મહેન્દ્રસિંહ ધોનીની અંતિમ મૅચની એ દિલધડક કહાણી જેણે કરોડોનાં દિલ તોડી નાખ્યાં

    • લેેખક, દીપક ચુડાસમા
    • પદ, બીબીસી ગુજરાતી

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચવા માટે ખરાખરીનો જંગ છે. ભારતને જીત માટે 10 બૉલમાં 25 રનની જરૂર છે. મહેન્દ્ર સિંહ ધોની સ્ટ્રાઇકમાં છે, સામે ન્યૂઝીલૅન્ડના ફાસ્ટ બૉલર એલ. એચ. ફર્ગ્યૂસન 48મી ઓવરનો ત્રીજો બૉલ ફેંકવા માટે રનિંગ શરૂ કરે છે.

સામે તરફ કરોડો ક્રિકેટ ફેન્સના દિલ ધડકી રહ્યાં છે. ધોનીની સામે નૉનસ્ટ્રાઇક ઍન્ડ પર ભૂવનેશ્વર કુમાર છે.

કરોડો લોકોનાં દિલ તોડી નાખનારી આ કહાણી છે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની.

ધોનીએ શનિવારે સાંજે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. તેઓ હવે ભારતીય ટીમમાં જોવા નહીં મળે. જોકે, તેઓ આઈપીએલમાં રમતા રહેશે.

જ્યારે ભારતની ધડાધડ વિકેટો પડવા લાગી

આ એક એવી ક્ષણની કહાણી છે જે ભારતના ક્રિકેટ ચાહકો અને ધોનીના ફેન્સ ક્યારેય નહીં ભૂલે. એ વખતે 48મી ઓવરના ત્રીજા બૉલે ન્યૂઝીલૅન્ડના ખેલાડી માર્ટીન ગપ્ટિલે ધોનીને રન આઉટ કરી દીધા હતા.

આ મૅચ ભારત જીતે તો તે વર્લ્ડ કપ 2019ના ફાઇનલમાં પહોંચવાનું હતું. આ મૅચમાં ન્યૂઝીલૅન્ડે પહેલાં બૅટિંગ કરતાં ભારતને જીતવા માટે 240 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

જેનો સામનો કરતાં ભારતે બીજી ઓવરમાં ફૉર્મમાં ચાલી રહેલા અને વર્લ્ડ કપમાં ધમાકેદાર બૅટિંગ કરી રહેલા ઓપનિંગ બૅટ્સમૅન રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી. રોહિત શર્મા માત્ર 1 રન બનાવીને પૅવેલિયન ભેગા થઈ ગયા હતા.

એ બાદ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી મેદાનમાં આવ્યા. તેમણે પણ આ વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, આ મૅચમાં તેમનો દિવસ ખરાબ હતો. રોહિત શર્મા બાદ રમવા માટે ઊતરેલા કોહલી પણ માત્ર 1 રનના વ્યક્તિગત સ્કોરે બૉલ્ટના બૉલનો શિકાર થઈ ગયા. ત્રીજી ઓવરના ચોથા બૉલે ભારતે કોહલીની વિકેટ ગુમાવી દીધી.

શિખર ધવન ઇજાગ્રસ્ત થયા બાદ રોહિત શર્માનો ઓપનર તરીકે સાથ નિભાવી રહેલા કે. એલ. રાહુલે ચોથી ઓવરમાં ભારતને ત્રીજો ઝટકો આપ્યો. ચોથી ઓવરના પ્રથમ બોલે રાહુલ લૅથમના હાથમાં પોતાના કૅચ આપી બેઠા. જોગાનુજોગ તેઓ પણ માત્ર 1 રન બનાવીને કોહલી અને રોહિત શર્માની સાથે પૅવેલિયન ભેગા થઈ ગયા.

ભારતે 5 રનમાં પોતાની ત્રણ મહત્ત્વની વિકેટો ગુમાવી દીધી હતી.

જે બાદ પંતે 32 રન, દિનેશ કાર્તિકે 6 રન અને હાર્દિક પંડ્યાએ 32 રન કર્યા. ભારતે 92 રનમાં પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી.

ધોનીની મેદાનમાં ઍન્ટ્રી, ચાહકોમાં નવી આશા

મૅચ ફિનિશર તરીકે જાણીતા મહેન્દ્રસિંહ ધોની જ્યારે મેદાનમાં આવ્યા ત્યારે ભારતને જીત માટે એક મજબૂત ભાગીદારીની જરૂર હતી.

ધોનીએ પોતાની નેચરલ રમત રમતાં ધીરજપૂર્વક ભારતને એક મજબૂત ભાગીદારી તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો. તેમણે હાર્દિક પંડ્યા સાથે 21 રનની ભાગીદારી કરી. જે બાદ પંડ્યા આઉટ થયા અને રવીન્દ્ર જાડેજા મેદાનમાં ઊતર્યા.

રવીન્દ્ર જાડેજાને માટે સેમિફાઇનલમાં બૅટિંગ કરવાની તક તેમની કારકિર્દી માટે પણ મહત્ત્વની હતી. આ પહેલાં તેમની ક્ષમતા વિશે સવાલો ઊઠ્યા હતા.

ધોની અને જાડેજાએ ધીરજ સમજણ પૂર્વકની રમત દર્શવતા ભારતને એક મજબૂત ભાગીદારી તરફ આગળ વધાર્યું. આ સાથે જ ભારતીય ક્રિકેટ ચાહકોમાં જીતની આશા સાથે જ વર્લ્ડ કપ ઘરે લાવવાની આશા બંધાઈ.

જાડેજાએ સુંદર બૅટિંગ કરતાં ફ્રન્ટ ફૂટ પર આવીને શૉટ્સ ફટકાર્યા અને ન્યૂઝીલૅન્ડના બૉલરો પર પ્રેશર વધારી દીધું.

જોકે, 48મી ઓવરના પાંચમા બૉલે જાડેજા કૅચ-આઉટ થયા. જાડેજાએ એ દિવસે લોકોનાં દિલ જીતી લીધાં. તેમણે 4 ફોર અને 4 સિક્સ સાથે 77 રન બનાવ્યા. ભારતે 208 રનના સ્કોરે સાતમી વિકેટ ગુમાવી.

હવે માત્ર સંપૂર્ણ આધાર ભારતના પૂર્વ કપ્તાન અને વિશ્વના શ્રેષ્ઠ મૅચ ફિનિસરમાંના એક એવા ધોની પર જ હતો.

એ રન આઉટ જેણે ભારતની આશા પર પાણી ફેરવી દીધું

રવીન્દ્ર જાડેજાના આઉટ થયા બાદ મેદાનમાં બૅટિંગ માટે ભૂવનેશ્વર કુમાર સાથ આપવા માટે આવ્યા હતા.

48મી ઓવર શરૂ થઈ ફર્ગ્યૂસને પ્રથમ બૉલ ફેંક્યો અને ધોનીએ બૅકવર્ડ પૉઇન્ટ પર સિક્સ ફટકારી. આ સિક્સે એ સમયે લોકોને 2011ના વર્લ્ડ કપની ફાઇનલની યાદ અપાવી દીધી જેમાં તેમની સિક્સને કારણે ભારતે વર્લ્ડ કપ જિત્યો હતો.

ફર્ગ્યૂસનના બીજા બૉલમાં ધોની કોઈ રન ના લઈ શક્યા. હવે કહાણી શરૂ થાય છે એ બૉલની જેના લાખો લોકો ક્યારેય નહીં ભૂલી શકે.

ફર્ગ્યૂસને ત્રીજો બૉલ નાખ્યો અને ધોનીએ ધીરેથી બૉલને રમ્યો અને રન લેવા માટે દોડ્યા. એક રન પૂરો કર્યા બાદ ધોની અને ભૂવનેશ્વર કુમાર વચ્ચે બીજા રનને લઈને થોડી અસમંજસ થઈ અને બીજો રન લેવા માટે દોડ્યા.

બીજા તરફ બાઉન્ડ્રી તરફથી દોડીને આવેલા માર્ટિન ગપ્ટિલે બૉલનો થ્રૉ કર્યો ત્યારે ધોની ક્રીઝ પાસે પહોંચવા આવ્યા હતા. ગપ્ટિલનો થ્રૉ સીધો વિકેટમાં લાગ્યો અને ધોની સેંકંડના ભાગ માટે રન પૂરો કરી ન શક્યા.

ધોનીના રન આઉટનો નિર્ણય થર્ડ અમ્પાયર પાસે ગયો અને તેમાં તેમને આઉટ જાહેર કરવામાં આવ્યા.

એક રન સાથે ધોનીએ પોતાની કારકિર્દીની એ છેલ્લી અડધી સદી ફટકારી હતી. તેમણે 72 બૉલમાં 50 રન બનાવ્યા હતા. ધોનીની ક્રિકેટ કેરિયરનો આ બૉલ અને અને મૅચ અંતિમ બની રહ્યા.આ મૅચ ભારત ન્યૂઝીલૅન્ડ સામે 18 રનથી હારી ગયું અને આખી ટૂર્નામેન્ટમાં સુંદર પ્રદર્શન કરનારું ભારત વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું.

ધોની અને કોહલીએ રન આઉટ વિશે શું કહ્યું હતું?

મૅચ પૂર્ણ થયા બાદ ક્લૉઝિગ સૅરેમની વખતે ભારતના કપ્તાન વિરાટ કોહલીએ કહ્યું કે મૅચ જીતવાની ક્રેડિટ ન્યૂઝીલૅન્ડના બૉલરોને જાય છે. જાડેજાએ અભૂતપૂર્વ બૅટિંગનું પ્રદર્શન કર્યું છે. તેણે ખૂબ જ સ્પષ્ટતા સાથે બૅટિંગ કરી અને ધોની સાથે એક સારી પાર્ટનરશિપ કરી.

કોહલીએ કહ્યું કે "આ થોડા અંતરથી રહી જવાની ગેમ છે અન એમ. એસ. ધોની આઉટ થઈ ગયા. 45 મિનિટની ખરાબ રમત તમને ટૂર્નામૅન્ટમાંથી બહાર ફેંકી શકે છે."

ન્યૂઝીલૅન્ડના કપ્તાન વિલિયમસને કહ્યું કે "જે રીતે જાડેજા અને ધોની રમતા હતા તે જોતાં લાગ્યું ભારત જીતી જશે. જોકે, અમાર ફિલ્ડરોએ સુંદર ફિલ્ડિંગ કરી."

ધોની એ વખતે તો રનઆઉટ વિશે કશું બોલ્યા નહોતા પરંતુ તેમણે જાન્યુઆરી 2020માં 'ઇન્ડિયા ટૂડે'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ રન આઉટ મામલે અફસોસ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું, "મારી પહેલી મૅચમાં પણ હું રન આઉટ થયો હતો અને ફરીથી આ મૅચમાં(સેમિફાઇનલમાં) રન આઉટ થયો. જે બાદ હું સતત મારી જાતને કહી રહ્યો હતો કે મેં શા માટે ડાઇવ ના લગાવી. એ માત્ર બે ઇંચ માટે હું મારી જાતને હજી પણ કહી રહ્યો છું કે મારી ડાઇવ લગાવવી જોઈતી હતી."

ધોની તેમની કારકિર્દીની પ્રથમ મૅચમાં પણ રન આઉટ થયા હતા. બાંગ્લાદેશ સામેની એ મૅચમાં ધોની 42મી ઓવરના પાંચમા બૉલે શૂન્ય રને રન આઉટ થઈ ગયા હતા. હવે એવું ચોક્કસ કહી શકાય કે એ ખેલાડી જે તેમની કારકિર્દીની પ્રથમ અને અંતિમ બંને મૅચમાં રન આઉટ થયા હતા.

રન-આઉટ પર સવાલો

ભારતના અનેક લોકોએ ન્યૂઝીલૅન્ડ સામેની આ હારને ભારે હૃદયે પચાવી હતી. રન આઉટ થયા બાદ ખુદ ધોની ખૂબ જ નિરાશ થયેલા કૅમેરામાં જોવા મળ્યા હતા.

જોકે, તેમના રન આઉટ બાદ તેમની કારકિર્દી અને અમ્પાયર પર પણ ફેન્સે સવાલો ઉઠાવ્યા હતા.

એ સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં ધોની રન-આઉટ થયા એ વખતના બૉલ વખતે ન્યૂઝીલૅન્ડના છ ખેલાડીઓ રીંગની બહાર ઊભા હતા.

આઈસીસીના નિયમ પ્રમાણે ત્રીજા પાવરપ્લે વખતે 30 યાર્ડના સર્કલની બહાર માત્ર 5 ફિલ્ડર જ ઊભા રહી શકે. જેથી કેટલાક લોકોનું કહેવું હતું કે આ બૉલને નો-બૉલ ગણવો જોઈતો હતો.

આ મૅચમાં કેટલાક લોકોએ ધોનીની ધીમી રમતને પણ હારનું કારણ ગણાવી. તેઓ અડધી સદી પૂરી કરવા માટે 72 બૉલ રમ્યા હતા. જેમાં તેમણે માત્ર 1 ફોર અને 1 સિક્સ મારી હતી.

જે બાદ મૅચ ફિનિશર તરીકેની તેમની ઇમેજ પર પણ સવાલો ઊભા થવા લાગ્યા હતા. ઘણા લોકોએ ધોનીને નિવૃત્તિ લેવાની વાતને પણ આગળ ધપાવી. તેમની રમત અને દોડવાની ક્ષમતા પર પણ સવાલો થયા, કેટલાક લોકોએ ઉંમરને લઈને પણ સવાલો કરી નવા લોકોને જગ્યા આપવાની વાત કરી.

આ સવાલોની વચ્ચે ધોની ગુમ થઈ ગયા અને 15મી ઑગસ્ટ 2020 એટલે કે ભારતના સ્વાતંત્ર્ય દિવસે તેમણે પોતાની નિવૃતિ 'મેં પલ દો પલ કા શાયર હું, પલ દો પલ કી મેરી કહાની' ગીત સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો