કોરોના પૉઝિટિવ હોવા છતાં દરદીઓ માટે ખડે પગે રહેલાં સાઇકૉલૉજિસ્ટ

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"હું ઍઇડ્સના દરદીઓની સારવાર કરતી હતી અને મને કોરોનાનો ચેપ લાગ્યો. પહેલાં બે દિવસ તો મને સ્વસ્થ થતાં થયાં. મેં મારા ઍઇડ્સના તથા સાથેના કોવિડ-19ના દરદીઓને મૅન્ટલી સ્ટ્રૉંગ થવા માટે કાઉનસેલિંગ કર્યું હતું. આ દરમિયાન મારો શ્વાસ ફૂલી જતો હતો અને થાક લાગતો હતો, પણ મારા માટે મારો દરદી અગત્યનો હતો, એટલે હું વીડિયોકૉલ દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરતી અને મારી સાથેના પેશન્ટનું માર્ગદર્શન પણ કરતી હતી."

આ શબ્દો છે કોરોનાને માત આપનારાં સાઇકૉલૉજિસ્ટ ઝંખના શાહના.

ઝંખના શાહે સાઇકૉલૉજીમાં પીએચડી કર્યું છે અને અમદાવાદની સિવિલ હૉસ્પિટલના ઍઇડ્સ વિભાગમાં 14 વર્ષથી સાઇકૉલૉજિસ્ટ તરીકે કામ કરે છે.

ઍઈડ્સની બીમારીથી ભાંગી ગયેલા દરદીઓને માનસિક સધિયારો આપે છે.

ઍઇડ્સના દરદીઓને કોરોનાનો ચેપ ઝડપથી લાગે છે, એવી માન્યતાને કારણે ઝંખનાના દરદીઓમાં આશંકાનો માહોલ હતો. આથી, મહામારીની વચ્ચે ઍઇડ્સગ્રસ્તોનું કાઉન્સેલિંગ કરવા માટે તેઓ સિવિલ હૉસ્પિટલ જતાં હતાં.

ઝંખના શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "એચ.આઈ.વી. પૉઝિટિવ દરદીઓ માંડ લડતાં-લડતાં જિંદગી જીવવાનું શીખ્યા હોય છે. એવામાં કોરોનાનાકાળમાં તેમને ભય સતાવતો હતો."

ઝંખના કહે છે, "મારા પેશન્ટમાં મને કોરોના થયો હોવાની વાત ફેલાઈ ગઈ હતી. તેઓ ડરતાં-ડરતાં મારા ખબરઅંતર પૂછવા તથા સારવાર લેવા માટે ફોન કરતા."

"કોરોનાને કારણે મને બોલવામાં ખૂબ જ શ્રમ પડતો હતો, શક્તિ ન રહેતી. ફેફસાં ધમણની જેમ ફૂલાઈ જતાં. થાકી જતી હોવાં છતાં, પૂરતી તાકત લગાવીને વીડિયો કૉલિંગથી મારા પેશન્ટનું કાઉન્સેલિંગ કરતી હતી."

"પેશન્ટ સાથે વાત કરતી વખતે હું મારા ચહેરા ઉપર હંમેશાં સ્માઇલ રાખતી હતી, જેથી કરીને તેઓને એમ ન લાગે કે ડૉક્ટરની સ્થિતિ આવી થતી હોય, તો અમારું શું થશે, એમ વિચારીને તેઓ ભાંગી ન પડે."

કોરોનાના સમયમાં ઝંખના શાહ પાસેથી કાઉન્સેલિંગ લેનારા એક એચ.આઈ.વી. પૉઝિટિવે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "ડૉક્ટરે એ વાતનો લગીરેય અણસાર આવવા ન દીધો કે તેઓ ખુદ કોરોના સામે જંગ લડી રહ્યાં છે."

કોરોનાની સારવાર લઈને સાજા થયેલાં ઝંખના શાહ હાલમાં હોમ-ક્વોરૅન્ટીન થયાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો