You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અંબાજી : "પોલીસ પ્રસૂતિકાળમાં મહિલાને સારવાર માટે લઈ જતી ગાડીને કેવી રીતે રોકી શકે?"
- લેેખક, જીગર ભટ્ટ
- પદ, બીબીસી ગુજરાતી માટે
અંબાજીના પોલીસ સ્ટેશનમાં સોમવારે એક પરિવાર ગર્ભમાં જ મૃત્યુ પામેલી બાળકીનો મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પરિવારે આરોપ મૂકયો તેમના પરિવારની મહિલાને પ્રસૂતિકાળમાં સારવાર અર્થે હૉસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી તે દરમિયાન પોલીસે ગાડીને રોકી હતી અને તેનાં કારણે મોડું થતાં ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થયું.
જે મહિલાની બાળકીનું ગર્ભમાં મૃત્યુ થયું તેમનાં દિયર મોતીભાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "પોલીસ પ્રસૂવ પીડિત મહિલાને સારવાર માટે લઈ જતી ગાડીને કેવી રીતે રોકી શકે?"
આ ઘટનામાં પોલીસે ફરિયાદ લીધી છે તપાસ થઈ રહી છે.
શું હતો ઘટનાક્રમ?
મોતીભાઈ દિવસના ઘટનાક્રમ વિશે વાત કરતા કહે છે, રવિવારે મોડી રાત્રે મારા ભાભીને પ્રસવની પીડા થતા અમે તેમને અંબાજી જનરલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંનાં ડૉક્ટરોએ કહ્યું કે મહિલાની સ્થિતિ ગંભીર હોવાથી તેમને પાલનપુર લઈ જવામાં આવે.
મોહિતભાઈ પોતે ડ્રાઇવિંગનું કામ કરે છે અને પોતે જ એમના ભાભીને ગાડીમાં હૉસ્પિટલ લઈ ગયા હતા.
તેઓ કહે છે, "અમે જ્યારે મારા ભાભીને પાલનપુર લઈ જઈ રહ્યા હતા ત્યારે અમને પોલીસ દ્વારા ડી.કે.સર્કલ પાસે ઊભા રાખવામાં આવ્યાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પોલીસ સાથેની વાતચીત દરમિયાન મેં મોંઢે માસ્કની જગ્યાએ રૂમાલ બાંધેલો હતો જે છૂટી ગયો. અમે એટલી ઉતાવળમાં ભાગ્યા હતા કે રૂપિયા પણ ઘરેથી લઈ શક્યા ન હતા. માસ્ક લેવાનું ભૂલી ગયા હતા માટે રૂમાલ બાંધ્યો હતો. રૂમાલ છૂટતાં પોલીસે અમારી પાસેથી 200 રૂપિયા દંડ માગ્યો હતો. તે થોડી રકઝક બાદ અમે આપી દીધો હતો."
પોલીસ સ્ટેશને સગર્ભાને ગાડીમાંથી બહાર ઉતાર્યાં
મોતીભાઈ જણાવે છે કે દંડ ચૂકવ્યા પછી "પોલીસ અધિકારીઓ ગાડી ડિટેઇન કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, જ્યાં સગર્ભા સહિત પરિવારને ગાડીની બહાર ઉતારવામાં આવ્યો હતો."
તેઓ કહે છે, "પોલીસને મેં વિનંતી પણ કરી હતી સાહેબ જવા દો ગાડીનું જે પણ કાગળ ખૂટતું હશે એ હું તમને બાદમાં બતાડી દઈશ."
મોતીભાઈ કહે છે, "અમે તેમને વિનંતીઓ કરી કે મહિલાને પ્રસવપીડા છે અને ખૂબ જ તકલીફ થઈ રહી છે છતાં તેમણે અમારી વાત ન માની."
વારંવાર આજીજી પછી પરિવારને ફરીથી ડી.કે.સર્કલ લઈ જવામાં આવ્યો અને ત્યાં તેમને દંડની પાવતી આપીને છોડવામાં આવ્યો એવું પરિવારનું કહેવું છે.
પાલનપુરમાં લોહીનો પ્રશ્ન
અંબાજીથી એક કલાકથી વધારે સમયની મુસાફરી કરીને પરિવાર પ્રસવપીડિત મહિલાને લઈને પાલનપુર પહોંચ્યો.
મોતીભાઈ કહે છે, "અમે જ્યારે પાલનપુર પહોંચ્યા ત્યારે ત્યાંના ડૉક્ટરોએ સોનોગ્રાફી કરી. ડૉક્ટરોએ કહ્યું કે ઓપરેશન કરવું પડશે. સિઝરિયન કરીને બાળકને કાઢવું પડશે લોહીની જરૂર પડશે."
મોતીભાઈ કહે છે કે અમને પાલનપુરની હૉસ્પિટલમાં લોહી મળ્યું નહીં. જેથી પાટણથી લોહી લાવવાનું નક્કી કર્યું. જોકે, ડૉક્ટરે કહ્યું કે જો વધારે લોહીની જરૂર પડશે તો વારંવાર થોડું પાટણ જવાશે એના કરતા તમે પાટણ જ જતા રહો.
"મહિલાને ઍમ્બ્યુલન્સમાં પાટણ લઈ જવામાં આવ્યાં. જ્યાં મહિલાના ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ થતાં તેને ઑપરેશન કરીને કાઢવામાં આવ્યું હતું, જ્યારે મહિલાના શરીરમાં ઝેર પ્રસરતા તેની સ્થિતિ ગંભીર હતી."
મોતીભાઈ કહે છે, "ડૉક્ટરે અમને કહ્યું કે જો તમે વહેલાં આવ્યા હોત તો અમે બાળકને બચાવી શકત."
મોતીભાઈએ મંગળવારે રાત્રે જણાવ્યું કે માતાની સ્થિતિ હાલ પહેલાં કરતા સારી છે અને પાટણમાં હૉસ્પિટલમાં જ છે.
પરિવાર રવિવારે મોડી રાત્રે ઑપરેશન કરી બહાર કઢાયેલાં નવજાતના મૃતદેહ લઈને પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં જે પોલીસકર્મીઓએ તેમને અટકાવ્યા હતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી આપી હતી.
મોતીભાઈ કહે છે, "પોલીસે અમારો દોઢ કલાક જેટલો સમય બગાડી નાખ્યો હતો. ભલે બાળકીનું મૃત્યુ રસ્તામાં જ થયું હોય પરંતુ પોલીસ પ્રસવ પીડિત મહિલાને સારવાર માટે લઈ જતી ગાડીને રોકી કેવી રીતે શકે? અને એ પણ સાવ માસ્કની બાબતમાં?"
મોતીભાઈ કહે છે કે, "પોલીસ ફરીથી અમને બોલાવી માસ્કની પાવતી ન આપત તો પણ ચાલે તેમાં પણ પોલીસે સમય બગાડ્યો."
પાલપુરના વિભાગીય પોલીસ અધિકારી એ.આર. ઝણકાંતે જણાવ્યું કે, પરિવારની અરજી અમે સ્વીકારી છે અને હાલ તેમણે કરેલા આરોપની પ્રાથમિક તપાસ ચાલી રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો