વિકાસ દુબે જેવા માફિયા બનાવવાની 'રૅસિપી' જૂની છે

પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ગુરપ્રિત સૈની
    • પદ, બીબીસી સંવાદદાતા

વિકાસ દુબેનું કથિત અથડામણમાં મૃત્યુ અને એના પહેલાં આઠ પોલીસકર્મીઓના માર્યા ગયા બાદ સતત એ વાત પર ચર્ચા થઈ રહી છે કે આવા લોકો આખરે કેવી રીતે નભે છે અને કેવી રીતે તેઓ ગુનાના નવા-નવા 'કીર્તિમાન' બનાવતા જાય છે.

આવા મામલાઓમાં એ સ્પષ્ટ દેખાય છે કે ક્યારેક દબંગ, ક્યારેક બાહુબલિ અને ક્યારેક રૉબિન-હૂડ કહેવાતા આ માફિયા-ડોન એક ખાસ રીતે આગળ વધે છે અને એક ખાસ રીતે જ એમનો અંત પણ થાય છે.

એની પૅટર્ન એ છે કે આ ગુનેગારો કોઈ એક સંસાધન પર ગેરકાયદે કબજો જમાવે છે. મામલો ક્યારેક જમીન, ક્યારેક રેતી, રેલવેના કૉન્ટ્રાક્ટ, માછલી પકડવા તો ક્યાંક કોલસાના ખનન સંબંધી હોય છે.

ગેરકાયદે વ્યાપાર ચલાવવા માટે રાજકીય રક્ષણ જરૂરી હોય છે. જ્યારે રાજકારણીઓ ચૂંટણી જીતવા માટે એમના બાહુબળનો ઉપયોગ કરે છે. એમાં ઘણી વાર જાતિનું પાસું પણ સામેલ હોય છે.

અનેક વાર આ માફિયા લીડર અનેક બેઠકો પર ચૂંટણી જીતાડવા અને હરાવવાની તાકત ધરાવે છે. આ માફિયા લીડરો રાજકીય પક્ષો પ્રત્યેની વફાદારી સત્તામાં ફેરફાર થતાં બદલતા રહે છે.

એમની ગાડીઓ પર મોટે ભાગે એ જ પાર્ટીઓના ઝંડા હોય છે જે સત્તામાં હોય છે.

તેઓ કાં તો ગૅંગવૉરમાં માર્યા જાય છે અથવા તો પોલીસ અથડામણમાં. જે ક્યારેક અસલી હોય છે તો ક્યારેક નકલી. અનેક વાર માફિયા લીડર યુક્તિ લગાવી લાંબા સમય સુધી પોતાની સંપત્તિ અને જીવ બચાવવામાં સફળ પણ થઈ જાય છે.

line

વિકાસ દુબે સાથે જોડાયેલાં સમીકરણ

વિકાસ દુબે

ઇમેજ સ્રોત, SAMEERAMAJ MISHRA

ઇમેજ કૅપ્શન, વિકાસ દુબે

તાજેતરના કથિત અથડામણ પર સવાલ ઊઠી રહ્યા છે અને ત્યાં સુધી કહેવાઈ રહ્યું છે કે વિકાસ દુબે પ્રકરણમાં અનેક મોટા નેતાઓનાં નામ આવી શકતા હતા, પરંતુ વિકાસ દુબેના મૃત્યુ સાથે હવે આ બધાં રહસ્યો દબાઈ ગયાં છે.

આવું જ કહીને મુખ્ય વિપક્ષી દળોએ ઉત્તર પ્રદેશની સત્તાધારી ભાજપ સરકારને ઘેરવાનું શરૂં કર્યું છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું છે કે "હકીકતમાં આ કાર નથી પલટી, સરકાર પલટવાથી બચાવાઈ છે."

તો કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે "ગુનેગારનો અંત થઈ ગયો. ગુનેગાર અને એને રક્ષણ આપનાર લોકોનું શું?"

પરંતુ આ સવાલ ફક્ત એક રાજકીય પક્ષ પર નહીં, પરંતુ સાથે જ તમામ રાજકીય પક્ષો પર ઊઠતા રહ્યા છે.

તાજેતરમાં મામલામાં પણ જો વિકાસ દુબેની રાજકીય કુંડળી તપાસવામાં આવે (જેના ઉપર હત્યા અને હત્યાના પ્રયાસ જેવા લગભગ 60 કેસ નોંધાયેલા હતા) તો જણાઈ આવશે કે તેઓ ભલે કોઈ પક્ષના સક્રિય સભ્ય ન રહ્યા હોય, પરંતુ એમના સંબંધ લગભગ બધી પાર્ટીઓ સાથે હતા.

ઉત્તર પ્રદેશના પૂર્વ પોલીસ મહાનિદેશક પ્રકાશ સિંહ બીબીસી હિન્દીને કહે છે કે ગુનેગારો અને રાજકીય પક્ષોની સાઠગાંઠ કોઈનાથી છૂપી નથી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તેઓ 1993ની વોહરા સમિતિના અહેવાલનો ઉલ્લેખ કરે છે, જેમાં ગુનેગારો, નેતાઓ અને અધિકારીઓની ગુનાખોરીની જાળ તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું હતું અને કહેવાયું હતું કે આ સાઠગાંઠ સમાજ માટે એક ઘણી ગંભીર સમસ્યા છે અને તેને તોડવાની જરૂર છે.

તેઓ કહે છે, "પરિણામ એ આવ્યું કે આ સમસ્યા વરસોવરસ ગંભીર થતી ચાલી અને આજે આપણને એનાં ભયંકર દુષ્પરિણામો જોવાં મળી રહ્યાં છે અને કાનપુરવાળો વિકાસ દુબે એવી જ ઘટનાનો પુરાવો છે."

જાણકારો કહે છે કે કથિત માફિયા ગુનેગારો અને રાજકીય પક્ષો અનેક રીતે એકબીજાને કામ આવે છે.

પોલીસ સાથેની કથિત અથડામણમાં વિકાસ દુબેનું મૃત્યુ થયું હતું

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પોલીસ સાથેની કથિત અથડામણમાં વિકાસ દુબેનું મૃત્યુ થયું હતું

ઉત્તર પ્રદેશના વરિષ્ઠ રાજકીય પત્રકાર સુભાષ મિશ્ર કહે છે, "રાજકીય પક્ષોમાં તેમની ઉપયોગિતા છે. ચૂંટણી જીતવામાં તેઓ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે."

"એમની પાસે નાણાં, બાહુબળ અને ક્યારેક ક્યારેક જાતીય સમીકરણ પણ એવાં ફિટ બેસે છે કે નેતાઓ માટે ઉપયોગી સાબિત થાય છે. એટલા માટે નેતાઓ ચૂંટણી જીત્યા બાદ તેઓ પોતાના કામની વસૂલી પણ કરે છે."

મુખ્ય રીતે આ માફિયા, બાહુબલિ અને ગુનેગાર દારૂ, જમીન, કોલસા, રેતી, રિયલ એસ્ટેટ જેવાં ક્ષેત્રોમાં ફેલાયેલા પોતાના વેપાર મારફતે નાણાં કમાય છે. જાણકારોનું માનવું છે કે રાજકીય પીઠબળ વગર આ લોકો નભી શકતા નથી.

આ જ કારણ છે કે હવે તેઓ પોતે રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે. સુભાષ મિશ્ર કહે છે કે એમની ગુનેગાર તરીકેની છાપ છતાં રાજકીય ફાયદો મેળવવા માટે પક્ષો એમને ચૂંટણીમાં ટિકિટ પણ આપે છે.

line

'ગુનેગાર ખુદ નેતા બની ગયા'

નેતા

સ્થાનિકો પર પણ આ લોકોનો પ્રભાવ હોય છે, કારણ કે મોટા ભાગે માફિયા પોતાની ધાર્મિક અને પરોપકારી છબીનો પ્રચાર કરે છે.

જાણકારો કહે છે કે મોટે ભાગે ચૂંટાયેલા માફિયા પોતાની રૉબિન-હૂડ છબીને મજબૂત રાખવા માટે કોઈ પણ હદે જવા તૈયાર હોય છે.

તેઓ લોકોની મદદ કરી તેમને પોતાની છત્રછાયામાં રાખે છે અને આ રીતે પોતાના માટે એક એવી વોટબૅંક તૈયાર કરે છે જે અનેક વાર ધર્મ અને જાતિથી પણ ઉપર તેમને વફાદાર રહે છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી પ્રકાશ સિંહ કહે છે કે ગુનેગારો પહેલાં નેતાઓની મદદ કરતા હતા, પરંતુ હવે ગુનેગારો પોતે જ નેતા બની ગયા છે.

તેઓ કહે છે, "આજની તારીખમાં યુપીની વિધાનસભામાં 143 એટલે કે એક તૃતીયાંશથી પણ વધારે ધારાસભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે."

"આ ઉપરાંત 26% ધારાસભ્ય એટલે કે 107 એમ.એલ.એ. એવા છે જેમના વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર આરોપ છે. ફક્ત હત્યા અને હત્યાના પ્રયાસને જ લઈએ તો એમાં પ્રદેશના 42 ધારાસભ્યો એવા છે જેમના પર આ આરોપ લાગ્યા છે."

તેઓ આગળ કહે છે, "આ લોકો જ્યારે વિધાનસભામાં બેસશે તો તેઓ પોતાના ધંધા કરવાનું છોડશે નહીં અને છૂપી રીતે કરવા હશે તો તેઓ પોતાના સાગરિતોથી કરાવશે, ગુનેગારોને રક્ષણ આપશે, એમની આગેવાની કરશે અને તેમને આર્થિક મદદ આપશે."

line

ઉત્તર પ્રદેશના બાહુબલિ નેતા

બાહુબલી

છેલ્લાં વર્ષે બીબીસી સંવાદદાતા પ્રિયંકા દુબેએ પૂર્વાંચલના માફિયા લીડરો પર અનેક અહેવાલ લખ્યા હતા.

જેમાં એમણે બતાવ્યું હતું કે કઈ રીતે પોતાની સાથે પોતાના પરિવારજનો માટે પણ પંચાયત-બ્લૉક કમિટીઓથી લઈ વિધાન પરિષદ, વિધાનસભા અને લોકસભા સુધી રાજકીય પહોંચ ધરાવનારા પૂર્વાંચલના બાહુબલિ નેતા પોતપોતાના વિસ્તારમાં ઊંડી પહોંચ ધરાવે છે.

ફક્ત પૂર્વાંચલની જ વાત કરીએ તો 1980ના દાયકામા ગોરખપુરના 'હાતાવાળા બાબા'ના નામે ઓળખાતા હરિશંકર તિવારીથી શરૂ થયેલો રાજકારણના અપરાધીકરણનો આ ઘટનાક્રમ પછીનાં વર્ષોમાં મુખ્તાર અંસારી, બ્રિજેશ સિંહ, વિજય મિશ્રા, સોનુ સિંહ, વિનીત સિંહ અને પછી ધનંજય સિંહ જેવા અનેક હિસ્ટ્રિશિટર બાહુબલિ નેતાઓથી પસાર થઈને આજે પણ પૂર્વાંચલમાં ફૂલીફાલી રહ્યો છે.

બાહુબલિના કામકાજનું પદ્ધતિસર વિશ્લેષણ કરનારા એસટીએફના એક વરિષ્ઠ ઇન્સ્પેક્ટર જણાવ્યું હતું, "સૌથી પહેલા નાણાં ઉપજાવવાં જરૂરી હોય છે."

"એના માટે માફિયા પાસે અનેક રસ્તાઓ છે, જેમ કે મુખ્તાર અંસારી ટેલિકોમ ટાવર, કોલસા, વીજળી અને રિયલ એસ્ટેટમા ફેલાયેલા પોતાના વેપારના માધ્યમથી ઉપજાવે છે."

તેઓ જણાવે છે, "બ્રિજેશ સિંહ કોલસા, દારૂ અને જમીનના ટેન્ડરમાંથી પૈસા બનાવે છે. ભદોહીના વિજય મિશ્રા અને મિરઝાપુર-સોનભદ્રના વિનીત સિંહ પણ અહીંના બે મોટા માફિયા રાજનેતા છે."

"રેતી, રોડ અને જમીનમાંથી પૈસા કમાનાર વિજય મિશ્રા ધનબળ અને બાહુબળ બંનેમાં ઘણા મજબૂત છે. એ જ રીતે પાંચ વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. વિનીત લાંબા સમયથી બહુજન સમાજ પાર્ટી સાથે જોડાયેલા છે અને તેઓ પણ પૈસેટકે નબળા નથી."

line

પોલીસની ભૂમિકા

નેતા

આ સાંકળમાં પોલીસની ભૂમિકા પર પણ દરેક વખતે સવાલ ઊઠે છે.

આ વિશે પ્રકાશ સિંહ કહે છે કે "જિલ્લાઓમાં ખોટી રીતે ધારાસભ્યો બની ગયા છે. તેઓ પોલીસ પર દબાણ નાખે છે. તેઓ કહે છે કે નોકરી કરવી હોય તો અમારી સાથે કામ કરો, નહીં તો તમારી બદલી કરાવી દઈશું."

"પછી એમ.એલ.એ. સાહેબ કહેશે કે આ અમારો ફલાણો માણસ છે. તે ફલાણા ઘર પર કબજો કરવા માગે છે. તમે એની મદદ કરો."

"તે સિનિયર ઑફિસરને આ વિશે જણાવે છે તો તેઓ પણ કહે છે કે આ અમારા નિયંત્રણની બહાર છે. પછી આ એવું દબાણ બને છે કે સારી વ્યક્તિ પણ ખોટા રસ્તે ચાલવા માટે મજબૂર થઈ જાય છે."

તેઓ કહે છે કે "જ્યારે આ જ રીતે દુનિયા ચાલે છે, આ જ રીતે રાજકારણ ચાલે છે, આ જ રીતે પ્રદેશ ચાલે છે, તો અમે પણ એ જ ગંદા નાળામાં વહી જઈએ છીએ."

"પછી આ રીતે અરાજક તત્ત્વો સાથે એમની સાઠગાંઠ થઈ જાય છે અને તેઓ પણ ખોટા કામમાં લાગી જાય છે. આ રીતે આ સાંકળ બનતી જાય છે."

પ્રકાશ સિંહ કહે છે કે આ સાંકળને તોડવા માટે જે ઉચ્ચ સ્તરે પ્રામાણિક પ્રયાસ થવા જોઈએ તે થતા નથી.

આવું થવાનાં અનેક કારણો છે. ક્યાંક કડક કાર્યવાહી કરવા પર જાતીય સમીકરણ બગડે છે, તો ક્યાંક રાજકીય સમીકરણ.

સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યાં સુધી રાજકારણનાં રંગ-ઢંગ નહીં બદલાય ત્યાં સુધી વિકાસ દુબે જેવાં પાત્રો યુપીના રાજકીય રંગમંચ પર પેદા થતા રહેશે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો