કાશ્મીરમાં પ્રતિબંધ હઠાવાયો પરંતુ તે પ્રવાસીઓને આવકારવા માટે કેટલું સજ્જ?

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, માજિદ જહાંગીર
    • પદ, શ્રીનગરથી, બીબીસી ગુજરાતી માટે

શ્રીનગરના દાલ સરોવરમાં મોહમ્મદ સુલતાન દ્રુનોની હાઉસબોટ 5 ઑગસ્ટથી એકાંતવાસમાં છે.

રાજ્યનો વિશેષ દરજ્જો સમાપ્ત થયા પછી કાશ્મીરમાં પર્યટન ઉદ્યોગની કેડ ભાંગી ગઈ છે.

હવે પર્યટકોને અપાયેલી પ્રવેશબંધીની ચેતવણી હઠાવી લેવામાં આવી છે પરંતુ આનાથી સ્થિતિ સામાન્ય થઈ જશે એવું સ્થાનિક લોકોને નથી લાગી રહ્યું.

તેઓ કહે છે ''બે મહિનાથી અમે એક રૂપિયો પણ કમાવ્યો નથી. તમે જોઈ શકો છો કે હાઉસબોટ ખાલી છે. હાલની સ્થિતિને લીધે ગ્રાહકો અહીં નથી આવી રહ્યાં. અમે કેવી હાલાતમાંથી પસાર થઈ રહ્યાં છીએ એ ફક્ત ખુદા જાણે છે.''

મોહમ્મદ સુલતાન કહે છે કે ''પર્યટન વિભાગ હોય કે બીજો કોઈ વિભાગ, અમને ક્યાંયથી પણ કોઈ મદદ નથી મળી રહી. જ્યાં સુધી પ્રવાસીઓ માટેની ચેતવણી હઠાવી લેવાનો સવાલ છે તો એનું હું સ્વાગત કરું છું. જો આનાથી કંઈ અસર થાય તો અમે અમારો ગુજારો ચલાવી શકીશું. બાકી જો સ્થિતિ આવી જ રહેશે તો અમે જીવતા નહીં રહીએ.''

મોહમ્મદ સુલતાને કહ્યું કે ''જ્યાં સુધી કમ્યુનિકેશન સુવિધાઓ કાર્યાન્વિત નહીં થાય ત્યાં સુધી પર્યટન ઉદ્યોગ સાથે સંક્ળાયેલા લોકો પોતાનો ધંધો સરળતાથી નહીં કરી શકે.''

એમણે કહ્યું કે ''અમે ઇન્ટરનેટ પરથી પ્રતિબંધો હઠાવી લેવા માટે સરકારને અરજી કરી છે. ઇન્ટરનેટ વગર અમે અમારા ગ્રાહકોનો સંપર્ક કેવી રીતે કરીશું. ફક્ત લૅન્ડલાઇન ફોન પૂરતા નથી. લૅન્ડલાઇનથી અમે ઇન્ટરનેશનલ કૉલ પણ નથી કરી શક્તા.''

જમ્મુ-કાશ્મીર સરકારે 7 ઑક્ટોબરે જાહેરાત કરી કે 10 ઑક્ટોબરથી પ્રવાસીઓ સંબધિત ચેતવણી હઠાવી લેવાશે અને હવે પ્રવાસીઓ કાશ્મીર આવી શકે છે.

રાજ્યનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યાના બે દિવસ અગાઉ 2 ઑગસ્ટે સરકારે તમામ પ્રવાસીઓ અને અમરનાથયાત્રીઓને કાશ્મીર છોડી દેવાનો આદેશ આપ્યો હતો.

વીડિયો કૅપ્શન, 'મને પહેલી વખત લાગ્યું કે હું મુસલમાન છું'
line

આ પ્રવાસીઓની સિઝન નથી

કાશ્મીર

ઇમેજ સ્રોત, EPA

કાશ્મીર હાઉસબોટ ઑનર્સ ઍસોસિયેશનના જનરલ સેક્રેટરી અબ્દુલ રાશિદનું કહેવું છે કે ''આ જ સરકાર હતી જેણે પ્રવાસીઓને કાશ્મીર છોડી દેવાનો આદેશ આપ્યો હતો અને હવે આ સિઝનમાં તમે કમાણીની આશા ન રાખી શકો.''

એમણે બીબીસી ગુજરાતીને કહ્યું કે ''સરકારે પ્રવાસીઓને ખીણ વિસ્તાર ખાલી કરી દેવા કહ્યું હતું. હવે શિયાળો શરૂ થવાનો છે અને હવે કોઈ બુકિંગ સંભવ નથી.''

''યાત્રાની ચેતવણી હઠાવવાની સાથે કમ્યુનિકેશન સેવા સંપૂર્ણ રીતે ફરી શરૂ કરવી પડે. જો એવું નહીં થાય તો કાશ્મીરનો માહોલ પ્રવાસી માટે સારો છે એવું અમે અમારા ગ્રાહકોને કેવી રીતે કહી શકીશું? હજી સુધી સ્થિતિ એટલી સામાન્ય નથી થઈ કે તેઓ સીધા કાશ્મીર આવે.''

રાશિદનું કહેવું છે કે આ સિઝનમાં માલિકો હાઉસબોટનું રિપેરિંગ કરતા હોય છે અને શિયાળાની તૈયારી કરતા હોય છે.

''હવે તેઓ સમારકામ વગેરે નથી કરી શક્યા ત્યારે કેટલીક નાવો ડૂબી જાય તેવો પણ ભય રહે છે.''

તેઓ કહે છે ''આ સમય સમારકામનો હોય છે અને દરેક નાવનું સમારકામ કરવા માટે એકથી બે લાખ રૂપિયાની જરૂર પડતી હોય છે પણ હાલની સ્થિતિને લીધે કમાણી થઈ નથી તો લોકો સમારકામ કેવી રીતે કરશે?''

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

line

દાલ સરોવરમાં 900થી વધારે હાઉસબોટ છે

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

કાશ્મીર હોટલ ઍસોસિયેશનના ચૅરમૅન મુશ્તાક અહમદ કાહિયાનું કહેવું છે કે ''તમે કાશ્મીરની હોટલોનો જુઓ, એ બધી ખાલી પડી છે. આ નુકસાન ખુદ સરકારે કર્યું છે. આવી મામૂલી ઘોષણાઓથી કંઈ નહીં વળે, સરકાર જે કહી રહી છે એવી કાશ્મીરમાં સ્થિતિ નથી.''

તેઓ આગળ કહે છે ''સરકારે પહેલાં તો અમને વળતર ચૂકવવું જોઈએ. પર્યટન ઉદ્યોગ પૂર્ણ રીતે નાશ પામ્યો છે. અમારી હોટલો ખાલી છે. એમણે અમારું કરજ માફ કરવું જોઈએ.''

''મોટા ભાગના કર્મચારીઓ પોતાની નોકરીઓ ગુમાવી ચૂક્યાં છે. પર્યટન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 7 લાખથી વધારે લોકો જોડાયેલાં હતાં. એ તમામ રસ્તા પર આવી ગયા છે.''

line

પર્યટન વિભાગનું શું કહેવું છે?

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

સરકારને એવી આશા છે કે તે પોતાના આ પ્રયાસોથી પ્રવાસીઓને આકર્ષિત કરી શકશે.

કાશ્મીર ટૂરિઝમના નિદેશક નિસાર અહમદ વાનીએ બીબીસી ગુજરાતીને કહ્યું કે એમના વિભાગે અનેક યોજનાઓ શરૂ કરી છે.

તેઓ કહે છે ''કાશ્મીરમાં અશાંતિને લીધે સારી દાનતથી સરકારે પ્રવાસીઓ માટે ચેતવણી બહાર પાડી હતી. હવે સરકારને લાગે છે કે કાશ્મીરમાં સ્થિતિ ધીમેધીમે પાટા પર આવી રહી છે એટલે પ્રવાસીઓ માટેની ચેતવણી હઠાવી દેવામાં આવી છે.''

''મહત્તમ પ્રવાસીઓને આકર્ષવા તે અમારી કોશિશ રહેશે. અમે અલગ અલગ રાજ્યોમાં રોડ-શૉ કરીશું. આવું અમે અગાઉ પણ કરતા હતા. અમે વિદેશોમાં પણ રોડ-શૉ આયોજિત કરીશું. અમે અખબારો, ટેલિવિઝન અને રેડિયો, વિભિન્ન એજન્સીઓ અને ઍરપૉર્ટ પર જાહેરાતો આપીશું.''

તેઓ પણ માને છે કે કાશ્મીરમાં હાલત હજી બરાબર નથી પરંતુ તેમને આશા છે કે સ્થિતિ બદલાશે અને પ્રવાસીઓ પરત ફરશે.

કમ્યુનિકેશન બાબતે એમનું કહેવું છે કે લૅન્ડલાઇન કાર્યરત છે.

તેઓ કહે છે ''કમ્યુનિકેશન સો ટકા બંધ હતા એવું ન કહી શકાય કેમ કે લૅન્ડલાઇન ફોન કામ કરી રહ્યા છે. આજે જ મને બહારથી અનેક ટૂર ઑપરેટરોના ફોન આવ્યા છે.''

''અમે રાજ્યોમાં વિભાગના અન્ય અધિકારીઓ સાથે ફોન પર વાત કરી છે. તેઓ આવનાર સમયમાં ટૂર ઑપરેટરો સાથે વાતચીત કરશે.''

જ્યારે એમને પૂછવામાં આવ્યું કે કાશ્મીરમાં લૉકડાઉનની સ્થિતિ છે ત્યારે પ્રવાસીઓ કેવી રીતે આવશે, તો એમણે કહ્યું કે 'તે એમનો વિષય નથી.

એમણે કહ્યું, ''કાનૂન-વ્યવસ્થાની સ્થિતિ એની સાથે સંલગ્ન એજન્સીઓ જોશે. મારું કામ ફક્ત પ્રવાસીઓને આકર્ષિત કરવાનું છે.''

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો