You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાનમાં અશોક ગેહલોતનું શક્તિપ્રદર્શન, સચીન પાઇલટ પર સવાલ
રાજસ્થાનની કૉંગ્રેસ સરકારમાં અશોક ગેહલોત વિરુદ્ધ સચીન પાઇલટની લડાઈમાં ગેહલોત ભારે પડતા જણાઈ રહ્યા છે.
સોમવારે જયપુરમાં અશોક ગેહલોતના નિવાસે કૉંગ્રેસના વિધાયકદળની બેઠક યોજાઈ. સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર 107 ધારાસભ્ય આ બેઠકમાં સામેલ થયા.
સરકારમાં બની રહેવા માટે અશોક ગેહલોતને 101 ધારાસભ્યોનું સમર્થન જોઈએ. ગેહલોત સરકારનો દાવો છે કે તેમની પાસે 115 ધારાસભ્યોનું સમર્થન છે.
આ પહેલાં રવિવારે સચીન પાઇલટના કાર્યાલયથી એક નિવેદન જાહેર કરાયું હતું કે 'તેમની સાથે 30 ધારાસભ્યો છે અને અશોક ગેહલોત સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. '
જોકે, વિધાયકદળની બેઠકમાં મોટી સંખ્યામાં ધારાસભ્યોને જોતાં સવાલ ઉઠી રહ્યા છે કે સચીન પાઇલટના દાવા સાચા નથી ઠર્યા.
ધારાસભ્યો સાથે અશોક ગેહલોતે 'વિક્ટરી સાઇન' પણ બતાવ્યું. આ સમગ્ર મામલામાં સચિન પાઇલટ ક્યાંય દેખાયા નથી અને તેઓ હજુ સુધી મીડિયામાં પણ આવ્યા નથી.
જોકે, ભારતીય મીડિયાના અહેવાલો જણાવે છે કે અશોક ગેહલોત અને સચીન પાઇલટ વચ્ચે સમાધાન કરાવવામાં પ્રિયંકા ગાંધીએ બન્ને નેતાઓ સાથે વાત કરી છે અને તેઓ જ સમાધાનના રસ્તો શોધી રહ્યાં છે.
બેઠક પહેલાં સુરજેવાલાનો પ્રહાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બેઠક અગાઉ કૉંગ્રેસ પ્રવક્તાએ બળવો કરનાર સચીન પાઇલટનું નામ લીધા વિના એમને નિશાને લીધા હતા.
રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે વ્યક્તિગત હરીફાઈમાં ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવી યોગ્ય નથી.
સુરજેવાલાએ કહ્યું કે, વ્યક્તિગત હરીફાઈ હોઈ શકે છે પરંતુ રાજસ્થાનનાં લોકોની ભલાઈ મોટી વાત છે. હું તમામ ધારાસભ્યો, મુખ્ય મંત્રી અને ઉપ મુખ્ય મંત્રીને અપીલ કરું છું કે આ ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ થાય. આપણે બધા તમામ બાબતો પર એક સાથે છીએ.
તેમણે કહ્યું કે, ક્યારેક વૈચારિક મતભેદ ઊભો થાય પરંતુ વૈચારિક મતભેદને લીધે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાની કોશિશ અને ભાજપને તોડ-ફોડમાં મદદ કરવી ઠીક નથી. જો કોઈ સમસ્યા છે તો એના પર મળીને વાત કરો. વ્યક્તિગત હરીફાઈમાં ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવી યોગ્ય નથી. અમે દરેક બાબતોનો ઉકેલ લાવવા મોકળે મને તૈયાર છીએ.
સુરજેવાલાએ કહ્યું સચીન અમારા પોતાના છે. તેઓ પરિવારના સભ્ય છે અને પરિવારમાં સભ્યને કોઈ વાતે અસંતોષ હોય તો તે ઘરમાં એની વાત કરે છે અને એ રીતે સમસ્યાનો ઉકેલ આવે છે. અમે સચીનની તમામ વાત સાંભળવા તૈયાર છીએ.
કૉંગ્રેસનો વ્હિપ
સચીન પાઇલટની નારાજગી અને બળવાને પગલે કૉંગ્રેસે તમામ ધારાસભ્યો માટે વ્હિપ જારી કર્યો છે. પાર્ટીએ કહ્યું છે કે મુખ્ય મત્રી અશોક ગેહલોતના નિવાસસ્થાને સોમવારે 10.30 વાગે ધારાસભ્યોના દળની બેઠક થશે જેમાં હાજરી આપવી દરેક માટે અનિવાર્ય રહેશે.
જોકે, સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ સચીન પાઇલટ આ બેઠકમાં હાજરી નહીં આપે.
સચીન પાઇલટે કહ્યું છે કે એમની સાથે 30 ધારાસભ્યો છે અને એ રીતે અશોક ગેહલોતની સરકાર લઘુમતીમાં આવી ગઈ છે.
સચીન પાઇલટ દિલ્હીમાં છે અને રાજસ્થાનમાં ધારાસભ્યોની બેઠક થવા જઈ રહી છે. આ બેઠક પછી કૉંગ્રેસ પત્રકારપરિષદ યોજી શકે છે. કૉંગ્રેસનું કહેવું છે કે અશોક ગેહલોતને 109 ધારાસભ્યોનું સમર્થન છે.
રાજસ્થાન કૉંગ્રેસમાં બે ફાંટા
રાજસ્થાનની કૉંગ્રેસમાં બે ફાંટા પડ્યા છે. એક ફાંટો મુખ્ય મંત્રી અશોક ગેહલોતનો છે તો બીજો ફાંટો ઉપ મુખ્ય મંત્રી સચીન પાઇલટનો છે. સચીન પાઇલટે મુખ્ય મંત્રી અશોક ગેહલોત સામે બળવો પોકાર્યો છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સચીન પાઇલટ જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ ભાજપમાં જોડાઈ શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ પાઇલટને લઈને ટ્વીટ કર્યું . જેમાં તેમણે કંઈ રીતે પ્રતિભાને કૉંગ્રેસમાં સાઇડલાઇન કરવામાં આવે છે તેની વાત કરી હતી.
જોકે, ન્યૂઝ ચેનલ એનડીટીવીનું કહેવું છે કે સચીન પાઇલટે ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની વાતથી ઇન્કાર કર્યો છે.
કૉંગ્રેસનું કહેવું છે કે રાજસ્થાનમાં સરકાર પર કોઈ સંકટ નથી. રાજસ્થાનમાં બહુમત માટે 101 ધારાસભ્યોનું સમર્થન જોઈતું હોય છે. કૉંગ્રેસનું કહેવું છે કે એની પાસે 109 ધારાસભ્યોનું સમર્થન છે.
રાજસ્થાનમાં રાજકીય સંકટને લઈને માહોલ ગરમાયો છે. કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા, અજય માકન અને વેણુગોપાલ જયપુર પહોંચ્યાં છે.
ભાજપન નેતા ઓમ માથુરે કહ્યું કે કૉગ્રેસને રાજસ્થાનની જનતાએ મોકો આપ્યો હતો પણ પરંતુ ધારાસભ્યો મુખ્ય મંત્રીથી નારાજ છે.
ઉલ્લેખનીય છે કે કૉગ્રેસ ભાજપ પર ધારાસભ્યોની ખરીદીનો આરોપ મૂકે છે તો ભાજપ તેને નકારી કાઢે છે.
પાઇલટ વિરુદ્ધ ગહેલોત કેમ
રાજસ્થાનમાં છેલ્લા બે વર્ષથી અશોક ગેહલોત અને સચીન પાઇલટ વચ્ચે રાજકીય માહોલ ઠીક નથી. સચીન પાઇલટ મુખ્ય મંત્રી બનવા માગતા હતા પરંતુ કૉંગ્રેસે અશોક ગેહલોતને મુખ્ય મંત્રી બનાવ્યા.
જોકે, હાલના વિદ્રોહનું કારણ રાજસ્થાન પોલીસની એક તપાસ નોટિસ છે. આ નોટિસથી સચીન પાઇલટને પૂછપરછ માટે સમન પાઠવવામાં આવ્યો હતો. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન રાજ્યમાં સરકારને અસ્થિર કરવાની કોશિશ થઈ હતી એ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. શુક્રવારે આ મામલે બે ભાજપા નેતાની ધરપકડ પણ કરવામાં આવી હતી.
સચીન પાઇલટ આને લઈને ખૂબ ગુસ્સે ભરાયા અને મામલો સરકાર પડી જવા સુધી પહોંચ્યો છે. આ મુદ્દે મુખ્ય મંત્રી અશોક ગેહલોતે શનિવારે ટ્વીટ કરીને કહ્યું કે, કૉંગ્રેસ ધારાસભ્યોએ ભાજપ દ્વારા ખરીદવાની કોશિશની જે ફરિયાદ કરી એ સંદર્ભે જ મુખ્ય મંત્રી, ઉપ મુખ્ય મંત્રી, ચીફ વ્હિપ, કેટલાંક મંત્રીઓ અને ધારાસભ્યોને નિવેદન માટે બોલાવવાની નોટિસ અપાઈ છે. કેટલાંક મીડિયા દ્વારા તેને અલગ રીતે રજૂ કરવામાં આવી છે જે યોગ્ય નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો