ગુજરાત : દર સાડા ચાર કલાકે એક દુષ્કર્મનું સાક્ષી બનતું રાજ્ય મહિલા માટે કેટલું સુરક્ષિત?

દુષ્કર્મ
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાત વિધાનસભામાં સરકારે ગુજરાતમાં મહિલાઓ સાથે થતાં દુષ્કર્મોની સંખ્યા જાહેર કરી છે, જે ચિંતાજનક છે.

સરકારે જાહેર કરેલી માહિતીને આધારે વિપક્ષે સરકારને આડે હાથે લેતાં કહ્યું કે "ગુજરાતમાં દર સાડા ચાર કલાકે એક દુષ્કર્મ થાય છે."

ગુજરાત સરકારના ગૃહવિભાગે રજૂ કરેલા આંકડા મુજબ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ વર્ષે મહિલાઓ સાથે દુષ્કર્મની 1993 ઘટનાઓ ઘટી છે.

ગુજરાતના મુખ્ય મંત્રીના વિધાનસભા ક્ષેત્ર રાજકોટમાં છેલ્લા બે મહિનામાં બળાત્કારની 5 ઘટનાઓ ઘટી છે. જોકે, રાજકોટ શહેરમાં એક પણ આરોપીની ધરપકડ થઈ નથી.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના ગૃહનગર અમદાવાદની હાલત પણ આ મુદ્દે સારી નથી.

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ 2018માં 180 સગીરાઓ અને 237 મહિલાઓ પર દુષ્કર્મના કેસ નોંધાયા છે.

વર્ષ 2018ની સરખામણીમાં વર્ષ 2019માં દુષ્કર્મની ઘટનામાં વધારો થયો છે.

વર્ષ 2019માં સગીરાઓ પર 216 દુષ્કર્મ થયાં હતાં. જ્યારે મહિલાઓ પર 303 દુષ્કર્મ થયાં હતાં.

line

દુષ્કર્મનું પ્રમાણ વધવાના કારણો

દુષ્કર્મ

ગુજરાતમાં સગીરાઓ અને મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે તે બાબતે બીબીસી ગુજરાતીએ જાણીતાં વકીલ અને સામાજિક કાર્યકર પૂજા પ્રજાપતિ સાથે વાત કરી.

તેઓ કહે છે કે, "છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં દુષ્કર્મના કેસ વધવા પાછળનું કારણ મફત અને સસ્તું મળતું ઇન્ટરનેટ છે."

"અમે ઘણા કિસ્સામાં જોયું છે કે દુષ્કર્મ કરનાર આરોપીમાં મનોવિકૃતિ આવવા પાછળનું મુખ્ય કારણ પોર્નસાઇટ પણ છે."

"ગામડાઓમાં દુષ્કર્મનું પ્રમાણ પહેલાં ઓછું હતું. પણ હવે ત્યાં પણ વધી રહ્યું છે. આ પાછળનું મુખ્ય કારણ પોર્નસાઇટ છે, સરકાર ભલે પોર્નસાઇટ બંધ કરવાનો દાવો કરે છે પણ આવી સાઇટને કારણે કેસ વધુ બને છે."

અમદાવાદની સિવિલ હૉસ્પિટલનાં મનોચિકિત્સાવિભાગનાં ભૂતપૂર્વ વડાં ડૉક્ટર ખ્યાતિ મહેરિયા ઇન્ટરનેટ પર ખાનગીમાં જોવાતી ફિલ્મોને કારણભૂત ગણે છે.

તેઓ કહે છે, "અમે ઘણા કેસોમાં પીડિતાઓ અને પુરુષોની માનસિક સ્થિતિનો અભ્યાસ કર્યો છે. એમાં અમને ઇન્ટરનેટમાં ખાનગીમાં જોવાતી ફિલ્મો કારણભૂત લાગી છે."

તેઓ આખી વાતને સમજાવતા કહે છે, "મોટાભાગની ફિલ્મોમાં છોકરી પહેલા ઇન્કાર કરે અને પાછળથી છોકરા સાથે પ્રેમ કરે એવું બતાવાય છે, એટલે ઘણા યુવાનો એવું માનતા થઈ ગયા છે કે છોકરી ના પાડે પણ એમાં એની હા હોય છે."

ડૉક્ટર મહેરિયા ઉમેરે છે, "દુષ્કર્મનો ભોગ બનેલી ઘણી છોકરીઓની વાત સાંભળ્યા પછી જાણવા મળ્યું કે છોકરીઓએ સંબંધ રાખવાની ના પાડી હોય તો પણ પુરુષ પોતાનો 'મૅલ ઇગો' સંતોષવા આવું કરતો હોય છે."

તો પૂજા પ્રજાપતિ કેસો વધવાનું એક કારણ ન્યાયમાં વિલંબને ગણે છે.

તેઓ જણાવે છે, "મારી પાસે દુષ્કર્મના ઘણા કેસ આવે છે અને ન્યાયતંત્રમાં કેસ પડી રહેવાને કારણે ઘણી છોકરીઓને માનસિક અને શારીરિક તકલીફ થાય છે."

line

'મહિલાઓ પર અત્યાચાર કરનારને છોડાશે નહીં'

પ્રદિપસિંહ જાડેજા

ઇમેજ સ્રોત, Getty Images

મહિલાની સલામતી અંગે વાત કરતાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મહિલાઓ પરના અત્યાચાર કરનારાને છોડાશે નહીં અને દુષ્કર્મના કિસ્સામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી ચાલુ છે."

પ્રદીપસિંહનું કહેવું છે કે આરોપીઓના સગા-સંબંધીઓ અને મિત્રોની હિલચાલ પર પણ પોલીસ નજર રાખે છે અને આરોપીઓને કૉલ ડિટેઇલના આધારે પણ ટ્રેસ કરવામાં આવે છે.

મહિલાવિભાગના કૅબિનેટ મંત્રી ગણપત વસાવા જણાવે છે, "મહિલાઓની સુરક્ષા માટે સરકારે ખાસ યોજના બનાવી છે. 'શી ટીમ' ઉપરાંત મહિલાઓ માટે સુરક્ષાકેન્દ્રો પણ ઊભાં કર્યાં છે. મહિલાકલ્યાણ વિભાગ દ્વારા એમની સુરક્ષા માટે ગૃહ વિભાગ સાથે પરામર્શ કરી વધુ સુદૃઢ વ્યવસ્થા ઘડવામાં આવશે."

ગુજરાતમાં વધી રહેલા દુષ્કર્મના કેસો અંગે બીબીસીએ મહિલાપંચનાં અધ્યક્ષ લીલાબહેન અંકોલિયાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો.

જોકે, તેમણે સતત વ્યસ્ત હોવાનું જણાવી આ મુદ્દે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

મહિલાપોલીસનાં સુપરિન્ટેન્ડેન્ટ મીની જૉસેફે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમે મહિલાઓ પરના અત્યાચાર નિવારવા માટે દરેક પોલીસ સ્ટેશનમાં 'શી ટીમ' બનાવી છે. એ માત્ર મહિલાઓની સુરક્ષા કરે છે. શહેરનાં અલગઅલગ સ્થળે ફરતી હોય છે અને છેડતી જેવી ઘટનાઓને અટકાતી હોય છે."

મીની જૉસેફે ઉમેરે છે, "અમે કૉલેજમાં પણ આ 'શી ટીમ' દ્વારા યુવાન છોકરીઓને કાનૂની સહાયથી માંડીને સુરક્ષાની તમામ જાણકારી આપીએ છીએ."

"દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા મુખ્યધારામાં આવી શકે એ માટે અમે એમનું મનોચિકિત્સક દ્વારા કાઉન્સિલિંગ પણ કરાવીએ છીએ."

line

મહિલાઓ કેસ પાછા કેમ લે છે?

બળાત્કારીઓ સામે વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images

પૂજા પ્રજાપતિએ ઉમેરે છે, "કાયદામાં દુષ્કર્મના કેસમાં મહિલાઓને મદદ માટે મહિલા પોલીસ ફરજિયાત હોય છે પણ પૂરતો સ્ટાફ ન હોવાના લીધે અને કોર્ટમાં વધુ પડતી મુદ્દતોને કારણે દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા થાકી જાય છે."

તેઓ વધુમાં કહે છે, "ઘણીવાર દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા સામાજિક દબાણને કારણે કેસ પાછા ખેંચી લે છે. ન્યાયિક પ્રક્રિયામાં ઢીલાશને કારણે અને સામાજિક ત્રાસને કારણે પણ મહિલાઓ આવા કેસ પાછા ખેંચે છે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો