You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નર્મદામાં પૂરની સ્થિતિ : અનેક ગામો એલર્ટ પર, 2500નું સ્થળાંતર
નર્મદા નદીમાં પૂરની સ્થિતિને કારણે મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં લોકો માટે મુશ્કેલી ઊભી થઈ છે તો ઓડિશામાં હીરાકુંડ બંધમાંથી પાણી છોડવામાં આવતા અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ.હિન્દુસ્તાન ટાઇમ્સે તેના અહેવાલમાં જણાવ્યું કે મધ્યપ્રદેશ અને ઓડિશામાં પૂરને કારણે ઓછામાં ઓછા 24 લોકોએ જીવ ગુમાવ્યા અને દેશના અન્ય ભાગોમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પૂરની સ્થિતિ પેદા થતાં હજારો લોકોને સ્થળાંતર થવાની ફરજ પડી છે. ભારતીય હવામાન ખાતા(IMD)ના જણાવ્યા અનુસાર આ વર્ષના ઑગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં 25 ટકા વધુ વરસાદ વરસ્યો છે અને પાછલાં 44 વર્ષોમાં નોંધાયેલો આ મહિનાનો સૌથી વધુ વરસાદ છે.મધ્ય પ્રદેશમાં ગુરુવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે 12 જિલ્લાનાં 454 ગામો પૂરથી અસરગ્રસ્ત બન્યાં છે.
મધ્ય પ્રદેશમાં આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધી 129 લોકોનાં મૃત્યુ થયાં છે. ઓડિશામાં 16 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું.ગૃહ મંત્રાલયના ડેટા પ્રમાણે ગુજરાતમાં પણ સરદાર સરોવર ડેમમાંથી અને મધ્ય પ્રદેશના ડેમોમાંથી છોડાયેલા પાણીને કારણે નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિના અહેવાલ મુજબ નર્મદા નદીમાં જળસ્તર વધવાને કારણે 21 ગામોમાંથી કુલ 2500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદામાં લગભગ 11 લાખ ક્યૂસેક પાણીની આવક શરૂ થઈ છે.
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે અને ઘણાં ગામોને ઍલર્ટ કરવામાં આવ્યાં છે.
પુલવામા હુમલાનું ટાર્ગેટ સ્થાનિક યુવાન દ્વારા નક્કી કરાયું હતું - એનઆઈએ
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને તેમની તપાસમાં જાણવા મળ્યું કે ફેબ્રુઆરી 2019ના દિવસે CRPFના કાફલા પર થયેલા હુમલાનું લક્ષ્ય પુલવામાના જ એક સ્થાનિક યુવાન દ્વારા નક્કી કરાયું હતું.
ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના અહેવાલ અનુસાર એનઆઈએએ તેની 13,500 પાનાની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે ચરમપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે નવા જોડાયેલા 22 શાકિર બશીર મગ્રી નામના આ સ્થાનિક યુવાન જમ્મુ-શ્રીનગર હાઇવે પર પુલવામાના લેથપુરા પાસે ફર્નિચરની દુકાન ચલાવતા હતા.
પુલવામાના કાકાપોરાના રહેવાસી આ યુવાને જ સીઆરપીએફના જવાનોને લઈ જતા વાહનોના કાફલાને હુમલા માટેના લક્ષ્ય તરીકે પસંદ કર્યું હતું. એનઆઈએએ આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં શાકિર બશીર મગ્રીની ધરપકડની જાહેરાત કરી હતી. પુલવામા હુમલાના મુખ્ય ષડયંત્રકાર જૈશ-એ-મોહમ્મદ સંગઠનના મોહમ્મદ ઉમર ફારુકે હુમલા બાદ પાકિસ્તાનથી મોકલેલા વૉઇસ મૅસેજમાં હુમલામાં આ યુવાનના યોગદાનને બિરદાવ્યું હતું અને એની તુલના 2001ના સંસદ પર હુમલા માટે દોષી ઠેરાવાયેલા અફઝલ ગુરુ સાથે કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચાર્જશીટ પ્રમાણે મોહમ્મદ ઉમર અને તેમના સાથીઓએ હુમલા માટે કાર બૉમ્બ બનાવવાનું નક્કી કર્યું હતું પણ તેઓ હુમલાનું લક્ષ્ય નક્કી નહોતા કરી શક્યા.
ગુજરાત યુનિવર્સિટીમાં ઑનલાઇન પદવિદાન સમારંભ યોજાશે
ગુજરાત યુનિવર્સિટીમાં 1લી સપ્ટેમ્બરે ઑનલાઇન કૉન્વોકેશન યોજાશે જેમાં આ વર્ષે 10,000 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે એમ યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું.અમદાવાદ મીરર અખબારના અહેવાલ પ્રમાણે વિદ્યાર્થીઓએ ડિગ્રી સર્ટિફિકેટ જાતે હાજર રહી મેળવવાની જરુર નહીં રહે અને તે તેમને સ્પીડ પોસ્ટ દ્વારા પહોંચતા કરાશે. વિદ્યાર્થીઓ આ ખાસ કૉન્વોકેશનને ફેસબૂક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ વડે જોઈ શકશે.
ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાએ કહ્યું, "અમને ખાતરી છે કે વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરશે અને યુનિવર્સિટી અને તેમને પોતાને ગૌરવ અપાવશે."
યુનિવર્સિટીના પીવીસી જગદીશ ભાવસાર, રજિસ્ટ્રાર પિયૂષ પટેલ ઑનલાઇન પદવિદાન સમારંભ હાજર રહેશે.
ગુજરાતના મુખ્ય સચિવને NHRC તરફથી શો-કૉઝ નોટિસ મળી
સુરત જિલ્લામાં એક માનવાધિકાર વકીલ સામે પોલીસે એક કેસમાં ખોટી રીતે કાર્યવાહી કરી હોવાને મામલે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન(NHRC)એ ગુજરાતના મુખ્ય સચિવને શો-કૉઝ નોટિસ મોકલી છે.ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના અહેવાલ પ્રમાણે નોટિસમાં કમિશને પૂછ્યું છે કે આ કેસમાં શા માટે રાજ્ય સરકારે 1 લાખ રુપિયાનું વળતર ન ચૂકવવું જોઇએ એનો જવાબ આપે.રાજ્યના મુખ્ય સચિવને આ મામલે ચાર અઠવાડિયાંમાં તેમનો જવાબ આપવા માટે નિર્દેશિત કરાયા છે.સુરતના માંગરોળ તાલુકાના કોસંબા ગામના વકીલ બિલાલ કાગઝીની ફરિયાદને આધારે તામિલનાડુ સ્થિત માનવાધિકાર મામલે લડતા લોકો તરફથી લડતી ફોરમ હ્યુમન રાઇટ્સ ડિફેન્ડર્સ અલર્ટ્સ(HRDA)એ સપ્ટેમ્બર 2019માં આ મામલે NHRCમાં ફરિયાદ નોંધાવી હતી.
જેને આધારે NHRCએ 17 ઑગસ્ટે રાજ્યના મુખ્ય સચિવને શૉ-કૉઝ નોટિસનો આ આદેશ જારી કર્યો હતો.
ફરિયાદ પ્રમાણે માનવાધિકાર વકીલ બિલાલ કાગઝી અને અન્ય સાત લોકો સામે સુરત જિલ્લામાં કોસંબા પોલીસે 12 ઑગસ્ટ,2019ના દિવસે હત્યાના પ્રયાસ અને એને સંબંધિત ગુનાઓ માટે કેસ નોંધ્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો