કોરોના વાઇરસ : મહામારીમાં હવે કેવી બની જશે મનોરંજનની દુનિયા?

ઇમેજ સ્રોત, SONY TV
- લેેખક, વંદના
- પદ, ટીવી એડિટર ( ભારતીય ભાષાઓ)
લૉકડાઉન દરમિયાન ભારતના સૌથી લોકપ્રિય ટીવી શોમાંથી એક "કૌન બનેગા કરોડપતિ" પોતાની પંચ લાઇન 'લૉક કિયા જાય'ની સાથે લોકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.
કોરોના વાઇરસ અને તેની સાથે જોડાયેલી પાબંદીઓ વચ્ચે સોનીએ ટેક્નૉલૉજીનો સહારો લઈને આની તૈયારી શરૂ કરી દીધી.
આ વખતે પ્રતિસ્પર્ધી ટીવી ચૅનલના ઍપ મારફતે ઑડિશન આપશે અને પ્રથમ તબક્કાનો ઇન્ટરવ્યુ વીડિયો કૉલથી થશે.
એ પ્રોમો તો તમે કદાચ જોયો હશે જે અમિતાભ બચ્ચનના ઘરે તેમણે પોતાના કૅમેરાથી શૂટ કર્યો છે.
ફિલ્મ હોય, થિયેટર, ટીવી અથવા સંગીત, આવનારા સમયમાં મનોરંજનનો આ નવો ચેહરો જોવા મળશે.

ડિજિટલ અને ઓટીટી

ઇમેજ સ્રોત, GULABO SITABO
કોઈ પણ સિનેમાપ્રેમી માટે પોતાના પસંદગીના હીરો, હીરોઇન અથવા ડાયરેક્ટરની ફિલ્મ સિનેમાહૉલમાં જોવાનો રોમાંચ અલગ જ હોય છે, ખાસ કરીને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો.
પરંતુ છેલ્લા અઠવાડિયે જ્યારે અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ગુલાબો સિતાબો' રિલીઝ થઈ તો થિયેટરની બહાર લાઇનમાં ઊભા રહેવાવાળું કોઈ ન હતું. લોકોએ રાત્રે 12 વાગ્યે ઍમેઝોન પ્રાઇમ પર ઘરે બેઠા જોઈ હતી.
મેં પણ તેનો રિવ્યુ ઘરે ફિલ્મ જોઈને જ લખ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોરોના વાઇસને કારણે સિનેમાહૉલ ક્યારે ખુલશે એ વિશે હજી કંઈ નક્કી નથી. 'ગુલાબો સિતાબો'ની જેમ કોઈ અન્ય ફિલ્મ ઓવર ધી ટૉપ (ઓટીટી) પ્લૅટફૉર્મ પર જ રિલીઝ થઈ રહી છે.
જલદી વિદ્યા બાલનની ફિલ્મ શકુંતલા ઍમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે તો તમિલ તેલુગુ ફિલ્મ પેંગ્વિન શુક્રવારે ઍમેઝોન પર રિલીઝ થશે.
ઍમેઝોન પ્રાઇમ વીડિયોના ભારતના કંટેન્ટ હૅડ વિજય સુબ્રમણ્યમ કહે છે કે પોતાના ગ્રાહકોના વલણને સમજીને તેના હિસાબથી રણનીતિ બનાવવામાં આવી રહી છે અને તેનો હેતુ ગ્રાહકને તેના ઘર પર જ સિનેમાનો સારમાં સારો અનુભવ આપવાનો છે.

નેટફ્લિક્સ પાર્ટી- દૂર રહીને પણ સાથેસાથે

ઇમેજ સ્રોત, BBC/Nikita Deshpande
ભારતમાં ફિલ્મો કદાચ મનોરંજનનો સૌથી મોટો રસ્તો છે, થિયેટરમાં સાથે મળીને ફિલ્મ જોવી, કોઈ કૉમેડી સીન પર લોકો સાથે હસવું, કોઈ ઉદાસ કરી દેનાર સીન પર સિનેમાહૉલના અંધારામાં રડી લેવું- એક જ હૉલમાં કેટલાક લોકો એકસાથે, એક જ જેવી ભાવનાઓ અનુભવે છે.
પરંતુ હવે કોરોના વાઇરસના સંકટ વચ્ચે ફિલ્મકારોએ જ નહીં, દર્શકોએ પણ મનોરંજનના નવા સાધનો શોધી લીધા છે.
21 વર્ષનાં હર્શિતા કોરોના વાઇરસ પછી થયેલા લૉકડાઉનમાં દિલ્હીમાં ફસાઈ ગયાં હતાં.
સિનેમાહૉલ બંધ પડ્યા છે અને તેઓ પોતાના મિત્રો સાથે ફિલ્મ જોવા જવાનું મિસ કરતાં હતાં. પરંતુ હવે હર્શિતા નેટફ્લિક્સ પાર્ટી મારફતે એવો જ માહોલ બનાવવાનો પ્રયાસ કરે છે.
નેટફ્લિક્સ પાર્ટી કોઈ પણ સબસ્ક્રાઇબરને એવી સુવિધા આપે છે કે અમુક મિત્રો મળીને ફિલ્મ અથવા શો એક જ વખતમાં સાથેસાથે પોતાના ઘરે જોઈ શકે છે, પછી તેઓ અલગઅલગ જગ્યાએ હોય કે શહેરોમાં કેમ ન હોય. સાથે લાઇવ ચૅટની સુવિધા પણ છે.
હર્ષિતા કહે છે કે આ કોઈ મિત્ર અથવા પરિવાર સાથે બેસીને ફિલ્મ જોવા જેવો અનુભવ તો નથી પરંતુ આ રીતે નેટફ્લિક્સ પર સાથેસાથે ફિલ્મ જોવાથી પોતાના મિત્રોની કમી થોડી ઓછી વર્તાય ખરી.
પહેલાં તેઓ મિત્રો સાથે તેમની હાજરીમાં હસતાં હતાં, હવે તેઓ કોઈ કૉમેડી સીન પર લાઇવ ચૅટમાં સ્માઇલી નાખીને હસે છે જેનો જવાબ દૂર બેઠાં તેમના મિત્રો પણ સ્માઇલીથી જ આપે છે.

મનોરંજનનો નવો તબક્કો

ઇમેજ સ્રોત, FARRUKH JAFFER
ફિલ્મ 'ગુલાબો સિતાબો'ના નિર્દેશક શૂજિત સરકાર આને મનોરંજન જગતનો નવો તબક્કો ગણાવે છે.
જોકે પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે કે શું ઓટીટી પર રિલીઝ થનારી ફિલ્મો એવો ક્રૅઝ પેદા કરી શકશે જે થિયેટરમાં ફિલ્મ રિલીઝ કરવાથી થાય છે અને કમાણીનો હિસાબ કેવો હશે.
ફિલ્મ ક્રિટિક શુભ્રા ગુપ્તાએ ટ્વીટ કર્યું કે આ બ્રેવ ન્યૂ બૉલીવૂડ છે અને ફિલ્મ ક્રિટિક નમ્રતા જોશીએ લખ્યું કે શું કોરોના વાઇરસ વચ્ચે આવનારા સમયમાં ડિજિટલ મનોરંજન મલ્ટીપ્લેક્સની દુનિયાને બદલી નાખશે?
ધીમેધીમે મનોરંજન સામાજિક અનુભવમાથી એક ખાનગી અનુભવમાં બદલાઈ રહ્યું છે જ્યાં બધું તમારા મોબાઇલ ફોન અથવા લૅપટૉપમાં કેદ છે.
મનોરંજનનો ચેહરો તો ફેરવાઈ રહ્યો છે- સારા માટે કે પછી ખરાબ માટે એ તો ભવિષ્યમાં જ સ્પષ્ટ થશે.

શૂટિંગના નિયમોમાં ફેરફાર

ઇમેજ સ્રોત, BBC/Nikita Deshpande
સિનેમાહૉલના માલિકો પણ આ ભવિષ્ય માટે પોતાને તૈયાર કરી રહ્યા છે જ્યાં સીમિત સંખ્યામાં જ લોકો ફિલ્મ જોઈ શકશે, સિનેમાહૉલને ડિસઇન્ફૅક્ટ કરવા માટે લાંબી પ્રક્રિયા થશે અને કદાચ ટિકિટ માત્ર ઑનલાઇન જ મળશે.
કોરોના વાઇરસ વચ્ચે ફિલ્મો અને ટીવી સાથે જોડાયેલા લોકો પણ શૂટિંગ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.
તેમની કામ કરવાની રીતમાં પણ ઘણો ફેરફાર જોવા મળશે.
જેમકે દક્ષિણ આફ્રિકામાં લૉકડાઉન દરમિયાન 'લૉકડાઉન હાઇટ્સ' નામની ઑનલાઇન સીરિયલ શૂટ કરવામાં આવી.
બધા ઍક્ટર્સે પોતપોતાના સીન પોતાના ફોન પર ઘરમાં શૂટ કર્યા અને પછી ઍડિટ કરીને સીરિયલ બનાવી અને આ સીરિયલ ઘણી લોકપ્રિય થઈ છે.
બૉલીવૂડમાં પણ નવા નિયમોની વાત ચાલી રહી છે જેમાં સંભવત: 33 ટકા ક્રૂ સભ્યોને જ આવવા દેવામાં આવે છે.
ઍક્ટર પોતાની સાથે નાની ટીમ લાવી શકશે. મેકઅપ આર્ટિસ્ટને પીપીઈ કિટ પહેરીને મેકઅપ કરવો પડશે.
રિયાલિટી શો થશે તો ખરાં પરંતુ તાળીઓ પાડવાવાળા દર્શક નહીં હોય.
આની એક ઝલક આપણને અક્ષય કુમારની નવી જાહેરાતમાં જોવા મળી જેમાં સેટ પર બધાએ માસ્ક પહેરેલો હતો, સેટને સૅનિટાઇઝ કરવામાં આવી રહ્યો છે અને બધાનું તાપમાન ચૅક કરવામાં આવી રહ્યું છે.

મનોરંજનની જૂની રીત

ઇમેજ સ્રોત, BBC /NIKITA DESHPANDE
કોરોના વાઇરસ જેવી પરિસ્થિતિ આવે છે ત્યારે તેને જોતાં નવા રસ્તાઓ શોધવામાં આવે છે જેમાં અમુક જૂની રીત પણ કામ આવી શકે છે.
જેમકે અમેરિકામાં જ્યારે લૉકડાઉનમાં મૂવીહૉલ બંધ થયા તો ડ્રાઇવ-ઇન સિનેમાહૉલનું ચલણ ફરી શરૂ થયું હતું.
ભારતમાં દાયકાથી આમ ખુલ્લા આકાશ નીચે સિનેમા જોવાનું ચલણ છે.
અમેરિકામાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લઈને પોતપોતાની કારમાં આવીને ખુલ્લા મેદાનમાં ફિલ્મ જોવે છે.

સંગીતની દુનિયા

ઇમેજ સ્રોત, BBC/NIKITA MANDHANI
કોરોના વાઇરસના કારણે મ્યૂઝિક કૉન્સર્ટ કરનાર કલાકાર પણ ખાસા પ્રભાવિત થયા છે.
કેટલીક કૉન્સર્ટ રદ થઈ છે અને ક્યારે થશે એ પણ ખબર નથી.
તો સંગીતપ્રમીઓ માટે મનોરંજન કેવી રીતે બદલાશે?
ચિંતન ઉપાધ્યાય સંગીતની દુનિયાનું પ્રખ્યાત નામ છે અને પરિક્રમા બૅન્ડના સંસ્થાપકોમાંથી એક છે.
હાલની પરિસ્થિતિ છતાં ચિંતનને આશા છે કે કોરોના વાઇરસને કારણે ઊભી થયેલી સ્થિતિમાં કલાકાર અને સંગીતપ્રેમી વચ્ચે નવો અને વધારે સારો સંબંધ બનશે.
તેઓ કહે છે, "ટેકનિકલ સ્તર પર પ્રયોગો ચાલી રહ્યા છે કે વર્ચુઅલ રિયાલિટીનો ઉપયોગ કરીને દર્શકોને ઘરે બેઠાં અસલી કૉન્સર્ટનો અનુભવ આપવામાં આવે જોકે ભારતમાં આવું થવામાં સમય લાગશે."
"બીજી તરફ કલાકારોને પોતાની કળા પર કામ કરવાનો વધારે સમય મળી ગયો છે. કલાકાર અને સંગીતપ્રેમી સાથે એક સીધો સંબંધ બન્યો છે. સંગીતપ્રેમી ડિજિટલ કૉન્સર્ટનો આનંદ લઈ શકે છે, ન કલાકારને અને ન દર્શકને એકબીજાના શહેર સુધી જવું પડશે."
જ્યાં સુધી કલાકારોની કમાણીની વાત છે તો સાઉન્ડક્લાઉડ જેવા માધ્યમો આ સુવિધા આપી રહ્યા છે કે કલાકાર પોતાના પ્રોફાઇલ પેજ પર એક બટન મૂકી શકે જ્યાં ફૅન્સ સીધું આર્થિક યોગદાન કરી શકે.
જ્યારે જીયો સાવન પોતાના ફેસબુક પેજ પર કલાકારોને લાઇવસ્ટ્રીમ કરી રહ્યું છે જેના ઑડિયો રિકૉર્ડિંગથી થનારી કમાણી કલાકારોને આપવામાં આવશે.

થીમ પાર્ક અને માસ્કમાં સેલ્ફી

ઇમેજ સ્રોત, BBC /NIKITA DESHPANDE
સિનેમા અને સંગીત સિવાય લોકો મનોરંજન માટે થીમ પાર્કમાં જાય છે, ખાસ કરીને બાળકો.
કોરોના વાઇરસને કારણે ત્રણ મહિના બંધ રહ્યા પછી મે મહિનામાં શંઘાઈ ડિઝનીલૅન્ડ પાર્ક ફરી ખૂલ્યો. માત્ર 24 હજાર લોકોને આવવામાં દેવામાં આવ્યા હતા.
અમુક મહિનાઓ પછી ભારતમાં કદાચ થીમપાર્ક લોકો માટે ખોલી દેવામાં આવશે પરંતુ ચીનની જેમ અહીં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવે છે.
ડિઝનીમાં લોકો મિકી માઉસ સાથે માસ્કમાં સૅલ્ફી લઈ રહ્યા હતા જે એક વિચિત્ર દૃશ્ય હતું. પરંતુ કદાચ મનોરંજનનો આ જ નવો ચેહરો છે.

પિક્ચર હજી બાકી છે દોસ્ત

ઇમેજ સ્રોત, HIMANI SHIVPURI
કોવિડ-19 ઉપર કેપીએમજીના એક રિપોર્ટ પ્રમાણે ટીવી, ડિજિટલ અને ઓટીટી પ્લૅટફૉર્મનો આવી પરિસ્થિતિમાં જબરદસ્ત વિકાસ થઈ રહ્યો છે જ્યારે સિમેનાહૉલ, થીમપાર્ક ખાલી પડ્યાં છે.
ભારતમાં કોરોના વાઇરસ સાથે મજૂરોને લઈને એક માનવીય સમસ્યા ઊભી થઈ ગઈ છે, સ્વાસ્થ્ય સુવિધાની હાલત ખરાબ છે. એવામાં મનોરંજન પર વાત કરવી બહુ જરૂરી ન લાગે.
પરંતુ એ વાત પણ સાચી છે કે લોકો પોતાના ઘરમાં સુરક્ષિત બેઠાં છે, સુવિધાઓ પણ છે તો તેમની પાસે લૉકડાઉનમાં ફિલ્મો, હૉટસ્ટાર, નેટફ્લિક્સ અથવા ઍમેઝોન જેવા પ્લૅટફૉર્મનો સહારો ન હોત તો તેમનું લૉકડાઉન કેવું હોત...?
મને એ કિસ્સો પણ યાદ છે કે જેને બ્રિટનના વિવાદિત વડા પ્રધાન ચર્ચિલ સાથે જોડીને કહેવામાં આવે છે.
જ્યારે વિશ્વ યુદ્ધ દરમિયાન ચર્ચિલને કળાના ક્ષેત્રમાં ફંડિંગ કાપવાનું કહેવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું, "જ્યારે કળા જ નહીં હોય તો આપણે કોના માટે લડી રહ્યા છીએ?"
એટલા માટે મનોરંજન જગત તો રહેશે માત્ર તેનું સ્વરૂપ બદલાયેલું હશે કારણે કહેવાય છે ને -"પિક્ચર અભી બાકી હૈ દોસ્ત."

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















