વિખ્યાત બની ગયાં હતાં.

ગીતા રૉય પાસે એક લાંબી મોટરકાર હતી. ગીતા રૉય ગુરુ દત્તને મળવા માટે તેમના માટુંગાસ્થિત ફ્લેટ પર જતાં હતાં.

ગીતા રૉયનો સ્વભાવ એટલો સરળ હતો કે તેઓ રસોડામાં શાક સમારવા બેસી જતાં હતાં.

ગીતા રૉય તેમના ઘરે એવું કહીને નીકળતાં હતાં કે તેઓ ગુરુ દત્તનાં બહેનને મળવા જઈ રહ્યાં છે.

line
ગુરુ દત્તનાં નાના બહેન અને વિખ્યાત ચિત્રકાર લલિતા લાજમી.

ઇમેજ સ્રોત, LALITA LAJMI

ઇમેજ કૅપ્શન, ગુરુ દત્તનાં નાના બહેન અને વિખ્યાત ચિત્રકાર લલિતા લાજમી.

એ સમયે રાજ ખોસલા ગુરુ દત્તના આસિસ્ટંટ હતા. તેમને ગાવાનો બહુ શોખ હતો.

ગુરુ દત્તને ત્યાં થતી બેઠકોમાં રાજ ખોસલા અને ગીતા રૉય યુગલ ગીતો ગાતાં હતાં અને આખો દત્ત પરિવાર સાથે બેસીને એ ગીતો સાંભળતો હતો.

એ દિવસોને યાદ કરતાં ગુરુ દત્તનાં નાનાં બહેન લલિતા લાજમીએ જણાવ્યું હતું કે તેઓ ગુરુ દત્ત અને ગીતા રૉયના પ્રેમપત્રો એકમેકને પહોંચાડવાનું કામ કરતાં હતાં.

ગુરુ દત્ત અને ગીતા રૉયનાં 1953માં લગ્ન થઈ ગયાં હતાં.

line

દરિયાદિલ ગુરુ દત્ત

ગુરુ દત્ત

ઇમેજ સ્રોત, LALITA LAJMI

અંગ્રેજી સામયિક 'આઉટલૂક'એ 2003માં ભારતની દસ સૌથી વધુ પ્રભાવશાળી ફિલ્મો વિશે સર્વેક્ષણ કરાવ્યું હતું. તેમાં ટોચની દસ ફિલ્મો પૈકીની ત્રણ ફિલ્મો ગુરુ દત્તની હતી.

લલિતા લાજમીના જણાવ્યા મુજબ, ગુરુ દત્ત બાળપણથી જ સર્જનાત્મક પ્રકૃતિના હતા.

તેમને પતંગ ઉડાવવાનો જોરદાર શોખ હતો. તેઓ પોતાની પતંગો જાતે બનાવતા હતા.

ગુરુ દત્તના નામથી લાગે કે તેઓ બંગાળી હશે, પણ એમનો જન્મ મેંગલોરમાં થયો હતો અને તેમની માતૃભાષા કોંકણી હતી.

તેમને બાળપણથી જ નૃત્ય કરવાનો શોખ હતો. તેથી 15 વર્ષના થયા ત્યારે જ તેઓ મહાન નૃત્યકાર ઉદયશંકર પાસેથી નૃત્ય શીખવા અલમોડા ચાલ્યા ગયા હતા.

line
ગુરુ દત્ત

ઇમેજ સ્રોત, LALITA LAJMI

ઇમેજ કૅપ્શન, 17 વર્ષની વયના ગુરુ દત્તનો ફોટોગ્રાફ.

તેઓ 16 વર્ષના થયા ત્યારે તેમને મહિનાના 40 રૂપિયાના પગારે એક મિલમાં ટેલિફોન ઑપરેટરની નોકરી મળી હતી.

ગુરુ દત્તને પહેલો પગાર મળ્યો ત્યારે તેમણે તેમાંથી તેમના શિક્ષક માટે એક ભગવદગીતા, માતા માટે એક સાડી, પિતા માટે એક કોટ અને બહેન લલિતા માટે એક ફ્રોક ખરીદ્યું હતું.

લલિતા લાજમીના જણાવ્યા અનુસાર, ગુરુ દત્ત ગીતા માટે કોઈ ભેટ ખરીદતા ત્યારે તેમના માટે પણ કંઈને કંઈ લાવતા હતા.

ભાઈ-બહેનોમાં ગુરુ દત્ત સૌથી મોટા હતા અને લલિતા તથા બીજા ભાઈ આત્મારામ વચ્ચે લડાઈ થતી ત્યારે ગુરુ દત્ત જ લલિતાને બચાવતા હતા.

line

માલિશવાળાની કહાણી

ગુરુ દત્ત

ઇમેજ સ્રોત, LALITA LAJMI

ગુરુ દત્તને કોલકાતા માટે ખાસ પ્રેમ હતો. તેમનું બાળપણ કોલકાતામાં પસાર થયું હતું.

તેઓ જ્યારે કોલકાતા જતા ત્યારે ગોલગપ્પા અને વિક્ટોરિયા મેમોરિયલની લોનમાં બેસીને જાલમૂડી જરૂર ખાતા હતા.

એક વાર તેમણે જોયું કે લુંગી અને અજબ ટોપી પહેરીને, હાથમાં તેલની બોટલ લઈને એક માલિશવાળો ગ્રાહકોને પોકારી રહ્યો છે.

એ દૃશ્ય નિહાળતાંની સાથે જ ગુરુ દત્તના મનમાં એક પાત્ર આકાર પામ્યું હતું. એ રોલ માટે એક ખાસ ગીત લખાવવામાં આવ્યું હતુઃ 'સર જો તેરા ચકરાયે..' એ ગીતનું ફિલ્માંકન જોની વૉકર પર કરવામાં આવ્યું હતું.

line

સંગીત વિનાની નઝ્મ

બીબીસીના ભૂતપૂર્વ ઉદઘોષક અલી હસન સાથે ગુરુ દત્ત અને ગીતા દત્ત.
ઇમેજ કૅપ્શન, બીબીસીના ભૂતપૂર્વ ઉદઘોષક અલી હસન સાથે ગુરુ દત્ત અને ગીતા દત્ત.

ગુરુ દત્તે આવી જ રીતે નક્કી કર્યું હતું કે તેઓ સાહિર લુધિયાનવીની એક નઝ્મનો ઉપયોગ પોતાની ફિલ્મમાં કરશે.

રેકોર્ડિંગના રિહર્સલ માટે નક્કી થયેલા સમયે મોહમ્મદ રફી પહોંચી ગયા હતા, પરંતુ સંગીતકાર એસ. ડી. બર્મનનો કોઈ પત્તો ન હતો.

ગુરુ દત્તે રફીને કહ્યું કે તમે તો સંગીતના બાદશાહ છો. તમે સંગીત વિના આ નઝ્મ શા માટે નથી ગણગણતા.

રફીએ થોડી વાર વિચાર્યું અને પછી પોતાના સૂરીલા અવાજમાં એ નઝ્મ ગાવા લાગ્યા.

ગુરુ દત્તે તેને પોતાના ટેપરેકોર્ડર પર રેકોર્ડ કરી લીધી હતી અને પોતાની ફિલ્મ 'પ્યાસા'માં તેનો અદ્દલ ઉપયોગ કર્યો હતો.

સ્ટુડિયોમાં રેકોર્ડ ન થયેલી હોવાને કારણે તેની ગુણવત્તા ઉત્તમ ન હતી, પણ એ કારણે દૃશ્યમાં વાસ્તવિકતા આવી હતી.

line

ગુરુ દત્ત, ગીતા અને વહીદાનો પ્રણયત્રિકોણ

વહીદા રહેમાન સાથે ગુરુ દત્ત.

ઇમેજ સ્રોત, LALITA LAJMI

ઇમેજ કૅપ્શન, વહીદા રહેમાન સાથે ગુરુ દત્ત.

'પ્યાસા'ના નિર્માણ દરમ્યાન ગીતા અને ગુરુ દત્ત વચ્ચે અંતર વધવાનું શરૂ થયું હતું. તેનું કારણ ફિલ્મની હીરોઈન વહીદા રહેમાન સાથે વધી રહેલી ગુરુ દત્તની ઘનિષ્ઠતા હતી.

ગીતા અને ગુરુ દત્ત વચ્ચે શંકા એટલી હદે વધી ગઈ હતી કે એક દિવસ ગુરુ દત્તને એક ચિઠ્ઠી મળી.

એ ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું હતું કે "હું તમારા વિના રહી શકું તેમ નથી. અગર તમે મને ચાહતા હો તો આજે સાંજે સાડા છ વાગ્યે મને મળવા માટે નરીમન પોઇન્ટ આવજો. તમારી વહીદા."

ગુરુ દત્તે એ ચિઠ્ઠી તેમના દોસ્ત અબરાર અલ્વીને દેખાડી ત્યારે અબરારે જણાવ્યું હતું કે આ ચિઠ્ઠી વહીદાએ લખી હોય એવું તેમને લાગતું નથી.

line
ગુરુ દત્ત તેમના પ્રિય ડોગ ટોની સાથે.

ઇમેજ સ્રોત, LALITA LAJMI

ઇમેજ કૅપ્શન, ગુરુ દત્ત તેમના પ્રિય ડોગ ટોની સાથે.

બન્નેએ એ ચિઠ્ઠીનું રહસ્ય જાણવાની યોજના બનાવી. અબરાર તેમની ફિઆટ કારમાં નરીમન પોઈન્ટ પહોંચ્યા અને તેમણે તેમની કારને સીસીઆઈ પાસેની એક ગલીમાં પાર્ક કરી દીધી.

તેમણે જોયું કે ગીતા દત્ત અને એમની સખી સ્મૃતિ બિસ્વાસ એક કારની પાછલી સીટ પર બેસીને કોઈને શોધવાના પ્રયાસ કરતાં હતાં.

પાસેની એક બિલ્ડિંગમાંથી ગુરુ દત્ત પણ આ નજારો જોઈ રહ્યા હતા. ગીતા દત્ત અને ગુરુ દત્ત ઘરે પહોંચ્યા પછી બન્ને વચ્ચે આ મુદ્દે જોરદાર ઝઘડો થયો હતો અને બન્ને વચ્ચે વાતચીત પણ બંધ થઈ ગઈ હતી.

line

બિછડે સભી બારી-બારી

ગુરુ દત્ત

ઇમેજ સ્રોત, LALITA LAJMI

ગુરુ દત્તના મૃત્યુના દસ દિવસ પહેલાં તેમનાં બહેન લલિતા તથા બનેવી તેમને મળવા ગયા હતા. એ જમાનામાં તેઓ કોલાબામાં રહેતા હતા.

તેમને ત્યાં એક સંગીતસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઉસ્તાદ હલીમ જાફર ખાં સિતારવાદન પ્રસ્તુત કરવાના હતા.

એ સંગીતસભાનું આમંત્રણ ગુરુ દત્તને આપવા તેઓ ગયા ત્યારે ગુરુ દત્ત તેમની ફિલ્મ 'બહારેં ફિર ભી આયેંગી'ને ફાઇનલ ટચ આપી રહ્યા હતા.

ગુરુ દત્તે તેમને કહ્યું હતું કે મને પાર્ટીઓ પસંદ નથી. એટલે હું તમારે ત્યાં નહીં આવું, પણ ટૂંક સમયમાં સાથે ભોજન જરૂર કરીશું.

અલબત, એવું ક્યારેય બન્યું નહી. ગુરુ દત્ત 10 ઓક્ટોબર, 1964ના દિવસે આ દુનિયામાંથી હંમેશ માટે ચાલ્યા ગયા હતા.

line

છેલ્લી રાત

શ્રીનગરના પ્રવાસ દરમ્યાન દલ સરોવર પર ગુરુ દત્તના બન્ને પુત્રો તરુણ દત્ત અને અરુણ દત્ત.

ઇમેજ સ્રોત, LALITA LAJMI

ઇમેજ કૅપ્શન, શ્રીનગરના પ્રવાસ દરમ્યાન દલ સરોવર પર ગુરુ દત્તના બન્ને પુત્રો તરુણ દત્ત અને અરુણ દત્ત.

અબરાર અલવી 9 ઓક્ટોબરે ગુરુ દત્તને મળવા ગયા ત્યારે ગુરુ દત્ત શરાબ પી રહ્યા હતા. એ દરમિયાન તેમને ગીતા દત્ત સાથે ફોન પર લડાઈ થઈ ચૂકી હતી.

ગુરુ દત્ત તેમની અઢી વર્ષની દીકરીને મળવા ઈચ્છતા હતા અને ગીતા દત્ત દીકરીને ગુરુ દત્ત પાસે મોકલવા તૈયાર ન હતાં.

ગુરુ દત્તે નશો કરેલી હાલતમાં ગીતાને અલ્ટીમેટમ આપ્યું કે 'દીકરીને મોકલો, નહીંતર તમે મારો મૃતદેહ જોશો.'

ગુરુ દત્ત અને અબરારે રાતે એક વાગે ભોજન કર્યું. પછી અબરાર પોતાના ઘરે ચાલ્યા ગયા. બીજા દિવસે બપોરે અબરાર પર ફોન આવ્યો હતો કે ગુરુ દત્તની તબિયત ખરાબ છે.

line
વહીદા રહેમાનની ડાબી બાજુએ સંવાદ લેખક અબરાર અલ્વી તથા જમણે તેમના દોસ્ત ગુરુ દત્ત

ઇમેજ સ્રોત, LALITA LAJMI

ઇમેજ કૅપ્શન, વહીદા રહેમાનની ડાબી બાજુએ સંવાદ લેખક અબરાર અલ્વી તથા જમણે તેમના દોસ્ત ગુરુ દત્ત

તેઓ ગુરુ દત્તની ખબર કાઢવા પહોંચ્યા. તેમણે જોયું કે ગુરુ દત્ત લેંઘો-ઝબ્બો પહેરીને પલંગ પર સૂતા હતા.

પલંગ પાસેના ટેબલ ઉપર એક ગ્લાસ પડ્યો હતો, જેમાં ગુલાબી રંગનો થોડોક તરલ પદાર્થ પડ્યો હતો.

અબરારના મોંમાંથી શબ્દો સરી પડ્યા કે ગુરુ દત્તે જાતે ખુદનો જીવ લઈ લીધો.

લોકોએ પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી?

line
ગુરુ દત્તના અંતિમ દર્શન કરતા કમાલ અમરોહી અને પૃથ્વીરાજ કપૂર.

ઇમેજ સ્રોત, LALITA LAJMI

ઇમેજ કૅપ્શન, ગુરુ દત્તના અંતિમ દર્શન કરતા કમાલ અમરોહી અને પૃથ્વીરાજ કપૂર.

અબરારને ખબર હતી, કારણ કે તેઓ અને ગુરુ દત્ત મૃત્યુની રીતો વિશે વાતો કરતા હતા.

ગુરુ દત્તે જ તેમને કહ્યું હતું કે "જે રીતે મા પોતાનાં બાળકને દવા ખવડાવે એ રીતે ઉંઘની ગોળીઓ એવી રીતે લેવી જોઈએ. ગોળીઓને એકદમ લસોટી અને પાણીમાં ઘોળીને પી જવી જોઈએ."

અબરારે બાદમાં જણાવ્યું હતું કે અમે એ સમયે મજાકમાં વાતો કરી રહ્યા હતા. ગુરુ દત્ત એ મજાકનું પરીક્ષણ પોતાના પર કરી લેશે તેની મને ક્યાં ખબર હતી?

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો