કોરોનામાં મદદ : પોલીસ કૉન્સ્ટેબલ જ્યારે ચાલુ ટ્રેનનો પીછો કરી બાળકીને દૂધ પહોંચાડ્યું

    • લેેખક, શુરૈહ નિયાઝી
    • પદ, ભોપાલથી, બીબીસી ગુજરાતી માટે

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં રેલવે પ્રોટેક્શન ફોર્સના એક કૉન્સ્ટેબલના ચારેકોર વખાણ થઈ રહ્યા છે.

આ આરપીએફ કૉન્સ્ટેબલ જીવની પરવા કર્યા વિના બે દિવસથી જેને દૂધ નહોતું મળ્યું એ માસૂમ બાળકીને દૂધ પહોંચાડ્યું છે.

આ ઘટના અઠવાડિયા અગાઉ બની હતી. આરપીએફ કૉન્સ્ટેબલ ઇંદ્ર યાદવ ત્યારે ડ્યૂટી પર હતા. આ સમયે કર્ણાટકના બેલગામથી ઉત્તર પ્રદેશના ગોરખપુર જઈ રહેલી એક શ્રમિક સ્પેશિયલ ટ્રેન ભોપાલથી પસાર થઈ રહી હતી.

આ ટ્રેનમાં 23 વર્ષીય સોફિયા હાશમી એમની 4 માસની દીકરી સાથે સફર કરી રહ્યાં હતાં.

ભોપાલ સ્ટેશને સાફિયાએ ઇંદ્ર યાદવને જોયા અને મદદ માગી કે બાળકીને બે દિવસથી દૂધ નથી મળી રહ્યું અને તેને કારણે તે સતત રડયાં કરે છે. સાફિયાએ કહ્યું કે આગળના સ્ટેશને પણ દૂધ માટે પ્રયાસ કર્યો પણ ન મળ્યું.

આ પછી ઇંદ્ર યાદવે તરત જ ટ્રેનથી ઊતરીને સ્ટેશનની બહાર દોટ મૂકી જેથી તેઓ દૂધ લાવી શકે. એમણે એક દુકાનથી દૂધનું પૅકેટ લીધું અને ફરી પાછી સ્ટેશન તરફ દોટ મૂકી.

જોકે, ટ્રેન ઉપડી રહી હતી. ઇંદ્ર યાદવે દોડવાનું ચાલુ રાખ્યું અને ટ્રેન પ્લૅટફૉર્મની બહાર નીકળી જયા તે અગાઉ તેમણે સાફિયાને દૂધ પહોંચાડી દીધું.

આ ઘટના પછી સાફિયાની માએ ઇંદ્ર યાદવનો આભાર માન્યો. સાફિયા હાશમીએ ગોરખપુર પહોંચીને રેલવે પ્રોટેક્શન ફોર્સના આ જાબાંઝ સિપાહી માટે એક વીડિયો સંદેશ મોકલ્યો જેમાં એમણે બાળકી માટે કરવામાં આવેલી મદદ માટે આભાર પ્રગટ કર્યો.

સાફિયાએ વીડિયો સંદેશમાં કહ્યું કે, જેમ જેમ ટ્રેનની ઝડપ વધતી જતી હતી તેમ તેમ મારી આશાઓ ઘટતી જતી હતી. એ વખતે તેમણે દોડીને બારીમાંથી દૂધ પહોંચાડ્યું. ઇંદ્રભાઈ જેવા લોકો આપણા અસલી હીરો છે.

વાઇરલ થયો વીડિયો

આ ઘટના સ્ટેશનના સીસીટીવીમાં કેદ થઈ હતી અને તેનો વીડિયો વાઇરલ થયો. અનેક લોકોએ ઇંદ્ર યાદવના વખાણ કર્યા.

રેલવેમંત્રી પીયુષ ગોયલે ટ્વીટ કરીને એમના વખાણ કર્યા અને તેમને રોકડ ઇનામ આપવાની વાત પણ કરી.

પીયૂષ ગોયલે ટ્વીટ કરીને કહ્યું કે ''આરપીએફ કૉન્સ્ટેબલ ઇંદ્ર યાદવે ડ્યૂટી દરમિયાન ઉદાહરણરૂપ ફરજ બજાવી અને ચાર માસની બાળકીને દૂધ પહોંચાડવા ચાલતી ગાડીની પાછળ દોડ્યા. મને ગર્વ છે. હું ઇંદ્ર યાદવને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવાની ઘોષણા કરું છું.''

સાફિયા હાશમીએ કહ્યું કે ''અમે લૉકડાઉનમાં બેલગામમાં ફસાઈ ગયાં હતાં. એમને શ્રમિક ટ્રેનથી પરત ગોરખપુર જવાનો મોકો મળ્યો પરંતુ રસ્તામાં બાળકી માટે દૂધ ન હતું. ભોપાલ સ્ટેશને મે ઇંદ્ર યાદવ પાસે મદદ માગી અને કહ્યું કે બાળકી ભૂખી છે.''

સાફિયાએ કહ્યું કે ''મેં વાત કરી એ પછી તેઓ તરત જ બહાર નીકળી ગયા અને મને ત્યાં જ રહેવાનું કહ્યું.''

સાફિયા રડતી બાળકીને બિસ્કિટ પાણીમાં ઓગળી પીવડાવતાં હતાં પરંતુ તે છતાં તેનું પેટ ભરાતું ન હતું પણ આખરે ઇંદ્ર યાદવ મસીહા બનીને આવ્યા.

ઇંદ્ર યાદવે કહ્યું કે, ''ટ્રેનમાં એ મહિલા મળ્યા. એમણે કહ્યું કે એમને દૂધ નથી મળ્યું અને બાળકીને બિસ્કિટ-પાણી આપે છે. તો પછી મે તેમને ત્યાં જ રહેવાનું કહ્યું. આ વાતચીતમાં જ મિનિટ નીકળી ગઈ હતી. પછી હું ફટાફટ ભાગ્યો અને બહાર દુકાનથી દૂધ લઈ આવ્યો. જોકે, ટ્રેન નીકળી રહી હતી એટલે મારે દોડવું પડ્યું અને પ્લૅટફૉર્મ પતે તે પહેલાં એમને દૂધ પહોંચી ગયું.''

ઇંદ્ર યાદવનું કહેવું છે કે એમણે એ જ કર્યું જે એક જવાનની ફરજ હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો