You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મારા જીવને જોખમ છે', છોટુ વસાવાએ રાષ્ટ્રપતિને પત્ર કેમ લખ્યો?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
રાજ્યસભાની ચૂંટણીના પરિણામને એક અઠવાડિયાનો સમય થવા આવ્યો છે, ત્યારે તેમાં નવો વળાંક આવ્યો છે.
બી.ટી.પી.ના છોટુભાઈ વસાવાએ રાષ્ટ્રપતિને પત્ર લખીને જીવ ઉપર જોખમ હોવાની વાત કહી છે, સાથે જ સુરક્ષાની માગ કરી છે.
ગત શુક્રવારે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવાર (અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા તથા નરહરિ અમીન)નો વિજય થયો હતો; કૉંગ્રેસના શક્તિસિંહ ગોહિલ વિજેતા થયા હતા, જ્યારે પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીનો પરાજય થયો હતો.
ભાજપના ત્રીજા ઉમેદવારને વિજેતા બનાવવામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના (બી.ટી.પી.) બે ધારાસભ્યોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. છોટુભાઈ આ પક્ષના સ્થાપક છે, તેમના ઉપરાંત પુત્ર મહેશભાઈ વસાવા પણ ચૂંટાઈ આવ્યા છે.
ભાજપ તથા કૉંગ્રેસ બંનેએ તેમને પોતાની તરફે મતદાન કરે તે માટે આકર્ષવાના પ્રયાસ કર્યા હતા, જોકે છોટુભાઈએ છેક છેલ્લી ઘડીએ મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો હતો, જેનો આડકતરો લાભ ભાજપને થયો હતો.
'...તો જવાબદારી તંત્રની'
છોટુભાઈ વસાવાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લખેલા પત્રમાં રાજ્યસભાની ચૂંટણીનો ઉલ્લેખ કર્યો છે અને લખ્યું છે કે બંધારણની પાંચમી અનુસૂચિની અમલવારી તથા આદિવાસીઓના બંધારણીય અધિકારોના મુદ્દે તેમણે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
'વિરોધી પક્ષોના સામંતવાદી વિચારધારા ધરાવનારા લોકોને આદિવાસીઓના અધિકારો માટે અવાજ ઉઠાવવાનું પસંદ નથી, જેથી તેમના જીવ ઉપર જોખમ ઊભું થયું છે. આવા લોકો ભૂતકાળમાં સરકારી તંત્ર તથા અન્ય રીતે જીવ લેવાનો પ્રયાસ કરી ચૂક્યા છે.'
પત્રમાં છોટુભાઈએ રાજ્યમાં ભૂતકાળમાં થયેલા નકલી ઍન્કાઉન્ટર, તેમાં સરકાર, ગુજરાત પોલીસ તથા તંત્રની સંડોવણીનો ઉલ્લેખ કરીને 'ભવિષ્યમાં પણ આવું થઈ શકે' એવી આશંકા વ્યક્ત કરી છે અને જો તેમને કંઈ થાય તો તંત્રની જવાબદારી રહેશે તેમ પણ લખ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મતદાન ન કરવાની જાહેરાત કર્યા બાદ બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું:
"બંને પક્ષોએ મારો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ પાર્ટી આદિવાસીની સમસ્યાના નિરાકરણનું કામ નથી કરી રહી. આથી અમે મતદાનનો બહિષ્કાર કરીને આંદોલન કરીશું."
વસાવાનું મોટું કદ
ભારતીય ટ્રાઇબલ પાર્ટીની સ્થાપના 2017માં છોટુભાઈ વસાવાએ વિધાનસભાની ચૂંટણી પહેલાં કરી હતી, દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં તેઓ ત્રણ દાયકા કરતાં વધારે સમયથી વર્ચસ્વ ધરાવે છે.
બીટીપીની સ્થાપના થઈ એ પહેલાં તેઓ જનતા દળ (યુનાઇટેડ)માં હતા અને છ વખત તેઓ પાર્ટીની ટિકિટ ઉપર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
2017માં રાજ્યસભાની ચૂંટણી સમયે જે.ડી.યુ.ના વ્હિપની વિરુદ્ધ જઈને અહમદ પટેલને રાજ્યસભાની ચૂંટણીમાં મત આપવા બદલ તેમને હાકી કાઢવામાં આવ્યા હતા.
એ પછી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં છોટુ વસાવા, તેમના પુત્ર સહિત બીટીપીના ત્રણ ઉમેદવાર ચૂંટણી લડ્યા, જેમાંથી બે બેઠકો પર વિજય થયો.
છોટુભાઈ ભરૂચ જિલ્લાની ઝગડિયા (બેઠક નંબર 152), જ્યારે મહેશભાઈ નર્મદા જિલ્લાની ડેડિયાપાડા (બેઠક નંબર 149)નું ગુજરાતની 14મી વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરે છે.
અન્ય રાજ્યોમાં હાજરી
પાર્ટીનું કહેવું છે કે 'બંધારણે આદિવાસીઓને જે અધિકાર આપ્યા છે, તેને ધરાતલ ઉપર લાગુ કરવા માટે બીટીપીની સ્થાપના કરવામાં આવી છે.'
પાર્ટી ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં હાજરી ધરાવે છે.
2018માં છોટુ વસાવાનો પક્ષ બીટીપી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં 11 બેઠક પર ચૂંટણી લડ્યો હતો, જેમાંથી બે બેઠક પર જીત મળી હતી.
ગુજરાત અને રાજસ્થાનની સીમાએ આવેલા ડુંગરપુર જીલ્લામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાજકુમાર રાઉતે ચોરાસી બેઠક પરથી ભાજપના ઉમેદવારને 12,934 મતોથી હરાવ્યા હતા.
અન્ય એક બેઠક સગવારાથી બીટીપીના રામપ્રસાદે ભાજપના શંકરલાલને 4,582 વોટથી હરાવ્યા હતા.
છોટુભાઈ મહત્ત્વપૂર્ણ કેમ બન્યા?
માર્ચ મહિનાથી લઈને રાજ્યસભાની ચૂંટણી પહેલાં સુધીમાં કૉંગ્રેસના આઠ ધારાસભ્યોએ પાર્ટીને અલવિદા કરી દીધા હતા. આ સિવાય કાયદાકીય આંટીઘૂંટીને કારણે બે ધારાસભ્ય મત આપી શકે તેમ ન હતા.
આ સંજોગોમાં ગૃહનું સંખ્યાબળ 182થી ઘટીને 172 ઉપર આવી ગયું. રાજ્યસભાની ફૉર્મ્યુલા પ્રમાણે, ઉમેદવારને જીતવા માટે 35 મત (પસંદગી ક્રમાંકમાં પહેલાં)ની જરૂર હતી. દરેક મતનું મૂલ્ય 100 હોય છે.
ભાજપ પાસે 103નું સંખ્યાબળ હતું, જે ત્રણેય ઉમેદવારને જિતાડવા માટે (35 x 3 = 105) અપૂરતું હતું.
આઠ ધારાસભ્યોનાં રાજીનામાં બાદ કૉંગ્રેસનું સંખ્યાબળ 65 રહી જવા પામ્યું હતું. આથી પાર્ટીએ એન.સી.પી. (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) તરફ નજર દોડાવી હતી. શિવસેનાના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારમાં બંને પક્ષ ભાગીદાર છે, એટલે આ સ્વાભાવિક પણ હતું.
એન.સી.પી.ના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા કુતિયાણાની બેઠક ઉપરથી ધારાસભ્ય છે.
કૉંગ્રેસે 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડગામની બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ ઉમેદવાર ન ઉતારીને તેમના વિજયને સરળ બનાવ્યો હતો.
મેવાણીનું ભાજપ સરકાર અને વિચારધારા વિરુદ્ધનું વલણ ઉપરાંત 2019ની રાજ્યસભાની ચૂંટણી દરમિયાન પણ તેમણે કૉંગ્રેસના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું હતું. આથી, પાર્ટીએ મેવાણી પર પણ મીટ માંડી.
આ સિવાય ભારતીય ટ્રાઇબલ પાર્ટીના બે ધારાસભ્ય ઉપર નજર દોડાવી હતી, જેમણે 2017માં અહમદ પટેલને જિતાડવા માટે કૉંગ્રેસનો સાથ આપ્યો હતો.
આ સંજોગોમાં જો ભાજપના 103 ધારાસભ્યમાંથી એક-બે પણ વ્હિપની અવગણના કરે તો પાર્ટીનું ત્રીજા ઉમેદવાર માટેનું ગણિત બગડી ગયું હોત.
બદલાયેલા સંજોગોમાં ગૃહનું સંખ્યાબળ ઘટીને 170 ઉપર આવી ગયું, આ સંજોગોમાં ભાજપ પાસે 104 ધારાસભ્ય (103 + કાંધલ જાડેજા) થઈ ગયું. સામે પક્ષે કૉંગ્રેસનું સંખ્યાબળ 66નું થયું. (65 + જિગ્નેશ મેવાણી.)
વિધાનસભાની ચૂંટણીની ફૉર્મ્યુલા મુજબ (ગૃહની સંખ્યા /ખાલી પડેલી બેઠકો +1) દરેક ઉમેદવારને જીતવા માટે 34 મત (પસંદગીમાં પ્રથમ)ની જરૂર રહી, જેણે ભાજપના ત્રણેય ઉમેદવારનો માર્ગ (34 X 3 = 102) સરળ કરી આપ્યો.
બિહાર કૉંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલને પ્રથમ, જ્યારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાના પિતરાઈ ભરતસિંહ સોલંકીને બીજા ઉમેદવાર બનાવ્યા હતા.
બે મત ખૂટતાં કૉંગ્રેસ તેના બીજા ઉમેદવારને વિજેતા બનાવી શકી ન હતી.
બદલાયેલા સંજોગોમાં ગૃહનું સંખ્યાબળ ઘટીને 170 ઉપર આવી ગયું, આ સંજોગોમાં ભાજપ પાસે 104 ધારાસભ્ય (103 + કાંધલ જાડેજા) થઈ ગયું. સામે પક્ષે કૉંગ્રેસનું સંખ્યાબળ 66નું થયું. (65 + જિગ્નેશ મેવાણી.)
વિધાનસભાની ચૂંટણીની ફૉર્મ્યુલા મુજબ (ગૃહની સંખ્યા /ખાલી પડેલી બેઠકો +1) દરેક ઉમેદવારને જીતવા માટે 34 મત (પસંદગીમાં પ્રથમ)ની જરૂર રહી, જેણે ભાજપના ત્રણેય ઉમેદવારનો માર્ગ (34 X 3 = 102) સરળ કરી આપ્યો.
ફ્લૅશબૅક 2017
2020ની રાજ્યસભાની ચૂંટણી દરમિયાન છોટુભાઈ વસાવાએ ભાજપના ઉમેદવારની જીતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. જોકે, 2017ની ચૂંટણીમાં તેમણે ભાજપનો ખેલ ઉંધો પાડી દીધો હતો.
એ સમયે ભાજપે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલને હરાવવાનો પ્રયાસ કર્યો હતો અને એ વખતે છોટુ વસાવાનો મત નિર્ણાયક સાબિત થયો હતો.
અગાઉ કૉંગ્રેસના નીશિત વ્યાસે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "અમને ખબર હતી કે અમારામાંથી બે વોટનું ક્રૉસ વોટિંગ થવાનું છે અને એન.સી.પી.ના બેમાંથી એક વોટ ભાજપમાં જવાનો."
એ વખતે છોટુ વસાવા જનતા દળ (યુનાઇટેડ)માંથી ચૂંટાયેલા ધારાસભ્ય હતા.
"જે.ડી.(યુ)ના એકમાત્ર ધારાસભ્ય છોટુ વસાવાને ભાજપના દબાણથી વ્હીપ મળ્યો છે અને ફરજિયાત ભાજપને વોટ આપવાના છે."
"અમે અમારા સંપર્કો લગાવ્યા અને છોટુ વસાવાને કૉંગ્રેસતરફી વોટ કરવા માટે મનાવી લીધા, કારણ કે એ કૉંગ્રેસમાં નહીં હોવા છતાં ભાજપથી નારાજ હતા."
"એ વખતે ભોળા ગોહિલ અને રાઘવજીએ (પટેલ) ક્રૉસવોટિંગ કર્યું, પણ ભાજપની ગાડીમાં આવેલા છોટુ વસાવાના વોટને કારણે કૉંગ્રેસની જીત પાક્કી થઈ ગઈ હતી."
બે મત ખૂટતા કૉંગ્રેસ તેના બીજા ઉમેદવારને વિજેતા બનાવી શકી ન હતી.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો