જે કોરોના દરદીની લાશ મળી આવી તેમને દાણીલીમડા BRTS પર ઇચ્છાથી ઉતાર્યા : નીતિન પટેલ - Top News

થોડા દિવસ અગાઉ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કોરોના દરદીની લાશ શહેરના દાણીલીમડા બીઆરટીએસ સ્ટેન્ડ પાસેથી મળી આવી હતી અને તેને લઈને મોટો વિવાદ થયો હતો.

આ મુદ્દે તપાસ ચાલી રહી છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલનું કહેવું છે કે એ દરદીને તેમની ઇચ્છાથી ત્યાં ઉતારવામાં આવ્યા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ નીતિન પટેલે કહ્યું કે, દરદી ગણપત મકવાણાની ઇચ્છા અનુસાર બસ ડ્રાઇવરે તેમને થોડે દૂર દાણીલીમડા બસ સ્ટેન્ડે ઉતાર્યા હતા.

નાયબ મુખ્ય મંત્રીએ કહ્યું કે દરદી ગણપત મકવાણાનું ઘર એ બસ સ્ટોપથી 400 મીટર દૂર આવેલું છે.

અમદાવાદની યુ.એન.મેહતા હૉસ્પિટલ ખાતે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું, "અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સરાહનીય કામગીરી કરી રહ્યું છે. જેમાં 1200 બેડની કોવિડ હૉસ્પિટલમાંથી રજા અપાયેલાં દરદીઓને ઘરે મૂકવા માટે એએમટીએસ બસની વ્યવસ્થા કરી છે. જે પ્રમાણે મને માહિતી મળી તે મુજબ આ દરદીએ ઘરે રહેવાની માગી કરી હતી અને જેમને અમુક શરતોને આધારે પરવાનગી આપવામાં આવી હતી. તેમના સહિત કુલ ત્રણ દરદીઓ બસમાં બેઠા હતા. તેમની ઇચ્છા અનુસાર તેમને દાણીલીમડાથી થોડે આગળ ઉતારવામાં આવ્યા હતા.

નીતિન પટેલે વધુમાં કહ્યું, "પોલીસે આપેલી માહિતી અનુસાર, ગણપત મકવાણા બસ સ્ટેન્ડે હાજર હતા અને બિસ્કિટ ખાધા હતા. કેટલાંક લોકો સાથે વાતો કરી હતી. ઘરેથી નજીક હોવા છતાં તે ઘરે નહોતા પહોંચ્યા. બની શકે કે તેમનું ઑક્સિજન લેવલ ઘટી ગયું હોય અથવા કોઈ બીજું કારણ હોય. તેઓ બસ સ્ટેન્ડે 11 વાગ્યા સુધી બેસી રહ્યા અને પછી મૃત્યુ પામ્યા. તેમના પોસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે 17મે એ મૃત્યુ પામેલાં ગણપત મકવાણાના મૃત્યુની તપાસ રાજય વેરા વિભાગના મુખ્ય કમિશનર, પ્રિન્સિપલ સેક્રેટરી જેપી ગુપ્તાને સોંપવામાં આવી છે.

ભારત સાથે સરહદી વિવાદની વચ્ચે નેપાળે નવો નકશો સ્વીકાર્યો

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર ભારતની સાથે ચાલી રહેલાં સરહદી વિવાદની વચ્ચે નેપાળની કેબિનેટે એક નવો રાજકીય નક્શો તૈયાર કર્યો છે. જેમાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળનો ભાગ દર્શાવવામાં આવ્યા છે.

વિદેશ મંત્રી પ્રદીપ કુમાર ગયાવલીએ આની જાહેરાત કરતાં પહેલાં કહ્યું હતું કે, કૂટનૈતિક વાતચીત દ્વારા આ સરહદી વિવાદનો અંત લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

નેપાળના સત્તાપક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટીના સંસદ સભ્યોએ સંસદમાં કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખને નેપાળને પરત કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે લિપુલેખ વિસ્તાર નેપાળ અને ભારત વચ્ચે વિવાદિત સરહદી વિસ્તાર કાલાપાનીના પશ્વિમમાં છે. ભારત અને નેપાળ, બંને કાલાપાનીને પોતાની સરહદનો મહત્ત્વનો ભાગ દર્શાવે છે. ભારત આને ઉત્તરાખંડના પિથૌરાગઠ જિલ્લામાં દર્શાવે છે. જ્યારે નેપાળ આને ધારચુલા જિલ્લાનો ભાગ તરીકે દર્શાવે છે.

ગયાવલીએ ટ્વીટ કરીને કહ્યું, "મંત્રી મંડળે નેપાળના સાત પ્રાંત, 77 જિલ્લા અને લિમપિયાધુરા, લિપુલેખ અને કાલાપાની સહિત 753 સ્થાનિક સ્તરના પ્રશાસનિક ભાગોને પોતાના નકશામાં દર્શાવવાનો નિર્ણય કર્યો છે."

દેશના 5 રાજ્યોમાં 22 પરપ્રાંતીય મજૂરોનું અકસ્માતમાં મૃત્યુ

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર મંગળવારે દેશના 5 વિવિધ રાજ્યોમાં 22 પરપ્રાંતીય મજૂરોના રસ્તામાં અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. કોરોના વાઇરસના કારણે લાગુ પડેલાં લૉકડાઉનને કારણે રસ્તામાં અકસ્માતમાં મૃત્યુ પામનાર પરપ્રાંતીય મજૂરોની કુલ સંખ્યા 162એ પહોંચી છે.

વિવિધ રાજ્યના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર મંગળવારે નવ લોકો બિહારમાં, ચાર મહારાષ્ટ્રમાં, છ લોકો ઉત્તરપ્રદેશમાં, એક ઝારખંડ અને બે વ્યક્તિ ઓરિસ્સામાં મૃત્યુ પામ્યા છે.

બિહારના ભાગલપુર જિલ્લામાં લોખંડના થાંભલા લઈ જતી બસ રસ્તા પરથી લપસી પડતાં રસ્તા પાસે આરામ કરી રહેલાં મજૂરો પર લોખંડના થાંભલા પડતા નવ મજરો મૃત્યુ પામ્યા હતા.

મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં પરપ્રાંતીય મજૂરોને લઈ જતા વાહન અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ટ્રક ડ્રાઇવર સહિત ત્રણ મજૂરના મૃત્યુ થયા અને જે લોકો ઇજાગ્રસ્ત થયા તેમાં 17 લોકોની સ્થિતિ ગંભીર હતી.

ઉત્તર પ્રદેશમાં બે અલગ અલગ અકસ્તાતમાં છ લોકો મૃત્યુ પામ્યા જેમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.

ઓરિસ્સામાં ગૅસ ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત થતાં બે વ્યક્તિના મૃત્યુ થયા, જ્યારે 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો