'અમદાવાદમાં જનતા કર્ફ્યૂ દરમિયાન રોડ પર ઉજવણી કરનાર સામે ગુનો નોંધાશે' પોલીસ કમિશનર TOP NEWS

અમદાવાદ મિરરમાં છપાયેલાં અહેવાલ અનુસાર, શહેરમાં જનતા કર્ફ્યુ દરમિયાન લોકોએ રસ્તા પર ઉતરીને મેડિકલ સ્ટાફ અને કોરોના સામે લડી રહેલાં લોકોને નવાઝવા માટે ઉજવણી કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો એકબીજાથી દૂર રહે અને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે જનતા કર્ફ્યુનું આહ્વાન કર્યું હતું.

આ દરમિયાન અમદાવાદની ઢાળની પોળ અને ગુરુકુળ વિસ્તારમાં રસ્તાઓ પર ઉતરીને ઉજવણી કરવામા આવી હતી.

આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું:

"એ વાત નક્કી છે કે આ સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને તેમની ઉપર કલમ 144 હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે. 144ની કલમ હાલમાં લાગુ છે અને તેમની સામે કાર્યવાહી કરાશે."

અમદાવાદ સહિત વડોદરા, રાજકોટ, સુરત અને બીજા જિલ્લાઓમાં પણ આ પ્રકારે મોટા સમૂહોમાં એકઠાં થઈને ફટાકડાં ફોડીને ઉજવણી કરી હતી.

આ અંગે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, "મારા ધ્યાને આવ્યું છે કે લોકો ગલીઓમાં બહાર આવી ઉતરી આવ્યા હતા.

મેં અમદાવાદના પોલીસ કમિશનર સાથે વાતચીત કરી છે. તમામ ડી.સી.પી. અને એ.સી.પી.ને સૂચના આપવામાં આવી છે કે નવ વાગે જનતા કર્ફ્યુ પછી બહારના નીકળે.

પોલીસતંત્ર એટલું જ ધ્યાન રાખે કે લોકો માત્ર જીવન જરૂરિયાતની વસ્તુ લેવા જ બહાર નીકળે"

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેડિકલ સ્ટાફ ઉપરાંત કોરોના વાઇરસ સામે લડી રહેલાં લોકોને નવાઝવા માટે સાંજે પાંચ વાગ્યે પોતાના ઘરની બાલ્કની અથવા ધાબે જઈને તાલીઓ વગાડી અભિવાદન કરવું, એવું આહ્વાન કર્યું હતું.

ગુજરાતી બે વખત ક્વોરૅન્ટીનમાંથી ભાગ્યો

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, દુબઈથી પરત ફરેલાં જામનગરના મુસ્તુફા હાલા સ્વાસ્થય અધિકારીઓ અને પોલીસને બે વખત થાપ આપીને નાસી છૂટ્યા હતા.

જામનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓના કહેવા પ્રમાણે દુબઈથી પરત ફરેલાં મુસ્તુફા અમદાવાદ પહોંચ્યાં. ત્યાંથી જામનગર આવ્યા હતા. જ્યારે સ્થાનિક વહીવટીતંત્રના સ્વાસ્થય અધિકારીઓએ ક્વોરૅન્ટીનમાં લઈ જવા તેમનો સંપર્ક કર્યો ત્યારે તે નાસી ગયા હતા.

જામનગરના જિલ્લા ક્લેક્ટર રવિ શંકરે કહ્યું, "અમને જાણવા મળ્યું છે કે હાલા ભાગીને મોરબીમાં લગ્ન પ્રસંગમાં પહોંચ્યાં છે. અમે મોરબી ક્લેક્ટર અને જિલ્લા પોલીસના સુપરિન્ટેન્ડન્ટને આ શખ્સને શોધવા જાણ કરી અને અમારી ટીમને પણ મોકલી હતી."

મુસ્તુફાને લગ્નમાં ખ્યાલ આવ્યો કે તેમને પોલીસ અધિકારીઓ અને સ્વાસ્થય અધિકારીઓ શોધી રહ્યા છે તો તે ત્યાંથી ભાગી ગયા.

એ જ્યારે એસ.ટી. બસ સ્ટેન્ડે પહોંચ્યાં ત્યારે સ્વાસ્થય અધિકારીઓ તેમને ચેસ કરી રહ્યા હતા અને તેમને પહેલી જે બસ મળી તેમાં બેસી ગયા. અધિકારીઓએ બસને ચેસ કરી અને જ્યારે બસ હૉટલ પર રોકાઈ ત્યારે તેમને ત્યાંથી પકડ્યા હતા.

તેમની સામે પોલીસે ફરિયાદ પણ નોંધી છે.

નક્સલવાદી હુમલામાં 17 જવાનનાં મૃત્યુ

છત્તીગઢના નક્સલવાદ પ્રભાવિત સુક્મા જિલ્લામાં નક્સલવાદીઓએ કરેલાં હુમલામાં ગુમ થયેલાં 17 જવાનોના શબ મળ્યા છે.

શનિવાર થયેલી હિંસામાં 17 જવાનો ગુમ થયાના સમાચાર આવ્યા છે.

બસ્તરના આઈજી પોલીસ સુંદરરાજ પીએ ગુમ થયેલાં જવાનોના શબ મળવાની પુષ્ટિ કરી હતી.

આ હુમલામાં 14 જવાનો ઘાયલ પણ થયા હતા. જેમને છત્તીસગઢની રાજધાની રાયપુર લઈ જવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાંક જવાનોની સ્થિતિ ગંભીર હતી.

રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલે હૉસ્પિટલ જઈને ઘાયલ જવાનો સાથે મુલાકાત પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે શનિવારે બપોરે સુક્મા જિલ્લાની ચિંતાગુફા પોલીસ સ્ટેશનના કસાલપાડ અને મિનપાની વચ્ચે નકસલવાદીઓએ સુરક્ષા દળોની એક ટુકડી પર હુમલો કર્યો હતો.

ગુમ થયેલા જવાનોની ભાળ રવિવાર સવાર સુધી નહોતી મળી.

રવિવારે હિંસાગ્રસ્ત વિસ્તારમાં શોધખોળ શરૂ કરી, ત્યારે 12 ગુમ થયેલાં જવાનોનાં શબ મળ્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો