ગુજરાતમાં ટીબીને કારણે દરરોજ 13 લોકોનાં મૃત્યુ - Top News

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાતમાં ટી.બી., કૅન્સર અને ઍઇડ્સથી છેલ્લાં બે વર્ષમાં 13,700 લોકોનાં મૃત્યુ થયાં છે.

સરકારે ગુજરાત વિધાનભામાં માહિતી આપતા કહ્યું કે, ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં ટી.બી.ના કારણે 9,900 લોકોનાં મૃત્યુ થયાં છે. કૅન્સરના કારણે 2200 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે 1600 લોકો એચ.આઇ.વી. એઇડ્સના કારણે મૃત્યુ પામ્યા છે.

વર્ષ 2018-19ના સમયગાળા દરમિયાન ટી.બી.થી સૌથી વધારે 705 લોકોનાં મૃત્યુ પંચમહાલ જિલ્લામાં થયાં છે.

આરોગ્ય વિભાગ ના ડેટા મુજબ ટી.બી.ના કારણે 2018માં 5,000 લોકોનાં અને 2019માં 4900 લોકોનાં મૃત્યુ થયાં છે.

ટી.બી.ના કારણે મહેસાણા અને ખેડામાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. બંને જિલ્લામાં 600થી વધુ લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.

અમદાવાદમાં એચ.આઈ.વી એઇડ્સ અને કૅન્સરના કારણે સૌથી વધારે લોકો મૃત્યુ પામ્યાં છે. અમદાવાદમાં એઇડ્સના કારણે 196 લોકો બે વર્ષના સમયગાળામાં મૃત્યુ પામ્યા છે. જ્યારે 1062 લોકો કૅન્સરના કારણે મૃત્યુ પામ્યા છે.

એઇડ્સના કારણે સુરતમાં 185 લોકો, વડોદરામાં 109 લોકો અને રાજકોટમાં 88 લોકો મૃત્યુ પામ્યા છે.

ગુજરાતમાં ક્વોરૅન્ટીન સેન્ટર સામે વિરોધ

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ક્વોરૅન્ટીન સેન્ટર બનાવવામાં આવતા આસપાસની સોસાયટીના લોકોએ પથ્થરમારો કરી વિરોધ કર્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા નવા નરોડા વિસ્તારમાં આવેલાં તાપી ઍપાર્ટમેન્ટમાં ક્વોરૅન્ટીન સેન્ટર બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

સરકારી અધિકારીઓ પલંગ અને બધો સામાન લઈને પહોંચ્યાં ત્યારે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવી પથ્થરમારો કર્યો હતો. એ પછી ઘટનાસ્થળે પોલીસ ગોઠવવી પડી હતી.

સંજય પટેલ નામના સ્થાનિકને ટાંકીને અખબાર લખે છે, "સરકારે તાપી ઍપાર્ટમેન્ટનું ઉદ્દઘાટન 2019માં કર્યું હતું હાલ સુધી અહીં કોઈને રહેવાની પરવાનગી આપી નથી. છેલ્લાં ત્રણ દિવસથી અહીં અમે ચહલપહલ જોઈએ છે.

"અમને કહેવામાં આવ્યું છે કે માંદા લોકોને અહીં રાખવામાં આવશે. જેના કારણે અમે વિરોધ નોંધાવ્યો હતો. આ ઍપાર્ટમેન્ટની આસપાસ 5,000 લોકો રહી રહ્યા છે."

"કોરોનાના દરદીઓ પણ હોય, જો કોઈ સ્થાનિક વ્યક્તિને ચેપ લાગશે તો એની જવાબદારી કોણ લેશે?"

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ આઇશોલેસન વોર્ડ નથી, પરંતુ જે લોકો વિદેશથી આવ્યા છે તેમને અહીં રાખવામાં આવશે આ ક્વૉરેન્ટીન સુવિધાનું સેન્ટર છે.

અમદાવાદમાં આવા સેન્ટર અનેક સ્થળે બનાવ્યા છે. અમે લોકોની સેન્ટર બદલવાની ડિમાન્ડને નહીં સાંભળીએ.

કોરોનાએ અટકાવી જાન, વીડિયો કૉન્ફરન્સથી કર્યા લગ્ન

લાઇવ હિંદુસ્તાનના અહેવાલ અનુસાર ઉત્તરપ્રદેશના શાહજહાંપુરના અંટાના ઇજનેર તૌસીફ ખાંના નિકાહ થવાના હતા, પરંતુ કોરોનાના કારણે સરકારે વિદેશથી આવનાર ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકતા વરરાજા પોતાના નિકાહમાં પહોંચી શક્યા ન હતા.

નિકાહમાં પહોંચી ન શકતા વીડિયો કૉલ દ્વારા તમામ વિધિ કરવામાં આવી હતી.

મોરેશિયસમાં રહીને સિવિલ ઇજનેર તરીકે કામ કરતાં તૌસીફના નિકાહ માટે તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને 19 તારીખે નિકાહ થવાના હતા.

જોકે તે અગાઉ સરકારે વિદેશથી ભારતમાં આવનારી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકતા વીડિયો કૉન્ફરન્સથી લગ્ન કરવા પડ્યા હતા.

વરરાજા વગરની જાન જોઈને ગામમાં ચર્ચા ફેલાઈ ગઈ હતી. વરરાજાના ભાઈએ તમામ વિધિ કરી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો