કોરોના વાઇરસ : ગુજરાત મૉડલ ઉઘાડું પડી ગયું છે - રાહુલ ગાંધી- Top News

કૉંગ્રેસના પૂર્વઅધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોરોના વાઇરસના વધતાં સંક્રમણ અને એના કારણે થઈ રહેલાં મોત અંગે કહ્યું છે કે 'ગુજરાત મૉડલ ઉઘાડું પડી ગયું છે.'

'ધ હિંદુ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ગુજરાતની ભાજપ સરકાર પર નિશાન સાધતાં ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણના ઊંચા મૃત્યદર અંગે સવાલો કર્યા છે.

કૉંગ્રેસના નેતા અહમદ પટેલે પણ આક્ષેપો કરતાં કહ્યું છે કે "વર્ષ 2000 પહેલાં ગુજરાત સ્વાસ્થ્ય માટે 4.3 ટકા નાણા ખર્ચતું હતું, જે 2018માં ઘટીને 0.72 ટકા થઈ ગયું છે. ગુજરાતના નબળા મૉડલની કિંમત આખું રાજ્ય ભોગવી રહ્યું છે."

જ્યારે બીજી તરફ રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે ગુજરાત સરકારને કોરોનાના વધી રહેલા કેસ કે મોતના આંકડાને આધારે ન આંકવી જોઈએ.

'ધ લાઇવ મિન્ટ'ના અહેવાલ પ્રમાણે મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું કહેવું છે કે જે રીતે વૈશ્વિક મહામારી સામે લડાઈ લડવામાં આવી રહી છે, એને જોતાં ગુજરાત સરકારનું મૂલ્યાંકન થવું જોઈએ.

વિજય રૂપાણી કહે છે કે ગુજરાતમાં અત્યારે રિકવરીરેટ 69 છે, જે દેશના ટોચના રિકવરીરેટમાંથી એક છે.

ભારતમાં થઈ શકે છે આઠ લાખ કેસ

'ધ લાઇવ મિન્ટ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ભારતમાં આવતા મહિને એટલે કે જુલાઈમાં કોરોનાના કેસોની સંખ્યા આઠ લાખે પહોંચી શકે છે.

મિશિગન યુનિવર્સિટીના ડેટા સાયન્ટિસ્ટો દ્વારા સંભાવના વ્યક્ત કરાઈ છે કે ભારત સૌથી વધારે સંક્રમિત દેશોની યાદીમાં બીજા ક્રમે પહોંચી જશે.

અહેવાલમાં નોંધ્યું છે કે ભારતમાં માર્ચ મહિનામાં લૉકડાઉનની જાહેરાત કરાઈ હતી અને એ વખતે સંક્રમણ શરૂઆતી તબક્કામાં હતું.

જોકે હવે જ્યારે લૉકડાઉન બાદ અનલૉકની જાહેરાત કરાઈ છે અને છૂટાછાટો આપવામાં આવી રહી છે ત્યારે કોરોના વાઇરસના કેસોની સંખ્યા ત્રણ લાખને પાર છે.

કચ્છમાં ભૂકંપ બાદ 18 આફ્ટર-શૉક્સ

'ધ હિંદુસ્તાન ટાઇમ્સ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાતમાં રવિવારે રાત્રે આવેલા ભૂકંપ બાદ 20 આફ્ટર-શૉક્સ નોંધાયા હતા.

જોકે આઈએસઆર દ્વારા આ 20 આંચકા પૈકી સોમવારે સવારે આવેલા 4.6 અને 4.1ની તીવ્રતાના આંચકાને અલગ ભૂકંપના આંચકા ગણાવ્યા છે. તે આફ્ટર-શૉક્સ ન હોવાનું જણાવ્યું છે.

ઇન્ડિયન સીસ્મોલૉજિકલ રિસર્ચના અધિકારીએ મંગળવારે જણાવ્યું છે કે રવિવારે રાત્રે 3.7ની તીવ્રતાનો આંચકો મંગળવારે સવારે 10.49 વાગ્યે અનુભવાયો હતો. એ પછી 2.1, 1.7 અને 1.9ની તીવ્રતાના એમ ત્રણ આંચકા અનુભવાયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો