ગુજરાત : લૉકડાઉનમાં મજબૂરીનો લાભ લઈ રાજ્યમાં લવાતાં બાળમજૂરોનું રૅકેટ કઈ રીતે પકડાયું?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અમારાં ઘરના લોકો અહીં ખેતી નહીં હોવાથી મજૂરી કરવા બીજાં રાજ્યમાં ગયા હતા અને લૉકડાઉનમાં ચાલતાં-ચાલતાં પરત આવ્યા હતા. ઘરે ખાવાના વખા પડ્યા હતા."

"અમને ખબર મળી કે ગુજરાતમાં નોકરી મળે છે એટલે માબાપની તકલીફ દૂર કરવા અમે ઘરેથી અહીં આવ્યા પણ નોકરી મળે એ પહેલાં પોલીસે અમને પકડી લીધા."

લૉકડાઉન દરમિયાન પરિવારની તકલીફ ન જોઈ શકનાર બાળક કામેશ(નામ બદલ્યું છે)ના આ શબ્દો છે.

કામેશ બિહારના નાનકડા ગામ ચેનપુરના રહેવાસી છે. ગામમાં ખેતીની ખાસ આવક ન હોવાને કારણે એમના પિતા અને કાકા ગુજરાતમાં મજૂરી કરવા આવ્યા હતા.

એવામાં પણ ઘર ચાલે તેમ નહોતું એટલે કામેશ પણ મજૂરી કરતા હતા. પેટ કાપીને પૈસા બચાવીને ઘરે મોકલતા હતા કારણ કે એમનાં બહેનનાં લગ્ન થવાનાં છે.

દેશભરમાં કોરોના વાઇરસના સંક્રમણને નાથવા માટે લૉકડાઉનની જાહેરાત કરાઈ અને ગુજરાતમાં કામ-ધંધો બંધ થઈ ગયો.

ખાવાનું કંઈ ન હતું એટલે એમના પિતા પગપાળા બિહાર જવા નીકળ્યા. પગમાં, છાલાં પડી ગયાં. માંડ-માંડ કરેલી બચત લૉકડાઉનમાં વપરાઈ ગઈ.

ઉલ્લેખનીય છે કે લૉકડાઉનની જાહેરાત થઈ એ વખતે દેશભરમાંથી પ્રવાસી કામદારો પોતાના વતન ભણી પગપાળા ચાલી નીકળ્યા હતા.

line

કામદારોની અછતને લીધે બાળકોને મજૂરીએ લાવી રહ્યા છે કૉન્ટ્રેક્ટર

બાળમજૂરો

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, બાળમજૂરો

કામેશે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "હવે બહેનનાં લગ્ન માટે પૈસા ભેગા કરવાના છે. પિતા મજૂરી કરવા જતા રહ્યા છે પણ ગુજરાતમાં મજૂરી મળે છે એ જાણીને હું અહીં આવ્યો છું."

તેઓ ઉમેરે છે, "કામ મળે એ પહેલાં અમે પોલીસના હાથે પકડાઈ ગયા અને હવે અમને ફરી બિહાર પરત મોકલશે કારણ કે અમે સગીર છીએ."

લૉકડાઉન પછી ગુજરાત છોડીને કામદારો પોતપોતાનાં રાજ્યોમાં પરત જતા રહ્યા છે. કામદારોની અછત છે ત્યારે કેટલાક કૉન્ટ્રેક્ટર નાની ઉંમરનાં બાળકોને ગુજરાત લાવે છે.

'બચપન બચાવો' નામના એક એન.જી.ઓ.ને ખબર પડી કે ટ્રેન મારફતે મોટા પ્રમાણમાં બાળમજૂરોને ગુજરાત લવાઈ રહ્યા છે એટલે સંસ્થાએ એમના ગુજરાત એકમને જાણ કરી. આ એનજીઓ તેમજ ચાઇલ્ડ હેલ્પલાઇન વગેરે સંસ્થાએ સરકાર સાથે મળી બાળમજૂરોને બચાવ્યાં.

આ અંગે ચાઇલ્ડ લાઇન હેલ્પડેસ્કના ગુજરાતના કૉઓર્ડિનેટર ઇમરાન ભવહરીયાએ સ્વયંસેવકોને ઍલર્ટ કર્યા અને અમદાવાદની 'ચાઇલ્ડ હેલ્પલાઇન' અને પોલીસને જાણ કરી.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ઇમરાન જણાવે છે, "અમને જ્યારે ખબર પડી ત્યારે અમે અમારા સ્વયંસેવકોને જાણ કરી. વડોદરાથી અમારા સ્વયંસેવકો ટ્રેનમાં ચડ્યા અને બાળમજૂરોને લવાઈ રહ્યા છે કે નહીં એની તપાસ કરી."

"અલગ-અલગ ડબ્બામાં 50 જેટલાં બાળકો શંકાસ્પદ લાગ્યાં. સ્વયંસેવકો ઓછા હતા એટલે આણંદથી અમારા બીજા સ્વયંસેવકો ટ્રેનમાં ચઢ્યા."

"અમારી સંખ્યા વધી એટલે તમામ બાળમજૂરોને એક ડબ્બામાં ભેગા કર્યા અને પોલીસની મદદ માગી."

"અમદાવાદ સ્ટેશન પર રાત્રે ત્રણ વાગ્યે ટ્રેન આવી ત્યારે અમે એમને કૉર્ડન કરી પોલીસની મદદથી છોડાવ્યાં."

line

ગુજરાતના આ ઉદ્યોગોમાં જોડાય છે બાળમજૂરો

બાળમજૂર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ ઑપરેશનમાં જોડાયેલા 'ચાઇલ્ડ હેલ્પલાઈન'નાં કૉઓર્ડિનેટર બિનલ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતની સીરામિક્સ, ઝરીકામ અને કૅમિકલની ફેકટરીઓ તથા હોટલોમાં સફાઈકામ માટે કૉન્ટ્રેક્ટ પર બિહાર, ઉત્તર પ્રદેશથી ગરીબ બાળકોને લાવવામાં આવે છે.

"એમનાં માતાપિતાને ચાર-પાંચ મહિનાના કામ માટે ઍડ્વાન્સમાં 50 હજારથી 75 હજાર રૂપિયા આપી દેવામાં આવે છે."

"અહીં લાવી એક રૂમમાં ઘેટાંબકરાંની જેમ ગોંધી રાખી 18-18 કલાક મજૂરી કરાવાય છે. ખાવાના નામે બિસ્કિટ અને દાળભાત અપાય છે."

બિનલ પટેલ કહે છે, "કૉન્ટ્રેક્ટર ફેકટરીના મલિક પાસેથી વધુ પૈસા લે છે. અલબત્ત સમયાંતરે બાળકોનાં માતાપિતાને પણ સમયસર પૈસા પહોંચાડવામાં આવે છે, જેથી કોઈ ઉહાપોહ ન થાય. આવાં બાળકોને અહીં લાવી ગોંધી રાખીને મજૂરી કરાવાય છે."

"પછાત ગામડાંમાં આવા શોષણખોર કૉન્ટ્રેક્ટરોની છાપ સારી બની જાય છે કારણ કે ગરીબ લોકો પૈસા કમાવી અપાવે એને ભગવાન સમજે છે, એમ એમને મજૂરી માટે બાળકો મળી રહે છે."

"આ ધંધો ઘણો ફૂલ્યો છે. લૉકડાઉન પછી બાળકોની આવી તસ્કરી વધતાં અમે પોલીસની મદદ લીધી અને 32 બાળમજૂરોને છોડાવવામાં સફળ રહ્યાં છીએ."

ઇમરાન કહે છે, "અમે છોડાવેલાં 50 બાળકોમાંથી 32 સગીર વયનાં હતાં. એમની પાસેથી આધારકાર્ડ મળ્યાં તો કેટલાંક પાસેથી ચૂંટણીકાર્ડ મળ્યાં છે. કેટલાંક પાસેથી જન્મનાં પ્રમાણપત્રો પણ મળ્યાં છે, જેમાં અલગ-અલગ જન્મતારીખ છે."

ઇમરાન ભવહરિયા

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, ઇમરાન ભવહરિયા

"13થી 14 વર્ષનાં બાળકોને 21થી 24વર્ષનાં બતાવાયાં છે. લૉકડાઉન પછી કામદારોની અછત સર્જાતાં બાળમજૂરોની તસ્કરી વધી છે."

"એમને ટ્રેનમાંથી રિસીવ કરવા માટે એક ફેકટરીનો ડ્રાઇવર પણ આવ્યો હતો. જો પોલીસ મદદે ન આવી હોત તો આ બાળકો બાળમજૂરીમાં જોતરાઈ ગયાં હોત."

સીઆઈડી ક્રાઇમમાં મહિલા અને બાળકોનાં વિભાગીય વડા એજીડીપી અનિલ પ્રથમ આ મામલે કહે છે, "બાતમી મળતાં અમે ટ્રેનમાં બિહારથી લવાયેલાં બાળમજૂરોને છોડાવ્યા છે."

"સગીર વયના હોવાથી પોલીસે એમને બાળસંરક્ષણગૃહ રાખ્યાં છે. તેમને કૉન્ટ્રેક્ટથી અહીં કોણ લાવ્યું અને કેટલા પૈસામાં બાળમજૂરો અહીં લવાયા છે એની પોલીસ તપાસ કરી રહી છે."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો