You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સચીન પાઇલટે કહ્યું 'હું ભાજપમાં સામેલ નહીં થાઉં, અશોક ગેહલોત વસુંધરાને રસ્તે જઈ રહ્યા છે'
રાજસ્થાન કૉંગ્રેસમાં બળવો કરનાર કૉંગ્રેસ નેતા સચીન પાઇલટે સમાચાર સંસ્થા પીટીઆઈને કહ્યું કે તેઓ ભાજપમાં નહીં જોડાય.
સચીન પાઇલટે કહ્યું કે કૉંગ્રેસને સત્તામાં લાવવા માટે એમણે આકરી મહેનત કરી છે.
સચીન પાઇલટે કહ્યું કે રાજસ્થાનમાં અમુક નેતાઓ એમના ભાજપમાં જોડાવા અંગેની અફવાઓ ઉડાવી રહ્યા છે પરંતુ તેઓ ભાજપમાં જોડાશે નહીં.
આ દરમિયાન રાજસ્થાન વિધાનસભાના સ્પીકરે સચીન પાઇલટ સહિત 19 બળવાખોર નેતાઓને નોટિસ પાઠવી છે અને 17 જુલાઈ સુધી જવાબ માગ્યો છે.
સચીન પાઇલટ અને તેમના સમર્થક ધારાસભ્યો સતત બે દિવસ કૉંગ્રેસની ધારાસભ્યોની બેઠકમાં હાજર નહોતા રહ્યા અને ગઈ કાલે મંગળવારે તેમને પાર્ટીએ રાજ્ય અધ્યક્ષ અને ઉપ મુખ્ય મંત્રીપદથી બરખાસ્ત કર્યા હતા.
સમગ્ર રાજકીય ઘટનાક્રમ પર સચીન પાઇલટે ઇન્ડિયા ટુડેને આપેલી એક મુલાકાતમાં કહ્યું કે તેઓ મુખ્ય મંત્રી અશોક ગેહલોતથી નારાજ નથી.
ગેહલોત પર ભાજપને મદદ કરવાનો આરોપ
સચીન પાઇલટે કહ્યું કે ''હું એમનાથી નારાજ નથી. હું કોઈ ખાસ અધિકાર નથી માગી રહ્યો. હું ઇચ્છું છું કે રાજસ્થાનની ચૂંટણીમાં કૉંગ્રેસે જે વચનો આપ્યા છે તે પૂર્ણ કરે. અમે વસુંધરા સરકારની સામે ગેરકાયદે ખનનો મુદ્દો ઉઠાવ્યો હતો. સત્તામાં આવ્યા પછી ગેહલોતજીએ આ મુદ્દે કંઈ ન કર્યું. તેઓ વસુંધરાને રસ્તે જ આગળ વધી રહ્યા છે.''
સચીન પાઇલટે એ ઇન્ટરવ્યૂમાં કહ્યું, ''ગત વર્ષે રાજસ્થાન હાઈ કોર્ટે વસુંધરા રાજે સરકાર દ્વારા કરવામાં આવેલો એ કાયદાકીય સુધારો રદ કરી નાખ્યો જેમાં તેમને જયપુરમાં સરકારી બંગલો કાયમ માટે મળી ગયો હતો. ગેહલોત સરકારે બંગલો એમની પાસેથી ખાલી કરાવવો જોઈતો હતો પરંતુ એ હાઈ કોર્ટના નિર્ણયની સામે સુપ્રીમ કોર્ટમાં ગયા.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સચીન પાઇલટે કહ્યું, ''ગેહલોત સરકાર ભાજપની રાહ પર ચાલી રહી છે અને એમને મદદ કરી રહી છે. તેઓ મને અને મારા સમર્થકોને વિકાસનું કામ કરવા નથી દઈ રહ્યા. અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે મારા નિદેશોનું પાલન ન કરે. ફાઇલો મારી પાસે નથી આવતી. મહિનાઓથી કૅબિનેટ અને સીએલપીની બેઠક નથી થઈ. જે પદ પર રહીને હું લોકોને આપેલા વચનો ન નિભાવી શકું એનો શું અર્થ છે?''
રાજદ્રોહની નોટિસ
સચીન પાઇલટે ઇન્ડિયા ટુડેને આપેલી મુલાકાતમાં કહ્યું ''મે આ મામલો અનેક વાર ઉઠાવ્યો. મે રાજસ્થાનના કૉંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડેજીને કહ્યું. સિનિયર નેતાઓને પણ કહ્યું. મે ગેહલોતજી સાથે પણ વાત કરી પણ એનો કોઈ ફાયદો ન થયો કેમ કે મંત્રીઓ અને ધારાસભ્યોની ભાગ્યે જ કોઈ બેઠક થાય છે. મારા આત્મસન્માનને ઠેસ પહોંચી છે. પ્રદેશની પોલીસે રાજદ્રોહના એક કેસમાં મને નોટિસ મોકલી છે.''
''તમે યાદ કરો કે કૉંગ્રેસે 2019ની લોકસભાની ચૂંટણીમાં દેશદ્રોહનો કાયદો હઠાવવાની વાત ચૂંટણીના ઘોષણાપત્રમાં કરી હતી. હવે અહીં કૉંગ્રેસની સરકાર એના પોતાના જ મંત્રીની સામે રાજદ્રોહના કાયદાનો ઉપયોગ કરે છે. મારી સામેનું આ પગલું અન્યાયી છે. પાર્ટીનો વ્હિપ જ્યારે વિધાનસભા ચાલુ હોય ત્યારે કાયદેસર ગણાય છે. મુખ્ય મંત્રીએ ધારાસભ્યોની બેઠક એમના ઘરે બોલાવી. કમસેકમ પાર્ટીની વડી ઑફિસે તો બોલવાતા.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો