ગુજરાતમાં વાલીઓ સંતાનોને ખાનગી શાળામાંથી ઉઠાડી સરકારી શાળામાં કેમ મૂકી રહ્યા છે?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

એક તરફ જ્યાં ખાનગી શાળાઓ અને તેમના દ્વારા ઉઘરાવાતી કથિત ઊંચી ફીનો મુદ્દો ગરમાયો છે ત્યારે જ બીજી તરફ અમદાવાદ અને સુરતની સરકારી શાળાઓ તરફ વાલીઓ આકર્ષાઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાસંચાલકોને જ્યાં સુધી રાબેતા મુજબ શાળાઓ શરૂ ન કરવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ફી નહીં વસૂલવાનું સૂચવવામાં આવ્યું છે.

ત્યારે ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓનું વધી રહેલું આ આકર્ષણ એક ચર્ચાનો મુદ્દો બન્યો છે.

સરકારી શાળાઓ તરફ વાલીઓના વધી રહેલા ઝોક અંગે સ્પષ્ટતા મેળવવા માટે અમે કેટલાક વાલીઓ સાથે વાત કરી, જેમણે પોતાનાં બાળકોને ખાનગી શાળાઓમાંથી કાઢીને સરકારી શાળાઓમાં મૂક્યાં છે.

આર્થિક સંકડામણ બન્યું મુખ્ય કારણ

સુરત જિલ્લાના રહેવાસી વિજય ચૌધરી, જેઓ હીરા ઘસવાના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમણે પોતાના બાળકનું ઍડમિશન શહેરની એક ખાનગી શાળામાંથી રદ કરાવી નજીકની સરકારી પ્રાથમિક શાળામાં કરાવ્યું છે. તેઓ તેમના આ પગલા અંગેનું કારણ સ્પષ્ટ કરતાં જણાવે છે કે, "મેં મારા પુત્રનું હાલ સરકારી શાળામાં છઠ્ઠા ધોરણમાં ઍડમિશન કરાવ્યું છે."

"હાલ કોરોનાની મહામારીને પગલે કામ બંધ છે. ખાનગી શાળાનો ખર્ચ અમને પોષાય એમ ન હોવાથી મેં આવું કર્યું છે."

ખાનગી સ્કૂલોની કાર્યરીતિ અંગે અસંતોષ વ્યક્ત કરતાં તેઓ જણાવે છે કે, 'ખાનગી સ્કૂલમાં માત્ર ફીનો જ ખર્ચ નહોતો પરંતુ તેઓ અનેક જુદાજુદા ખર્ચા અમારી પર નાખતા હતા, જે અમારા જેવા મર્યાદિત આવકવાળા કુટુંબો માટે વેઠવા ઘણા અઘરા હતા."

સુરતના અન્ય એક વાલી દિનેશ ચૌધરીએ પણ પોતાનાં બે બાળકોને ખાનગી શાળામાંથી કાઢી લઈ સરકારી શાળામાં તેમનું ઍડમિશન કરાવ્યું છે. તેઓ પણ વિજય ચૌધરીની જેમ જ આ પગલાનું મૂળ કારણ વ્યવસાય છૂટી જવાને અને આવક બંધ થઈ જવાને કારણે સર્જાયેલી નાણાકીય ભીડને ગણાવે છે.

દિનેશ આ નિર્ણય લેવા પાછળનું કારણ વ્યક્ત કરતાં કહે છે કે, 'મેં હાલ મારા દીકરા અને દીકરીનું અનુક્રમે ચોથા અને સાતમા ધોરણમાં સરકારી શાળામાં ઍડમિશન કરાવ્યું છે, લૉકડાઉન બાદ પણ ઘણા દિવસથી કામ ચાલુ નથી થયું. આવક બંધ છે તેથી મેં મારાં બાળકોને સરકારી શાળામાં મૂકવાનો નિર્ણય લીધો હતો.'

આ સિવાય અમદાવાદના લાલ દરવાજા ખાતે છૂટક મજૂરીકામ કરતાં વાલી જગદીશ તિવારીએ પણ પોતાની બે દીકરીઓને ખાનગી શાળામાંથી કાઢી લઈ સરકારી શાળામાં મૂકી છે.

તેઓ પણ આ પગલા પાછળ કામ-ધંધો બંધ થવાની વાતને મુખ્ય કારણ ગણાવે છે. તેઓ કહે છે કે, "હાલ કામ-ધંધો ચાલતો નથી, તેથી મેં મારી બંને બાળકીઓને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે. પ્રવેશ દરમિયાન મારી પાસેથી એક પણ રૂપિયો માગવામાં નથી આવ્યો."

સરકારી શાળાઓ તરફ આકર્ષણ

'નગર પ્રાથમિક શિક્ષણસમિતિ, અમદાવાદ'ના ચૅરમૅન ધીરેન્દ્રસિંહ તોમર વાલીઓમાં ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને સ્થાને સરકારી શાળાઓ પ્રત્યે વધી રહેલા આકર્ષણ વિશે વાત કરતાં જણાવે છે :

"આ વર્ષે અત્યાર સુધી અમદાવાદ સ્કૂલબૉર્ડની શાળાઓમાં ધોરણ બેથી આઠમાં કુલ 1120 બાળકોનાં ઍડમિશન થયાં છે."

"આ સિવાય બૉર્ડ દ્વારા સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ચાલતા સિનિયર, જૂનિયર કે. જી.ના વર્ગોમાં પણ નવાં 2550 બાળકોનાં ઍડમિશન થયાં છે, પહેલાં સિનિયર, જૂનિયર કે. જી.ના વર્ગો માત્ર ખાનગી શાળાઓમાં ચાલતા, પરંતુ હવે 'નગર પ્રાથમિક શિક્ષણસમિતિ'ની શાળાઓમાં પણ આ વર્ગો ચાલુ થતાં લોકો ખાનગી સંસ્થાને સ્થાને સરકારી શાળાઓમાં પોતાનાં બાળકોને મોકલવાનું પસંદ કરી રહ્યા છે."

આવી જ રીતે સુરતમાં પણ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓ તરફ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આકર્ષાઈ રહેલા હોવાનું વલણ જોવા મળી રહ્યું છે.

આ વલણ અંગે વાત કરતાં 'નગર પ્રાથમિક શિક્ષણસમિતિ, સુરત'ના ચૅરમૅન હસમુખ પટેલ જણાવે છે કે, 'આ વર્ષે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં કુલ 4300 બાળકો આવ્યાં છે.'

તેઓ આ વિશે આગળ જણાવે છે કે, "આમ તો દર વર્ષે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં બાળકો આવતાં હોય છે, પરંતુ આ વર્ષે ખાસ વાત એ છે કે આટલા મોટા પ્રમાણમાં માઇગ્રેશન થયા છતાં પણ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આટલા બધા વિદ્યાર્થીઓ આવ્યા છે."

સરકારી શાળા જ કેમ?

ધીરેન્દ્રસિંહ તોમર સરકારી શાળાની પસંદગી માટે વાલીઓની આર્થિક સંકડામણ સિવાય ખાનગી શિક્ષણસંસ્થાઓથી વાલીઓને થયેલા મોહભંગને પણ કારણ ગણાવે છે.

તેઓ કહે છે કે, "ખાનગી સંસ્થાઓની સામાન્ય માણસને પરવડે નહીં એવી ઊંચી ફી સિવાય સરકારી શાળાઓની સુધરેલી સ્થિતિ, શિક્ષણની ગુણવત્તામાં થયેલો સુધારો પણ આ ફેરફાર માટે કારણભૂત છે."

"હવે તમામ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણસુવિધાઓ મળે તે હેતુથી ઇન્ટરનેટના ઉપયોગ માટેની વ્યવસ્થા ગોઠવાઈ છે, તેમજ શાળામાં આંતરમાળખાકીય સુવિધાઓ વિકસિત કરાઈ છે, તેમજ સ્માર્ટ સ્કૂલો વિકસિત કરવાને કારણે સરકારી શાળાઓ તરફ વાલીઓ આકર્ષાયા છે."

તેઓ સરકારી શાળાઓમાં મળતી શિક્ષણની ગુણવત્તા અને સુવિધાઓ ગણાવતાં કહે છે કે, "સરકારી શાળાઓમાં ઑનલાઇન શિક્ષણ માટેની વ્યવસ્થા, અત્યાધુનિક લૅબોરેટરી, સારી ઇમારતો, મફત શિક્ષણ, પુસ્તકો, ગણવેશ અને અન્ય તમામ જરૂરી સાધનો જેવી સુવિધાઓને કારણે વાલીઓનો ખાનગી શાળાઓ પરથી મોહ ઊઠવા લાગ્યો છે."

સરકારી શાળાઓના શિક્ષણના સ્તર વિશે વાત કરતાં તેઓ કહે છે કે, "ખાનગી શાળાઓમાં ઊંચી ફી ઉઘરાવવામાં આવે છે, પરંતુ કાબેલ શિક્ષકોની ભરતી નથી કરાતી. જ્યારે કૉર્પોરેશન સંચાલિત શાળાઓમાં મેરિટ આધારિત ભરતી થયેલા ઊચ્ચ શિક્ષણ ધરાવતા શિક્ષકો દ્વારા બાળકોને ભણાવવામાં આવે છે."

હસમુખ પટેલ આ ફેરફાર અંગેનાં કારણો જણાવતાં કહે છે કે, "સરકારી વિદ્યાલયોમાં પણ ખાનગી શાળઓની જેમ જ ઑનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ખાનગી શાળાઓની સરખામણીએ પોતાનાં બાળકોને ભણાવવા માટે સરકારી શાળામાં વાલીઓએ બિલકુલ ખર્ચ કરવો પડતો હોતો નથી, અહીં સુધી કે તેમને સ્કૂલ બૅગ, પુસ્તકો અને ગણવેશ પણ પૂરાં પાડવામાં આવે છે. આ કારણે વાલીઓ પોતાનાં બાળકોના શિક્ષણ માટે સરકારી શાળાઓ પર વધુ ભરોસો કરતા થયા છે."

આ સિવાય વાલી વિજય ચાલે, જેમણે પોતાનાં બાળકને આ વર્ષે ખાનગી સ્કૂલમાંથી સરકારી શાળામાં ઍડમિશન અપાવ્યું છે, તેઓ જણાવે છે કે, "સરકારી શાળામાં માત્ર વાલીના પૈસા નથી બચતા, પરંતુ સરકારી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણ બાબતે ઘણું ધ્યાન પણ આપવામાં આવે છે."

તેમજ અન્ય એક વાલી વિજય ચૌધરી જણાવે છે કે , "હાલ કોરોનાની મહામારીને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં સરકારી શાળાઓમાં વૉટ્સઍપના માધ્યમથી બાળકોને અભ્યાસસામગ્રી મોલવામાં આવી રહી છે તેમજ શાળાની તમામ પ્રવૃત્તિઓની જાણ પણ કરાઈ રહી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો