ડાઉન સિન્ડ્રોમવાળી આ યુવતી કેવી રીતે પ્રખ્યાત થઈ રહી છે?

18 વર્ષીય એલી ગોલ્ડસ્ટેઇન ખૂબ મહત્ત્વાકાંક્ષી છે.

પૂર્વ લંડનની આ યુવા મૉડલ કહે છે, "હું પ્રખ્યાત થવાં માગુ છું."

પરંતુ એક વધારાનું ક્રોમોસોમ (રંગસૂત્ર) એલીના સ્વપ્નના માર્ગમાં દીવાલ નહીં બની શકે.

એલી વિશ્વનાં પ્રથમ એવાં મૉડલ છે જે ડાઉન સિન્ડ્રોમથી પીડિત છે અને તેમણે વૉગ મૅગેઝિનમાં સ્થાન મેળવ્યું છે.

'ગુચી બ્યૂટી' એ તેના એક એડ કૅમ્પેઇન માટે એલીની શોધ કરી અને વૉગ ઇટાલીએ તેને પ્રકાશિત કરી.

એલીની માતા વોનેને ઑફર વિશે સહુથી પહેલો ફોન આવ્યો હતો.

"આટલી મોટી બ્રાન્ડ એલીને પસંદ કરી છે, એ માનવું અમારા માટે મુશ્કેલ હતું. શરૂઆતથી એલી પ્રખ્યાત થવા માગતી હતી. એલી કાયમ એક એન્ટરટેઇનર રહી છે."

એલીની તસવીર વાળી આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર હજારો લોકોએ કૉમેન્ટ કરી છે.

એલી કહે છે, "મને એટલા લાઇક્સ મળ્યા કે હું પાગલ જેવી થઈ જતી."

"મને એક કૉમેન્ટ પસંદ આવી જેમાં લખ્યું હતું હું બહુ ક્યૂટ છું અને મને તમારા ભ્રમરથી ઇર્ષ્યા થાય છે."

એલી ગોલ્ડસ્ટીન 2017થી મૉડલિંગ એજન્સી ઝેબીડી મૅનેજમૅન્ટ સાથે કામ કરી રહ્યાં છે.

હાંસિયામાં ધકેલાઈ ગયેલાં લોકોની માધ્યમોમાં ભાગીદારી વધારવા માટે આ મૉડલિંગ એજન્સી કામ કરે છે. પછી ભલે તેઓ ખાસ જરૂરિયાતવાળા લોકો કેમ ન હોય.

એલીનાં એક મિત્રએ ટીવી પર આ એજન્સીની એક જાહેરાત જોઈ અને પછી તેમને એલીને મૉડલિંગ માટે મનાવી લીધી.

પરંતુ આ સાથે, પ્રશ્ન ઉભો થાય છે કે શું સામાન્ય લોકો આ પરિવર્તન માટે તૈયાર છે?

વોને ગોલ્ડસ્ટેઇન કહે છે કે એક દિવસ આ થવાનું જ હતું.

"અમને જે પ્રતિસાદ મળ્યો છે તે બતાવે છે કે દુનિયા આ પરિવર્તન માટે તૈયાર છે. જે ચાલી રહ્યું છે તે ઉપરાંત આપણે વધારે સકારાત્મક થવાની જરૂર છે."

પરંતુ પેરિસમાં સાયલન્ટ મૉડલ્સ એજન્સીના વિન્સેન્ટ પીટરનું કહેવું છે કે તેમને વિશેષ આવશ્યકતાઓ ધરાવતાં મૉડલ માટે કોઈ વિનંતી મળી નથી.

"શક્ય છે કે ઉનાળું વૅકેશન પછી, લોકો આગામી ફૅશન વીકમાં આવે. પરંતુ સાચું કહું તો, હાલમાં અમારી પાસે કોઈ આવ્યું નથી."

જ્યારે ફૅશનઉદ્યોગ તેના આગામી પગલાં વિશે વિચારી રહ્યો છે, ત્યારે એલી ગોલ્ડસ્ટેઇન પોતાનાં આગામી પ્રોજેક્ટ માટે આશાવાદી છે.

હવે પછીના પ્રોજેક્ટમાં પોતાને ક્યાં જોવા માંગે છે? એલી કહે છે, "લુઇસ વિટન! શેનેલે!"

"મને વિશ્વના બધા સામયિકોનાં પહેલા પાનાં પર આવવાની ઇચ્છા છે."

(બીબીસી રશિયન સેવાની એલિના ઇસાચેન્કાના ઇનપુટ્સ આ લેખમાં શામેલ છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો