શું ડૅરેન સૅમીના 'ગુસ્સા'એ ભારતની સામાજિક હકીકત છતી કરી નાખી?

ઇમેજ સ્રોત, ASHLEY ALLEN - CPL T20
- લેેખક, વંદના
- પદ, ટીવી એડિટર, બીબીસી ભારતીય ભાષાઓ
"જ્યારે મને એ શબ્દથી બોલાવવામાં આવતો હતો, મને લાગતું હતું કે એનો અર્થ મજબૂત ઘોડા જેવો થતો હશે. તે શબ્દ બોલાતાં જ તમામ મારી પર હસતા હતા. મને લાગતું હતું કે મારી ક્રિકેટ ટીમના લોકો હસી રહ્યા છે તો આ જરૂર કંઈક મજાકની વાત હશે. તમે જાણો છો તમે કોણ છો. હું તમને લોકોને મારા ભાઈઓ સમજતો હતો"
ક્રિકેટર ડૅરેન સૅમીના આ નિવેદનમાં 'એ' શબ્દનો અર્થ કાલૂ છે.
જે સમયે અમેરિકા સહિત આખી દુનિયામાં વંશીય ભેદને લઈને વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં છે, ત્યારે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના કૅપ્ટન રહી ચૂકેલા ડૅરેન સૅમીએ ભારતમાં આઈપીએલ દરમિયાન તેમની સાથે થયેલા કથિત વંશીય ભેદભાવને લઈને પોતાની વાત સામે મૂકી છે.
ભારતમાં આ વિરોધપ્રદર્શનના કોઈ ખાસ ભણકારા વાગ્યા નથી. કેટલાક લોકો આ આરોપને લઈને હેરાન છે, પરંતુ ભારતમાં આ પ્રકારનું વર્તન અથવા ક્રિકેટમાં વંશીય ભેદ કોઈ નવી વાત નથી.
ફૂટબૉલમાં તો સામાન્ય રીતે વંશીય ભેદની વાત થાય છે પરંતુ ક્રિકેટમાં આની પર ખુલ્લીને ચર્ચા થતી નથી જેમ કે ક્રિસ ગેઇલે પોતાની હાલની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું.
ભારતમાં રહેતાં કાળા રંગના લોકો સામાન્ય રીતે વંશીય ભેદભાવના આરોપો લગાવતા રહ્યા છે, ક્રિકેટ પણ આમાં બાકાત નથી - પછી તે ભારત હોય કે બીજો દેશ હોય.
જો યાદી બનાવવામાં આવે તો આ લેખ કિસ્સાઓથી જ ભરાઈ જશે.

સવાલ માનસિકતાનો છે...
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, RIZWAN TABASSUM
2019ની એક ક્રિકેટ કૉમેન્ટરી સોશિયલ મીડિયા પર મળી જશે. દક્ષિણ આફ્રિકા સામેની મૅચ ચાલી રહી હતી અને પાકિસ્તાનના કૅપ્ટન સરફરાઝ ખાન વિકેટ કીપિંગ કરી રહ્યા હતા.
તેમના માઇકમાંથી આવી રહેલાં અવાજથી ખબર પડે છે કે તે દક્ષિણ આફ્રિકાના ખેલાડી માટે ખોટા શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે.
તે એ જ શબ્દ છે જેનાથી સૅમીને વાંધો છે. પરેશાન કરનારી વાત એ છે કે કૉમેન્ટેરી બૉક્સમાં બેસેલા રમીઝ રાજાને જ્યારે આ વાત બીજો કૉમેન્ટેટર પૂછે છે તો આ વાતને હસીને ટાળી દે છે.
જોકે સરફરાઝ પર બૅન પણ લાગ્યો પરંતુ સવાલ માનસિકતાનો છે. એક ખેલાડીને જે બીજા ખેલાડીની સરખામણીએ સરખો દરજ્જો ધરાવતો હોય છે પરંતુ માત્ર રંગના આધારે તેના પર અભદ્ર ટિપ્પણી કરી શકે છે.
જ્યારે વંશીય ભેદનો આરોપ ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ પર લાગે છે તો સમજવું કે બ્રાઉન રંગ પોતાને કાળા રંગ કરતાં ચડિયાતો સાબિત કરવાના પ્રયત્નો કરી રહ્યો છે.
અને જ્યારે આરોપો સફેદ ક્રિકેટરો પર લાગે ત્યારે તેઓ બ્રાઉન અને કાળા રંગના લોકોને ઓછા આંકવાના પ્રયત્નોમાં હોય છે.

મંકીગેટ પણ છે એક ઉદાહરણ

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE
2008માં થયેલો વિવાદ મંકીગેટ તમને યાદ હશે જ્યારે ભારતના ખેલાડી હરભજન સિંહ પર ઑસ્ટ્રેલિયાના ખેલાડી ઍન્ડ્રુ સાઇમંડે વંશીય ટીકાનો આરોપ મૂક્યો હતો. ભારતે ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ધમકી આપી અને પછી હરભજનસિંહ પરથી પણ આરોપોને હઠાવી લેવામાં આવ્યા હતા.
વંશીય ભેદભાવની ટીપ્પણીઓ આ પહેલાં પણ થતી આવી છે અને છત્તાં પણ મોટા પ્રમાણમાં આના નિશાના પર સૌથી વધારે કાળા ખેલાડીઓ જ હોય છે.
આ વંશવાદ માત્ર વિરોધી ટીમના ખેલાડીઓ તરફથી જ નહીં, ક્રિકેટના દર્શકોની વચ્ચેથી પણ આવે છે જે દર્શાવે છે કે આ માનસિકતા રમતથી ઉપર એક સામાજિક સમસ્યા છે. ખેલાડી આ જ માનસિકતાને મેદાનમાં આગળ વધારે છે.
આ તમામ વસ્તુઓ ખેલાડીઓ પર ખરાબ મનોવૈજ્ઞાનિક અસર કરે છે.
2019માં 24 વર્ષના યુવાન ખેલાડી જોફ્રા આર્ચરને ન્યૂઝીલૅન્ડમાં એક દર્શક તરફથી બહુ ખરાબ વંશીય ટીકા સાંભળવી પડી હતી.
આર્ચર બારબડૉસમાં જન્મેલા કાળા મૂળના ખેલાડી છે. આર્ચર ઇંગ્લૅન્ડ માટે વિદેશી જમીન પર પોતાની પહેલી મૅચ રમી રહ્યા હતા અને તે મૅચ તેમના માટે ઘણી ખાસ હતી.
આ મૅચ તેમને યાદ તો રહી પરંતુ તેઓ તેને શરમજનક કિસ્સાની જેમ યાદ કરે છે.
મૅચ પછી આર્ચરે કહ્યું કે જો તમે મારી બૉલિંગને ખરાબ કહેશો તો હું સાંભળી લઈશ પરંતુ જો મારી વંશીય ટીકા ખૂબ જ શરમજનક છે.
તે સમયે તેમને છ મહિનાના નાના કરિયરમાં બે વખત આ પ્રકારની ઘટનાઓનો સામનો કરવો પડ્યો.

ધર્મ અને વંશને જોડીને કરાતી ટિપ્પણી વધારે ઘાતક હોય છે

ઇમેજ સ્રોત, STU FORSTER
ગત બે દાયકાઓની વાત કરીએ તો અનેક કિસ્સા યાદ આવે છે.
2003માં ઑસ્ટ્રેલિયાના ડેરેન લીમૅને શ્રીલંકાના ખેલાડીઓ પર વંશીય ટીપ્પણી કરી હતી.
જ્યારે વંશીય ભેદભાવમાં ધર્મનું મિશ્રણ થઈ જાય છે તો આ વધારે ઘાતક બને
તમને યાદ જ હશે કે ઇંગ્લૅન્ડના ખેલાડી મોઇન અલીએ આરોપ લગાવ્યો હતો કે ઑસ્ટ્રેલિયાના ખેલાડીએ તેમને ઓસામા કહ્યા હતા. અથવા પછી ડિન જોન્સે 2006માં દક્ષિણ આફ્રિકાના હાશિમ આમલાને આતંકવાદી કહ્યા હતા.
એવું નથી કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ અથવા ક્રિકેટ બોર્ડની વંશીય ભેદભાવની સામે કોઈ નીતિ નથી. આ નીતિમાં ખેલાડીઓ, સભ્ચો અને દર્શકોને લઈને વિવિધ નિયમો છે.
આઈસીસીના સભ્યો માટે નિર્દેશ છે કે તેઓ રંગ, ધર્મ, વંશ, લિંગ, રાષ્ટ્રીયતાના આધારે કોઈને પણ અપમાનિત નથી કરી શકાતા, ધમકાવી શકાતા નથી કે ભેદભાવ કરી શકતા નથી.
દર્શકો માટે નિર્દેશ છે કે જો કોઈ દર્શક રંગ, ધર્મ, વંશ, લિંગ, રાષ્ટ્રીયતા વગેરેના આધારે ભેદભાવ કરે છે તો તેમને સ્ટેડિયમમાંથી બહાર કાઢી શકાય અને ગુનાહિત કાર્યવાહી પણ કરી શકાય છે.
પરંતુ તેમ છત્તા આ રમતોની મૅચમાં વંશીય ટિપ્પણીઓ ખેલાડીઓ અને દર્શકો બંને તરફથી થતી રહી છે.
ડીન જોન્સ હોય, ડેરેન લીમૅન હોય અથવા સરફરાઝ ખાન તમામે માફી પણ માગી પરંતુ આગામી વર્ષે કોઈ નવો સરફરાઝ ખાન તથા લીમૅન ઊભો થઈ જાય છે.
કેમ? આનો જવાબ સામાજિક માળખામાં રહેલો છે. જ્યાંથી વંશીય બાબતોને તૈયાર થવાનું પ્રોત્સાહન મળે છે, જ્યાં રોજબરોજના જીવનમાં આ પ્રકારની સ્વીકૃતિની મોહર લાગે છે અને તેને સામાન્ય અને સ્વીકાર્ય બનાવી દેવામાં આવે છે.
ભારતમાં આની ઝલક ફિલ્મો, સામાન્ય બોલચાલમાં સરળતાથી જોવા મળે છે - જ્યાં 'બહુત ખૂબસૂરત'ની પાછળ ગીતમાં 'મગર સાંવલી સી' લગાવવું પડે છે.

અને જવાબ આઈસીસી પાસે હોવો જોઈએ

ઇમેજ સ્રોત, ALEX DAVIDSON
ડેરન સૅમીએ આકરો સવાલ આઈસીસીને પણ કર્યો છે, "આઈસીસી અને બાકી તમામ ક્રિકેટ બોર્ડ શું તમે નથી જોઈ રહ્યાં કે મારા જેવા લોકોની સાથે શું થઈ રહ્યું છે? આ માત્ર અમેરિકા વિશે નથી. આ રોજ થાય છે. આ ચુપ રહેવાનો સમય નથી. હું તમારી વાત સાંભળવા માગું છું."
જોકે આઈસીસી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
સ્પૉર્ટ્સ એક એવી સુંદર વિધા છે જ્યાં મુકાબલો બે હુન્નરવાળા લોકોની વચ્ચે સામસામે અને નક્કી નિયમોની વચ્ચે થાય છે.
કોણ ખેલાડી કેવી રીતે સારો છે આનું પ્રમાણ માત્રને માત્ર મેદાન પર કાબેલિયત હોવી જોઈએ - ન કે કોઈની ચામડીનો રંગ, પછી તે ટેનિસ કોર્ટ હોય, ક્રિકેટનું મેદાન અથવા ફૂટબૉલનું ગ્રાઉન્ડ.
હાલમાં કાળા અને સફેદ માસ્ક લગાવીને વેસ્ટઇન્ડિઝની ટીમ ઇંગ્લૅન્ડ પહોંચી ગઈ છે - કોરોના વાઇરસની વચ્ચે એ પહેલી મોટી ક્રિકેટ સીરિઝ હશે.
ક્રિકેટમાં લડાઈ કોરોના વાઇરસ અને વંશીય ભેદ બંને સામે છે અને આમાં ભારતન પણ સામેલ છે.
2014માં ક્રિકેટર ઇશાંત શર્માએ કરેલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કંઈક-કંઈક આની શાહેદી પૂરે જે તેમણે ડૅરેન સૅમીની સાથે ફોટો નાખીને લખ્યું છે - હું, ભુવી, કાલૂ અને ગન રાઇઝર્સ.
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












