કોરોના વાઇરસ : સુરતમાં સ્મશાનગૃહો 24 કલાક કાર્યરત છતાં અંતિમવિધિમાં વિલંબ કેમ થાય છે?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"કોરોનાના કારણે સુરતમાં અંતિમવિધિ કરવાની મોટી સમસ્યા ઊભી થઈ છે. મારા પિતાનું કુદરતી મૃત્યુ થયા પછી બૉડીઝના કારણે એમની અંતિમવિધિ માટે મારે દોઢ કલાક સુધી એક સ્મશાનથી બીજા સ્મશાન જવું પડ્યું હતું. છેવટે દોઢ કલાકના અંતે હું એમની અંતિમવિધિ કરી શક્યો."

આ શબ્દો છે સુરત મ્યુનિસપલ કૉર્પોરેશનની ડ્રૅનેજ કમિટીના સભ્ય અને મ્યુનિસિપલ કાઉન્સિલર દિનેશ કાછડિયાના.

દિનેશ કાછડિયા સુરત મ્યુનિસપલ કૉર્પોરેશનના કૉંગ્રેસના કૉર્પોરેટર છે. બે દિવસ પહેલાં એમના પિતાનું કુદરતી નિધન થયું.

અંતિમવિધિ માટે બહુ જ ઓછા લોકોને લઈને એ સુરતના સ્મશાનગૃહ પર પહોંચ્યા હતા. ત્યાં તેમના પિતાની અંતિમવિધિ કરવામાં લાંબો સમય રાહ જોવી પડે એમ લાગતું હતું, કારણ કે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની ડેડબૉડી આવી રહી હતી.

છેવટે એ એમના પિતાને લઈને બીજા સ્મશાનગૃહ પર ગયા અને પિતાની અંતિમવિધિ કરી.

line

અંતિમવિધિ માટે રખડવું પડ્યું

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

દિનેશ કાછડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "સુરતમાં અત્યારે માત્ર 3 સ્મશાનગૃહ છે. જે પ્રકારે કોરોનાથી લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે એના લીધે સ્મશાનમાં મૃતદેહો ઉભરાઈ રહ્યા છે. એક-એક મૃતદેહની અંતિમવિધિ કરવા માટે લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે."

"કારણ કે કોરોનાથી અવસાન પામેલા લોકોના મૃતદેહની અંતિમવિધિ પહેલા કરવામાં આવે છે અને ત્યારબાદ કુદરતી રીતે અવસાન પામેલાની . હું કૉર્પોરેટર હોવા છતાં મારે મારા પિતાની અંતિમવિધિ માટે અલગઅલગ જગ્યાએ રખડવું પડ્યું છે. આ ખરેખર દુઃખદ છે."

આ વાતને સમર્થન આપતા કોરોનાના મૃતદેહોની અંતિમવિધિ કરનાર એકતા ટ્રસ્ટના અબ્દુલ મલબારીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "સુરતમાં કોરોનાનો કેર થયો ત્યારથી અમારા એકતા ટ્રસ્ટના લોકો હિન્દુ હોય કે, મુસ્લિમ- એ જોયા વિના એમની અંતિમવિધિ કરે છે."

"અંતિમવિધિ માટે અમને પીપીઈ કીટ અપાય છે. કોરોનામાં અવસાન પામેલા દર્દીઓને તેમના ઘરે લઈ જવા દેવાતા નથી. ત્યાં જ એમના પરિવારજનોને એમના ચહેરાનાં અંતિમ દર્શન કરાવી અંતિમવિધિ માટે લઈ જવામાં આવે છે."

તેઓ કહે છે કે સુરતમાં પહેલા લૉકડાઉનમાં આટલી તકલીફ ન હતી, પરંતુ લૉકડાઉન પછી અનલૉકમાં કોરોનાના કારણે મૃત્યુઆંક વધ્યો છે.

line

અંતિમવિધિનો આત્મસંતોષ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તેઓ કહે છે, "અમે દરેક અંતિમસંસ્કાર માટે સતત ખડે પગે રહીએ છીએ. સુરતમાં 3 જ સ્મશાનગૃહ છે એટલે આ ત્રણેય સ્મશાનગૃહમાં અંતિમવિધિ માટે ઘણી વાર ટોકન નંબર આપવા પડે છે."

"અમે સરકારી નિયમ મુજબ એમનાં સગાંઓને અંતિમ દર્શન કરાવી સીધા સ્મશાને કે કબ્રસ્તાન પર અંતિમવિધિ કરવા લઈ જઈએ છીએ. એવું નથી કે આ સ્થિતિ માત્ર સ્મશાનગૃહોની છે. કબ્રસ્તાનમાં પણ આ જ હાલત છે. વરસાદના કારણે કબ્રસ્તાનમાં કબર ખોદી અંતિમવિધિ કરવી એ મુશ્કેલીભર્યુ કામ છે."

એકતા ટ્રસ્ટે 900 જેટલી હિન્દુ-મુસ્લિમ ડેડબૉડીના અંતિમસંસ્કાર કર્યા છે. અલબત્ત, એમાંથી 300 કોરોનાના દર્દી હતા.

તો બાકીના કોરોના સસ્પેક્ટેડ અથવા કોરોના વૉર્ડમાં ટ્રીટમેન્ટ લેનાર લોકો હતા.

એકતા ટ્રસ્ટના અબ્દુલ મલબારી કહે છે, "મારા ઘણા એવા દિવસો ગયા છે કે હું અને મારા એકતા ટ્રસ્ટના સાથીઓ અંતિમવિધિ કરતાં-કરતાં સતત 24 કલાક કામ કર્યું હોય. પરંતુ મૃતાત્માઓની અંતિમવિધિ કર્યાનો અમને એક આત્મસંતોષ છે."

line

'સ્મશાનગૃહો 24 કલાક ચાલુ રાખીએ છીએ'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સુરતમાં આ સમસ્યા ઊભી થઈ હોવાનું સ્વીકારતા સુરતના મેયર ડૉ. જગદીશ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "હું પોતે ડૉક્ટર છું એટલે 15મી માર્ચથી સુરતની સિવિલ હૉસ્પિટલમાં તમામ વ્યવસ્થા જળવાઈ રહે એ માટે એક મેયર તરીકે નહીં પણ ડૉક્ટર તરીકે સેવા આપવા જાઉ છું."

"સુરતમાં 3 સ્મશાનગૃહ છે. એકમાં આઠ મૃતદેહની એકસાથે અંતિમક્રિયા થઈ શકે તેવી વ્યવસ્થા છે. જ્યારે બીજા બેમાં છ-છ વ્યક્તિઓની અંતિમવિધિ થઈ શકે છે, એટલે મૃતદેહ જ્યારે આવે ત્યારે પ્રોટોકૉલ પ્રમાણે ડેડબૉડીને ત્રણેય સ્મશાનગૃહમાં ઝડપથી અંતિમક્રિયા થાય એ રીતે મોકલી આપીએ છીએ."

તેઓ કહે છે કે "નિયમ પ્રમાણે કોરોનાના તમામ દર્દીઓની અંતિમવિધિ ગૅસ અથવા ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં થાય છે. કોરોનાની અંતિમવિધિ કરતાં સ્મશાનગૃહના કેટલાક કર્મચારીઓ પણ સંક્રમિત થયા છે. અંતિમક્રિયા કરવાની જે જગ્યા છે તે એમાં ક્યારેક મિકેનિકલ ફોલ્ટ આવે તો અંતિમક્રિયા કરવામાં વિલંબ થયાના દાખલા છે. છેલ્લા અઠવાડિયાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે."

"લોકોને તકલીફ ના પડે એ માટે અમે ત્રણેય સ્મશાનગૃહોને પહેલાં રાત્રે બંધ રાખતા હતાં, પણ હવે 24 કલાક ચાલુ રાખીએ છીએ."

"જે સ્મશાનની ભઠ્ઠીઓ બગડી હતી એને અમે બહારથી માણસ બોલાવી ત્રણ ગણા પૈસા આપીને રિપેર કરાવી છે. ઉપરાંત સેવાભાવી કામ કરતા અબ્દુલ મલબારીની સંસ્થાના 16 માણસો અંતિમવિધિ કરતાં-કરતાં સંક્રમિત થયા છે. એટલે મૅનપાવર વધારવા માટે અમે ફાયરબ્રિગેડના જવાનોને જોડી દીધા છે અને દિવસરાત સ્મશાનગૃહ ચાલુ રાખ્યું છે જેથી કોઈને પણ અંતિમક્રિયા કરવા માટે તકલીફ ના પડે."

વીડિયો કૅપ્શન, સ્મશાનમાં મૃતદેહોની અંતિમવિધિ કરતાં ગુજરાતી દાદીની કહાણી
line

સરકાર શું કહી રહી છે?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

સુરતમાં કોવિડની પરિસ્થિતિ પર કાબૂ લેવા માટે સરકારી હૉસ્પિટલ ઉપરાંત ખાનગી હૉસ્પિટલ સાથે ટાઈ-અપ કરીને 4000 બેડ કોવિડ માટે ટાઈ-અપ કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

ગુજરાતના આરોગ્યમંત્રી અને સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે મૃતદેહની અંતિમક્રિયામાં વિલંબ ન થાય એ માટેની સૂચનાઓ આપેલી જ છે.

તેઓ કહે છે, "સુરતમાં મહામારી ના વધે એ માટે સુરત સિટી અને ગ્રામ્ય વિસ્તારના 101 અલગઅલગ સ્પૉટ બનાવીને ધન્વંતરિ રથ ફેરવવામાં આવે છે. આ ધન્વંતરિ રથમાં પેરામેડિકલ સ્ટાફ અને મેડિકલ સ્ટાફ હોય છે જે સ્થળ પર જઈને કોરોનાનો ટેસ્ટ કરે છે."

"જેમને દવાખાનામાં ભરતી કરવાની જરૂર હોય એમને એ વ્યવસ્થા પૂરી પડાય છે અને હોમ આઇસોલેશનમાં રહેલા લોકોને તબીબી સારવાર પૂરી પાડવામાં આવે છે.

તેઓ કહે છે કે સ્થિતિને કાબૂમાં લેવા માટે પાંચ અધિકારીઓને સુરતમાં નીમવામાં આવ્યા છે જે કોરોના પ્રભાવિત વિસ્તારો અને બીજા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ન થાય એ કામગીરીનું મૉનિટરિંગ કરી રહ્યા છે.

આ અંગે સુરત કલેક્ટર ધવલ પટેલનો સંપર્ક સાધતા એમણે અંતિમક્રિયા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોવાનું કહીને વાતને ટાળી દીધી હતી.

એમણે કહ્યું કે "અત્યારે સુરતમાં 629 કોરોનાના ઍક્ટિવ કેસ છે, એમાંથી 149 કેસ હૉસ્પિટલમાં છે અને 366 હોમ આઇસોલેશનમાં છે. કુલ 480 લોકો હૉસ્પિટલ બહાર સારવાર લઈ રહ્યા છે."

એમણે કહ્યું કે "ધન્વંતરિ રથ દ્વારા દરરોજ 11 હજાર લોકોની ઓપીડી ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે, જેમાં અમે જ્યાં કોરોનાના સંક્રમિતોની વધુ અવરજવર છે ત્યાં ધન્વંતરિ રથ મોકલીએ છીએ. સુરત ગ્રામ્યમાં સંક્રમણ ન વધે તે માટે સ્વયંશિસ્ત પાળીને બજાર અમુક સમય માટે જ ખુલ્લા રહે એવું જ આયોજન કરવામાં આવ્યું છે."

એમણે સુરતના સ્મશાનગૃહોની સમસ્યા અંગે કહ્યું કે સુરતનાં સ્મશાનગૃહોની સમસ્યા અંગે તપાસ કરી યુદ્ધના ધોરણે પગલાં પણ ભરવામાં આવશે.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો