જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપમાં જોડાતા પહેલાં મોદી-શાહ વિરુદ્ધ શું-શું કહ્યું હતું?

કૉંગ્રેસ પક્ષના એક સમયના જનરલ સેક્રેટરી જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું સભ્યપદ સ્વીકાર્યું હતું.

તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી કૉંગ્રેસ પક્ષમાંના તેમના સ્થાન બાબતે નારાજ અને અસંતુષ્ટ હતા. 9 માર્ચ સોમવારે તેમણે કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું.

દિલ્હીસ્થિત ભાજપના વડામથકે પક્ષના અધ્યક્ષ જે. પી. નડ્ડાની હાજરીમાં સિંધિયાએ સભ્યપદ સ્વીકાર્યું હતું.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ લગભગ બે દાયકા સુધી કૉંગ્રેસ પક્ષમાં મહત્ત્વનાં પદો સંભાળ્યાં હતાં.

એ પૈકીનાં 10 વર્ષ દરમિયાન કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી અને સિંધિયા તે સમયગાળામાં કેન્દ્રીયમંત્રી પણ હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો બુધવારે આભાર માનતાં સિંધિયાએ કહ્યું હતું, "મારા જીવનમાં બે તારીખ સૌથી વધારે મહત્ત્વની છે. એક એ દિવસ હતો, જ્યારે મેં મારા પિતા માધવરાવ સિંધિયાને ગુમાવ્યા હતા અને બીજો દિવસ 10 માર્ચનો છે."

"એ દિવસે મારા પિતાજીની 75મી પુણ્યતિથિ પણ હતી અને એ દિવસે હું મારા જીવનનો એક મોટો નિર્ણય લઈને ખુદને કૉંગ્રેસથી અલગ થયો હતો."

જ્યોતિરાદિત્ય સિંધિયા કૉંગ્રેસના એવા જૂજ નેતાઓ પૈકીના એક હતા કે જેઓ લોકોની ભીડ એકઠી કરવાનું, જોશીલાં ભાષણ આપવાનું કૌશલ્ય ધરાવે છે.

તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કઠોર ટીકાકાર બની રહ્યા છે.

હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ પક્ષ બદલ્યો છે ત્યારે તમારે જાણવું જોઈએ કે ભાજપ અને વડા પ્રધાન મોદી વિશે તેઓ અત્યાર સુધી શું-શું કહેતા રહ્યા હતા.

સિંધિયાનાં નિવેદન અને 'મહત્ત્વની તારીખો'

15 એપ્રિલ, 2019

તમારી સામે પાંચ વર્ષ પહેલાં એક માણસ આવ્યો હતો- ખેડૂતના નામે, યુવાનોના નામે, રાષ્ટ્રના નામે મત મેળવવા. પાંચ વર્ષથી એ માણસનો ચહેરો જોવા મળ્યો નથી.

બીજી વખત મત માગવાની ઘડી આવી છે ત્યારે એ ફરી આવવાનો છે તમારી સમક્ષ. યાદ રાખજો કે પાંચ વર્ષમાં એ તમારી પાસે તો આવ્યા નથી, પણ તેમણે 84 દેશોનો પ્રવાસ કર્યો છે.

તેમણે પોતાના લોકોને ગળે વળગાડ્યા નથી, પણ વિદેશી નેતાઓને ભેટ્યા છે. ખેડૂતોની કેવી હાલત કરી છે તેમણે, પણ વડા પ્રધાનને પોતાના લોકોની પાસે જવાનો સમય નથી.

પાકિસ્તાન જઈને બિરયાની ખાવાનો સમય છે. ચીનના રાષ્ટ્રપતિને ફેરવવાનો સમય તેમને મળી જાય છે. મોદીએ નવયુવાનો માટે તકોનો ભંડાર લાવવાનું કહ્યું તો હતું, પણ લાવ્યા ભજિયાંવાળી સરકાર.

18 માર્ચ, 2018

આ છે મોદીજીનું ન્યૂ ઇન્ડિયા. જે સંસદને લોકશાહીનું મંદિર ગણાવવામાં આવે છે તેમાં હિટલરશાહી લાગુ કરીને લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

હું મોદીજીને અને એમની સરકારને કહેવા માગું છું કે કૉંગ્રેસ પક્ષનો એકેએક સંસદસભ્ય તથા કાર્યકર ક્યારેય ઝૂક્યો નથી અને ક્યારે ઝૂકશે નહીં. ગરદન ભલે કપાઈ જાય, અમે ઝૂકીશું નહીં.

એ સંદેશો અમે આ અધિવેશનથી આપવા ઇચ્છીએ છીએ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે પાંચ આંગળીઓ અલગ રહેશે તો વિખેરાઈ જશે, પણ એ મુઠ્ઠી બની જશે તો દેશનો ઉત્કર્ષ, દેશનો વિકાસ સુનિશ્ચિત કરી શકાશે. તેથી આપણે મુઠ્ઠી બનાવીને ભાજપનો સામનો કરવો પડશે.

7 જૂન, 2018

દિલ્હીમાં બેઠેલા વડા પ્રધાન મોદી, જેઓ દેશમાં નોટબંધી કરાવી રહ્યા છે અને મધ્ય પ્રદેશમાં બેઠેલા તેમના નાનાભાઈ, મારા મુખ્ય મંત્રી શિવરાજ સિંહ મંદસૌરમાં કિસાનબંધી કરાવી રહ્યા છે.

હું માગણી કરું છું કે જે વ્યક્તિએ નોટબંધી કરાવી અને જે વ્યક્તિએ કિસાનબંધી કરાવી એ બન્ને પાસેથી વોટબંધી કરાવીને નવેમ્બરમાં તમે બદલો લેજો.

1 જાન્યુઆરી, 2018

જડબાતોડ જવાબ આપવાનું નિવેદન જેમણે કર્યું હતું એ લોકો આજે ચૂપ કેમ છે? આપણા જવાનો શહીદ થયા છે, પરંતુ વડા પ્રધાનનું એક પણ નિવેદન આવ્યું નથી.

6 ફેબ્રુઆરી, 2017

સરકારે શું કામ કર્યું છે એ ખબર નથી, પણ મોદીજીએ અઢી વર્ષમાં આખી દુનિયાનો પ્રવાસ જરૂર કરી લીધો છે. તેઓ 40-50 દેશોનો પ્રવાસ કરી આવ્યા છે.

દેશ એમને પૂછવા ઇચ્છે છે કે અત્યાર સુધીની આ યાત્રાઓની ફલશ્રુતિ શું રહી? દેશના લોકોને તેનાથી શું ફાયદો થયો?

હિન્દીની જૂની કહેવત છેઃ 'હાથ કંગન કો આરસી ક્યા, પઢે લિખે કો ફારસી ક્યા.' વાસ્તવિકતા એ છે કે તેઓ વિદેશમાં હીરો બની જાય છે અને દેશમાં ઝીરો બની જાય છે.

16 માર્ચ, 2016

વડા પ્રધાન એક વિદેશી લગ્નમાં કોઈને કહ્યા વિના ગયા હતા અને આજે આપણે પઠાણકોટનો સામનો કરવો પડે છે. તમે દેશના લોકોને વિશ્વાસમાં લેશો, વિરોધ પક્ષોને વિશ્વાસમાં લેશો અને તેમને જણાવશો કે દ્વિપક્ષી મંત્રણામાં કયા મુદ્દાઓ વિશે ચર્ચા થઈ તો તેનાથી લાભ થશે, પણ તમે અસાવધ રહ્યા અને તેનું પરિણામ દેશ તથા આપણા બહાદુર જવાનોએ ભોગવવું પડી રહ્યું છે.

9 માર્ચ, 2015

6 એપ્રિલ, 2000ના દિવસે મોદીજીએ એક ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે આપણા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવા જોઈએ? શું તેમણે કામ નથી કર્યું? ખેતીને ફાયદાકારક બનાવવાની વાત આપે કરી હતી.

આપે કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરી દેશું. 21 ફેબ્રુઆરીએ સર્વોચ્ચ અદાલતમાં તમારી સરકાર તરફથી કરાયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે તે અશક્ય છે. આ છે તમારી સરકારનો વધુ એક યૂ-ટર્ન.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો