જનતાસંસદ : કોરોનાને કારણે સંસદ બંધ, સરકાર મન ફાવે તેમ વર્તે છે - પૂર્વ ન્યાયાધીશ એ.પી. શાહ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી ગુજરાતી
નાગરિક સમાજ સંગઠન તેમજ વિવિધ સાક્ષરો દ્વારા 'જનતાસંસદ' નામનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. 16 ઑગષ્ટથી છ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં લોકો ઑનલાઇન ભાગ લઈ શકે છે.
કોરોના મહામારીને લીધે દેશમાં બજેટસત્રને ટૂંકાવવામાં આવ્યું હતું. સંસદીય સમિતિ બે મહિનાથી કાર્યરત નથી. સંસદનું ચોમાસુસત્ર જે જુલાઈના વચગાળાના દિવસોથી શરૂ થવું જોઈતું હતું એ થયું નથી. ત્યારે આયોજકોનું માનવું છે કે કોરોના મહામારીને લીધે સંસદ ચાલી નથી રહી તેથી સરકારની જવાબદારીઓ પર જવાબ માગવો કઠિન થઈ રહ્યો છે.
એને ધ્યાનમાં રાખીને વર્ચ્યુઅલ જનતાસંસદનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં કોરોના સંબંધીત નીતિગત મુદ્દાઓની ચર્ચા થઈ રહી છે. એના ઉદ્ઘાટન સત્રમાં પૂર્વ ન્યાયાધીશ એ.પી.શાહ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, યોજના આયોગનાં પૂર્વ સભ્ય અને સામાજિક કાર્યકર સઈદા હમીદ, આદિવાસી નેતા સોની સોરી વગેરેએ ભાગ લીધો હતો.

કેટલાય દેશમાં સંસદ ઑનલાઇન, ભારતમાં કેમ નહીં?
જનતાસંસદના ઉદ્ઘાટન સત્રમાં વક્તવ્ય આપતાં પૂર્વ ન્યાયાધીશ એ.પી. શાહે કહ્યું "સંસદનું બજેટસત્ર જાન્યુઆરીમાં થયું હતું. એ પછી કોવિડ મહામારીને પગલે જગતભરમાં કટોકટી જેવી સ્થિતિ લાગુ પડી છે. એ પછી એવો નિર્ણય લેવાયો કે સંસદને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવશે."
"જોકે આ સંકટની ઘડીમાં પણ અન્ય ઘણા એવા દેશ છે જ્યાંની સંસદ કાર્યરત છે. કૅનેડા અને બ્રિટનની સંસદે પોતાનાં કામકાજમાં બદલાવ કરીને વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી સંસદનાં સત્ર યોજ્યાં."
"કેટલાક દેશમાં ઇન્ટરનેટના માધ્યમથી વોટિંગ કરીને પણ એ નિર્ધારિત કરવામાં આવ્યું કે સંસદનું કામકાજ ચાલુ રહે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ફ્રાન્સ, ઇટાલી, બ્રાઝિલ, ચીલી જેવા દેશમાં સંસદનું કામકાજ થયું છે. સ્પેન કે જ્યાં કોરોના મહામારીએ ભરડો લીધો હતો ત્યાં પણ સંસદની કાર્યવાહી ચાલુ રહી હતી."
"માલદીવની સંસદ એક સોફ્ટવેરના માધ્યમથી વીડિયો કૉન્ફરન્સિંગ કરીને કામકાજ ચલાવી રહી છે. માલદીવના સ્પીકરે કહ્યું હતું કે મહામારી કેમ ન હોય, સંસદ પોતાના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરવાનું બંધ કરી શકે નહીં."
"આ પ્રકારની વિચારસરણી આપણા સાંસદોમાં જોવા નથી મળી રહી. માર્ચ પછી સંસદ બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે જે હજી પણ યથાવત છે."
"આતંકવાદી હુમલો હોય કે યુદ્ધની સ્થિતિ હોય પરંતુ સંસદ બંધ નથી રહી. 2001માં આતંકવાદી હુમલો થયો એના બીજા દિવસથી સંસદ કાર્યરત હતી. "
"એવું નથી કે ભારતમાં ઇન્ટરનેટના માધ્યમથી સંસદનું કામ ન ચલાવી શકાય. ભારતમાં પણ સાંસદો ઑનલાઇન મળીને સંસદનું કામ ચલાવી શકે છે."
"આ સમયે એ સમજવું જરૂરી છે કે રાજ્યોના અલગઅલગ વિભાગોની શું ભૂમિકા હોય છે."
"ભારતના બંધારણસભા કે જેણે બંધારણ ઘડ્યું તેમને ડર હતો કે સરકારને જો તમામ શક્તિ આપી દેવામાં આવશે તો તે એક સરમુખત્યાર તરીકે પણ કામ કરી શકે છે. "
"તેથી જ એ પ્રકારની વ્યવસ્થા લાવવામાં આવી કે સરકાર સંસદ પ્રત્યે જવાબદાર રહેશે. આ પ્રકારની સંસદીય જવાબદારીને લીધે જ 1977માં ઈન્દિરા ગાંધીએ સત્તા છોડીને જવું પડ્યું હતું."
"સંસદનું કામ હંમેશાં સરકારની જવાબદારી નક્કી કરવાનું છે. સંસદમાં જે સવાલ પૂછવામાં આવે છે તે જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયાનો ભાગ છે. "
"પરંતુ કોવિડ મહામારીને લીધે આપણી સંસદ ન માત્ર બંધ રહી બલકે પ્રજાનું પ્રતિનિધિત્વ પણ ન કરી શકી."
"મન ફાવે તેમ કામ કરવાની સરકારને હવે છૂટ મળી ગઈ છે. તેમની સામે સંસ્થાગત રીતે સવાલ કરવાની કોઈ વ્યવસ્થા હવે નથી."

'2014 પછી નાગરિક સમાજ-સંગઠનોને નબળાં પાડવાના પ્રયાસ'

ઇમેજ સ્રોત, Getty Images
સંસદમાં વાટાઘાટ નથી થઈ રહ્યા કે ન તો સવાલ પૂછાઈ રહ્યા છે, એવામાં અન્ય નાગરિક સંસ્થાઓ જે સરકારની જવાબદારી નક્કી કરે છે તેને નબળી પાડવામાં આવી રહી છે.
આ વાત મૂકતાં પૂર્વ ન્યાયાધીશ શાહે કહ્યું હતું કે "મીડિયા, નાગરિક સમાજ, બિનસરકારી સંગઠનો વગેરે સરકારની જવાબદારી નક્કી કરતી સંસ્થાઓ છે. નસીબજોગે, તેને પણ નબળી પાડવામાં આવી રહી છે."
"આ પ્રકારની સંસ્થાઓ નબળી પડે એ માટે 2014 પછી તમામ પ્રકારના પ્રયાસ થયા છે, જે ઈન્દિરા ગાંધીની સરકાર દ્વારા થયેલા પ્રયાસથી અલગ નથી. આ પ્રકારના પ્રયાસોને લીધે સરકારની જવાબદારીઓ ઓછી થઈ ગઈ છે. "
"લોકસભામાં રાજ્યસભાની દેખરેખથી બચવા માટે કેટલાક અધિનિયમોને નાણાકીય અધિનિયમો હેઠળ પસાર કરવામાં આવ્યા છે. જોકે, સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે સંસદ નબળી પડી ગઈ છે, પરંતુ આ મહામારી વખતે સંસંદ જો કામ કરતી હોત તો જવાબદારી તો નક્કી થઈ શકી હોત."

'માનવાધિકાર પંચ, સૂચના પંચ બિનઅસરકારક'

ઇમેજ સ્રોત, Getty Images
અદાલતો વિશે વાત કરતાં પૂર્વ ન્યાયાધીશ શાહે કહ્યું "ન્યાયપાલિકા ખૂબ કમજોર દેખાઈ રહી છે. નાગરિકતા સંશોધન અધિનિયમની દ્રઢતા, કાશ્મીરમાં જે પ્રકારે સ્થિતિ છે તેમજ ત્યાં ઇન્ટરનેટ ઉપલબ્ધ બને એવા કેટલાક મહત્વના મુદ્દા છે જે અદાલતોમાં લાંબા સમયથી પૅન્ડિંગ પડ્યા છે."
"તેની સુનાવણી થવી જોઈએ પરંતુ અદાલતો પોતાની જવાબદારી નથી નિભાવી રહી. તમને ખબર હશે કે લોકપાલના ગઠન બાદ લોકપાલમાં શું થઈ રહ્યું છે એના વિશે આપણને કંઈ ખબર નથી."
"માનવાધિકાર પંચ પણ ઘણા સમયથી સક્રિય નથી દેખાઈ રહ્યું. સૂચના પંચ પણ બિન અસરકારક રીતે કામ કરી રહ્યું છે. "
"આવા સંજોગોમાં માત્ર એક સંસ્થા છે જે સરકારની જવાબદારી નક્કી કરી શકે છે એ છે મીડિયા, નાગરિક સમાજ અને વિશ્વવિદ્યાલયો. "
"વિશ્વવિદ્યાલયો પર વારંવાર હુમલા થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ પર દંગાફસાદ ભડકાવવાના આરોપ લગાવવામાં આવે છે."
"ભારતનું મીડિયા ઘણા વખત અગાઉ વિભાજિત થઈ ચૂક્યું છે. કાશ્મીરમાં જે નવી મીડિયા નીતિ લાગુ થઈ એને લીધે બચી ગયેલું જે એકલદોકલ મીડિયા હતું તે પણ હવે મરી રહ્યું છે."
"નાગરિક સમાજનો અવાજ ધીમેધીમે દબાવાઈ રહ્યો છે. સરકારની નીતિ એવી છે કે જે સંસ્થા તેમની સામે અવાજ ઉઠાવે તેમનો અવાજ દબાદી દેવો. "
"શાસક પક્ષની વિરુદ્ધમાં જે પણ અવાજ ઊઠે તેને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પ્રકારની સરકાર સત્તામાં હોય અને દરેક સંસ્થાને નબળી પાડવામાં આવે તો લોકશાહી ખૂબ નબળી પડી જાય છે."
"લોકતંત્રના મરણની પ્રક્રિયા આ પ્રકારની જ હોય છે. માત્ર ભારત જ નહીં અન્ય દેશોમાં પણ એ જોવામાં આવ્યું છે. જ્યારે કોરોના મહામારીની શરૂઆત હતી ત્યારે લોકોને ડર હતો કે આ પ્રકારની પરિસ્થિતિનો લાભ સરકાર પોતે તાકાતવર થવામાં કરશે. ભારતમાં આ જ થયું છે. "
"સરકાર ધીમીધીમે તાકાતવર બની રહી છે. તેમના પર જે પણ નિયત્રણો છે એને નબળાં પાડવામાં આવી રહ્યાં છે. દેશમાં લોકો પાસે હવે પોતાનો અવાજ ઉઠાવ્યા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. જ્યારે અવાજ ઉઠાવવામાં આવે ત્યારે એનો ઉદ્દેશ લોકશાહીને બેઠી કરવાનો હોવો જોઈએ."

'સરકાર જવાબ દેવામાંથી છટકી જાય છે'

ઇમેજ સ્રોત, Getty Images
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પૂર્વ ન્યાયાધીશ શાહની વાતનો તંતુ જોડતાં કહ્યું "ગુજરાતની તરજ પર નરેન્દ્ર મોદીએ દેશની લોકશાહી વ્યવસ્થાને ધક્કો પહોંચાડ્યો છે."
"કોરોનાની આ મહામારી વખતે સરકારે સૌથી વધુ જવાબદારી દર્શાવવી જોઈએ. સરકારને વધુ સવાલ પુછાવવા જોઈએ. વધારે ચર્ચા અને વિમર્શ થવા જોઈએ, પરંતુ સંસદ અને વિધાનસભાઓ બંધ છે. લોકતંત્રના દરવાજા બંધ છે. "
મેવાણીએ દાખલો આપીને કહ્યું કે "કોરોનાના દરદીની હાલત ગંભીર હોય ત્યારે ઈલાજ તરીકે ટોસિલીઝુમેબ ઇન્જેક્શન આપવામાં આવે છે. "
"આ ઇન્જેક્શનો માત્ર વગ ધરાવતા લોકોને જ મળે છે. એની કાળાબજારી પણ થાય છે. જો ગુજરાતમાં વિધાનસભા ચાલતી હોત તો હું આ સવાલ સરકારને પૂછત કે ગુજરાત સરકાર પાસે કેટલાં ઇન્જેક્શન ઉપલબ્ધ છે? "
"એની ફાળવણીની ગાઇડલાઇન શું છે? વિધાનસભાનું સત્ર ચાલુ હોત તો રેર્ડર્ડ પર સરકારે જવાબ આપવો પડત. પરંતુ એવું નથી થઈ રહ્યું."
"ઇન્જેક્શનનો મુદ્દો અમે મીડિયામાં મૂક્યો હતો છતાં સરકારની રેકર્ડ પર કોઈ જવાબદારી નક્કી થઈ નથી. આ પ્રકારના સવાલ વિધાનસભામાં મનરેગા, રાશન, પ્રવાસી મજૂરો વિશે પણ પૂછી શકાત."
સેશનનાં અન્ય વક્તા સઈદા હમીદ કે જેઓ લેખિકા, કર્મશીલ તેમજ આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય હતાં તેમણે કહ્યું :
"ન માત્ર મુસલમાન બલકે દરેક પ્રકારના લઘુમતી સમુદાયના લોકોને એવો અહેસાસ કરાવાઈ રહ્યો છે કે દેશમાં તેઓ સેકન્ડ ક્લાસ નાગરિક છે."
આદિવાસી અધિકારો માટે લડતાં સોની સોરીએ કહ્યું હતું કે "ઓનલાઇન શિક્ષણની વાતો થઈ રહી છે,પણ આદિવાસી વિસ્તારોમાં ન તો ઇન્ટરનેટ છે કે ન તો નેટવર્ક. કોરોનાની મહામારીની આડમાં સરકાર મન ફાવે તેમ વર્તીને જળ, જમીન અને જંગલ છીનવી રહી છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












