You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
paytmના આઈપીઓની આટલી ચર્ચા કેમ થઈ રહી છે?
સોમવારે દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું ખાનગી ભરણું ખૂલ્યું છે. મોબાઇલ વૉલેટ કંપની પેટીએમની મૂળ કંપની વન97 કૉમ્યુનિકેશન રૂપિયા 18 હજાર 300 કરોડ પેદા કરવા માગે છે.
પાંચ વર્ષ પહેલાં આજના જ દિવસે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા નોટબંધી લાદવામાં આવી હતી અને નાગરિકો મોબાઇલ કે ઇ-ટ્રાન્ઝેક્શન તરફ વળ્યા ત્યારે પેટીએમને તેનો મોટો લાભ થયો હતો.
લગભગ એક દાયકા પહેલાં દેશની સૌથી મોટી કોલસા નિર્માતા એવી સરકારી કંપની કૉલ ઇન્ડિયાનો આઈપીઓ આવ્યો હતો, જેણે બજારમાંથી રૂ. 15 હજાર કરોડ ઊભા કર્યા હતા.
રૂપિયા એકની મૂળ કિંમત ધરાવતા શેરદીઠ રૂ. 2085થી રૂ. 2150ના ભાવની વચ્ચે કંપનીનો આઈપીઓ ત્રણ દિવસ માટે ખુલ્લો રહેશે તથા બુધવારે જાહેર ભરણાનો છેલ્લો દિવસ હશે.
તા. 18મી નવેમ્બરે કંપનીના શૅર બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઈ) તથા એનએસઈ (નેશનલ સ્ટૉક એક્સચેન્જ) ખાતે લિસ્ટ થશે તથા તેનું ટ્રૅડિંગ શરૂ થશે.
પેટીએમના આઈપીઓની ચર્ચા કેમ?
કંપની રૂ. આઠ હજાર 300 કરોડના નવા શૅર બહાર પાડી રહી છે, જ્યારે વર્તમાન રોકાણકારો રૂ. 10 હજાર કરોડના પોતાના શૅર જાહેર જનતાને વેચી રહ્યા છે. જેમાં જાપાનની સૉફ્ટ બૅન્ક કંપનીના સીઈઓ વિજય શેખર શર્મા, ચાઇનીઝ ઉદ્યોગપતિ જેક માની (અલીબાબા તથા ઍન્ટ જૂથના સ્થાપક) કંપની પોતાનો હિસ્સો વેચી રહી છે.
આ ભરણું સફળ રહેશે તો કંપનીનું મૂલ્યાંકન રૂ. એક લાખ 50 હજાર કરોડને આંબી જશે અને તે માર્કેટ કૅપિટલની દૃષ્ટિએ દેશની અગ્રણી કંપનીઓમાંથી એક બની જશે.
દર વર્ષે ખોટ કરતી કંપનીનું આટલું ઊંચું મૂલ્યાંકન પરંપરાગત માન્યતા ધરાવતા રોકાણકારોની સમજણથી પર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બજારમાં આઈપીઓ ઝડપભેર લાવી શકાય તે માટે કંપનીએ તેના પ્રિ-ફંડિંગ રાઉન્ડને ટાળીને સીધું જ ભરણું લાવી હતી.
કંપની ટેકનૉલૉજી તથા આર્થિક સેવાઓ આપીને વધુ ગ્રાહક તથા વેપારી મેળવવા માગે છે. આ સિવાય નવા વેપાર સ્થાપવા, ભાગીદારીઓ વિસ્તારવા તથા હયાત કંપનીઓને ખરીદવા માટે આ ભંડોળનો ઉપયોગ કરવા માગે છે.
કંપની જાહેર ભરણું લાવી તે પહેલાં લગભગ આઠ હજાર 235 કરોડના શૅર વિશ્વના 100 જેટલા સંસ્થાકીય રોકાણકારોને ફાળવી ચૂકી છે.
કંપનીની સ્થાપના મોબાઇલ રિચાર્જ કંપની તરીકે થઈ હતી. બાદમાં તે મોબાઇલ વૉલેટ બૅન્કિંગ તથા ઈ-કૉમર્સ વેબસાઇટ બની છે.
ચાલુ વર્ષે ઝોમાટો, કારટ્રૅડ, પૉલિસી બજાર ડૉટકૉમ, ઓયો હોટલ્સ જેવી બિનપરંપરાગત વ્યવસાય ધરાવતી કંપનીઓએ તેમના શૅર બજારમાં ઉતાર્યા છે કે ઉતારવાની યોજના ધરાવે છે.
આઈપીઓ, ઇતિહાસ અને આંકડા
આઈપીઓ (જાહેર ભરણું) દ્વારા કંપની જનતાની વચ્ચે જાય છે અને પોતાની હિસ્સેદારીના બદલામાં નાણાં મેળવે છે.
કંપનીની પ્રતિષ્ઠા ઊંચી હોય તો તે શૅરના મૂળભાવ (સામાન્યતઃ રૂપિયા એક, બે, પાંચ કે 10 હોય છે.) પર પ્રીમિયમ વસૂલે છે.
ઉદાહરણ તરીકે, રૂ. 10 શૅરનો ભાવ છે અને 100 ટકા પ્રીમિયમ વસૂલે તો એક શૅર મેળવવા માટે ભરણું ભરનારે રૂ. 20 ચૂકવવાના રહે. સામાન્ય રોકાણકાર રૂ. બે લાખની મહત્તમ મર્યાદામાં આવેદન કરી શકે, આ સંજોગમાં મહત્તમ 10 હજાર શૅર માટેની અરજી કરી શકે.
જેટલી અરજીઓ આવી હોય અને જેટલા શૅર ભરણા માટે મૂકવામાં આવ્યા હોય, તેના ગુણોત્તરમાં ફાળવણી કરવામાં આવે છે. ધારો કે જો ભરણું બે ગણું ભરાયું હોય તો દરેક ગ્રાહકને પાંચ હજાર શૅર મળશે.
ઑનલાઇન ફૂડ ડિલિવરી પ્લૅટફૉર્મ ઝોમાટોનો આઈપીઓ (ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ) જુલાઈ મહિનામાં ખૂલ્યો હતો. કંપનીએ બજારમાંથી અંદાજે રૂ. નવ હજાર 400 કરોડ જેટલી રકમ મેળવી હતી.
બિઝનેસ વેબસાઇટ મનીકંટ્રોલ દ્વારા દેશના ટોચના 10 આઈપીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
આ ક્રમની શરૂઆત સપ્ટેમ્બર-2016માં થઈ હતી, જ્યારે આઈસીઆઈસીઆઈ (ઇન્ડસ્ટ્રિયલ ક્રૅડિટ ઍન્ડ ઇન્વેસ્ટમૅન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા) પ્રૂડેન્શિયલ લાઇફ ઇન્સ્યૉરન્સ કંપની રૂ. છ હજાર 57 કરોડનું જાહેર ભરણું લાવી હતી.
જનરલ ઇન્સ્યૉરન્સ કંપની ઑફ ઇન્ડિયાએ ઑક્ટોબર-2017માં રૂ. 11 હજાર 373 કરોડ બજારમાંથી મેળવ્યા હતા. આ મહિનામાં જ એસબીઆઈ (સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા)ની વીમા પાંખે રૂ. આઠ હજાર 400 કરોડ ઊભા કર્યા હતા.
ન્યૂ ઇન્ડિયા ઍસ્યૉરન્સ કંપનીએ નવેમ્બર-2017માં રૂ. નવ હજાર 600 કરોડ, એ જ મહિનામાં ખાનગી જીવન વીમા કંપની એચડીએફસી (હાઉસિંગ ડેવલપમૅન્ટ ફાઇનાન્સ કૉર્પોરેશન) લાઇફે આઈપીઓ દ્વારા રૂ. આઠ હજાર 695 કરોડ ઊભા કર્યા હતા.
નવેમ્બર-2010માં દેશની સૌથી મોટી કોલસા નિર્માતા સરકારી કંપની કૉલ ઇન્ડિયાનો આઈપીઓ આવ્યો હતો. એ સમયે સરકારે 17 ટકા હિસ્સો વેચીને રૂ. 15 હજાર 475 કરોડ ઊભા કર્યા હતા.
ફેબ્રુઆરી-2008માં અનિલ ધીરુભાઈ અંબાણી જૂથની કંપની રિલાયન્સ પાવરનો આઈપીઓ આવ્યો હતો, જેના દ્વારા રૂ. 11 હજાર 700 કરોડ બજારમાંથી ઊભા કરવામાં આવ્યા હતા. જે ખાનગીક્ષેત્રનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો