કંગનાએ મુંબઈ પહોંચતાં જ કહ્યું, 'આજે મારું ઘર તૂટ્યું, કાલે ઉદ્ધવ ઠાકરેનો ઘમંડ તૂટશે'

કંગના રનૌત મુંબઈ પહોંચી ગયાં છે અને મુંબઈ પહોંચતાં જ તેમણે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને ચેતવણી આપતાં કહ્યું, "આજે મારું ઘર તૂટ્યું, કાલે તારો ઘમંડ તૂટશે."

કંગનાએ ટ્વિટર પર એક વીડિયો શૅર કરીને કહ્યું, "ઉદ્ધવ ઠાકરે તને શું લાગે છે કે તે ફિલ્મ માફિયાઓ સાથે મારું ઘર તોડીને તે મારી સાથે બહુ મોટું વેર લીધું છે?"

"આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટશે. આ સમયનું પૈડું છે, યાદ રાખજે હંમેશાં એક સમાન નથી રહેતું."

કંગનાએ ઉમેર્યું, "મને લાગે છે કે મારા પર મોટો ઉપકાર કર્યો છે. મને ખબર હતી કે કાશ્મીરી પંડિતો પર શું વીત્યું હશે, આજે એમેં અનુભવ્યું છે. આજે હું આ દેશને એક વચન આપું છું કે હું અયોધ્યા પર જ નહીં, કાશ્મીરી પંડિતો પર પણ એક ફિલ્મ બનાવીશ."

આ પહેલાં કંગના ચંડીગઢ-મુંબઈની ફ્લાઇટથી મુંબઈ પહોંચ્યાં ત્યારે ઍરપૉર્ટ બહાર કરણી સેનાએ કંગનાના સમર્થનમાં અને શિવસેના વિરોધમાં નારા પોકાર્યા હતા.

આ દરમિયાન બૉમ્બે હાઈકોર્ટે અભિનેત્રી કંગના રનૌતના કાર્યાલય પર મુંબઈ મહાનગરપાલિકાની કાર્યવાહી પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે બીએમસીને કંગનાની અરજી પર જવાબ રજૂ કરવા પણ કહ્યું છે.

આ પહેલાં મુંબઈ મહાનગરપાલિકાની એક ટીમે અભિનેત્રી કંગના રનૌતના બંગલાનો કેટલોક ભાગ તોડવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જેને તે ગેરકાયદે કરાયેલો ફેરફાર ગણાવી રહી હતી.

આ પહેલાં મુંબઈ મહાનગરપાલિકાની એક ટીમે અભિનેત્રી કંગના રનૌતના બંગલાનો કેટલોક ભાગ તોડવાનું શરૂ કર્યું. મહાનગરપાલિકાનો દાવો છે કે તેને ગેરકાયદે બાંધવામાં આવ્યો હતો.

કંગના રનૌતે પણ ખુદ ટ્વીટ કરીને આ કાર્યવાહીની માહિતી આપી હતી અને તેની તસવીરો ટ્વીટ કરી હતી.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે આજે મુંબઈ મહાનગરપાલિકાની ટીમે કંગના રનૌતની ઑફિસ તોડવાની કામગીરી શરૂ કરી હતી.

આ સાથે જ કંગનાએ ફરી મુંબઈની 'પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર' સાથે સરખામણી કરી હતી. પહેલાં જ્યારે તેમણે મુંબઈની પીઓકે સાથે સરખામણી કરી હતી ત્યારે તેમના નિવેદનને લઈને વિવાદ થયો હતો.

તેમણે બુધવારે લખ્યું, "હું ક્યારેય ખોટી ન હતી અને મારા દુશ્મનોએ એ વારંવાર સાબિત કર્યું છે. એટલે મારું મુંબઈ હવે પીઓકે છે."

કંગના બુધવારે હિમાચલપ્રદેશથી મુંબઈ પરત આવી રહ્યાં છે.

તેમણે રસ્તામાં જ ટ્વીટ કરીને લખ્યું, "આવા સમયે જ્યારે હું મુંબઈ દર્શન માટે ઍરપૉર્ટ જઈ રહી છું, મહારાષ્ટ્ર સરકાર અને તેમના ગુંડા મારી પ્રૉપર્ટીને ગેરકાયદે રીતે તોડવા માટે પહોંચી ગયા છે."

બીજી તરફ કંગના રનૌતના વકીલે બૉમ્બે હાઈકોર્ટમાં બીએમસીની કાર્યવાહી વિરુદ્ધ અરજી કરી છે, જેના પર આજે સુનાવણી થઈ શકે છે.

આ પહેલાં સોમવારે કંગના રનૌતની મુંબઈના પાલી હિલ સ્થિતિ ઑફિસમાં બીએમસીની એક ટીમ પહોંચી હતી. જે બાદ કંગનાએ દાવો કર્યો હતો કે તેમનો બંગલો તોડવામાં આવી શકે છે.

મંગળવારે કંગનાએ કહ્યું હતું, "બીએમસીવાળા આજ ના આવ્યા, નોટિસ લગાવીને જતા રહ્યા કે ઑફિસનું લિકેજ ઠીક કરાવો."

કંગનાએ મંગળવારે ફરી ટ્વિટ કર્યું, "સોશિયલ મીડિયા પર મારા મિત્રોએ બીએમસીની જે ટીકા કરી હતી, તેના કારણે આજ તેઓ બુલડોઝક લઈને ના આવ્યા. એના બદલે તેમણે એક નોટિસ ચિપકાવી દીધી કે મારી ઑફિસમાં ચાલી રહેલી લિકેશની સમસ્યા બંધ કરવામાં આવે."

આ પહેલાં જ્યારે બીએમસીની ટીમ કંગનાની ઑફિસ પહોંચી હતી, ત્યારે તેમણે કહ્યું હતું, "આ મુંબઈમાં મણિકર્ણિકા ફિલ્મસની ઑફિસ છે, જેને મેં પંદર વર્ષ સુધી મહેનત કરીને બનાવી છે. મારું જિંદગીમાં એક જ સપનું હતું કે હું જ્યારે ફિલ્મ નિર્માતા બનું મારી ખુદની ઑફિસ હોય, પરંતુ લાગે છે કે સપનું તૂટવાનો સમય આવી ગયો છે."

"આજે ત્યાં અચાનક બીએમસીના લોકો આવી ગયા, તેમણે જબરદસ્તીથી મારી ઑફિસનો ચાર્જ લઈ લીધો અને બધું જ માપવા લાગ્યા હતા. તેમણે પડોશીઓને પરેશાન કર્યા અને કહ્યું- આ જે મેડમ છે તેમનાં કરતૂતોનું પરિણામ બધાએ ભરવું પડશે. મને જાણકારી મળી છે કે આ લોકો કાલે મારી સંપત્તિને તોડી નાખશે."

તાજેતરમાં જ કંગનાએ કહ્યું હતું કે તેઓ મુંબઈમાં ખુદને સુરક્ષિત મહેસૂસ કરતાં નથી. કંગનાએ મુંબઈની તુલના પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર સાથે કરી હતી.

જે બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખથી લઈને શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કંગના પર નિશાન સાધ્યું હતું.

બીએમસીની આ કાર્યવાહીને શિવસેના સાંસદ સંજય રાઉત અને કંગના વચ્ચે ચાલી રહેલી કડવાટ ભરેલી નિવેદનબાજી સાથે જોડીને જોવામાં આવી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો