ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસે પોતાના ધારાસભ્યોને જયપુર કેમ મોકલ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી આગામી 26 માર્ચે યોજાઈ રહી છે અને આ ચૂંટણી દરિયાન હૉર્સ-ટ્રૅડિંગ થવાનો કૉંગ્રેસને ભય સતાવી રહ્યો છે. નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે ભાજપે જાહેર કરતાં કૉંગ્રેસની ચિંતા વધી ગઈ છે.
જેને પગલે ચૂંટણી સુધી બધું સમુંનમું પાર પાડવા માટે કૉંગ્રેસ પોતાને ધારાસભ્યોને જયપુર મોકલી દીધા છે. શનિવારે સાંજે કૉંગ્રેસે ચૌદ ધારાસભ્યોને જયપુર મોકલી દીધા છે.
કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે.
હૉર્સ-ટ્રૅટિંગના ભય વચ્ચે કૉંગ્રેસે લાખા ભરવાડ, પૂનમ પરમાર, ગેનીબહેન ઠાકોર, ચંદન ઠાકોર, ઋત્વિક મકવાણા, ચિરાગ કાલરિયા, બળદેવ ઠાકોર, નાથા પટેલ, હિંમતસિંહ પટેલ, ઇંદ્રજિત ઠાકોર, રાજેશ ગોહિલ, અજિત ચૌહાણ, હર્ષદ રિબળિયા અને કાંતિ પરમારને જયપુર મોકલી દીધાં છે.
જોકે, ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોવાને લીધે કૉંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્યોને ગુજરાતમાં રાખવામાં આવ્યા છે.

કૉંગ્રેસની મુશ્કેલી

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપે નરહરિ અમીને ત્રીજા ઉમેદવાર તરીકે ઉતારીને કૉંગ્રેસને મુશ્કેલીમાં નાખી દીધી છે.
અમીન પટેલ નેતા છે અને વળી કૉંગ્રેસી ભૂતકાળ ધરાવે છે અને તેમને કેટલાક કૉંગ્રેસી ધારાસભ્યોનો મત પણ મળી શકે એમ છે.
ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ આ અંગે વાત કરતાં જણાવ્યું છે "કૉંગ્રેસને પોતાના ધારાસભ્યો પર ભરોસો નથી એટલે એમને અન્ય સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"કૉંગ્રેસને માત્ર એમના 15 ધારાસભ્યો પર જ ભરોસો છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભાજપ ત્રણેય બેઠક પર વિજય હાંસલ કરશે."
"ભાજપની જીત જોઈને ગભરાયેલી કૉંગ્રેસ વિધાનસભા ચાલુ હોવા છતાં પોતાના ધારાસભ્યો જયપુર મોકલી રહી છે."
ધારાસભ્યોને ગુજરાતમાંથી બહાર ખસેડવાની દિલ્હીમાંથી આવેલી સૂચના બાદ ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ગાંધીનગરના નિવાસસ્થાને બંધબારણે બેઠક મળી હતી, જેમાં ધારાસભ્યોની યાદીની ઓળખ કરીને તેમને જયપુર મોકલવાનો નિર્ણય લેવાયો હતો.
બેઠકમાં હાજર રહેલા ધારાસભ્ય સી. જે. ચાવડાએ ભાર્ગવ પરીખને જણાવ્યું, "હૉર્સ-ટ્રૅડિંગની સંભાવના દેખાઈ રહી છે. અમારા કેટલાક ધારાસભ્યોને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે. ચૂંટણીનાં બે વર્ષ બાદ અમારા ધારાસભ્ય નાથાભાઈ પટેલના સોગંદનામા અંગે અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે."
"એમના ઘરે કવેળાએ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને મોકલીને ડરાવવા-ધમકાવવાનો પ્રયાસ કરાયો હતો. આ જ બતાવી આપે છે કે હૉર્સ-ટ્ર્રૅડિંગનો પ્રયાસ ચાલુ હતો અને અમારા કોઈ ધારાસભ્ય ક્રૉસ-વોટિંગ કરવાના નહોતા. પણ આવા દબાણને પગલે ક્રૉસ-વોટિંગ થાય એનાથી બચવા માટે અમે એમને જયપુર લઈ જઈ રહીએ છીએ."

રસપ્રદ બની ચૂંટણી

ઇમેજ સ્રોત, @NARHARI_AMIN/TWITTER
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનનું નામ જાહેર કરતાં ચૂંટણી રસપ્રદ બની ગઈ છે.
હાલમાં ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે.
ભાજપે અગાઉ અભય ભારદ્વાજ અને રમિલાબહેન બારાનાં નામની જાહેરાત કરી હતી.
તો કૉંગ્રેસમાંથી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલની પસંદગી થઈ છે.
ગુજરાતમાં રાજ્યસભાની 11 સીટ છે. કૉંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રી, જ્યારે ભાજપમાંથી શંભુપ્રસાદ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનીભાઈ ગોહેલ નિવૃત્ત થઈ રહ્યા છે.

નરહરિ અમીન અને 'પટેલવાદ'

ઇમેજ સ્રોત, @NARHARI_AMIN/TWITTER
વરિષ્ઠ પત્રકાર અજય નાયકે કૉંગ્રેસની આ મુશ્કેલી અંગે વાત કરતાં બીબીસી ગુજરાતીને જણાવે છે, "ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યો તૂટતા આવ્યા છે. જેથી કરીને કૉંગ્રેસને ચોક્કસ ભય હોય કે અગાઉની જેમ આ ચૂંટણી પહેલાં તેમના ધારાસભ્યો ન તૂટે."
"ગુજરાતના રાજકારણમાં પટેલવાદ ભયંકર રીતે ચાલે છે. નરહરિ અમીન ભાજપમાંથી લડતા હોવાથી કૉંગ્રેસના પટેલ ધારાસભ્યો નરહરિ અમીન તરફ આકર્ષાય એવી શક્યતાને નકારી શકાય તેમ નથી."
નરહરિ અમીન ગુજરાત કૉંગ્રેસના પૂર્વ નેતા છે અને તેમની પકડ અનેક નેતાઓ પર હોવાની સંભાવના અંગે તેઓ કહે છે, "નરહરિ અમીન જનતા દળ સમયના નેતા છે. તેઓ નાયબ મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે માટે તેમના પ્રત્યે કૉંગ્રેસના જૂના ધારાસભ્યોની સહાનુભૂતિ હોઈ શકે છે અને નરહરિ અમીનને મત મળી શકે છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












