કોરોના લૉકડાઉન : શા માટે જરૂરી, શું ખુલ્લું- બંધ રહેશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સોમવાર મધ્યરાત્રીથી ગુજરાતભરમાં લૉકડાઉન જાહેર કરી દેવાયું છે, જે તા. 31મી માર્ચ સુધી અમલમાં રહેશે.

સોમવારે મોડી સાંજે ગુજરાત પોલીસના વડા શિવાનંદ ઝાએ અધિક મુખ્ય સચિવ (ગૃહ વિભાગ) સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં આ વાતની જાહેરાત કરી હતી.

આ સાથે જ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી, પોસ્ટ તથા કુરિયર સેવા જેવી આવશ્યક સેવાઓને નિષેધાત્મક આદેશોમાંથી રાહત આપવામાં આવી છે.

આ પહેલાં સોમવારે સવારે નાગરિકોએ જનતા-કર્ફ્યુને ગંભીરતાથી લેતાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતીઓનાં વખાણ કર્યાં છે.

તેમણે કહ્યું, 'ગુજરાતીઓએ બતાવી દીધું કે અમે સક્ષમ છીએ,' સાથે જ ઉમેર્યું કે 'પરંતુ આ એક લાંબી લડાઈની શરૂઆત છે.'

મોદીએ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં 22 માર્ચે એક દિવસીય કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી હતી.

પરંતુ આ 'લડાઈ'ની ગંભીરતા જોતાં ભારત સરકારે રવિવારે સાંજે દેશનાં 20થી વધુ રાજ્યો (અને કેન્દ્રશાસિત પ્રદેશના) ના 75 જિલ્લાઓમાં 31 માર્ચ સુધી લૉકડાઉનની જાહેરાત કરી છે.

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર તથા કચ્છમાં લૉક-ડાઉન અમલમાં છે.

આઈ.સી.એમ.આર. (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ) અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સ કરીને જણાવ્યું કે 'આ એ જિલ્લાઓ છે જ્યાં કોરોના વાઇરસના કેસ સામે આવ્યા છે.

લૉકડાઉન એટલે?

લૉકડાઉન એક ઇમરજન્સી વ્યવસ્થા છે, જે અંતર્ગત ખાનગી સંસ્થાઓ, ખાનગી કાર્યાલયો તેમજ જાહેર પરિવહન સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે છે.

એટલે કે લોકો પાસે પોતાના ઘરમાંથી નીકળવાનું કોઈ ખાસ કારણ હોવું જોઈએ.

ગુજરાતના નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલનું કહેવું કે 'લૉકડાઉનથી લોકોને થોડી અગવડ જરૂર પડશે, પરંતુ તેની પાછળ જે હેતુ છે એ સમજવાની જરૂર છે. આ બધું અસ્થાયી છે અને મહામારીથી બચવા માટે આ રીતને આખી દુનિયા અપનાવી રહી છે.'

આમ તો રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ અને કર્ણાટકમાં શનિવારે જ પ્રદેશના મોટા ભાગના ક્ષેત્રમાં નિયમિત લૉકડાઉનની જાહેરાત કરાઈ હતી.

પરંતુ રવિવારે સાંજે 22 રાજ્યોમાં આંશિક લૉકડાઉનના આદેશો આવ્યા.

આ પ્રમાણે દિલ્હી, કેરળ અને બિહાર સોમવારે સવારે છ વાગ્યાથી સંપૂર્ણ બંધ કરાઈ રહ્યાં છે.

લૉકડાઉન દરમિયાન શું-શું બંધ રહેશે?

સાર્વજનિક પરિવહન બંધ રહેશે. પણ કેટલાંક રાજ્યોએ કહ્યું છે કે 25 ટકા સરકારી બસો દોડશે.

બધી દુકાનો, મોટા સ્ટોર, ફૅક્ટરીઓ, વર્કશૉપ, ઑફિસ, ગોડાઉન, અઠવાડિક બજાર બંધ રહેશે.

જો કોઈ જિલ્લાની સીમા અન્ય રાજ્ય સાથે મળતી હોય તો તેને સીલ કરાશે. એટલે કે બૉર્ડર સીલ થશે.

એક રાજ્યથી અન્ય રાજ્યને જોડતી બસ અને રેલસેવાઓ રદ કરી દેવાઈ છે. મુસાફરોનું વહન કરતી ટૅક્સી-મેક્સી ગાડીઓ અટકાવી દેવાઈ છે, જ્યારે કન્સ્ટ્રક્શન કામ રોકી દેવાશે.

બધા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો રદ કરાશે. લોકોને અપીલ કરાશે કે તેઓ ઘરમાં જ રહે.

અને આ બધી કવાયત લોકો એકબીજાના સંપર્કમાં ન આવે એટલા માટે કરવામાં આવી રહી છે.

મુખ્ય પ્રધાને જો અમલ ન થાય પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે તે જનતાના હિતમાં છે.

લૉકડાઉન શું-શું ખુલ્લું રહેશે?

ભારત સરકાર અનુસાર લૉકડાઉન દરમિયાન પોલીસ સ્ટેશન, હૉસ્પિટલ, અગ્નિશમન વિભાગ, જેલ, મહત્ત્વપૂર્ણ સરકારી કચેરી, ખાદ્યાન્ન અને કિરાણાની સરકારી દુકાન ખૂલી રહેશે.

લૉકડાઉન દરમિયાન જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ ખરીદવાની અનુમતિ હોય છે. માટે કેટલીક સુવિધાઓને આમાંથી બહાર રખાઈ છે.

જેમ કે, પાણી, વીજળી, ઇન્ટરનેટ, બૅન્કિંગ અને એટીએમની સુવિધા ચાલુ રહેશે. પોસ્ટઑફિસ ખૂલી રહેશે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને કામ કરવા દેવાશે.

પેટ્રોલપંપ અને સીએનજી પંપ ખુલ્લા રહેશે. દવાઓની દુકાન ખૂલી રહેશે. ડેરી અને ડેરી સાથે જોડાયેલી દુકાનો ખૂલી રહેશે.

કિરાણા સ્ટોરથી ખાવાપીવાનો સામાન ખરીદી શકાશે. મોટા ભાગની રાજ્ય સરકારોએ આદેશ કર્યા છે કે પોતાના ઘરની નજીકમાંથી જીવન જરૂરિયાતનો સામાન ખરીદો.

સાથે જ એમ પણ કહેવાયું છે કે આ આદેશનું પાલન નહીં કરનારા સામે કાયદાકીય કાર્યવાહી થશે.

જો ખાસ જરૂરી હોય તો લૉકડાઉનમાં ખાનગી વાહનનો ઉપયોગ કરી શકો છો. જોકે કારણ વિના બહાર ફરવાથી સરકાર કાર્યવાહી કરી શકે છે. ઇમરજન્સીમાં ઍમ્બ્યુલન્સ બોલાવી શકો છો.

'ચેન ઑફ ટ્રાન્સમિશન'

પટેલના કહેવા પ્રમાણે, નાગરિકોમાં પ્રસાર ન વધે અને તેનો ક્રમ તૂટે

એક બાજી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કહી રહ્યું છે કે 'કોરોના વાઇરસ પર કાબૂ મેળવવા માટે વ્યાપક સ્તરે તપાસ થવી જરૂરી છે.'

તો બીજી તરફ ભારતમાં કોવિડ-19ના ટેસ્ટિંગ પ્રોટોકૉલ બનાવનાર સંસ્થા આઈ.સી.એ.મઆર.ના ડાયરેક્ટર જનરલ ડૉક્ટર બલરામ ભાર્ગવનું કહેવું છે કે 'અમારે કાર વિના તપાસ નથી કરવી, પરંતુ અમારે કોઈ પણ રીતે 'ચેન ઑફ ટ્રાન્સમિશન' રોકવું છે અને તેના માટે આઇસોલેશન જ સૌથી ઉત્તમ રીત છે.'

લૉકડાઉનને ખાસ જરૂરિયાત ગણાવતાં ડૉક્ટર ભાર્ગવે કહ્યું, "અમેરિકામાં વર્તમાન સમયમાં દર અઠવાડિયે 26 હજાર ટેસ્ટ કરાઈ રહ્યા છે. અમે દર અઠવાડિયે પાંચ હજાર ટેસ્ટ કરીએ છીએ. પંદર હજાર લોકોની તપાસ કરાઈ ચૂકી છે. અમે દર અઠવાડિયે 60 હજાર લોકોની તપાસ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ."

"પણ તેનાથી સંક્રમણ નહીં રોકાય. સંક્રમણ રોકવા માટે આપણે સોશિયલ ડિસ્ટેંસિંગ કરવું પડશે, તેના માટે આઇસોલેશન ખાસ જરૂરી છે."

રવિવારે ભારત સરકારે સ્પષ્ટ કર્યું કે લૉકડાઉનવાળા 75 જિલ્લા સિવાયના જિલ્લામાં જો કોરોના વાઇરસનું સંક્રમણ દેખાશે તો લૉકડાઉનનો વ્યાપ વધશે.

કયા-કયા દેશોમાં લૉકડાઉન છે?

ચીન, ડેનમાર્ક, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, આયરલૅન્ડ, ઇટાલી, ન્યૂઝીલૅન્ડ, પોલૅન્ડ અને સ્પેનમાં લૉકડાઉન જેવી સ્થિતિ છે.

જોકે ચીનમાં સૌથી પહેલાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો એટલે ત્યાં સૌથી પહેલાં લૉકડાઉન કરવામાં આવ્યું હતું.

ઇટાલીમાં સ્થિતિ ગંભીર થતાં ત્યાંના વડા પ્રધાને આખા દેશમાં આંશિક લૉકડાઉન કર્યું.

પરંતુ લોકોએ તેને ગંભીર ન લેતાં શનિવારે સંક્રમણથી પ્રભાવિત વિસ્તારોમાં સેનાને ઉતારવી પડી.

ત્યારબાદ સ્પેન અને ફ્રાન્સે પણ કોરોના વાઇરસને ચેપને રોકવા માટે આ પગલાં ભર્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો