કોરોના વૅક્સિન માટે જીવન દાવ પર લગાડનાર ભારતીય દીપક પાલીવાલ

ઇમેજ સ્રોત, DEEPAK PALIWAL/BBC
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
"કોરોના સામે લડાઈમાં કેવી રીતે મદદ કરી શકું. આ સવાલનો જવાબ શોધવામાં મારું મગજ કામ નહોતું કરતું. તો એક દિવસ બેઠા-બેઠા એમ જ વિચાર આવ્યો કે કેમ ના મગજની જગ્યાએ શરીરથી જ મદદ કરું? મારા મિત્રે કહ્યું હતું કે ઑક્સફોર્ડમાં ટ્રાયલ ચાલી રહી છે. એની માટે વૉલન્ટિયરની જરૂર છે. અને મેં આ ટ્રાયલ માટે અરજી કરી દીધી.
લંડનથી બીબીસીને વીડિયો ઇન્ટરવ્યૂ આપતા દીપક પાલીવાલે આ વાત કહી.
જયપુરમાં જન્મેલા અને હાલ લંડનમાં રહેતા દીપક પાલીવાલ એવા કેટલાક લોકોમાંના એક છે જેમણે પોતે જ વૅક્સિન ટ્રાયલ માટે સ્વયં સેવા આપી છે. કોરોના વૅક્સિન જલદીથી જલદી બને એમ સમગ્ર વિશ્વ ઈચ્છે છે.
એના પ્રયાસ અમેરિકા, બ્રિટન, ચીન, ભારત જેવા તમામ મોટા દેશોમાં ચાલી રહ્યા છે. એ કોઈ નથી જાણતું કે કયા દેશમાં સૌથી પહેલા આ વૅક્સિન તૈયાર થશે. પરંતુ દરેક વૅક્સિન બનતાં પહેલાં એનું માનવપરીક્ષણ જરૂરી હોય છે.
પરંતુ આ વૅક્સિન ટ્રાયલ માટે શું તમે આગળ આવશો? કદાચ આનો જવાબ આપણામાંથી મોટા ભાગના લોકો 'ના'માં આપશે.
એવા લોકોને શોધવામાં ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોને મુશ્કેલીઓ પણ આવે છે.
દીપક જેવા લોકોને કારણે કોરોના વૅક્સિન શોધવાના માર્ગમાં થોડી ઝડપ ચોક્કસ આવે છે.

નિર્ણય કરવો કેટલો મુશ્કેલ હતો?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, DEEPAK PALIWAL/BBC
ઘણી વાર લોકો એક નબળી ક્ષણે લેવાયેલા આ પ્રકારના નિર્ણય પર ટકી શકતા નથી. દીપક પોતાના આ નિર્ણય પર અડગ કેવી રીતે રહી શક્યા?
આના જવાબમાં તેઓ કહે છે, "આ વાત એપ્રિલ મહિનાની છે. 16 એપ્રિલે મને પહેલી વાર જાણ થઈ કે હું આ વૅક્સિન ટ્રાયલ માટે સ્વયં સેવા આપી શકું છું. જ્યારે પત્નીને આ વાત જણાવી તો તે મારા આ નિર્ણયની બિલકુલ વિરોધમાં હતી. ભારતમાં મારા પરિવારજનોને મેં કંઈ નહોતું જણાવ્યું. સ્વાભાવિક છે કે તેઓ નિર્ણયનો વિરોધ કરત. એટલા માટે મેં મારા નજીકના મિત્રોને જ આ વાત કરી હતી."
"ઑક્સફોર્ડ ટ્રાયલ સેન્ટર પરથી મને પહેલી વાર ફોન કરી જણાવાયું કે તમારે આગળના ચૅક-અપ માટે અમારા સેન્ટર પર આવવું પડશે. અહીં આના માટે પાંચ સેન્ટર બનાવાયાં છે. હું એમાંથી એક સેન્ટ જ્યોર્જ હૉસ્પિટલમાં ગયો. 26 એપ્રિલે હું ત્યાં પહોંચ્યો. મારા તમામ પૅરામીટર્સ ચેક કરવામાં આવ્યા અને બધું બરાબર નીકળ્યું."
આ વૅક્સિન ટ્રાયલ માટે ઑક્સફોર્ડને એક હજાર લોકોની જરૂરિયાત હતી. જેમાં દરેક મૂળના લોકોની જરૂર હતી- અમેરિકી, આફ્રિકી, ભારતીય મૂળના.
આ એટલા માટે પણ જરૂરી હોય છે કે વૅક્સિન જો સફળ થાય છે તો વિશ્વભરમાં દરેક દેશમાં તેનો ઉપયોગ કરી શકાય.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
દીપકે આગળ જણાવ્યું કે જે દિવસે મારે વૅક્સિનનો પહેલો શૉટ લેવા જવાનું હતું તે દિવસે વૉટ્સઍપ પર મારી પાસે મૅસેજ આવ્યો કે ટ્રાયલ દરમિયાન એક વૉલન્ટિયરનું મૃત્યુ થઈ ગયું છે.
"પછી મારા મનમાં બસ આ જ એક વાત આવતી રહી. આ હું શું કરવા જઈ રહ્યો છું? હું નક્કી નહોતો કરી શકતો કે આ ફેક ન્યૂઝ છે કે પછી સાચું છે. ઘણો અવઢવમાં હતો. શું હું યોગ્ય કરી રહ્યો છું? પરંતુ અંતે મેં હૉસ્પિટલ જવાનો નિર્ણય કર્યો. હૉસ્પિટલ પહોંચતાં જ એમણે મને અનેક વીડિયો બતાવ્યા અને આ સમગ્ર પ્રક્રિયાથી જોડાયેલા રિસ્ક ફૅક્ટર પણ જણાવ્યાં. હૉસ્પિટલવાળાઓએ જણાવ્યું વૅક્સિન હકીકતમાં એક કેમિકલ કમ્પાઉન્ડ જ છે."
દીપક કહે છે, "મને જણાવવામાં આવ્યું કે આ વૅક્સિનમાં 85 ટકા કમ્પાઉન્ડ મેનેન્જાઇટિસ વૅક્સિન સાથે મળતું આવે છે. ડૉક્ટરોએ જણાવ્યું કે હું જમીન પર ઢળી પણ પડી શકું છું. અંગ નિષ્ક્રિય થઈ જવાનું જોખમ પણ રહેલું છે. જીવ પણ જઈ શકે છે. તાવ, ધ્રુજારી જેવી પરેશાની પણ થઈ શકે છે. પણ આ પ્રક્રિયામાં સેવા આપતાં ડૉક્ટર અને અનેક નર્સોએ મારો ઉત્સાહ વધાર્યો."
દીપકે આગળ જણાવ્યું કે એક સમયે તેમના મનમાં થોડી આશંકા ઉત્પન્ન થઈ હતી જે પછી તેમણે પોતાની એક ડૉક્ટરમિત્ર સાથે આ વિષયમાં ઈમેલ પર સંપર્ક કર્યો.
દીપક અનુસાર તેમની મિત્રે એમને આ કામ કરવા માટે રાજી કરવામાં મોટી ભૂમિકા ભજવી.

કોણ હોઈ શકે છે સ્વયંસેવક?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કોઈ પણ વૅક્સિન ટ્રાયલના અનેક તબક્કા હોય છે.
સૌથી અંતમાં માનવપરીક્ષણ કરવામાં આવે છે. એના માટે જરૂરી છે કે તે વ્યક્તિ જે બીમારીની વૅક્સિનની ટ્રાયલ કરાઈ રહી હોય તેનાથી સંક્રમિત ન હોય. એટલે કે જો કોરોના વૅક્સિનની ટ્રાયલ થઈ રહી છે તો વૉલન્ટિયર કોરોનાથી સંક્રમિત ન હોવા જોઈએ.
કોરોનાના ઍન્ટિબૉડી પણ શરીરમાં ન હોવા જોઈએ. એનો મતલબ એ કે જો સ્વયંસેવક કોરોના સંક્રમિત થયા હોય અને સ્વસ્થ થઈ ગયા હોય તો પણ વૅક્સિન ટ્રાયલ માટે સ્વયં સેવા આપી શકતા નથી.
વૉલન્ટિયર 18થી 65 વર્ષની ઉંમરના હોઈ શકે છે અને એમનું સંપૂર્ણ સ્વસ્થ હોવું જરૂરી છે.
ટ્રાયલ દરમિયાન એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે માત્ર એક ઉંમરના લોકો અને એક મૂળના લોકો ન હોય. મહિલા અને પુરુષ બંને ટ્રાયલની પ્રક્રિયામાં સામેલ હોય.
વૅક્સિન ટ્રાયલમાં ભાગ લેનારાઓ માટે સાર્વજનિક પરિવહનથી ક્યાંય પણ આવવા-જવાની મનાઈ હતી.
દીપકના કહેવા પ્રમાણે આ ટ્રાયલમાં ભાગ લેવા માટે કોઈ પ્રકારે પૈસા નથી અપાયા. હાં, ઇન્સ્યૉરન્સની વ્યવસ્થા ચોક્કસ હોય છે.
આખી પ્રક્રિયા દરમિયાન વૉલન્ટિયર કોઈ અન્યને પોતાનું લોહી નથી આપી શકતા.
તો શું આટલા જોખમ પછી આગળ વધવું સરળ હતું?
આ સવાલના જવાબમાં દીપક કહે છે, "હું નથી જાણતો કે ટ્રાયલ સફળ પણ થશે કે નહીં, પરંતુ હું સમાજ માટે કંઈક કરવા માગતો હતો. બસ એટલા માટે આ કરી રહ્યો છું."

હ્યુમન ટ્રાયલની પ્રક્રિયા કેવી હોય છે?

ઇમેજ સ્રોત, PHOTONEWS/GETTY IMAGES
દીપક જણાવે છે કે પહેલા દિવસે મને હાથમાં ઇન્જેક્શન આપવામાં આવ્યું. એ દિવસે મને થોડો તાવ આવ્યો અને ધ્રુજારી આવી.
તેઓ કહે છે, "ઇન્જેક્શનવાળી જગ્યા પર થોડો સોજો પણ હતો, જે ડોક્ટરોના કહેવા પ્રમાણે નૉર્મલ વાત હતી. ઉપરાંત મારે રોજ હૉસ્પિટલ સાથે અડધો કલાકનો સમય પસાર કરવો પડતો હતો."
"મારે એક ઈ-ડાયરી રોજ ભરવી પડે છે. જેમાં રોજ શરીરનું તાપમાન, પલ્સ, વજન, બીપી, ઇન્જેક્શનને કારણે જે ડાઘ પડ્યો એને માપવાની પ્રક્રિયા પૂર્ણ કરી ફૉર્મ ભરવું પડતું હતું. એના માટે જરૂરી બધો સામાન હૉસ્પિટલ તરફથી અપાતો હતો."
"એમાં એ પણ જણાવવું પડે છે કે તમે બહાર ગયા, કોને કોને મળ્યા, માસ્ક પહેરી રહ્યા છો કે નહીં, શું ખાઈ રહ્યા છો. 28 દિવસ સુધીની તમામ વિગતો અમારે એ ઈ-ડાયરીમાં ભરવી પડે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ડૉકટર સતત તમારી સાથે ફોન પર સંપર્કમાં રહે છે. રેગ્યુલર ફૉલોઅપ લેવાય છે. સાત જુલાઈએ પણ ફૉલોઅપ થયું છે એટલે કે એપ્રિલથી શરૂ થયેલી પ્રક્રિયા જુલાઈ સુધી ચાલી રહી છે."
આ દરમિયાન દીપકને ત્રણ વાર તાવ આવ્યો અને થોડો ડર પણ લાગ્યો.
ડર પોતાની જિંદગી ગુમાવવાનો નહીં પણ પોતાનાને આગળ ન જોઈ શકવાનો હતો.
દીપકના પિતાનું ત્રણ વર્ષ પહેલાં અવસાન થયું હતું, પરંતુ વિદેશમાં હોવાને કારણે દીપક પોતાના પિતાનાં અંતિમ દર્શન કરી શક્યા નહોતા.
ટ્રાયલ દરમિયાન તેમને એ વાતનો ડર હતો કે તેઓ તેમનાં માતા અને ભાઈ-બહેનને મળી શકશે કે નહીં.
જોકે હૉસ્પિટલમાંથી કોઈ કટોકટીની સ્થિતિના નિવારણ માટે એક ઇમરજન્સી કૉન્ટેક્ટ નંબર પણ આપવામાં આવે છે. જોકે તેમને ત્યારે પણ ડર લાગ્યો હતો અને આજે પણ.
તેઓ કહે છે કે 90 દિવસ સુધી હું ક્યાંય બહાર આવનજાવન કરી શકતો નથી. વૅક્સિનનો ડોઝ માત્ર બે વાર જ આપ્યો છે. પણ ફૉલોઅપ માટે સમયાંતરે હૉસ્પિટલ જવું પડે છે.

કોણ છે દીપક પાલીવાલ?

ઇમેજ સ્રોત, DEEPAK PALIWAL/BBC
42 વર્ષીય દીપક લંડનની એક ફાર્મા કંપનીમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે.
તેઓ ભારતમાં જન્મ્યા અને મોટા થયા છે. તેમનો પરિવાર આજે પણ જયપુરમાં રહે છે. અને તેઓ પત્ની સાથે લંડનમાં રહે છે. પત્ની પણ ફાર્મા કંપનીમાં કામ કરે છે.
તેઓ પરિવારમાં સૌથી નાના છે. વૅક્સિનનો ડોઝ લીધા બાદ તેઓએ ભારતમાં પોતાના પરિવારને તેના અંગે જણાવ્યું હતું. માતા અને ભાઈએ નિર્ણયને આવકાર્યો હતો, પણ મોટી બહેન તેમનાથી બહુ નારાજ થઈ ગયાં હતાં.
દીપકનાં પત્ની પર્લ ડિસૂઝાએ બીબીસીને વાતચીતમાં જણાવ્યું કે તેઓ દીપકના નિર્ણયથી બિલકુલ ખુશ નહોતાં. તેમને દીપક માટે 'હીરો'નો ટૅગ જોઈતો નથી. એક વાર તો તેઓ માની ગયાં છે, પણ બીજી વાર પતિને આવું નહીં કરવા દે.
દીપકનો ટ્રાયલ પાર્ટ પૂરો થઈ ગયો છે, પરંતુ ઑક્સફોર્ડની ટ્રાયલમાં હજુ 10,000 લોકો પર વધુ ટ્રાયલ કરાઈ રહી છે.
આખી દુનિયાની જેમ દીપકને પણ વૅક્સિન સફળ થવાનો ઇંતેજાર છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












