ગુજરાતમાંથી વિદેશમાં નિકાસ થતી ટોચની ત્રણ કૉમોડિટી કઈ?

ઇમેજ સ્રોત, Getty Images
નીતિ આયોગના એક્સપૉર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં નિકાસની સાનુકૂળ પરિસ્થિતિઓ અંગેના માપદંડો બાબતે પ્રથમ ક્રમે આવ્યું છે. આ યાદીમાં બીજા ક્રમે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમે તામિલનાડુ છે. જ્યારે નવરચિત કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર આ યાદીમાં અંતિમ સ્થાને છે.
હવે જ્યારે સમગ્ર દેશમાં નિકાસ માટે સૌથી વધુ સજ્જ રાજ્ય તરીકે નીતિ આયોગ દ્વારા ગુજરાતને ટોચના સ્થાને મૂક્યું છે ત્યારે એ જાણવું રસપ્રદ બની જાય છે કે કઈકઈ વસ્તુઓની નિકાસમાં ગુજરાત આગળ પડતું છે.
વરિષ્ઠ વેપાર પત્રકાર હિમાંશુ દરજી પ્રમાણે ગુજરાતમાંથી નિકાસ થતી ટૉપ થ્રી ઍક્સપૉર્ટં કૉમોડિટી કૅસ્ટર-ઑઇલ (દિવેલ-એરંડિયું), કૉટન અને જીરું છે.
એક સમયે ગવારગમ અને ઇસબગૂલ પણ ગુજરાતની ટોચની ઍક્સપૉર્ટ કૉમોડિટી લિસ્ટમાં હતાં.
વર્ષ 2010માં એક સમયે ગવારગમ કૉમોડીટી ઍક્સપૉર્ટમાં ટોચમાં હતી, પરંતુ તેના ભાવ એટલો ઊંચા રહેતા કે તે સમયે તેના વિક્લ્પ ઇમ્પૉર્ટરોએ શોધી કાઢયા.
તેનાથી થોડાં વર્ષો પહેલાં ઇસબગૂલમાં ભાવ વધુ રહેતા.
આમ આ બે કૉમોડિટી હાલમાં ટોચના ક્રમમા આવતી નથી. તેમ કૉમોડિટી ઍનાલિસ્ટ અને પેરોડાઇમ કૉમોડિટીઝ ઍડવાઇઝરના બિરેન વકીલે જણાવ્યુ હતું.

ભારતની નિકાસમાં ગુજરાતનો ફાળો

ઇમેજ સ્રોત, Getty Images
કૅસ્ટર અને કૅસ્ટર-ઑઇલના કુલ ઉત્પાદનના 85 ટકા જેટલું ઉત્પાદન ગુજરાતમાં થાય છે, જોકે વિશ્વના 90 ટકા કૅસ્ટર(દિવેલાં) અને કૅસ્ટર-ઑઇલનું ઉત્પાદન ભારતમાં થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં વર્ષ 2019માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન 4.54 લાખ ટન કૅસ્ટર-ઑઇલની નિકાસ કરાઈ હતી. જયારે હાલમાં જાન્યુઆરીથી મે 2020 સુધીમાં 2.15 લાખ ટન નિકાસ થઈ છે.
રૂના નિકાસની વાત કરીએ તો, સમગ્ર ભારતમાંથી 2018-19માં 7.14 લાખ ટન રૂની નિકાસ કરાઈ હતી. તે 2019-20માં વધીને 7.99 લાખ ટન થઈ હતી.
ગુજરાત દેશના કુલ રૂ-ઉત્પાદનમાં 25 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.
'ફેડરેશન ઑફ ઇન્ડિયન સ્પાઇસીસ સ્ટૅક હોલ્ડરટના ચૅરમૅન મિતેષ પટેલે જણાવ્યું કે તેજાનામાં ગુજરાતમાંથી નિકાસ થતી અગ્રણી કૉમોડીટીમાં જીરું, ધાણા અને મેથી સામેલ છે.
જેમાં મોટા ભાગે ઉંઝા અને કેટલાંક મોટાં શહેરોથી નિકાસ થાય છે. દેશભરમાં વર્ષ 2019-20માં કુલ 2.10 લાખ હજાર ટન જીરાની નિકાસ કરાઈ હતી. એટલે કે રૂપિયા 3225 કરોડનું જીરૂં ઍક્સપૉર્ટ થયું હતું .
અને તેની હાલમાં કોવિડ-19ના કાળમાં પણ સારા પ્રમાણમાં નિકાસ થઈ રહી છે. જીરું મધ્ય-પૂર્વ, ચીન,અમેરિકા, યુરોપમાં વધુ નિકાસ થાય છે.
દેશમાં જીરાની નિકાસ વર્ષ 2015-16માં 97790 ટન એટલે કે રૂપિયા 1553 કરોડ હતી.
તે 2019-20માં બમણાથી વધુ વધીને 2,10,000 ટન એટલે કે રૂપિયા 3225 કરોડ થઈ છે. જોકે, તેમાં 45 ટકાથી વધુ જીરાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
ભારતના કુલ સ્પાઇસીસ ઍક્સપૉર્ટમાં 24 ટકા ચીન, 16 ટકા અમેરિકા, યુએઈ અને બાંગ્લાદેશ 6-6 ટકા, થાઇલૅન્ડ 5 ટકા સાથે સૌથી આગળ છે. આ સિવાય શ્રીલંકા, મલેશિયા, યુ. કે., ઇન્ડોનેશિયા અને જર્મની જેવા દેશો અગ્રણી ખરીદદારો છે.
ગુજરાતમાંથી કૅસ્ટર-ઑઇલનું ઍક્સપૉર્ટ યુરોપિયન દેશોમાં 30થી 35 ટકા અને ચીનમાં 40 ટકા જેટલું થાય છે.

હિમાંશુ દરજીનું વિશ્લેષણ

ઇમેજ સ્રોત, Getty Images
નીતિ આયોગના રિપોર્ટમાં ગુજરાત દેશમાં ટોચ પર ભલે આવ્યું હોય પણ ગુજરાતમાં નિકાસકારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ગુજરાતના નિકાસકારોને જરૂરી પાયાની સવલતો પણ ગુજરાત સરકાર આપે તો ફાયદો થાય તેમ છે.
કેટલાક નિકાસકારોનું માનવું છે કે ગુજરાત આગળ છે કારણ કે બીજાની રાજ્યોની કામગીરી ઓછી છે.
ગુજરાતે ટોચના દેશોની સ્પર્ધાને ધ્યાને રાખીને તેની હરોળમાં આવવાનો લક્ષ્યાંક રાખવો જોઇએ નહી કે અમુક રાજયોની.
ફાર્મા, કેમિકલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સારી એવી નિકાસ થાય છે, પરંતુ આ ક્ષેત્રોમાં અમુક સાનુકૂળ પગલાં લેવાય તેવી માગ ઊઠી રહી છે.
દેશના નિકાસકારોના સૌથી મોટા 'ઍસોસિયેશન ફેડરેશન ઑફ ઇન્ડિયન ઍક્સપૉર્ટર્સ ઑર્ગેનાઇઝેશન્સ' (ફિયો)ના સેક્રેટરી વિશ્વનાથ શ્રીનિવાસન જણાવ્યું હતું કે "નિકાસમાં ભારતનું રેટિંગ BBB છે. આ રેટિંગ સુધારવાનું કામ, ભારત સરકાર અને રાજયોના સંયુક્ત પ્રયાસથી જ કરી શકાય તેમ છે."
જેમ કે, કેટલાક દેશોમાં ફૅક્ટરીમાંથી માલ ભરવાથી નિકાસ થવા સુધીની તમામ કામગીરી પૂરી કરીને માલ વિદેશ મોકલવા માટે લૉડ કરવાની પ્રક્રિયામાં 4થી 8 કલાક જ થાય છે.
જયારે ભારતમાં તે સમય 3 દિવસનો છે. તેમાં ઝડપી ટ્રાન્સપૉર્ટેશન- સ્થાનિક રસ્તા, પૉર્ટની નજીકનો વિસ્તાર કે કનૅક્ટિવિટી સાથે કસ્ટમ ક્લિયરન્સમાં વિલંબ જેવી ઘણી બાબતો મહત્ત્વની છે.
ભારતે નિકાસ રેટિંગ સુધારવા વિદેશો સાથે મોટા પાયે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ કરવા જોઈએ. જેનાથી મૅન્યુફૅક્ચરિગ વધશે.
જે નિકાસ વધારે અને રોજગારી વધારે તે દેશની જરૂરીયાત છે.
રાજયની વાત કરીએ તો રાજ્યે જિલ્લાવાર નિકાસ પ્રોત્સાહન આપવું જોઈએ, તે માટે વીજ ડયૂટી માફી જેવાં ખાસ પ્રોત્સાહનો આપવાં જોઈએ.
નિકાસની માળખાગત સુવિધાઓ સતત વધે તે માટે પ્રયત્નો કરવા જોઈએ.
બંદર નજીકના વિસ્તારોમાંથી નિકાસ વધે તે દિશામાં આયોજન થવું જોઈએ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












