You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પશ્ચિમ બંગાળમાં ભાજપ ધારાસભ્યનો મૃતદેહ મળ્યો, ભાજપે કહ્યું- મમતાનું ગુંડારાજ
- લેેખક, પ્રભાકરમણિ તિવારી
- પદ, કોલકાતાથી બીબીસી ગુજરાતી માટે
પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લામાં સોમવારે સવારે ભાજપના એક ધારાસભ્યનો મૃતદેહ મળ્યા બાદ આ મામલે આરોપ-પ્રત્યારોપ શરૂ થયા છે.
જિલ્લાના હેમતાબાદના ધારાસભ્ય દેવેન્દ્રનાથ રાયના પરિજનો અને પ્રદેશ ભાજપ નેતાઓએ તેને હત્યા ગણાવીને તેની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માગ કરી છે. તો પોલીસે રાયના ખિસ્સામાંથી એક સ્યૂસાઇડ નોટ મળી હોવાનો દાવો કર્યો છે.
પોલીસનું કહેવું છે કે એ સ્યૂસાઇડ નોટમાં રાયે બે લોકોને આત્મહત્યા માટે જવાબદાર ઠેરવ્યા છે.
પ્રદેશ ભાજપ નેતાઓ સહિત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરણ રિજીજુએ પણ આ કથિત હત્યા મામલે મમતા બેનરજી સરકારને ઘેરી છે.
રાજ્યપાલ જગદીપ ઘનખડે પણ આ હત્યા પર સવાલ ઉઠાવીને સચ્ચાઈ સામે લાવવા તેની ગહન તપાસની માગ કરી છે.
પોલીસે જણાવ્યું કે સવારે સ્થાનિક લોકોએ રાયનો રસ્સીથી લટકતો મૃતદેહ જોઈને પોલીસને તેની જાણ કરી હતી. તેમના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે આને સુનિયોજિત હત્યા ગણાવીને તેની સીબીઆઈ તપાસની માગ કરી છે. તેઓએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે સરકાર પર પ્રહારો પણ કર્યા છે.
રાયનાં પત્ની ચંદ્રિમા રાયે પોતાના પતિની હત્યાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે, "મારા પતિની હત્યા કરીને તેમનો મૃતદેહ ફાંસીએ લટકાવી દીધો છે. હત્યારાઓને ઝડપથી પકડીને કડકમાં કડક સજા આપવી જોઈએ."
ભાજપ અધ્યક્ષે કહ્યું- આ હત્યા છે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને તેને હત્યા ગણાવી છે. પોતાના ટ્વીટમાં કહ્યું, "પશ્ચિમ બંગાળના હેમતાબાદના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્રનાથ રાયની સંદિગ્ધ જઘન્ય હત્યા હેરાન કરનારી અને ખેદજનક છે. આ મમતા સરકારનું ગુંડારાજ અને ફેલ કાયદો-વ્યવસ્થા દર્શાવે છે. લોકો આવી સરકારને ભવિષ્યમાં માફ નહીં કરે. અમે તેની સખત નિંદા કરીએ છીએ."
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે પોતાના ટ્વીટમાં લખ્યું, "મમતા બેનરજીની રાજનીતિક હિંસા અને પ્રતિશોધ ખતમ થવાના કોઈ સંકેત દેખાતા નથી. ઉત્તર દિનાજપુરના હેમતાબાદના ધારાસભ્ય દેવેન્દ્રનાથ રાયના મૃત્યુથી હત્યાના આરોપ સહિત ઘણા ગંભીર સવાલ ઊઠે છે. સચ્ચાઈને ઉજાગર કરવા અને રાજનીતિક હત્યાને ખતમ કરવા માટે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસની જરૂર છે."
તો બીજી તરફ તૃણમૂલ કૉંગ્રેસના સ્થાનિક નેતા કનૈયાલાલ અગ્રવાલે સિન્હાના આરોપોને નિરાધાર ગણાવીને આ હત્યાની તપાસની માગ કરી છે.
પાર્ટીના ઉચ્ચ નેતૃત્વે હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણ કરી નથી.
અગ્રવાલ કહે છે, "રાય પહેલાં સીપીએમમાં હતા. બાદમાં ભાજપમાં સામેલ થયા. અમારી પાર્ટીને તેમની સાથે કોઈ લેવાદેવા નથી. સવારે અમને તેમના મૃત્યુની જાણકારી મળી. પોલીસ તપાસ કરી રહી છે. તેની સચ્ચાઈ સામે આવી જશે."
ભાજપ ધારાસભ્યના મૃત્યુ પર ગરમાતાં રાજકારણની વચ્ચે પોલીસે રાયના ખિસ્સામાંથી એક સ્યૂસાઇડ નોટ મળી હોવાનો દાવો કર્યો છે.
પોલીસે એક ટ્વીટમાં કહ્યું, "સોમવારે સવારે હેમતાબાદના ધારાસભ્ય દેવેન્દ્રનાથ રાયનો મૃતદેહ મળ્યો. તેમના ખિસ્સામાંથી એક સ્યૂસાઇડ નોટ મળી છે. તેમાં તેઓએ તેમના મૃત્યુ માટે બે લોકોને જવાબદાર ગણાવ્યા છે."
મમતારાજ પર આરોપ
દેવેન્દ્રનાથ રાયે વર્ષ 2016માં વિધાનસભા ચૂંટણીમાં સીપીએમની ટિકિટ પરથી હેમતાબાદ સીટ જીતી હતી. પણ વર્ષ 2019માં તેઓ ભાજપમાં સામેલ થયા હતા. આ અગાઉ તેઓ સતત ત્રણ વાર પંચાયત પ્રમુખ પણ રહ્યા હતા.
આમ તો આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યમાં રાજનીતિક હિંસાની ઘટનાઓ વધી છે.
ગત મહિને પૂર્વ મેદિનીપુર જિલ્લામાં એક નેતા પવન જાનાની હત્યા કરી દેવાઈ હતી. આ અગાઉ ગત વર્ષે ઑક્ટોબરમાં મુર્શિદાબાદ જિલ્લામાં આરએસએસના એક કાર્યકરની સપરિવાર હત્યાથી દેશ-વિદેશમાં ચર્ચા થઈ હતી.
આ સિવાય ક્યારેક કોરોના તો ક્યારે અંફન-રાહતના નામે ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ વચ્ચે હિંસક ઘર્ષણ થતું રહે છે.
ગત વર્ષે ઑક્ટોબરમાં નડ્ડાએ દાવો કર્યો હતો કે ઑક્ટોબર 2018થી ઑક્ટોબર 2019 વચ્ચે 12 મહિનામાં પાર્ટીના 23 નેતાઓ અને કાર્યકરોની હત્યા થઈ છે.
ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાની વર્ચ્યુઅલ રેલીમાં મમતા બેનરજી સરકારને આ મામલે ઘેરી હતી.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ દાવો કરે છે, "અત્યાર સુધી પાર્ટીના 104 લોકોની હત્યા થઈ છે. મમતા બેનરજી સત્તામાં છે ત્યાં સુધી રાજનીતિક હિંસા પર અંકુશ લગાવવો શક્ય નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો