You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ભારતમાં ત્રીજું મૃત્યુ, મુંબઈના 64 વર્ષીય પેશન્ટનું અવસાન
મહારાષ્ટ્રમાં કોવિડ-19 વાઇરસને કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું છે, આ સાથે દેશમાં કુલ મરણાંક ત્રણ ઉપર પહોંચી ગયો છે.
ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ના રિપોર્ટ પ્રમાણે, મુંબઈની કસ્તુરબા હૉસ્પિટલમાં 64 વર્ષીય પેશન્ટનું અવસાન થયું હતું.
કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, મંગળવાર સવારની સ્થિતિ મુજબ દેશમાં કોરોનાના 125 પૉઝિટિવ કેસ નોંધાયેલા હતા.
આ પહેલાં દિલ્હી તથા કર્ણાટકમાં એક-એક દરદીનાં મૃત્યુ થયાં છે.
કર્ણાટકમાં કલબુર્ગીમાં રહેતી 76 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જે તાજેતરમાં જ સાઉદી અરેબિયાથી પરત ફરી હતી.
જ્યારે દિલ્હીનાં મહિલા ઇટાલીથી પરત ફર્યા હતા.
કોરોનાનો ભોગ બનનાર બીજા દર્દી
ન્યૂઝ એજન્સી પી. ટી.આઈ. (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા) દિલ્હી સરકાર તથા આરોગ્ય વિભાગના હવાલાથી જણાવે છે કે મૃતકને કોવિડ 19નો ચેપ લાગેલો હતો.
68 વર્ષીય મહિલાને હાઇપર ટૅન્શન અન્ય બીમારીઓ પણ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહિલા તથા તેમના દીકરા તા. 5મી ફેબ્રુઆરીથી 22મી ફેબ્રુઆરી દરમિયાન વિદેશ પ્રવાસે ગયાં હતાં.
તેઓ ઇટાલી અને સ્વિટ્ઝરલૅન્ડ થઈને તા.23મી ફેબ્રુઆરીએ ભારત પરત ફર્યા હતા.
આરોગ્ય મંત્રાલયના નિવેદન પ્રમાણે, મહિલા જે દિવસે ભારત પરત ફર્યાં, ત્યારે તેઓ સ્વસ્થ હતા.
આગમનના એક દિવસ પછીથી તેમનામાં ઉધરસ તથા તાવ જેવા લક્ષણ જોવા મળ્યા હતા.
તા. સાતમી માર્ચે તેમને દિલ્હીની રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આઠમી માર્ચે તેમના નમુના લેવામાં આવ્યા હતા, જેમાં તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
નિયમ મુજબ તેમના પરિવારજનોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમના પુત્રને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું છે.
તા. નવમી માર્ચે તેમનામાં ન્યુમોનિયાના લક્ષ્ણ જોવા મળ્યા હતા. મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી હતી .
આથી, તેમને લોહિયા હૉસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, મહિલાના સંપર્કમાં આવેલાં અન્ય લોકોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રથમ મૃત્યુનો કેસ
કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે, મૃત વ્યક્તિ તાજેતરમાં જ સાઉદી અરેબિયાથી પરત ફરી હતી.
તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, ઉધરસ તથા ન્યુમોનિયા હતા. તા. છઠ્ઠી માર્ચે એક તબીબે દર્દીના નિવાસસ્થાને જ તેમની સારવાર કરી હતી.
જોકે, નવમી માર્ચે તબિયત લથડતા તેમને કલબુર્ગીની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રારંભિક તપાસમાં તેમને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું.
- ભારતના વિઝા પર પ્રતિબંધ બાદ કોણ આવી શકશે અને કોણ નહીં જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
શંકાના આધારે તેમના થૂંકના નમૂના બેંગલુરુની લૅબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.
તેનો રિપોર્ટ આવે તે પહેલાં જ હૉસ્પિટલની સલાહથી ઉપરવટ જઈને પરિવારે પેશન્ટને હૈદરાબાદ ખસેડ્યો હતો, જ્યાં એક ખાનગી હૉસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
કલબુર્ગીના ડેપ્યુટી કમિશનરે પરિવાર સાથે વાત કરીને મૃતકને ગુલબર્ગ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીઝ ઍન્ડ હૉસ્પિટલમાં (જી.આઈ.એમ.એસ.)માં દાખલ કરવા માટે સમજાવ્યા હતા. જ્યારે પેશન્ટને ત્યાં ખસેડવામાં આવી રહ્યા હતા, ત્યારે તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે કર્ણાટક સરકાર દ્વારા GIMS ખાતે કોરોના વાઇરસના પેશન્ટ્સ માટે આઇસોલેશન વૉર્ડ ઊભો કરવામાં આવ્યો છે.
કોરોના જ કારણ?
કર્ણાટકના આરોગ્ય વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે, કોરોનાને કારણે જ દર્દીનું મૃત્યુ થયું તેમ ચોક્કસપણે ન કહી શકાય, કારણ કે મૃતકને અન્ય બીમારીઓ પણ હતી.
અધિકારીઓનું કહેવું છે કે સામાન્ય રીતે મૃત્યુનું કારણ ચકાસવા માટે પોસ્ટમૉર્ટમ કરવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં એવું નહીં કરવામાં આવે અને મૃતકને તત્કાળ દફનાવી દેવામાં આવશે.
અધિકારીએ ઉમેર્યું, "ભારત સરકારની માર્ગદર્શિકા પ્રમાણે, મૃતદેહને ડિસઇન્ફૅક્ટ કરીને દફનાવી દેવાયો છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો