ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા કોરોના પૉઝિટિવ, ક્વોરૅન્ટીન થયાં

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ અને તેમનાં પત્ની મેલાનિયા ટ્રમ્પ કોરોના પૉઝિટિવ આવ્યાં છે.

ટ્રમ્પે આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે અને કહ્યું છે કે તેઓ અને તેમનાં પત્ની ક્વોરૅન્ટીનમાં રહેશે.

આ પહેલાં ટ્રમ્પના વરિષ્ઠ સલાહકારોમાંથી એક એવા હૉપ હિક્સને કોરોના વાઇરસનો ચેપ લાગ્યા બાદ ટ્રમ્પે કહ્યું હતું કે 'તે અને તેમનાં પત્ની મેલાનિયા ક્વોરૅન્ટીનમાં જવાનાં છે. '

એક અંગત સૂત્રે જાણકારી આપી છે કે 'હૉપ હિક્સમાં કોરોના સંક્રમણનાં લક્ષણો પણ જોવા મળી રહ્યાં છે. '

31 વર્ષના હૉપ હિક્સ રાષ્ટ્રપતિ ટ્રમ્પના સૌથી નજીક રહેનારા એ લોકોમાં છે, જેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે તેમના ઍરફૉર્સ વનમાં સફર કરે છે.

ગત દિવસોના ચૂંટણીપ્રવાસમાં તેઓ ટ્રમ્પના અન્ય સલાહકારો સાથે પણ હાજર હતાં. મંગળવારે પ્રેસિડેન્શિયલ ડિબેટ પહેલાં અને મિનેસોટામાં ચૂંટણીઅભિયાન દરમિયાન પણ તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે જોવા મળ્યાં હતાં.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સંબંધે શુક્રવારે એક ટ્વીટમાં લખ્યું હતું, "હૉપ હિક્સ જે વગર આરામ કર્યે આકરી મહેનત કરીને ચૂંટણઅભિયાનનું કામ જોઈ રહ્યાં હતાં. તે હવે કોરોનાથી સંક્રમિત થયા છે."

"આ બહુ ખરાબ ખબર છે. આ સમાચાર બાદ મેં અને મિલેનિયા ટ્રમ્પે પણ તપાસ માટે કોવિડનાં સૅમ્પલ આપ્યાં છે અને પરિણામની રાહ જોઈએ છીએ. ત્યાં સુધી અમે લોકો ક્વોરૅન્ટીનમાં રહીશું."

8400 કરોડના ખર્ચે અપગ્રેડ કરાયેલા PM મોદીના નવા વિમાનમાં શું ખાસ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને અન્ય વીવીઆઈપી માટે ખાસ ઑર્ડર પર અમેરિકામાં બે ઍરઇન્ડિયા વન (બોઇંગ 777) વિમાન તૈયાર કરાવવામાં આવ્યાં છે. આ બંને વિમાનોમાંથી એક ગુરુવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર પહોંચ્યું હતું.

આ સમાચારને નવભારત ટાઇમ્સે પોતાના પહેલા પાને પર પ્રકાશિત કર્યા છે.

અખબાર અનુસાર આ વિમાન ઍરઇન્ડિયાના કૉમર્શિયલ વિમાન હતાં અને તેમને અમેરિકા રાષ્ટ્રપતિના વિશેષ વિમાન 'ઍરફૉર્સ વન'ની જેમ મિસાઇલ હુમલાથી બચાવતાં સિક્યૉરિટી ફીચર્સથી સુસજ્જ કરવા માટે બૉઇંગની પાસે મોકલવામાં આવ્યાં હતાં.

આ વિમાનોમાં અપગ્રેડ કરવા 8400 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. આ બંને વિમાન મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી સુસજ્જિત છે. આ ટેકનૉલૉજી અમેરિકા પાસેથી 1389 કરોડમાં ખરીદવામાં આવી છે.

અખબારે સૂત્રોને ટાંકીને લખ્યું છે કે જ્યાં સુધી ઍરફૉર્સના પાઇલટને આને ચલાવવાની સંપૂર્ણ ટ્રેનિંગ નહીં અપાય ત્યાં સુધી ઍરઇન્ડિયાના પાયલટ આનું સંચાલન કરશે.

આ વિમાન વડા પ્રધાનની મુસાફરીમાં ઉપયોગમાં લેવામાં આવતા વી-747ની જગ્યા લેશે. આ વિમાનમાં તમામ પ્રકારની વિશેષ સુવિધા છે.

વિમાનમાં એક ખાસ સિક્યૉરિટી સ્યૂટ છે, જેમાં વીઆઈપીની સુરક્ષાને કોઈ ભય નહીં રહે. આમાં હવામાં વીડિયો અને ઑડિયો કોમ્યુનિકેશન સુવિધા છે. આ વિમાનમાં એક નાનું મેડિકલ સેન્ટર બનાવવામાં આવ્યું છે.

ઑક્ટોબરના અંત સુધીમાં 50 ટકા ફી ભરશો તો 25 ટકા ફી માફ કરાશે : શાળા સંચાલક મંડળ

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ગુરુવારે શાળા સંચાલક મંડળે સરકાર સામે માગણી કરી હતી કે ઑક્ટોબર મહિનાના અંત સુધીમાં જો વાલીઓ 50 ટકા ફી ભરી દે તો જ 25 ટકાની ફી માફી આપવામાં આવે.

ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ મૅનેજમૅન્ટ ઍસિસિયેશનના પ્રમુખ ભરત ગાજીપરાએ કહ્યું કે માત્ર 25 ટકા વાલીઓ એ જ તેમનાં બાળકોની શાળાની ફી ભરી હતી અને જેના કારણે શાળાઓ શિક્ષકોના પગાર અને બીજા ખર્ચ કરવામાં તકલીફ પડી રહી છે.

તેમણે વધુમાં કહ્યું, "અમે સરકારની 25 ટકા ફી માફીની વાત સાથે સહમત છીએ તેમાં શરત એ હોવી જોઈએ કે તે વાલીઓ ઑક્ટોરના અંત સુધીમાં અડધા વર્ષની ફી ભરશે તો લાભ મળશે."

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસ્મા કહ્યું, "તેઓ વાલીએને અપીલ કરે છે કે આ મહિનાના અંત સુધીમાં ફી ભરી દેજો. સરકારને સ્કૂલની સ્થિતિ વિશે ખબર છે અને તે તેમની ડિમાન્ડ વિશે વિચારશે."

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે હાલમાં જ તમામ ખાનગી સ્કૂલને 2020-21ના શૈક્ષણિક વર્ષની વાર્ષિક ફીમાં 25 ટકાનો ઘટાડો કરવા કહ્યું છે.

મગફળીની ખરીદીનું કામ અધિકારી હડતાળ પર જતા અટકાયું

'ઇન્ડિયન એક્સપ્રેસ' ના અહેવાલ અનુસાર ગુરુવારથી શરૂ થયેલું એમએસપીના ભાવે મગફળી ખરીદવાનું કામ વિલેજ કમ્પ્યુટર આંત્રપ્રેનિયોર્સ(VCEs) હડતાલ પર જતા અટકાયું હતું.

આ કર્મચારીઓને હાલ કમિશન મળી રહ્યું છે અને તેઓ પગારની માગ કરી રહ્યા હતા. ઉપરાંત કોરોના વાઇરસના કારણે સરકારી કર્મચારીને અપાતા ઇન્સ્યોરન્સની પણ માગ કરી રહ્યા હતા.

રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ કહ્યું, "અમે તેમના ઍસોસિયેશન સાથે બુધવારે બેઠક કરી હતી. તેમને કમિશનની સાથે પગાર પણ જોઈએ છે. કોરોના વાઇરસથી બચવા યોગ્ય જરૂરી સાધનો અને સરકારી અધિકારીઓને મળતા ઇન્સ્યોરન્સની માગ કરી રહ્યા છે. અમે તેમને હેન્ડ સૅનિટાઇઝર અને માસ્ક આપ્યાં છે પણ તેમને પગાર ચૂકવવો અને ઇન્સ્યોરન્સ આપવો એ નિર્ણય સરકાર કરશે."

કૃષિ વિભાગના સેક્રેટરી મનિશ ભારદ્વાજે કહ્યું, "શરૂઆતના દિવસે 5000 લોકોએ નોંધણી કરાવી છે. વીસીઈના પોતાના પ્રશ્નો છે પરંતુ સ્ટેટ લેવલની એજન્સીએ 150 જગ્યાએ ખરીદી ના સેન્ટર બનાવ્યા છે."

કેન્દ્ર સરકારના એસસી-એસટી કમિશનમાં છેલ્લા ચાર મહિનાથી ચૅરપર્સનનું પદ ખાલી

'હિંદુસ્તાન ટાઇમ્સ' ના અહેવાલ અનુસાર દેશમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સૅનિટેશન વર્કરના અધિકારોના રક્ષણ માટે બનાવેલા કમિશનમાં છેલ્લા ચાર મહિનાથી ચૅરપર્સનનું પદ ખાલી છે.

અનુસૂચિત જાતિ માટેનું રાષ્ટ્રિય આયોગ, અનુસૂચિત જનજાતિ માટેનું રાષ્ટ્રિય આયોગએ બંધારણીય સંસ્થાઓ છે. જ્યારે સફાઈ કર્મચારીઓ માટેના રાષ્ટ્રીય આયોગએ સંસદે કાયદો પસાર કરી બનાવ્યું છે.

અનુસૂચિત જાતિ માટેનાં રાષ્ટ્રિય આયોગમાં ચાર મહિનાથી ચૅરપર્સનનું પદ ખાલી છે, જ્યારે અનુસૂચિત જનજાતિ અને સફાઈ કર્મચારના આયોગમાં તો ચૅરપર્સનનું પદ છેલ્લા ઘણા સમયથી ખાલી છે.

અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રિય આયોગના એક પૂર્વ અધિકારીએ પોતાનું નામ ન લેવાની શરતે કહ્યું, "દલિતોની સામે થતી હિંસામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પગલાં લે છે અને તપાસમાં કે ફરિયાદ નોંધાવામાં ઢીલાસ રાખવામાં આવતી હોય ત્યારે કમિશનનો હસ્તક્ષેપ મહત્ત્વનો બને છે. કમિશન પીડિતને સહાય મળે તેનું પણ ધ્યાન રાખે છે અને ફૉલોઅપ પણ લેતું હોય છે. "

ભારત-પાકિસ્તાન સરહદે ફાયરિંગ ત્રણ સૈનિકના મૃત્યુ, પાંચ ઘાયલ

ના અહેવાલ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ પાસે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલાં ફાયરિંગમાં ભારતના ત્રણ સૈનિક મૃત્યુ પામ્યા હતા, જ્યારે પાંચ સૈનિક ઘાયલ થયા હતા.

સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ કહ્યું, "બુધવાર રાતથી સીઝ ફાયરના ઉલ્લંઘનની શરૂઆત થઈ હતી જ્યારે પાકિસ્તાને મનકોટ અને કૃષ્ણાઘાટી સેક્ટરમાં ગોળીબાર કર્યો."

પ્રવક્તાએ કહ્યું કે સવારે ઉત્તર કાશ્મીરના કુપાવાડા જિલ્લાના નૌગામ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી કરાયેલા ગોળીબારમાં બે સૈનિક મૃત્યુ પામ્યા હતા. જ્યારે પુંછમાં આખી રાત ગોળીબાર થયો જેમાં ત્રીજા સૈનિકનું મૃત્યુ થયું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો