સૈયદ અલી ગિલાની : ભારતના એ ભાગલાવાદી નેતા જેમને પાકિસ્તાને સર્વોચ્ચ સન્માન 'નિશાન-એ-પાકિસ્તાન' આપ્યું

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતના ભાગલાવાદી કાશ્મીરી નેતા સૈયદ અલીશાહ ગિલાનીનું 92 વર્ષની ઉંમરે અવસાન થયું છે. બીબીસી સંવાદદાતા રિયાઝ મસરુરના કહેવા પ્રમાણે, પરિવારજનોએ ગિલાનીના અવસાન અંગે ખરાઈ કરી છે.

ગિલાની કાશ્મીરના ભાગલાવાદી સંગઠનોના સમૂહ હુર્રિયત કૉન્ફરન્સના સ્થાપકોમાં સામેલ છે, હાલ આ સંગઠન નિષ્ક્રિય છે.

જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ ટ્વિટર પર લખ્યું, "ગિલાનીસાહેબના નિધનના અહેવાલોથી દુખી છું. અમારી વચ્ચે અનેક મુદ્દે મતભેદ હતા, પરંતુ માન્યતા માટે દૃઢતા તથા મક્કમતા માટે તેમનું સન્માન કરું છું. અલ્લાહ તેમને જન્નત બક્ષે તથા તેમના પરિવારજનોને ધીરજ આપે."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

line

હુર્રિયતમાં હાંસિયામાં

ગિલાનીની તસવરી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, સૈયદ અલી ગિલાનીએ કાશ્મીરમાંથી ભારતની સેનાને હઠાવવા અંગે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે માગ કરી હતી.

જીવનના અંતિમ સમયમાં ગિલાનીએ હુર્રિયત સાથેનો છેડો ફાડી નાખ્યો હતો અને તેઓ સંગઠનના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હતા.

ગત વર્ષે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન તેમણે સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ મૂકી હતી અને કહ્યું હતું, "હુર્રિયતમાં જે સ્થિતિ ઊભી થઈ છે, તેને જોઈને હું તેની સાથે સંપૂર્ણપણે છેડો ફાડું છું."

ગિલાનીએ સ્વીકાર્યું હતું કે હુર્રિયતમાં ભારતે લીધેલાં પગલાંનો વિરોધ કરવાની ઇચ્છાશક્તિનો અભાવ હતો તથા અન્ય ખરાબ કામોને 'આંદોલનના વ્યાપકહિત'ના નામે અવગણી દેવાયા હતા.

એ અરસામાં જ પાકિસ્તાનની સંસદે કાશ્મીરના ભાગલાવાદી નેતા સૈયદ અલીશાહ ગિલાનીને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન 'નિશાન-એ-પાકિસ્તાન' આપવાનો સર્વાનુમતે ઠરાવ કર્યો હતો.

આ સિવાય એક કૉલેજને તેમનું નામ આપવાની તથા તેમની જીવનકથાને શૈક્ષણિક પાઠ્યક્રમમાં સામેલ કરવાની ઇમરાન ખાનની સરકારે જાહેરાત કરી હતી.

line

ગિલાનીના તાલ પર હડતાલ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ગિલાની તત્કાલીન જમ્મુ-કાશ્મીર રાજ્યની 87 ધારાસભ્યવાળી વિધાનસભાના સભ્યપદે 15 વર્ષ સુધી (1972, 1977, 1987) રહ્યા હતા. તેઓ દક્ષિણ કાશ્મીરની સોપોર બેઠકનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા હતા. ગિલાની 'જમાત-એ-ઇસ્લામી'ના સભ્ય હતા, જેની પર પ્રતિબંધ લાદી દેવાયો હતો.

1989માં સશસ્ત્ર સંઘર્ષ શરૂ થયો, તે દરમિયાન તેમણે તથા જમાતના અન્ય ચાર નેતાઓએ રાજીનામાં ધરી દીધાં હતાં.

કાશ્મીરમાં ઉગ્રવાદ સાથે-સાથે જ હુર્રિયતના નેતા તરીકે તેમનો ઉદય થયો હતો અને તેમણે ચૂંટણીગત રાજકારણથી છેડો ફાડી લીધો હતો.

1993માં 20થી વધુ ધાર્મિક અને રાજકીય સંગઠનો 'ઑલ પાર્ટીઝ હુર્રિયત કૉન્ફરન્સ'ના નેજા હેઠળ એકઠા થયા. 19 વર્ષીય મીરવાઇઝ ઉમર ફારુખ તેના સ્થાપક ચૅરમૅન બન્યા.

બાદમાં ગિલાનીને હુર્રિયતના ચૅરમૅન ચૂંટી કઢાયા, જેમની ગણતરી પાકિસ્તાનતરફી વલણ ધરાવનાર નેતા તરીકે થાય છે.

પાસપૉર્ટ અરજીમાં તેમણે ખુદને ભારતીય ગણાવવાનો ઇન્કાર કરી દીધો હતો.

તેમના કહેવા પ્રમાણે, કાશ્મીરનો મુદ્દો એ માત્ર કાશ્મીરીઓનો જ નથી,પરંતુ પાકિસ્તાનીઓનો પણ છે.

line

હુર્રિયતના 'હાર્ડલાઇનર નેતા'

ગિલાનીની તસવરી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, સૈયદ અલી ગિલાનીએ કાશ્મીરમાંથી ભારતની સેનાને હઠાવવા અંગે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે માગ કરી હતી.

ગિલાનીની ગણના હુર્રિયતના 'હાર્ડલાઇનર નેતા' તરીકે થતી. જીવનના અંતિમ દાયકા દરમિયાન તેઓ કૅન્સર સામે પણ લડી રહ્યા હતા.

દિલ્હી તથા શ્રીનગરમાં તેમની સારવાર થતી હતી, 2010 પછી મોટાભાગનો સમય તેઓ પોતાના ઘરમાં નજરકેદમાં રહ્યા છે.

આમ છતાં તેઓ કોઈ પણ કારણસર કાશ્મીરના ખીણપ્રદેશમાં હડતાલનું આહ્વાન કરે એટલે ધરાતલ પર તેની સજ્જડ અસર જોવા મળતી હતી.

2008માં અમરનાથ યાત્રાબોર્ડને જમીન આપવાના મુદ્દે, 2010માં કાશ્મીરમાં કથિત નકલી ઍન્કાઉન્ટરમાં ત્રણ યુવકનાં મૃત્યુ (અને કુરાનની બેઅદબી) તથા 2016માં બુરહાન વાણીના ઍન્કાઉન્ટર બાદ ખીણપ્રદેશમાં ભારત સરકાર વિરુદ્ધ જુવાળ ફાટી નીકળ્યો હતો.

જેમાં ગિલાની, ફારુખ તથા યાસિન મલિકે ઉદ્દીપકની ભૂમિકા ભજવી હતી.

તેમણે કાશ્મીરમાંથી ભારતની સેનાને હઠાવવા અંગે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે માગ કરી હતી.

ગિલાની અને તેમના સમર્થકોએ હુર્રિયતથી અલગ થઈને વર્ષ 2003માં અલગ સંગઠન હુર્રિયત (ગિલાની ફાંટા)ની સ્થાપના કરી અને આજીવ ચૅરમૅન તરીકે ચૂંટાઈ આવ્યા.

line

2020માં હુર્રિયતમાં તિરાડ

કાશ્મીરમાં ગિલાનીના એક આહ્વાન ઉપર જનજીવન ઠપ થઈ જતું

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, કાશ્મીરમાં ગિલાનીના એક આહ્વાન ઉપર જનજીવન ઠપ થઈ જતું

2019માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના પુનરાગમન બાદ હુર્રિયતના બે જૂથ વચ્ચે તણાવ પ્રવર્તતો હતો, કારણ કે મીરવાઇઝ ઉમર ફારુખના નેતૃત્વવાળું જૂથ ભારત સાથે સંવાદનું પક્ષધર હતું અને કાશ્મીરમાં ચૂંટણી યોજવા અંગે તેમનું વલણ નરમ હતું.

જોકે, ગિલાની જૂથ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જનમત કરાવવાની માગ કરી રહ્યું હતુ. તેના દ્વારા ચૂંટણી તથા દ્વિપક્ષીય સંવાદનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

જૂન-2020માં ઓડિયો ક્લિપ બહાર પાડવા ઉપરાંત હુર્રિયતના નેતાઓ અને કાર્યકરોને લખેલા વિસ્તૃત પત્રમાં ગિલાનીએ સરકારની કડક નીતિ કે પોતાના ખરાબ સ્વાસ્થ્યને કારણે અલગ થઈ રહ્યા હોવાની વાતને નકારી કાઢી હતી.

પોતાના પત્રમાં કાશ્મીરમાં ભારત સરકારનો વિરોધ યથાવત્ રાખવાની તથા હુર્રિયત છોડ્યા બાદ પણ 'પોતાના લોકોનું નેતૃત્વ' કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

ગિલાનીએ લખ્યું હતું, "નાદુરસ્ત તબિયત તથા નિયંત્રણો છતાં અનેક રીતે મેં આપ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ આપમાંથી કોઈ ઉપલબ્ધ ન બન્યું."

"જ્યારે આપને લાગ્યું કે તમારી જવાબદારી નક્કી થશે અને ફંડના દુરુપયોગ સામે સવાલ ઊઠશે, ત્યારે આપ લોકોએ નેતૃત્વ સામે સરે-આમ બળવો પોકારી દીધો."

એ સમયે ચર્ચા હતી કે જો ગિલાની હુર્રિયતમાંથી ખસ્યા ન હોત, તો તેમને પ્રમુખપદેથી હઠાવી દેવાયા હોત, તેના માટે બેઠક બોલાવવાની પણ તૈયારીઓ થઈ ગઈ હતી.

line

કેન્દ્રશાસિત કાશ્મીરમાં હુર્રિયત

કાશ્મીરમાં આર્ટિકલ 370ની ઉજવણી કરી રહેલા જમણેરી સંગઠનો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાશ્મીરમાં આર્ટિકલ 370ની ઉજવણી કરી રહેલા જમણેરી સંગઠનો

કેન્દ્રશાસિત કાશ્મીરમાં હુર્રિયત

ફેબ્રુઆરી-2019માં મોદી સરકારે હુર્રિયતના નેતાઓને આપવામાં આવતી સિક્યૉરિટી હઠાવી લીધી હતી અને તેને પોતાની સિદ્ધિ તરીકે રજૂ કરી હતી.

કાશ્મીરના રાજકીય તથા હુર્રિયતના નેતાઓ દ્વારા ચેતવણી આપવામાં આવતી હતી કે જો બંધારણના અનુચ્છેદ '35-અ' અને '370'ને નાબૂદ કરવામાં આવશે તો કાશ્મીરમાં ભારતવિરોધી વલણ ફાટી નીકળશે અને ભારતને જોડી રાખતી 'એકમાત્ર કડી' પણ તૂટી જશે.

ઑગસ્ટ-2019માં બીજી વખત ચૂંટાઈ આવ્યાના ગણતરીના મહિનાઓમાં જ નરેન્દ્ર મોદીની કેન્દ્રની ભાજપ સરકારે બંધારણના બંને અનુચ્છેદની નાબૂદીનો નિર્ણય લીધો હતો.

આમ છતાં ધરાતલ પર નવગઠિત કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં કોઈ અસરકારક કાર્યક્રમમાં હુર્રિયત નિષ્ફળ રહ્યું.

હુર્રિયત દ્વારા 'હડતાલનું કેલેન્ડર' બહાર પાડવામાં આવતું અને નેતાઓ જેલમાં હોય તો પણ તેનો અસરકારક અમલ થતો, પરંતુ ઑગસ્ટ-2019 બાદ આવો કોઈ કાર્યક્રમ ન આપી શક્યા.

આ સંજોગોએ હુર્રિયતના નેતાઓની સાંપ્રતતા વિશે સવાલ ઊઠવા લાગ્યા. યાસીન મલિક ઉપરાંત હુર્રિયતના કેટલાક નેતા મની લૉન્ડરિંગ, ઉગ્રવાદ તથા હવાલા જેવા આરોપસર અલગ-અલગ જેલમાં બંધ છે.

રાજ્યનાં ત્રણ પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાહ, ફારુખ અબ્દુલ્લાહ તથા મહેબૂબા મુફ્તીને પણ નજરકેદમાં રાખવામાં આવ્યા હતા, બાદમાં તેમને મુક્ત કરી દેવાયા હતા. તેમણે રાજકીય દૃષ્ટિએ 'ગુપકર ગઠબંધન' કરવાની જાહેરાત કરી હતી.

જાણકારોના મતે ગિલાનીએ પદ પરથી રાજીનામું આપ્યું, ત્યારથી જ યુવા અને આક્રમક શખ્સને હુર્રિયતના નેતા તરીકે સ્થાપિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

હવે તેમના અવસાન બાદ 'ઔપચારિક રીતે' આ પગલું લેવામાં આવશે.

વીડિયો કૅપ્શન, ભારત સાથેના સંબંધો પર તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીન સાથે વાતચીત INTERVIEW
line

2003માં હુર્રિયતમાં તિરાડ

2003માં હુર્રિયતના ઉદારમતવાદી નેતા મૌલવી અબ્બાસ અંસારીએ ભારત સાથે 'દ્વિપક્ષી વાટાઘાટો'ની તરફેણ કરી હતી, એટલે હુર્રિયતના છ જેટલાં સંગઠનોએ તેમની સામે બળવો કર્યો હતો, પરંતુ 10 જેટલાં સંગઠનોએ મૌલવી અંસારીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મૌલવી અંસારીએ એ સમયે આયોજિત ચૂંટણીમાં અપ્રત્યક્ષ રીતે ભાગ લેનાર પીપલ્સ કૉન્ફરન્સને સમૂહમાંથી હાંકી કાઢવાનો ઇન્કાર કરી દીધો હતો.

હુર્રિયતમાં આ તિરાડે 'સ્વતંત્ર કાશ્મીર' અને 'પાકિસ્તાન સાથે જોડાણ' ઇચ્છતા હુર્રિયત સંગઠનો વચ્ચે સીધી રેખા ખેંચી દીધી હતી.

ગિલાનીએ હુર્રિયતના ચૅરમૅન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ કહ્યું હતું, "કાશ્મીરનો મુદ્દો ઉકેલવા માટે સંયુક્ત રાષ્ટ્રોની દેખરેખમાં ત્રિપક્ષીય વાટાઘાટ યોજાવી જોઈએ."

જમ્મુ-કાશ્મીર ભારતનું એકમાત્ર મુસ્લિમ બહમુતીવાળું રાજ્ય છે.

1947માં રઝાકારોની કાર્યવાહી બાદ અમુક હિસ્સો પાકિસ્તાન પાસે છે, જ્યારે બાકીનો હિસ્સો ભારત પાસે છે. પાકિસ્તાન તેને 'આઝાદ કાશ્મીર' તરીકે ઓળખાવે છે.

ભારતનો આરોપ છે કે પાકિસ્તાનમાં ઉગ્રવાદીઓને હથિયાર આપવામાં આવે છે, જ્યારે પાકિસ્તાન દ્વારા તેમને 'સ્વતંત્રતાના લડવૈયા' ગણવામાં આવે છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો