કોરોના વાઇરસ : શિક્ષક પિતાનો અમદાવાદમાં કોરોના સર્વેમાં જીવ ગયો અને પુત્રનું ભણવાનું સપનું રોળાયું

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
''મારા પપ્પાએ પાઈ-પાઈ બચાવી મને મિકેનિકલ એન્જિનિયર બનાવ્યો, એમની ઇચ્છા હતી કે હું એમ.ટેક. કરી મોટો ઑફિસર બનું અને એમની જેમ શિક્ષક ન બનું પણ એમની ઇચ્છા અધૂરી રહી જશે કારણ કે હવે ઘર ચલાવવા માટે મારે ભણવાનું છોડવું પડશે'' આ શબ્દો છે કોરોનાનો સર્વે કરવામાં સંક્રમિત થઈ જીવ ગુમાવનારા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્કૂલના શિક્ષક શ્રીપતિ સ્તૈયાના પુત્ર યોગેશ સ્તૈયાના.
22 વર્ષના યોગેશે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, મારા પિતા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્કૂલમાં હિન્દી ભાષાના શિક્ષક હતા. કોરોના પછી એ ભણાવવા કરતાં આરોગ્ય સર્વેના કામ માટે બહાર જતા હતા. જેમાં તેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા અને મૃત્યુ પામ્યા.
અમદાવાદમાં કોરોનાની મહામારીને પગલે અનેક વિસ્તારોમાં લોકોનાં આરોગ્યનો પ્રાથમિક સર્વે કરવાની જવાબદારી શિક્ષકોને સોંપવીમાં આવી હતી. અમદાવાદમાં 30 જેટલા શિક્ષકોને કોરોના થયો અને ત્રણ શિક્ષકોએ જીવ ગુમાવ્યો છે.
યોગેશના પિતા શ્રીપતિ સ્તૈયાનાનું સપનું હતુ કે પુત્ર મોટો અધિકારી બનશે અને પછી જીવનમાં શાંતિ આવશે અને એટલે જ શ્રીપતિ મોજશોખ અને અન્ય ખર્ચ પોતાને માટે કરવાને બદલે યોગેશના ભણતરને પ્રાધાન્ય આપતા.
યોગેશ કહે છે કે ''મોટો ઑફિસર બનું અને એમની જેમ શિક્ષક ન બનું પણ એમની ઇચ્છા અધૂરી રહી જશે કારણ કે હવે ઘર ચલાવવા માટે મારે ભણવાનું છોડવું પડશે. પપ્પા મારી સૅલ્ફ ફાઇનાન્સ કૉલેજની ફી અને મારા ભણવાનો ખર્ચો નીકળી જાય એ માટે ખુદની પાછળ પૈસા ખર્ચતા નહોતા.''
''પોતે દિવાળી બે જોડી કપડાં લાવે અને આખું વર્ષ ચલાવે પણ મારી કૉલેજ માટે નવા કપડાં મને લાવી આપતા. એમનું સપનું હતું કે હું એમ. ટેક. કરી કોઈ મોટી કંપનીમાં ઑફિસર બનીશ પછી આરામની જિંદગી જીવીશું પણ એમનું સપનું અધૂરું રહી ગયું.''
''તેઓ મારા આગળના ભણતર માટે પૈસા ભેગા કરતા હતા. એ કહેતા કે તને ભણાવવો એ મારુ ઇન્વેસ્ટમેન્ટ છે. હું રિટાયર્ડ થઈશ એટલે પેંશન આવશે અને પછી તો તારી કારમાં ફરીશ.''
શ્રીપતિ સ્તૈયાના પત્ની નિર્મલા બહેને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, ''એ ઘરમાં સૌથી મોટા હતા એટલે એમની ચાર બહેનોની જવાબદારી એમણે ઉપાડી હતી. લોન લઈને બહેનોનાં લગ્ન કરાવ્યાં. મોટા દીકરાને અને મોટી દીકરીને પણ પરણાવી.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
''લગ્નજીવનની શરૂઆતથી જ અમે કરકસરથી જીવ્યાં. એ કાયમ કહેતા કે હવે જવાબદારીઓ પૂરી થઈ જશે. યોગેશ મોટો સાહેબ બનશે ત્યારે હું રિટાયર્ડ થઈશ, બસ પછી સુખેથી જીવીશું.''

ફરજિયાત સર્વેની કામગીરી

ઇમેજ સ્રોત, Bhargav Parikh
નિર્મલા બહેન કહે છે કે, ''એમને કોરોનાના સર્વેની કામગીરી સોંપાઈ ત્યારે અમને ઘણી બીક લાગતી હતી. શરૂઆતમાં તો સરકારે એમને ગ્લવ્સ કે માસ્ક અને સૅનિટાઇઝર પણ આપ્યું નહોતું. શરૂ શરૂમાં એ ઠીક હતા.''
''મે મહિનાની 8મી તારીખે એમની તબિયત બગડી છતાં એમને ફરજિયાત સર્વે કરવા મોકલતા હતા. 10મી મેએ હાલત વધારે ખરાબ થઈ એટલે એમનો કોરોનાનો ટેસ્ટ કરાવ્યો અને પૉઝિટિવ રિપોર્ટ આવ્યો.''
યોગેશ કહે છે કે'' અમે અનેક ફોન કર્યા ત્યારે 12 તારીખે અમને રિપોર્ટ આપ્યો કે પપ્પા કોરોના પૉઝિટિવ છે. હું એમને લઈને એક હૉસ્પિટલથી બીજી હૉસ્પિટલ ભટ્ક્યો, કલાકોની રખડપટ્ટી અને આજીજી પછી એમને માંડ નરોડાની સરકારી હૉસ્પિટલમાં દાખલ કર્યા.''
''વીડિયો કૉલ પર વાત થતી હતી અને 15મી મેના દિવસે અમને સમાચાર આવ્યા કે એ આ દુનિયામાં નથી રહ્યા.''

પૅન્શન અને મદદ

ઇમેજ સ્રોત, Bhargav Parikh
યોગેશનું કહેવું છે કે એમના પિતાના મૃત્યુ પછી સરકારમાંથી કોઈએ એમનો હાલ પણ પૂછ્યો નથી. જોકે, યોગેશના પરિવારને સરકારી કાગળ મળ્યો છે અને પરિવારજનોની સહીઓ કરાવી છે અને કોરોના વૉરિયર તરીકેની મદદ કરવાનું આશ્વાસન હાલ તંત્રે આપેલું છે.
યોગેશ કહે છે કે, ''કોરોના વૉરિયર તરીકે ફંડ આપવાની વાત કરી છે પણ હજી સુધી કોઈ પૈસા મળ્યા નથી. પપ્પાનું પેન્શન પણ હજી શરૂ થયું નથી. એમની બચતમાંથી અત્યારે ઘર ચલાવીએ છીએ. સરકારી સહાય ક્યારે આવશે અને પેન્શન કયારે શરૂ થશે એની ખબર નથી પરંતુ હવે મારે ઘર ચલાવવા ભણવાનું છોડી કમાવવા નીકળવું પડશે. પપ્પાનું સપનું પૂરું નહીં કરી શકું એનું મને દુખ છે.''
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્કૂલમાં કામ કરતાં એક શિક્ષિકા પણ સર્વેની કામગીરી દરમિયાન કોરોના પૉઝિટિવ થયાં હતાં. જોકે, નોકરીમાં કનડગતની બીકથી તેઓ બીબીસી સાથે નામ નહીં આપવાની શરતે જ વાત કરે છે.
એ શિક્ષિકા બહેને બીબીસીને કહ્યું કે, એમને આવી જ રીતે સરકારે સર્વે કરવા મોકલતાં કોરોના થયો હતો.
એમણે કહ્યું કે, ''મને એપ્રિલ મહિનામાં કોરોનાનો સર્વે કરવાની કામગીરી સોંપી હતી. અમને 14 શિક્ષિકા વચ્ચે 7 માસ્ક મળ્યાં હતા. ગ્લવ્સ તો મળ્યાં નહોતા અને સૅનિટાઇઝરની એક બોટલ મળી હતી.''
''અમે સર્વે કરતા હતા એટલે મેં મારી પુત્રવધુને એનાં પિયર મોકલી હતી કારણ કે એને 9 મહિનાનો દીકરો છે. હું મારા પતિ અને મારો દીકરો સાથે રહેતા હતા. અમને કોઈ માસ્ક ગ્લવ્સ અને સૅનિટાઇઝર પૂરતા ન મળ્યા એટલે મારો દીકરો મારા માટે ગ્લવ્સ, માસ્ક અને સૅનિટાઇઝર લાવ્યો હતો. આમ છતાં મને કોરોના થયો.''
''અમને કોરોનાના સર્વે વખતે શું કાળજી રાખવી એની પણ કોઈ ગાઇડલાઇન અપાઈ નહોતી. સર્વેમાં જતા શિક્ષકોને સરકાર કોઈ સુવિધા આપતી નથી જેના કારણે અમારા જેવા શિક્ષકોને કોરોના થાય છે.''

શિક્ષકો પણ કોરોના વૉરિયર

ઇમેજ સ્રોત, Bhargav Parikh
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સ્કૂલ બોર્ડના સભ્ય ઇલ્યાસ કુરેશીએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, ''શરૂઆતમાં મેડિકલ સ્ટાફ અને સફાઈ કામદારથી માંડી બધા ફ્રન્ટલાઇન વર્કરોને કોરોના વૉરિયર ગણ્યા પણ શિક્ષકોનો એમાં સમાવેશ નહોતો.''
''પછી અમે શિક્ષકોને કોરોના વૉરિયર ગણી એમના માટે 25 લાખનો વીમો કરાવ્યો. એમને શરૂઆતમાં માસ્ક સૅનિટાઇઝર અને ગ્લવ્સ પણ નહોતા આપવામાં આવતા પણ હવે આપવામાં આવે છે. જોકે, એ પૂરતા પ્રમાણમાં નથી જેના કારણે અમદાવાદ શહેરમાં કોરોનાનો સર્વે સંક્રમિત બનેલાં ત્રણ શિક્ષકો યાસીન શેખ, જાવેદ અબ્બાસી અને શ્રીપતિ સ્તૈયાનું અવસાન થયું છે.''
તેઓ કહે છે કે ''લાંબી લડાઈ પછી યાસીન શેખનાં પરિવારજનોને 25 લાખનું વળતર મળ્યું છે જયારે બીજા શિક્ષકો પરિવારજનોની વળતરની ફાઇલ હજી અટકેલી છે.''
એમનો આરોપ છે કે 30 શિક્ષકોનો રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવ્યો છે અને એમને કોઈ દયા કરતું હોય એમ એક હૉસ્પિટલથી બીજી હૉસ્પિટલ ફેરવવામાં આવે છે અને પછી સારવાર અપાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની શાળાના 3600 શિક્ષકો સરકારની આવી કામગીરીથી ડરી ગયા છે એમ પણ મનસૂરી કહે છે.

શિક્ષકોની પૂરતી કાળજી લેવાય છે
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જોકે, શિક્ષકો પર સરકાર ધ્યાન નથી આપી રહી એ વાત અમદાવાદ સ્કૂલ બોર્ડના ચૅરમૅન ધીરેનસિંહ તોમર નકારે છે.
એમણે બીબીસી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, ''અમે શિક્ષકોને કોરોનાની સર્વેની કામગીરી કેમ કરવી એ સમજાવીએ છીએ. એમને એન-95 માસ્ક આપ્યા છે. જેને ધોઈને ફરીથી વાપરી શકાય છે.''
''સૅનિટાઇઝર પણ આપ્યા છે. જે શિક્ષકોનું અવસાન થયું છે એમના પરિવારજનોને સરકારી નિયમ મુજબ 25 લાખ રૂપિયાનું વળતર મળે એની કામગીરી પણ કરવામાં આવે છે. જેમના પૈસા બાકી હશે એમને સરકારી કાર્યવાહી પૂર્ણ થયા બાદ પૈસા મળશે.''
તેઓ કહે છે કે શિક્ષકોની ઇમ્યુનશક્તિ વધે તે હેતુથી તેઓ શમશામવટી નામની ગોળીઓ અને ઉકાળાની વ્યવસ્થા પણ કરે છે.
ધીરેનસિંહ તોમરનું કહેવું છે કે કોરોનામાં સર્વેનું કામ કરતા શિક્ષકોને જો ગ્લવ્સસ નહીં મળ્યા હોય તો એ પણ તપાસ કરી પહોંચતા કરી દેવાશે.
સરકારનું કહેવું છે કે આ કામગીરીમાં જોડાયેલા શિક્ષકો એમને મન મહત્ત્વના છે અને એટલા માટે વીમા સહિત મફત સારવારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














