You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2020 : આઈપીએલના એ ખેલાડીઓ જેઓ એમના કૅપ્ટન કરતાં પણ વધારે કમાણી કરે છે
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજારાતી માટે
ઇન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ થઈ ગયો છે. કરોડોમાં ખરીદવામાં આવેલા ખેલાડીઓ અને એ સિવાય અન્ય ચમકદમક માટે આઈપીએલ જાણીતી છે.
ટી-20 લીગ માટે કરોડોમાં ખેલાડીઓ ખરીદવામાં આવે છે ત્યારે એ જાણવું રસપ્રદ છે કે કેટલીક ટીમના કૅપ્ટન કરતાં તેના સ્ટાર ખેલાડીઓ વધારે કમાણી કરતા હોય છે.
ખાસ કરીને દિલ્હી કૅપિટલ્સની ટીમમાં એવા ત્રણ ક્રિકેટર છે જે તેમના સુકાની શ્રેયસ ઐય્યર કરતાં પણ વધારે કમાણી કરી રહ્યા છે.
આ સિવાય વિરાટ કોહલી કે અન્ય ટીમના સુકાનીઓ સ્વાભાવિકપણે જ તેમની ટીમના ખેલાડીઓ કરતાં વધારે આવક પ્રાપ્ત કરતાં હોય છે પરંતુ અહીં અપવાદ પણ જોવા મળ્યો છે.
દિલ્હી કૅપિટલ્સના સુકાની શ્રેયસ ઐય્યર આ વખતે સાત કરોડ રૂપિયાની કમાણી કરશે.
દિલ્હીની જ ટીમના એક ખેલાડી છે જે ઐય્યર કરતાં પણ વધારે કમાય છે, એ ખેલાડી છે ઋષભ પંત.
વિકેટકીપર અને આક્રમક બૅટ્સમૅન ઋષભ પંતની આવક આઈપીએલની આ સિઝનમાં 15 કરોડ રૂપિયાની છે.
રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોની પણ 15 કરોડની કમાણી કરનાર ખેલાડીઓ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કિંગ્સ ઇલેવન પંજાબની ટીમના ભૂતપૂર્વ સુકાની અને આ વર્ષે દિલ્હી કેપિટલ્સ માટે રમનારા રવિચંદ્રન અશ્વિનને દિલ્હીએ પ્રિ-સિઝન વિન્ડોમાં 7.5 કરોડમાં ખરીદી લીધા હતા આમ તેઓ પણ ઐય્યર કરતાં વધારે આવક કરશે.
આ ઉપરાંત દિલ્હીના જ શિમરૉન હેતમાયર પણ આ વખતે 7.75 કરોડ રૂપિયામાં ખરીદાયા હતા એટલે કે શ્રેયસ ઐય્યરના સાત કરોડ રૂપિયાની સરખામણીએ દિલ્હી પાસે એવા ત્રણ ખેલાડી છે જે વધારે કમાય છે.
કોલકાતા નાઇટ રાઇડર્સે આ સિઝનની હરાજીમાં સૌથી મોંઘા બનેલા પૅટ કમિન્સને ખરીદી લીધા હતા. ઑસ્ટ્રેલિયન ઝડપી બૉલર કમિન્સ 15.5 કરોડ રૂપિયામાં ખરીદાયા હતા.
કોલકાતા નાઇટ રાઇડર્સનો કૅપ્ટન દિનેશ કાર્તિક હાલમાં 7.40 કરોડ રૂપિયાની આવક કરી રહ્યા છે.
કોલકાતા નાઇટ રાઇડર્સનો જ આન્દ્રે રસેલ ગઈ સિઝનના સૌથી આક્રમક બૅટ્સમૅન હતા.
રસેલ તેમની એક ઇનિંગ્સમાં ચાર કે પાંચ સિક્સર ફટકારવા માટે જાણીતા છે.
આન્દ્રે રસેલને કોલકાતા નાઇટ રાઇડર્સ તેના કૅપ્ટન દિનેશ કાર્તિક કરતાં પણ વધારે રકમ ચૂકવે છે. આ સિઝનમાં રસેલને 8.5 કરોડ રૂપિયા મળવાના છે.
આમ તેઓ કાર્તિક કરતાં લગભગ એક કરોડ રૂપિયા વધારે લેશે.
આઈપીએલમાં આ સિવાયની ટીમોમાં કદાચ કોઈ કૅપ્ટન તેના ખેલાડી કરતાં ઓછી રકમ મેળવતા નહીં હોય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો