ચીની બનાવટના સામાનના બહિષ્કારથી ગુજરાતના રાજકોટને કઈ રીતે ફાયદો?

ઇમેજ સ્રોત, Bipin Tankariya
- લેેખક, હરિતા કંડપાલ
- પદ, બીબીસી ગુજરાતી
સીમાવિવાદને કારણે ભારતમાં ચીનનાં ઉત્પાદનોનો બહિષ્કાર કરાના આહ્વાને જોર પકડ્યું છે, જેના કારણે દેશના ઔદ્યોગિક શહેરોમાં આગવી ઓળખ ધરાવતા રાજકોટને લાભ થશે એવી આશા રાખવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રમાં વેપારના કેન્દ્રબિંદુ ગણાતા રાજકોટ શહેરને એમ.એસ.એમ.ઈ. (મીડિયમ ઍન્ડ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રિઝ)નું શહેર કહી શકાય. અહીં નિર્મિત સિરામિક્સ, ઑટોપાર્ટ્સ, મશીન ટૂલ્સ, એંજિનિયરિંગ તથા કૃષિઓજારો વિદેશમાં નિકાસ થાય છે.
'આત્મનિર્ભર ભારત અભિયાન' રાજકોટની એંજિનિયરિંગ તથા ઑટોપાર્ટ્સ ઇન્ડસ્ટ્રી માટે આશીર્વાદરૂપ બની શકે છે, એમ કેટલાક ઉદ્યોગપતિ માને છે.

ઉદ્યોગપતિઓને આશ
રાજકોટ ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પાર્થ ગણાત્રાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "હાલ શહેરમાં એંજિનિયરિંગ તથા ઑટોપાર્ટ્સ બનાવવાનાં કામ સાથે લગભગ 19 હજાર એકમ જોડાયેલા છે."
"લૉકડાઉન સમયે કામગીરી ચાલુ રાખવા માટે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમોને નોંધણી કરવા માટે જણાવવામાં આવ્યું હતું, ત્યારે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા દરમિયાન ઉપરોક્ત આંકડો બહાર આવ્યો હતો, એટલે તેને ચોક્કસ માની શકાય."
રાજકોટમાં કાર્યરત અનેક યુનિટ્સ ઑરિજિનલ ઇક્વિપમૅન્ટ મૅન્યુફૅક્ચર્સ (OEM) માટે ઑટોપાર્ટ્સ બનાવે છે, એટલે કે મોટી ઑટોકંપનીઓ દ્વારા તૈયાર થતાં ઉત્પાદનમાં તેમનો પણ ફાળો હોય છે.
ચીન પર આધાર

ઇમેજ સ્રોત, Bipin Tankariya
રાજકોટ એન્જિનિયરિંગ ઍસોસિયેશનના પ્રમુખ પરેશ વસાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું :
"રાજકોટના ઑટો અને એન્જિનિયરિંગ ઉદ્યોગની ઓળખ ભારત જ નહીં, વિદેશમાં પણ છે. અહીં બનતાં પાર્ટ્સની અન્ય રાજ્યોમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ નિકાસ થાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અહીંના યુનિટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા ઑટોપાર્ટ્સ ટાટા અને મારૂતિ જેવી મોટી કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે."
"પરંતુ અહીંનો ઘણોખરો કાચોમાલ ચીનથી આયાત કરવામાં આવે છે, જેમાં સ્ટીલ અને પ્લાસ્ટિક ગ્રૅન્યુઅલ્સ મુખ્ય છે."
મોદી સરકારનો પ્રથમ કાર્યકાળ શરૂ થયો તે સમયે ઍસોસિયેશનના તત્કાલીન પ્રમુખ ગોકુળ સાગપરિયાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે
'દેશના ઑટો કમ્પૉનન્ટ માર્કેટમાં રાજકોટના ઉદ્યોગો 70 ટકા હિસ્સો ધરાવે છે. ટાટા મોટર્સ, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા, ફૉર્ડ ઇન્ડિયા, અશોક લેલૅન્ડ, હૉન્ડા કાર્સ ઇન્ડિયા તથા હીરો મોટર્સ દ્વારા રાજકોટમાં નિર્મિત પાર્ટ્સ ઉપયોગમાં લેવાય છે.'
ભારત ઑટોપાર્ટ્સ નિર્માણ અને નિકાસમાં છેલ્લા કેટલાંય વર્ષોથી ઝડપથી વધ્યું છે. ઑટોમૅટિવ કમ્પૉનન્ટ મૅન્યુફૅક્ચરિંગ ઍસોસિયેશન એ ભારતમાં 800થી વધુ યુનિટ્સનું સંગઠન છે.ઍસોસિયેશનના અનુમાન મુજબ, ટર્નઓવરમાં સંગઠિતક્ષેત્રનો ફાળો 85 ટકા જેટલો છે. હાલ ભારતમાંથી 106 દેશોમાં ઑટોપાર્ટ્સની નિકાસ થાય છે.
આ સંગઠનના કહેવા મુજબ, 2018-19માં ભારતની ઑટોકમ્પૉનન્ટ ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર 57 અબજ ડૉલર જેટલું હતું અને ભારતમાંથી ઑટોકમ્પૉનન્ટની નિકાસમાં લગભગ 17 ટકાનો વધારો નોંધાયો હતો. નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન ભારતમાંથી લગભગ 15.16 અબજ ડૉલરની કિંમતના ઑટોપાર્ટ્સની નિકાસ થઈ હતી.
સંગઠનના ડાયરેક્ટર જનરલ ઑફ ફોરેન ટ્રૅડના માર્ચ-2019ના રિપોર્ટ પ્રમાણે, ભારતે 2019માં 5,238.57 મિલિયન અમેરિકન ડૉલરના ઑટોકમ્પૉનન્ટની નિકાસ કરી હતી, જે કુલ નિકાસનો 1.76 ટકા ભાગ છે.
જ્યારે 2018માં 4,952.48 મિલિયન ડૉલરની આયાત કરી હતી, જે કુલ આયાતનો 1.05 ટકા હિસ્સો હતો.
12 બિઝનેસમાં આત્મનિર્ભર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
એક તરફ ભારતે ઑટોકમ્પૉનન્ટક્ષેત્રમાં હરણફાળ ભરી છે, બીજી બાજુ. ચાઇનિઝ કમ્પૉનન્ટ તથા એન્જિનિયરિંગ મશીનરીની ભારતમાં આયાત વધી છે.
લાઇવ મિન્ટ વેબસાઇટે રેટિંગ એજન્સી આઈસીઆરએ લિમિટેડને ટાંકતા લખ્યું છે કે ભારતનો ઑટોઉદ્યોગ ચાઇનિઝ કમ્પૉનન્ટ ઉપર મોટાપાયે આધારિત છે. ભારતમાં આયાત થતાં 17.5 અબજ ડૉલરમાં ચીનથી આયાત થતાં પાર્ટ્સની ટકાવારી 27 ટકા જેટલી છે.
લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે તણાવ વધતા માહોલ બદલાયો છે. સમાચાર એજન્સી પી.ટી.આઈ. (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા)ના રિપોર્ટ પ્રમાણે ભારતને વૈશ્વિક સપ્લાયર તરીકે વિકસાવવા તથા આયાત ઉપરનો ભાર ઘટાડવા માટે 12 ઉદ્યોગોની પસંદગી કરાઈ છે.
જેમાં માસ્ક, વૅન્ટિલેટર, સૅનિટાઇઝર, ઍગ્રિકલ્ચર કેમિકલ, ઉપરાંત ઑટો મશીનરી અને ઇન્ડસ્ટ્રિયલ મશીનરીની બાબતમાં ભારતની આયાત ઘટાડવા અને વૈશ્વિક સપ્લાયર બનવા ઉપર ભાર મૂકવામાં આવશે.
આયાતથી આત્મનિર્ભર

ઇમેજ સ્રોત, Bipin Tankariya
ચીનથી આયાત થતાં સામાન ઉપર નિર્ભરતા ઓછી કરવા માટે ચર્ચા થઈ રહી છે, ત્યારે રાજકોટના ઉદ્યોગજગતને આશા છે કે જો સરકારની મદદ મળે તો રાજકોટના ઉદ્યોગો ફાયદો મળી શકે એમ છે. આ મુદ્દે વસાણીએ કેન્દ્રીય વાણીજ્યપ્રધાનને પત્ર લખ્યો છે.
વસાણીનું કહેવું છે કે પાંચ-છ વર્ષથી રાજકોટમાં બેરિંગ તથા અન્ય પાર્ટ્સ બનાવતા ઉદ્યોગોની સ્થિતિ કથળી છે. કેન્દ્ર સરકાર 'આત્મનિર્ભર ભારત'ની વાત કરી રહી છે ત્યારે ચીની સામાનની આયાત ઉપર નિયંત્રણ લાદવાં જોઈએ.
વસાણીના કહેવા પ્રમાણે, ચીનના સામાન કરતાં રાજકોટના સામાનની ગુણવત્તા વધુ સારી છે, પરંતુ ભારતીય ઉત્પાદનો મોંઘાં પડતાં હોવાથી ઉદ્યોગપતિઓ ચીનથી સામાન મંગાવવાનું પસંદ કરે છે.
વસાણીના કહેવા પ્રમાણે, રાજકોટમાં નિર્મિત ચોક્કસ પ્રકારના સામાનની ચીનમાં પણ માગ છે. એટલે જો ચીનની જગ્યાએ રાજકોટમાંથી કમ્પૉનન્ટ્સ કે પાર્ટ્સ લેવામાં આવે તો રાજકોટની એન્જિનિયરિંગ તથા ઑટોપાર્ટ્સ ઇન્ડસ્ટ્રીને 20થી 25 ટકા જેટલો લાભ થશે.
નીતિઓમાં ફેરફાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
પરેશ ગણાત્રા થોડો અલગ મત ધરાવે છે, તેમના કહેવા પ્રમાણે, ચીનથી આયાત થયેલો માલ વર્ષોથી વપરાય છે અને તેમાં ખાસ કોઈ ફરિયાદ નથી.
ચીનથી સામાન મંગાવવાને તેઓ રાજકોટના ઉદ્યોગો તથા ચીન એમ બંને માટે 'વિન-વિન સિચ્યુએશન' માને છે.
ગણાત્રાનું કહેવું છે કે 'ભારત અથવા અન્ય કોઈ પણ દેશમાંથી સામાન લેવો મોંઘો પડે છે. હાલમાં સરકારની 'ઍક્સ્પૉર્ટ પ્રમોશન કૅપિટલ ગુડ્સ સ્કિમ' હેઠળ આયાત થયેલા સામાન ઉપર ડ્યૂટી ભરવાની નથી હોતી, પરંતુ જેટલી ડ્યૂટી માફ થઈ હોય, તેના કરતાં છ ગણો સામાન ઍક્સ્પૉર્ટ કરવાનો હોય છે.
પરેશ ગણાત્રા કહે છે કે જો ચીનથી આયાત થતાં સામાન ઉપર પ્રતિબંધ લાદવો હોય, તો ભારતની કંપનીઓ પાસેથી સામાન લેવા બદલ કોઈ સબસિડી કે ઇન્સૅન્ટિવ આપવા જોઈએ.
તેમના કહેવા પ્રમાણે, કોરોના મહામારી દરમિયાન લૉકડાઉનને કારણે મોટા પ્રમાણમાં પરપ્રાંતીય શ્રમિકો શહેર છોડીને જતા રહ્યા છે. આ સિવાય મૅન્યુફૅક્ચરિંગ સાથે સંકળાયેલાં યુનિટ્સ ઑટોમેશન વધારી રહ્યા છે. આથી, જો ચીનથી આયાત થતાં સસ્તા સામાનનો વિકલ્પ નહીં મળે તો મુશ્કેલી ઊભી થશે.
ભારતીય ઉદ્યોગો ચીનથી આયાત થતાં માલ ઉપર નિર્ભર છે, તે વાતને નકારી શકાય તેમ નથી. ભારતની કુલ આયાતમાંથી 14 ટકા એકલા ચીનમાંથી થાય છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
મે-2019માં વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં ઑક્સફૉર્ડ ઇકૉનૉમિક્સને ટાંકતા વિશ્વનાં 10 શહેર કે જ્યાં સૌથી ઝડપભેર અર્થતંત્ર વિકસશે, તેમાં રાજકોટ આઠમા ક્રમે હતું. 2018માં તેની જી.ડી.પી. 6.8 અબજ ડૉલર હતી, જે 2035માં વધીને 26.7 અબજ ડૉલર (2018ને પાયાનું વર્ષ ગણતા) થઈ જશે.
ત્યારે શહેરના વિકાસમાં જે ઉદ્યોગોનો મોટો ફાળો છે તે આત્મનિર્ભર બનશે કે ચીન પર નિર્ભર રહેશે, એ જોવું રહ્યું.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












